લેઝર ચિકિત્સા (Laser Therapy) : પ્રકાશઊર્જાનો વિશિષ્ટ સ્વરૂપે સારવારમાં ઉપયોગ. ભૌતિકશાસ્ત્રમાં લેઝર એક પ્રકાશને સંબંધે બનતી પ્રકાશવિવર્ધન(amplification of light)ની ક્રિયા છે; જેને ટૂંકમાં અગ્રાક્ષરી નામ (acronym) રૂપે દર્શાવાય છે. આ અગ્રાક્ષર નામનું પૂરું સ્વરૂપ છે : Light Amplification by the Stimulated Emission of Radiation, એટલે કે ‘‘વિકિરણનના ઉત્તેજિત (ઉદ્દીપિત) ઉત્સર્જન વડે પ્રકાશનું વિવર્ધન’’. પદાર્થમાંથી બહાર નીકળતા વીજચુંબકીય તરંગોને વિકરણન (radiation) કહે છે. તેના બહાર નીકળવાની ક્રિયાને ઉત્સર્જન (emission) કહે છે. પ્રકાશ એક પ્રકારની ઊર્જા (શક્તિ) છે. ઊર્જાની અસરના વધારાને તેનું વિવર્ધન (amplification) કહે છે. આમ સાદી ભાષામાં લેઝર એટલે ઉત્તેજિત વિકિરણોની મદદથી પ્રકાશશક્તિમાં થતો વધારો. વિવર્ધન થયેલો પ્રકાશ તેજ અથવા ઉજાસ આપવા ઉપરાંત અન્ય અસરો પણ ઉપજાવી શકે છે. તેની મદદથી વિવિધ કાર્યો અને ક્રિયાઓ થઈ શકે છે. માટે આવી વિવર્ધિત પ્રકાશઊર્જા-પ્રકાશશક્તિનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોએ કરી શકાય છે. ચિકિત્સાક્ષેત્રે તેનો ઉપયોગ પેશીને કાપવામાં, તેને ગંઠાવામાં કે શરીરમાં પથરી થયેલી હોય તો તેને તોડવામાં થાય છે. સામાન્ય રીતે સપાટી પરની વિકૃતિઓની સારવારમાં તે વપરાય છે અને તેથી તે ચામડીની તથા સાધન વડે શરીરની અંદરના પોલા અવયવોની સપાટી પર સારવાર કરવામાં ઉપયોગી રહે છે.
ભૌતિકશાસ્ત્ર સંબંધિત પ્રારંભિક માહિતી : પ્રકાશ દ્વૈત પ્રકૃતિ (dual nature) ધરાવે છે, તેથી તે ક્યારેક તરંગ રૂપે તો ક્યારેક કણ રૂપે વર્તે છે. તરંગના સ્વરૂપે તેને તરંગલંબાઈ છે અને કણ સ્વરૂપે તે તેજકણ (photon) છે, જે નિશ્ચિત માત્રામાં ઊર્જા ધરાવે છે. તરંગ અને તેજકણ એમ બંને પ્રકારે લેઝરને સમજી શકાય છે, પરંતુ તેજકણ અંગેનો સિદ્ધાંતમત (theory) વધુ મહત્વનો ગણાય. માનાંશ પ્રયાંત્રિકી(quantum mechanics)ના અભ્યાસમાં મનાય છે કે અણુઓ અને પરમાણુઓની કોઈ ચોક્કસ ઊર્જાગત સ્થિતિ હોય છે. તેની લઘુતમ સ્થિતિને તલગત સ્થિતિ (ground state) કહે છે. અણુઓ અને પરમાણુઓ ઊર્જાના જુદા જુદા સ્તરે ખરો એટલે કે પારાંતરણ (transition) કરે ત્યારે અમુક અંશે ઊર્જાને શોષે અથવા મુક્ત કરે છે. આવી શોષાયેલી કે મુક્ત થયેલી ઊર્જા તેજકણ-સ્વરૂપે હોય છે. લેઝર ક્રિયાને સમજવા માટે બહારની કક્ષા(orbit)માં ઋણવીજકણ (electron) ઘૂમતો હોય એવા એક સાદા પરમાણુની ધારણા કરો. નાભિ(nucleus)ની આસપાસ કક્ષામાં ઘૂમતા ઋણવીજકણમાં ચોક્કસ સ્તરની ઊર્જા હોય છે. તે નાભિથી જેટલો દૂર તેટલું તેનું ઊર્જાસ્તર ઊંચું હોય છે. તલગત ઊર્જા ધરાવતા અથવા નીચા સ્તરની ઊર્જા ધરાવતા ઋણવીજકણો નાભિની નજીક હોય છે. હવે ધારો કે એક તેજકણ આ પરમાણુ પર આવે છે, જે એક એકમ જેટલી ઊર્જા