લેગરસ્ટ્રોમિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લિથ્રેસી કુળની એક પ્રજાતિ. તે ક્ષુપ અને વૃક્ષ-જાતિઓની બનેલી છે અને તેનું વિતરણ મુખ્યત્વે દક્ષિણ-પૂર્વ એશિયાથી ઑસ્ટ્રેલિયા સુધી થયેલું છે. કેટલીક જાતિઓ કીમતી ઇમારતી લાકડું આપે છે. થોડીક જાતિઓ શોભન છે. ભારતમાં તેની 10 જેટલી જાતિઓ થાય છે. Lagerstroemia hypoleuca kurz (આંદામાન-પાબ્ડા, પાઇન્મા), L. indica Linn. (હિં. ફરશ, ગુ. ચિનાઈ મેંદી, અં. કૉમન ક્રેપ મિર્ટલ), L. lanceolata wall. (મ. નના, તે. વેંકટુ, ત. વેવલા, ક. બેન્ટિક), L. parviflora Roxb. (હિં. ધૌરા, લેંડીઆ; બં. સીડા; ગુ. કાક્રીઆ; મ. લેંદે, બોંદરા; તે. ચિનાંગી) અને L. speciosa Pers. Syn. L. flos-reginae Retz. (હિં. – બં. જારૂલ; મ. તામન, મોટા બોંદરા; ગુ. ફૂલ ભાંદરી; અં. ક્વીન ક્રેપ મિર્ટલ) જાણીતી જાતિઓ છે.

બૅન્ટિક(Lagerstroemia lanceolata)ની પુષ્પીય શાખા

પાઇન્મા 18 મી.થી 21 મી. ઊંચું વિશાળ વૃક્ષ છે. તેના મુખ્ય થડની ઊંચાઈ આશરે 7.5 મી. જેટલી અને ઘેરાવો 3 મી. જેટલો હોય છે. આંદામાનના ટાપુઓમાં પર્ણપાતી (deciduous) અને સદાહરિત (evergreen) જંગલોમાં તે થાય છે. છાલ પાતળી અને સફેદ રંગની હોય છે. પર્ણો અંડાકારથી માંડી અંડ-ભાલાકાર (ovate-lanceolate) અને 15 સેમી.થી 20 સેમી. લાંબાં હોય છે. પુષ્પો લાંબાં અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં અને નીલવર્ણાં (liliac) હોય છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું, અંડાકાર, કાષ્ઠીય અને 1.6 સેમી. લાંબું હોય છે.

આ વૃક્ષ સામાન્ય રીતે નીચાણવાળી રેતાળ મૃદા પર જોવા મળે છે. તેનું પ્રસર્જન દર વર્ષે બીજ દ્વારા થાય છે. તેનું કાષ્ઠ સખત, અત્યંત દૃઢ, સ્થિતિસ્થાપક અને ભારે (વિ.ગુ. 0.66, વજન 608 કિગ્રા.થી 704 કિગ્રા./ઘમી.), દેખાવમાં સાગ જેવું છતાં રંગે આછું હોય છે. તેનું વાયુ-સંશોષણ (air-season) સરળતાથી થતું હોવા છતાં પાટડાના સ્વરૂપમાં હોય તો છેડેથી ચીરા પડવાની શક્યતા રહે છે. સંશોષણ દરમિયાન સંકુચન (shrinkage) ઘણું થાય છે અને ભીનું થતાં કાષ્ઠ ફૂલે છે. કિબ્ન-સંશોષણ માટે કાષ્ઠ 12થી 15 લે છે. આરંભિક બાષ્પન (steaming) ઉપરાંત, વચગાળાનું અને છેલ્લું બાષ્પન 24 કલાક માટેના અંતિમ શુષ્કન (drying) (55° સે. તાપમાન અને 100 % સાપેક્ષ ભેજ) વખતે આપવામાં આવે છે.

બૅન્ટિકના કાષ્ઠનો આડો છેદ

સાગના સંદર્ભમાં તેના ગુણધર્મોની તુલનાત્મક ઉપયુક્તતા (suitability) ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 90 %, પાટડાનું સામર્થ્ય 80%, પાટડા તરીકેની દુર્નમ્યતા (stiffness) 80 %, થાંભલા તરીકેની ઉપયુક્તતા 75 %, આઘાત-અવરોધ ક્ષમતા 85 %, આકારની જાળવણી 70 %, અપરૂપણ (shear) 100 % અને કઠોરતા 80 %. કાષ્ઠ મધ્યમસરનું વળી શકે છે. કાષ્ઠને ભાગ્યે જ ઊધઈ લાગે છે. તે મધ્યમસરનું ટકાઉ હોય છે.

પ્રકાષ્ઠ (timber) બાંધકામ, રાચરચીલું, ઇલેક્ટ્રિક કે ટેલિફોનના થાંભલા, પીપડાં, ઇલેક્ટ્રિક ફિટિંગ, ગૉલ્ફસ્ટિક અને પૈડાંના આરા અને નેમિ (felloe) બનાવવામાં ઉપયોગી છે. તેમાંથી હોડી કે વહાણ અને થાંભલાઓ બનાવવામાં આવે છે. કાષ્ઠનો પ્લાયવૂડ અને પ્રપટ્ટ (panel) બનાવવામાં ઉપયોગ થાય છે.

