લેનૉક્સ, જેમ્સ (જ. 19 ઑગસ્ટ 1800, ન્યૂયૉર્ક સિટી; અ. 17 ફેબ્રુઆરી 1880, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકન માનવપ્રેમી અને દુષ્પ્રાપ્ય પુસ્તકોના સંગ્રાહક. પિતા સ્કૉટલૅન્ડના ધનિક વેપારી હતા. વારસામાં મળેલી અઢળક સંપત્તિના તેઓ માલિક બન્યા. ન્યૂયૉર્કમાં તેમની સ્થાવર મિલકતો હતી. કોલંબિયા કૉલેજના સ્નાતક બન્યા ત્યારે તેમની ઉંમર 18 વર્ષની હતી. પોતે વકીલ હતા. તેમને સહેલાઈથી મળે નહિ તેવાં દુષ્પ્રાપ્ય (rare and out of print) પુસ્તકો, હસ્તલિખિત પ્રતો અને કલાના અપ્રતિમ નમૂનાઓ ભેગાં કરવાનો અનહદ શોખ હતો.

જેમ્સ લેનોક્સ

લોકોપયોગી ટ્રસ્ટ માટે તેઓ છૂટથી દાન કરતા. જરૂરિયાતવાળી વ્યક્તિઓને પણ આર્થિક મદદ કરતા. બાઇબલનાં વિવિધ પ્રકાશનો, ઉત્તર અને દક્ષિણ અમેરિકા તથા મૂળ અમેરિકાને લગતાં પુસ્તકો તેમણે એકઠાં કરેલાં. જુદા જુદા દેશોની શોધખોળને લગતાં મૂળ લખાણો પણ તેમણે ઠેરઠેરથી મેળવી એકત્ર કરેલાં. જૉન બનિયન, વિલિયમ શેક્સપિયર અને જૉન મિલ્ટનનાં લખાણોની ઘણી બધી આવૃત્તિઓ તેમણે સંગ્રહેલી. મૂળ વિચાર તો આ પુસ્તકો સંશોધકોને કામ આવે તેવો હતો, પરંતુ 1870માં તમામ લોકો માટે આ પુસ્તકો તેમણે સુલભ કરી આપવાની વ્યવસ્થા કરેલી. પોતાના ખાનગી ગ્રંથાલયમાં 85,000 ગ્રંથો હતા. ‘ન્યૂયૉર્ક પબ્લિક લાઇબ્રેરી’માં આ તમામ પુસ્તકો ઍસ્ટર લાઇબ્રેરી અને ટિલ્ડન ફાઉન્ડેશનનાં પુસ્તકોની જેમ, ઉમેરાયાં હતાં.

વિ. પ્ર. ત્રિવેદી