એટલે કે માનાંશ ઊર્જા (quantum energy) ધરાવે છે, જે પરમાણુમાંના બે ઊર્જાસ્તરોના તફાવત જેટલી હોય. આવો તેજકણ શોષાઈ જાય ત્યારે તે એક ઉત્તેજિત પરમાણુ બનાવે છે અને એક ઋણવીજકણ ઉપલા ઊર્જાસ્તરે પહોંચે છે. ત્યાંથી તે પાછળથી આપમેળે મૂળ સ્તરે પાછો આવે છે. અને તે સમયે એક બીજો તેજકણ મુક્ત થાય છે. તેને સ્વયંભૂ ઉત્સર્જન (spontaneous emission) કહે છે. આ ઉપરાંત એક બીજી પણ શક્યતા રહેલી છે. સન 1917માં આઇન્સ્ટાઇને પૂર્વધારણારૂપે સૂચવ્યું હતું કે જો કોઈ તેજકણ ઉત્તેજિત પરમાણુ સાથે અથડાય તો તે શોષાતો નથી. પરંતુ તે એટલી જ ઊર્જા ધરાવતો બીજો એક તેજકણ તે પરમાણુમાંથી મુક્ત કરે છે. આ બીજો તેજકણ ઉત્તેજિત કરતાં પહેલાં તેજકણની ગતિની દિશામાં દેશકાલીય સુમેળ (spatial and temporal harmony) સાથે પ્રવાસ કરે છે. એટલે કે જ્યારે ઉત્તેજિત પરમાણુ સાથે કોઈ તેજકણ અથડાય તો તે તેજકણ તેમાં શોષાતો નથી પરંતુ ઉત્તેજિત પરમાણુમાંથી બીજો એક તેજકણ છૂટો પડે છે જે મૂળ તેજકણની દિશામાં તે જ સમયે છૂટો પડીને ગતિ કરે છે.
આ ઘટનાને વિકિરણનનું ઉત્તેજિત ઉત્સર્જન (stimulated emission of radiation) કહે છે. આમ કોઈ પરમાણુ પર કોઈ તેજકણ આવે તો તે અથવા તો શોષાઈ જાય છે અને પરમાણુ ઉત્તેજિત થાય છે. પરંતુ જો તે ઉત્તેજિત પરમાણુ હોય તો બીજા એક તેજકણને મુક્ત કરે છે. તેને લેઝર પ્રકાશ કહે છે.
સામાન્ય રીતે પરમાણુઓ પોતાની જાતે ઊર્જાસ્તર પ્રમાણે એવી રીતે પોતાને ગોઠવે છે કે જેથી મોટાભાગના પરમાણુઓ ઊર્જાના નીચલા સ્તરે હોય અને તે સામાન્ય સંજોગોમાં તેજકણો શોષાઈ જાય છે. પરંતુ જો મોટાભાગના પરમાણુઓ ઊર્જાના ઉપલા સ્તરે હોય (ઉત્તેજિત થયેલો હોય) તો તેજકણના ઉત્તેજિત ઉત્સર્જનની ઘટના બને છે. વધુ પ્રમાણમાં ઊર્જાના ઉપલા સ્તરે પરમાણુઓ હોય તેવી સ્થિતિને સાહૂહિક વિપર્યતા (popular inversion) કહે છે અને તે લેઝરક્રિયા માટે જરૂરી છે.
પદાર્થને ગરમ કરવાથી તેના અણુઓ અને પરમાણુઓના ઊર્જા-સ્તર ઊંચા જાય છે, પરંતુ ગરમ કરવાની ક્રિયા માત્રથી સામૂહિક વિપર્યતા થતી નથી. પરંતુ તેને લીધે તે ઘણો લાંબો સમય ઉત્તેજિત સ્થિતિમાં રહે છે. લેઝરમાંના પરમાણુઓને આ સ્થિતિમાં લાવવા માટે અન્ય પ્રકાશ, લેઝર, વાયુ, અર્ધવાહક(semiconductor)માંથી પસાર થતો વીજપ્રવાહ, રાસાયણિક પ્રતિક્રિયા કે અન્ય પદ્ધતિ વાપરી શકાય છે. ઉત્તેજિત ઉત્સર્જન દ્વારા ઉત્પન્ન થતો પ્રકાશ તેને માટેના કારણરૂપ પ્રકાશની દિશામાં ગતિ કરે છે, પરંતુ તે ઘણો નબળો હોય છે, પરંતુ જો તે વધુ પરમાણુઓ સાથે આંતરક્રિયા કરતો લાંબા અંતર સુધી જાય તો તેનું ઊર્જાસ્તર ઊંચું આવે છે. લેસરનળીના બંને છેડે દર્પણ રાખવાથી પ્રકાશપુંજનું વર્ધન કરીને તેને વધુ ઊર્જાવાન બનાવાય છે. જો એક દર્પણ અર્ધપરાવર્તક હોય તો તેમાંથી પસાર થઈને લેઝરપુંજ (laser beam) બહાર આવે છે.
