લૅન્ડ્સીર, એડવિન (સર)

January, 2005

લૅન્ડ્સીર, એડવિન (સર) (જ. 1802, બ્રિટન; અ. 1873, બ્રિટન) : બ્રિટિશ પ્રાણી-ચિત્રકાર. બાળપણથી જ તેમણે અનન્ય કલાપ્રતિભા બતાવેલી. બાર વરસની ઉંમરે તેમણે લંડનની રૉયલ એકૅડેમીમાં પહેલું વૈયક્તિક (one man) પ્રદર્શન યોજેલું. ઘોડા ચીતરવાથી શરૂઆત કરીને તેમણે કૂતરાનો વિષય પસંદ કર્યો, જે તેમનો તેમજ દર્શકોનો માનીતો થઈ ગયો. વિવિધ માનવીય મનોભાવોને મોં પર દર્શાવતાં તેમનાં કૂતરાનાં ચિત્રોએ બ્રિટિશ પ્રજાને ઘેલી કરી મૂકેલી. આ ચિત્રોથી અઢળક કમાણીને લીધે 1824થી તેઓ ખાસ્સા શ્રીમંત થઈ ગયેલા. જંગલોમાં હરણાંના શિકાર વેળા શ્રીમંતો તેમની સાથીદારીની ખાસ અપેક્ષા રાખતા ! રાણી વિક્ટોરિયાના પણ તેઓ ખાસ પ્રીતિપાત્ર થઈ પડેલા. 1842માં રાણીએ નાઇટહૂડ આપવાની દરખાસ્ત કરેલી, જે તેમણે ઠુકરાવેલી; પણ 1850માં આ દરખાસ્ત રાણીએ ફરીથી કરતાં તેમણે તે સ્વીકારી લીધેલું. ચોવીસ વરસની ઉંમરે તેઓે રૉયલ એકૅડેમીના સભ્ય બનેલા. પણ 1865માં તેમણે તે એકૅડેમીનાં પ્રમુખ બનવાનું ટાળેલું.

એવું નિરીક્ષણ થયું છે કે એમનાં ઘણાં ચિત્રોમાં પશુઓ કદરૂપાં, વરવાં અને ઘાતકી દેખાય છે. દા.ત., ચિત્ર ‘કેટ્’સ પૉ’માં એક વાંદરો બિલાડીના પગનો પંજો પકડીને અગ્નિમાંથી ચેસ્ટનટ બહાર કાઢતો જોવા મળે છે. એમની જાણીતી ચિત્રકૃતિઓમાંથી ‘સ્ટૅગ ઍટ બે’માં સમુદ્રકિનારે જંગલમાં સાબર તથા ‘ટ્રફૅલ્ગર લાયસન્સ’માં લંડનના ટ્રાફેલ્ગર સ્ક્વૅરમાં નેલ્સન સ્મારક નીચેના ગર્જના કરતાં સિંહો નજરે પડે છે. 1869માં તેઓ ગાંડા થઈ ગયા અને ચિત્રસર્જન બંધ કરી દીધું.

અમિતાભ મડિયા