લેઝરમાં ઉત્પન્ન થયેલા પ્રકાશના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો હોય છે. તે ઘરના સામાન્ય વીજળીના ગોળામાંથી નીકળતા પ્રકાશ કરતાં અનેક રીતે જુદો પડે છે. સામાન્ય વીજળીના ગોળામાંથી નીકળતા પ્રકાશનાં કિરણો વિખેરાતાં રહે છે, જ્યારે લેઝરપુંજમાંનાં કિરણો લગભગ સમાંતર અને એક દિશામાં ગતિ કરે છે. તેથી તેમને સંવિલગ્ન અથવા સંબદ્ધ (coherent) કિરણો કહેવાય છે. આવા પુંજને સંસ્તરીય (collimated) પુંજ કહે છે. તેને કારણે લેઝરપુંજને અંત:દર્શક(endoscope)માંના પાતળા પ્રકાશવાહી તંતુઓ (fibreoptic) દ્વારા કે તેના વગર નાના સ્થાન પર પ્રકેન્દ્રિત (focus) કરી શકાય છે. લેઝર પ્રકાશ એક અથવા થોડા અલગ પડતા રંગો ધરાવે છે. તેનો કિરણપુંજ (beam of rays) અતિશય સંસ્તરીય હોવાથી તેની તેજસ્વિતા (irradiance) ખૂબ વધારે છે. પ્રકાશના કિરણપુંજના દર એકમ આડછેદ વિસ્તારમાં રહેલા ઊર્જસ્(power)ને તેની તેજસ્વિતા કહે છે. આ ઉપરાંત તેની તે અતિતેજસ્વિતાને એક નાના બિન્દુ પર પ્રકેન્દ્રિત કરી શકાય છે અને તેથી તે સ્થાને અતિશય તેજસ્વિતા અને ઊર્જસ્ ઉત્પન્ન કરી શકાય છે. લેઝર પ્રકાશ વિવિધ માધ્યમોમાં ઉત્પન્ન કરી શકાય છે. જે તે માધ્યમમાં ઉત્પન્ન થયેલા લેઝરપ્રકાશને તેના નામે ઓળખાય છે, જેમ કે, કાર્બન ડાયૉક્સાઇડ લેઝર વગેરે.
લેઝર પ્રકાશ અને પેશી વચ્ચે આંતરક્રિયા : તેને સમજવા માટે પેશીના એક જથ્થા પર બહારથી લેઝર-પ્રકાશ પડે તો તેનું શું થાય છે તે સમજવું જરૂરી ગણાય (આકૃતિ 2). જ્યારે હવા અને પેશી વચ્ચેની આંતર સપાટી (interface) પર લેઝર-પ્રકાશ પડે ત્યારે તે થોડોક પરાવર્તિત થાય છે. પેશીમાં પ્રવેશતા લેઝર-પ્રકાશનાં કિરણો વિખેરાય છે (scattering), ત્યારે તેની ઊર્જા (શક્તિ) ઘટતી નથી. પરંતુ તેમની ગતિની દિશા બદલાય છે. જે પ્રકાશનાં કિરણો એક મિલિમીટરના થોડા સતાંશથી વધુ અંતરે પ્રવેશેલાં હોય તેઓ વધુ વિખેરાય છે. વિખેરાયેલાં કિરણો કોઈ જૈવિક અસરો ઉત્પન્ન કરતાં નથી. તેવી રીતે જે લેઝર-પ્રકાશનાં કિરણો પેશીમાંથી આરપાર નીકળી જાય તે પણ કોઈ જૈવિક અસર કરતાં નથી; ફક્ત પેશીમાં અવશોષાઈ ગયેલાં કિરણો જ પેશીમાં જૈવિક અસર કરે છે.
પેશીમાંના કૃષ્ણવર્ણક (melanin), રક્તલોહવર્ણક (haemoglobin), સ્નાયુગોલનત્રલ (myoglobin) અને પાણી જેવાં દ્રવ્યો પ્રકાશને અવશોષે છે. જે તે પ્રકારના દ્રવ્યની હાજરી અને પ્રમાણને કારણે અવશોષણની ક્રિયા જુદી જુદી પેશીમાં અલગ અલગ હોય છે. વળી તે પ્રકાશની તરંગલંબાઈ પર પણ આધાર રાખે છે; જેમ કે કાર્બન ડાયૉક્સાઇડ લેઝરપ્રકાશ 10,600 નેનોમિટર તરંગલંબાઈ ધરાવે છે અને અતિદૂર અધોરક્ત કે વર્ણપટના અદર્શનીય છેડા પર સ્થાન ધરાવે છે. તે પાણી વડે અવશોષાય છે. તેની સામે આર્ગન લેઝર ભૂરા/લીલા રંગનો છે અને તે રક્તલોહવર્ણક (haemoglobin) અને અન્ય રંજકદ્રવ્યો (pigments) દ્વારા અવશોષાય છે. ક્યારેક કૅન્સરની પેશીમાં ઇચ્છિત પરિણામ મેળવવા માટે બહારથી દ્રવ્ય અપાય છે. તેના દ્વારા તેજ-રાસાયણિક પ્રતિક્રિયા (photodynamic reaction) થાય છે, તે તેજક્રિયક ચિકિત્સા(photodynamic therapy)નો પાયો છે.
ઉષ્માકારી (thermal) અસરો : પેશીમાં સામાન્ય રીતે અવશોષાતા તેજકણો ઉષ્મા (ગરમી) ઉત્પન્ન કરે છે. હાલ શસ્ત્રક્રિયામાં લેઝરનો ઉપયોગ આ રીતે થાય છે. જો પેશી પર ફેંકાતા તેજકણોનો દર (લેઝર ઉર્જસ્), જે ગરમી ઉત્પન્ન કરતો હોય, તે આસપાસ ફેલાઈ જતો હોય તો પેશીમાં ગરમીની અસર જણાતી નથી; પરંતુ વધુ ઉર્જસ્ (power) સાથે ફેંકાતા લેઝરના તેજકણો એક જગ્યાએ સંકેન્દ્રિત થાય તો તે પેશીનું તાપમાન વધારે છે અને જૈવિક પ્રતિક્રિયાઓને નુકસાન પહોંચાડે છે. કૅન્સરની ગાંઠને 41° સે.થી 45° સે. સુધી ગરમ કરવામાં આવે તો લેઝર-પ્રકાશ વડે તેના કોષોનો અધિકોષ્ણીય (hyperthermic) નાશ કરી શકાય છે. સામાન્ય કોષો કરતાં કૅન્સરના કોષો અધિકોષ્ણતા(hyperthermia)થી વધુ નાશ પામે છે. જોકે 45° સે.થી વધુ તાપમાને સામાન્ય તથા કૅન્સરના કોષોની ઉષ્માવદૃશ્યતા સમાન થવા માંડે છે અને 50° સે. બધા જ કોષો મરવા માંડે છે. તેનાથી વધુ તાપમાને પેશી સંકોચાય છે અને નત્રલો(protein)નું સંગુલ્મન (coagulation) થાય છે. પેશીના સંકોચાવાથી નાની નસો બંધ થઈ જાય છે અને તેથી લોહી વહેતું અટકે છે. બંધ થયેલી નસોમાં પાછળથી લોહી જામી જાય છે. જો ગરમ થતી પેશીનું કદ મોટું હોય (5 મિમીથી વધુ) તો લોહી વહેતું સહેલાઈથી અટકે છે. નસની બહાર લોહી વહેતું અટકે તેને રુધિરસ્તંભન (haemostatic) કહે છે. નીયોડાયમિયમ યટ્રિયમ ઍલ્યુમિનિયમ ગાર્નેટ (neodymium yttrium alluminium garnet, NdYAG) લેઝર 1 મિમીના વ્યાસવાળી નસને બંધ કરી શકે છે. તેની તરંગલંબાઈ 1,064 નેનોમિટર હોય છે અને તે વર્ણપટમાં અધોરક્ત (infrared) કિરણોની નજીક હોય છે. જો આનાથી વધુ ઊર્જા વપરાય તો પેશીમાં કોષનાશ (necrosis) થાય છે તથા બળેલી પેશી વરાળરૂપ થાય છે તથા ત્યાં દાઝી જવાય છે. કોષમાંનું પાણી 100° સે.ના તાપમાને ઊકળે છે અને તે સમયે બાષ્પીભવન (vaporization) થાય છે. ઉષ્માકારી અસરો માટે Nd YAG ઉપરાંત કાર્બન ડાયૉક્સાઇડ તથા આર્ગન આયનલેઝર પણ વપરાય છે. CO2 લેઝરનાં કિરણો કોષમાંના પાણીમાં અવશોષાય છે અને તેથી 0.1 મિમી. જેટલા નાના વિસ્તારમાં તે અસર કરે છે. Nd YAG 6 મિમી. જેટલી ઊંડાઈ રુધિરગુલ્મન કરે છે.
અનુષ્માકારી (nonthermal) અસરો : ક્યારેક ઉષ્માકારી અસરને બદલે વનસ્પતિમાં જેમ પ્રકાશસંશ્ર્લેષણ (photosynthesis) થાય છે તેવી અસર ઉત્પન્ન કરવા માટે પણ લેઝર વપરાય છે. આ માટે જરૂરી ઊર્જાનું સ્તર ઘણું નીચું હોય છે. કૅન્સરની પેશીમાં પ્રકાશસંવેદનકારી (photosensitizing) દ્રવ્ય પ્રવેશાવેલો હોય તો તે કોષમાંનાં અન્ય દ્રવ્યો પર ઉષ્માકારી અસર થાય તે પહેલાં લેઝરનાં કિરણો(તેજકણો)ને અવશોષી લે છે અને તેનાથી શરૂ થતી રાસાયણિક પ્રક્રિયા વડે એકલક (singlet) ઑક્સિજન ઉદભવે છે, જે કોષનો નાશ કરે છે. જો કૅન્સરપેશીમાં પ્રકાશસંવેદનકારી દ્રવ્યની સાંદ્રતા વધુ હોય તો તે વિશિષ્ટ પસંદગીરૂપે ફક્ત કૅન્સરના કોષોને મારવામાં સહાયક બને છે.
લેઝરના રૂપમાં ઉત્સર્જિત થતી ઊર્જા ધારાસ્વરૂપે (linear) કે બિન્દુક સ્વરૂપે (non-linear અથવા pulsed) વહે છે. બિન્દુક સ્વરૂપે ઉત્સર્જિત થતી ઊર્જામાં દરેક તેજકણમાં ઘણી ઊર્જા હોય છે, જે કોષમાંના આંતર-આણ્વિક બંધો(inter-atomic bonds)ને તોડે છે અને કોષનો નાશ કરે છે. તેને પ્રકાશજન્ય આનાશ (photo-ablation) કહે છે. તેમાં નાશ પામેલી પેશી અને સામાન્ય પેશી વચ્ચે તીક્ષ્ણ અને સુસ્પષ્ટ કિનારી હોય છે. Nd YAG લેઝર વડે ખૂબ નાના વિસ્તારમાં તીવ્ર ઊર્જા વડે આવી અસર પહોંચાડી શકાય છે. તીવ્ર ઊર્જાને કારણે પરમાણુમાંથી ઋણવીજકણો (electrons) છૂટા પડે અને તેથી આયનોનો ઝડપથી વિસ્તરતો પ્રવાત (plasma) બને છે. તેને કારણે ઉદભવતા ભૌતિક બળને કારણે પેશીને ઈજા ઉદભવે છે. બિન્દુક Nd YAG લેઝરને અંત:દર્શક-(endoscope)માંના પ્રકાશવાહી તંતુઓ (fibreoptics) વડે પિત્તાશયમાંની પથરી સુધી પહોંચાડવામાં આવે તો તે સ્થાનિક આઘાતની સ્થિતિ સર્જીને પથરીનો ભૂકો કરે છે.
લેઝરના નૈદાનિક અને ચિકિત્સક ઉપયોગો : તેનો ઉપયોગ ચિકિત્સાક્ષેત્રે વ્યાપક બની રહ્યો છે. 1. આંખના રોગોની સારવારમાં અગાઉ રુબિ લેઝર વપરાતો હતો પણ તેને સ્થાને ભૂરા-લીલા રંગનો આર્ગન લેઝર કે લીલો લેઝર વપરાય છે. 533ની આવૃત્તિ સાથેનો દ્વિગુણિત આવૃત્તિવાળો યટ્રિયમ-ઍલ્યુમિનિયમ ગાર્નેટ (YAG) લેઝર પેશીના સંગુલ્મન (coagulation) માટે વપરાય છે. આંખમાંથી મોતિયો કાઢી નાંખ્યા પછી ક્યારેક કૃત્રિમ નેત્રમણિની પાછળ આવેલા પશ્ર્ચસંપુટ(posterior capsule)માં તંતુઓ બને છે. તેને દૂર કરવા NdYAG લેઝર વપરાય છે. તેને સંપુટછેદન (capsulotomy) કહે છે. ઝામરની સારવારમાં ક્યારેક લેઝર વડે કનીનિકાપટલ(iris)માં છિદ્ર કરવામાં આવે છે. તેવી રીતે નેત્રમણિની પાછળ આવેલા કાચવત્-પ્રવાહીમાં ઉદભવતા પટ્ટકો(bands)ને પણ લેઝર વડે કાપી શકાય છે.
હોલ્મેન અને એર્બિયમ લેઝરોનો ઉપયોગ કરી ઝામરના રોગમાં નેત્રકલા(conjunctiva)ની નીચેથી પ્રવાહી નિષ્કાસિત (drained) કરી શકાય છે. આંખોમાંથી અશ્રુ નાકમાં વહી જાય તે માર્ગમાં અશ્રુનો સંગ્રહ કરતી કોથળી જેવી સંરચના હોય છે. તેને અશ્રુકોશ (dacryocyst) કહે છે. તેના ચેપમાં તે કોથળીમાં છિદ્ર પાડવું જરૂરી બને છે. જેથી કરીને અશ્રુમાર્ગ બંધ થઈ ન જાય. તે માટે હોલ્મિયમ લેઝર વપરાય છે. આંખના પોપચા પરના દોષવિસ્તારોને દૂર કરવા CO2 લેઝર વપરાય છે તથા જોવાની તકલીફો હોય ત્યારે ચશ્માના નંબર ઘટાડવા માટે એક્સાઇમર લેઝર વપરાય છે. ડાયોડ લેઝર પ્રકાશસંગુલ્મન માટે તેમજ ઝામરની સારવારમાં વપરાય છે, મોતિયાને પ્રવાહીરૂપ કરતી મણિતૈલનિલંબન(phakoemulsifi-cation)ની ક્રિયા સાથે પણ લેઝરનો ઉપયોગ કરવાની તક્નીક વિકસાવાયેલી છે. આંખની શસ્ત્રક્રિયામાં વિવિધ પ્રકારના લેઝરનો ઉપયોગ હજુ પણ વિકસી રહ્યો છે.
2. ચામડીના રોગોમાં પણ વિવિધ પ્રકારના લેઝર વપરાય છે. કાર્બન ડાયોક્સાઇડ લેઝરની મદદથી ચામડી પરના વિષાણુજ મસા (warts), અધિત્વકીય તલ (epidermal naevus) અને અન્ય સપાટીગત દોષવિસ્તારોને દૂર કરી શકાય છે. લેઝર દોષવિસ્તારની પેશીને બાળીને તેનું બાષ્પીકરણ કરે છે. ભૂરો-લીલો આર્ગન લેઝર કૃષ્ણવર્ણક (melanin) અને રક્તલોહવર્ણક (haemoglobin) દ્વારા અવશોષાય છે. તેથી તેનો ઉપયોગ આ રંજકદ્રવ્યો (pigments) વડે થયેલા ડાઘાને દૂર કરવા વપરાય છે. તેને કારણે અમુક અંશે રૂઝપેશી-તંતુતા (scarring) થાય છે. જોકે તે CO2 લેઝરથી થતા રૂઝપેશીતંતુતાથી ઓછી હોય છે. ચામડી પરના વાહિનીઅર્બુદ (haemangioma), વાહિનીવિસ્તૃતતા (telangiectasia) તથા અન્ય પ્રકારના ડાઘાને દૂર કરવા ઓછી ઈજા કરતા નિયંત્રણશીલ રંજકદ્રવ્યીય લેઝર (tunable dye laser) વપરાય છે. તેમાં સેન્દ્રિય રંજકદ્રવ્ય લેઝરના લાંબા સમય સુધી ટકી રહેતા માધ્યમ તરીકે વપરાય છે. જ્યાં જરૂર હોય ત્યાં તે રંજકદ્રવ્યને પ્રવેશ આપીને તેને ઉત્તેજિત કરાય છે. જેથી તેમાંથી યોગ્ય માત્રામાં તેજકણો મુક્ત કરી શકાય છે. આર્ગન લેઝર કરતાં રંજકદ્રવ્ય લેઝરની લઘુમાત્રા અથવા બિન્દુક (pulse) ટૂંક સમય માટે હોય છે તેથી ચામડીમાં થોડાક માઇક્રોનથી વધુ ઊંડાણ સુધી તે ઈજા કરતા નથી. અને તેથી રૂઝપેશીતંતુતા ઘટે છે. છૂંદણામાંના કાળા કાર્બનના કણો લેઝરને અવશોષે છે અને તેમનો નાશ શક્ય છે, પરંતુ રંગીન છૂંદણામાંના લાલકણો તેમને અવશોષતા નથી. તેથી મોટાભાગનાં છૂંદણાંને દૂર કરી શકાય છે. પરંતુ કેટલાકમાં તે ફક્ત ઝાંખા થાય છે. આ ક્રિયામાં ખાસ રૂઝપેશીતંતુતા થતી નથી. છૂંદણાને સ્થાને ચામડીનો રંગ ઝાંખો થાય છે, પરંતુ 6થી 24 મહિનામાં તે સામાન્ય થઈ જાય છે.
3. સ્ત્રીપ્રજનનતંત્રના રોગોમાં Nd:YAG લેઝરનો ઉપયોગ કરાય છે. તેની મદદથી વિવિધ રોગોની સારવાર કરાય છે. જેમાં ગર્ભાશયમાંની અંદરની દીવાલ (અંત:કલા) જ્યારે અન્ય સ્થળે વિસ્થાપિત થયેલી હોય તો તેને લેઝર વડે બાળી નંખાય છે. આ રોગને ગર્ભાશયકલા વિસ્થાન (endomatriosis) કહે છે અને તેનો લેઝર વડે નાશ કરાય છે. તેવી રીતે અવયવોમાં અવરોધ કરતા કે એકબીજાને ચોંટાડી દેતા પટ્ટા(adhesions)ને બાળવામાં પણ તે વપરાય છે. અંડવાહિનીમાં રૈખિક છિદ્રણ કરવા માટે રૈખિક અંડવાહિનીછિદ્રણ (linear salpingostomy), ગર્ભાશય-ત્રિકાસ્થિ તંતુબંધ(utero-squlligment)ને કાપવા માટે, ગર્ભાશય-અંત:દર્શક (hysteroscope) વડે ગર્ભાશયની અંત:કલાની નીચેના સ્નાયુ-અર્બુદ(myoma)ને દૂર કરવા માટે, ગર્ભાશયની અંત:કલાનો આનાશ (endometrial ablation) માટે તથા અંડપિંડમાંથી ટુકડો કાપવા માટે પણ તે વાપરી શકાય છે. Nd : YAG લેઝર 5 મિમી. સુધી જ પ્રવેશી શકે છે અને તેનાથી થતા કોષનાશ (necrosis) કે તેના રૂઝાવા અંગે અનિશ્ચિતતા રહે છે. પોટૅશિયમ-ટિટેનાયલ ફૉસ્ફેટ (KTP) સ્ફટિક લેઝરનો ઉપયોગ પ્રજનનલક્ષી શસ્ત્રક્રિયામાં થાય છે. તે તેજસ્વી લીલા રંગનો દૃશ્યમાન કિરણપુંજરૂપે જોવા મળે છે. તેનું વિખેરણ ઓછું છે અને સપાટીગત દોષવિસ્તારમાં તે ઉપયોગી છે. દરેક પ્રકારના લેઝરને તેના આગવા લાભ અને ગેરલાભ છે માટે ઉપલબ્ધતા અને અનુભવને આધારે તેમની પસંદગી અને ઉપયોગ કરાય છે.
4. લેઝરનો ઉપયોગ જઠર અને આંતરડાના રોગોમાં પણ થાય છે. અન્નમાર્ગમાંથી વહેતા લોહીને રોકવા, તેમાં થયેલા કૅન્સરની સારવાર કરવા કે પિત્તમાર્ગે થયેલી પથરીને તોડવામાં લેઝર ઉપયોગી હોય છે. જઠરમાંથી વહેતા લોહીનું 60 % કિસ્સામાં કારણ પચિતકલાવ્રણ (peptic ulcer) હોય છે. તેમાં અંત:દર્શક-(endoscope)ની મદદથી લેઝર વડે ખૂલી ગયેલી નસને બંધ કરવા લેઝર વપરાય છે. લેઝરની મદદથી મૃત્યુદર ઘટ્યો છે. સામાન્ય રીતે Nd YAG લેઝર વપરાય છે. ઉપલા જઠરાંત્રમાર્ગ (અન્નનળી, જઠર વગેરે) તથા મોટા આંતરડામાં વાહિની-દુર્વિકસન (angiodysplasia) નામનો વિકાર થયેલો હોય તો તેમાં જઠર-આંતરડાની દીવાલમાં દુર્વિકસિત નસો જોવા મળે છે. તેમાંથી લોહી વહે છે. તેની સારવારમાં પણ લેઝર વપરાય છે. જઠરના કૅન્સરમાં વારંવાર લોહી વહેતું હોય તો તે રોકવા પણ અંત:દર્શકીય માર્ગે લેઝરનો ઉપયોગ કરાય છે. તે માટે હાલ પેશીની અંદર અનેક જગ્યાએ લેઝરતંતુ નાંખીને સારવાર કરાય છે.
અન્નનળીના કૅન્સરમાં ખોરાક ગળવાની તકલીફ હોય છે. તેવી રીતે મળાશયના કૅન્સરમાં પણ મળત્યાગની તથા અન્ય અનેક તકલીફો હોય છે. આવા કિસ્સાઓમાં સ્થાનિક અને રાહતદાયી સારવારરૂપે અતિઊર્જસ્ (high power) લેઝરની મદદથી ગાંઠની પેશીનું સંગુલ્મન અને બાષ્પીકરણ કરાય છે. તેથી ગાંઠનો ગઠ્ઠો બની જાય છે તથા તે બળીને વરાળ (ધુમાડા) રૂપે ઊડી જાય છે. સામાન્ય રીતે ગાંઠમાંનો માર્ગ પહોળો કરીને સારવારને ગાંઠના દૂરના છેડેથી શરૂ કરીને નજીકના છેડા સુધી ક્રમશ: લાવવામાં આવે છે. અન્નનળીના કૅન્સરના 5 % કિસ્સામાં કાણું પડી જઈ શકે છે. તેમાં સહાયકારી સારવાર અપાય છે. અન્નનળીની બહાર ફેલાતા કૅન્સર હોય કે અન્નનળી-શ્ર્વાસનળીને જોડતી સંયોગનળી (fistula) થઈ હોય તો આ પ્રકારની સારવાર અપાતી નથી. દર મહિને એકવાર સારવાર આપીને અન્નનળીનું પોલાણ જાળવી રખાય છે. જો અન્નનળીમાં કૃત્રિમ નળી મૂકીને અન્નપથ જાળવી રખાયેલો હોય અને તેમાં કૅન્સરને કારણે અવરોધ (obstruction) થયો હોય તો તે માટે લેઝરની સારવાર કરાય છે. મોટા આંતરડા કે મળાશયમાં વધી ગયેલા કૅન્સરમાં મળત્યાગની તકલીફ ઉપરાંત બહિ:સ્રાવ (discharge), લોહી વહેવું (રુધિરસ્રાવ), મળત્યાગની વારંવાર હાજત (tenesmus) તથા ક્યારેક અનિયંત્રિત મળત્યાગ (incontinence) થાય છે. મળત્યાગના માર્ગમાં ઉદભવતા અવરોધ માટે કૃત્રિમ સ્થિરાંત્રછિદ્રણ (colostomy) દ્વારા પેટ પર કાણું કરી મળત્યાગ કરાવાય છે, પરંતુ અન્ય તકલીફો રહી જાય છે. તેવા સમયે તે તકલીફો દૂર કરવા બહિ:સ્ફૂટ (exophytic) અથવા બહાર તરફ ગાંઠરૂપે ઊપસેલા કૅન્સરની સારવારમાં લેઝર વપરાય છે. જોકે તેની મદદથી મળત્યાગ-અનિયંત્રિતતા તથા પીડા ઘટતાં નથી, પરંતુ બહિ:સ્રાવ, રુધિરસ્રાવ તથા કબજિયાત ઘટી શકે છે.
સ્થિરાંત્રદર્શક (colonoscope) નામની સસાધનીય નળી વડે મોટા આંતરડામાં અવલોકન કરીને યોગ્ય સારવાર કરી શકાય છે. તેના વડે Nd YAG લેઝરચિકિત્સા કરીને મોટા આંતરડામાંની સૌમ્ય (benign) એટલે કે કૅન્સર સિવાયની ગાંઠોની સારવાર કરી શકાય છે. મોટા વિશાખીય ગ્રંથિઅર્બુદો(villons adenomas)નો લેઝરની મદદથી આનાશ (ablation) કરી શકાય છે. હાલ યકૃત અને સ્વાદુપિંડની શસ્ત્રક્રિયા વડે દૂર ન કરી શકાય તેવી ગાંઠોમાં ઓછી માત્રાવાળા લેઝરની મદદથી અધિકોષ્ણતા (hyperthermia) ઉત્પન્ન કરીને સારવાર કરવાના પ્રયોગો થઈ રહ્યા છે. અનેક તંતુઓ વડે કૅન્સર પેશીમાં લેઝર પહોંચાડવા માટે અશ્રાવ્યધ્વનિ(ultrasound)ની મદદ લેવાય છે. પેશીના નાશની સતત મોજણી માટે ધ્વનિચિત્રણ (sonography) કે ચુંબકીય અનુનાદ(magnetic resistance)નો ઉપયોગ કરાય છે. લેઝરની અલ્પમાત્રાને લીધે પેશીનું બાષ્પીકરણ થતું નથી. આ પદ્ધતિને અંતરાલીય અધિકોષ્ણતા (interstitial hyperthermia) કહે છે.
તેજક્રિયક (photodynamic) દ્રવ્યને શરીરમાં પ્રવેશ આપીને લેઝર વડે કરાતી સારવારને તેજક્રિયક ચિકિત્સા (photodynamic therapy) કહે છે. આવું દ્રવ્ય કૅન્સરના કોષોમાં પ્રવેશેલું હોય તો તે બહારથી અપાતાં લેઝર કિરણોને અવશોષે છે અને આમ તેમનો નાશ કરવામાં ઉપયોગી બને છે. જોકે આવું દ્રવ્ય સામાન્ય કોષોમાં પ્રવેશીને તેમનો પણ નાશ નોંતરે છે. હાલ તેના વડે જઠરાંત્રમાર્ગના કૅન્સરની સારવારના પ્રયોગો થઈ રહ્યા છે.
લેઝરની મદદથી પિત્તમાર્ગની મોટી પથરીઓને તોડી શકાય છે અને જો સાંકડી થયેલી પિત્તનળીઓને કારણે તેમને કાઢવામાં તકલીફ પડતી હોય તો તેવી નળીઓને પહોળી પણ કરી શકાય છે.
5. શરીરમાં ફેલાયેલી નસો જો સાંકડી થયેલી હોય તો તેમને પહોળી કરવા લેઝરનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ તેવી નસમાં ફુગ્ગો નાંખીને વાહિની-પુનર્રચના (angioplasty) કરવાની પ્રક્રિયા કરાતી હોય છે. મેદચકતીજન્ય ધમનીકાઠિન્ય(atherosclerosis)થી સાંકડી થયેલી નસમાં Nd YAG કે આર્ગન લેઝર વડે સારવાર આપવાના પ્રયોગો થઈ રહ્યા છે. નસના 5 સેમી.થી ટૂંકા સાંકડા ભાગને આ રીતે પહોળો કરીને 1 વર્ષ સુધી કાર્યરત રાખવાના પ્રયત્નને 70 % સફળતા મળેલી નોંધાઈ છે. હાલ આ પદ્ધતિના લાંબાગાળાના લાભ વિષે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.
શિલીન નં. શુક્લ
દેવેન્દ્ર ડી. પટેલ