ચિનાઈ મેંદી સુંદર પર્ણપાતી 3 મી.થી 4 મી. ઊંચું ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને ચીનની મૂલનિવાસી છે. તે સુંદર પુષ્પો માટે સમગ્ર ભારતમાં ઉદ્યાનોમાં વવાય છે. આસામનાં જંગલોમાં તે 15 મી.ની ઊંચાઈ ધરાવે છે અને વન્ય (wild) છે. તેની છાલ લીસી, લગભગ સફેદ કે ભસ્મ જેવા રંગની હોય છે, જે નાના ટુકડાઓ સ્વરૂપે ઊખડે છે. પર્ણો ઉપવલયાકાર (elliptic) કે પ્રતિઅંડાકાર અને નાનાં હોય છે. પુષ્પો અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છ(panicle)-સ્વરૂપે ગોઠવાયેલાં, સફેદ, ગુલાબી કે ફિક્કા જાંબલી રંગનાં હોય છે. પુષ્પનિર્માણ ઉનાળાના પાછલા ભાગથી શરૂ થઈ આખું ચોમાસું થાય છે. પ્રાવર ગોળાકાર અને બીજ સપક્ષ (winged) હોય છે.

પુષ્પના રંગના આધારે તેની બે જાતો  var. alba (સફેદ પુષ્પ)  અને var. purpurea (જાંબલી કે ગુલાબી પુષ્પ) પાડવામાં આવી છે. તેની વંશવૃદ્ધિ કટકારોપણ (cutting) અથવા કેટલીક વાર મૂળમાંથી નીકળતાં પીલાંને છૂટા કરીને થઈ શકે છે. નવી કુમળી ડાળીઓ પર પુષ્પો વિશેષ પ્રમાણમાં બેસતાં હોવાથી પુષ્પો બેસી ગયાં પછી દર વર્ષે કે બે વર્ષે વનસ્પતિનો ઉપરનો 1.0 મી.થી 1.5 મી. જેટલો ભાગ કાપી નાખવામાં આવે છે, જેથી નવી ફૂટ ઉપર સારા પ્રમાણમાં પુષ્પો બેસે છે.

કાષ્ઠ (672 કિગ્રા./ઘમી.) સફેદ અથવા બદામી અને સખત હોય છે. કાષ્ઠમાંથી બનાવેલ કોલસો વાર્નિશ ઘટ્ટ બનાવવામાં વપરાય છે. એટલાસ, રેશમનું ફૂદું આ વનસ્પતિમાંથી પોષણ મેળવે છે.

તેની છાલ ઉત્તેજક અને જ્વરઘ્ન (febrifuge) હોય છે. છાલ, પર્ણો અને પુષ્પો રેચક અને જલવિરેચક (hydragogue) હોય છે. મૂળ સંકોચક (astringent) હોય છે અને કોગળા કરવા વપરાય છે. બીજ માદક (narcotic) ઘટક ધરાવે છે.

બેન્ટિક મુંબઈથી દક્ષિણમાં કેરળ સુધી અને ડેકન દ્વીપકલ્પના પહાડી પ્રદેશોમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે.

તેનું કાષ્ઠ મકાન-બાંધકામ, પુલ, વહાણ અને હોડી, રેલવેના ડબ્બા. વૅગન, ખટારા, બસ, દીવાસળીનાં ખોખાં, લાકડાની ચીપ, રાચરચીલું, પેટીઓ, કૃષિવિદ્યાકીય ઓજારો, ગાડાં, આરા અને નેમિ, બૅડમિન્ટન અને ટેનિસનાં રૅકેટ, રેલવે સ્લીપરો અને થાંભલાઓ બનાવવામાં ઉપયોગી છે. તેના કાષ્ઠમાંથી કોલસા પાડવામાં આવે છે.

તેનાં પર્ણોનો સોપારીના બગીચાઓમાં લીલા ખાતર તરીકે ઉપયોગ થાય છે. પર્ણોમાં ટેનિન લગભગ 8.2 % જેટલું હોય છે.

ગુલમેંદી/ફૂલભાંદરી શોભન વૃક્ષ તરીકે ઉદ્યાનોમાં અને રસ્તાની બંને બાજુએ વાવવામાં આવે છે. અનુકૂળ સંજોગોમાં તેની ઊંચાઈ 24 મી. જેટલી, મુખ્ય થડ 12 મી. ઊંચું અને ઘેરાવો 3 મી. જેટલો બને છે. તેના કાષ્ઠનો ઉપયોગ ઉપર્યુક્ત જાતિઓમાં દર્શાવ્યા મુજબ વ્યાપારિક ધોરણે થાય છે.

તેનાં પર્ણો રેચક, અવરોધહારક (deobstruent) અને મૂત્રલ (diuretic) હોય છે. તેનો અને ફળનો ક્વાથ ચાની જેમ તૈયાર કરી શકાય છે અને મધુપ્રમેહમાં વપરાય છે. વનસ્પતિના ભાગો ઇન્સ્યુલિન જેવો ઘટક ધરાવે છે. સસલામાં મુખ દ્વારા આપવામાં આવતાં તેની ન્યૂનમધુરક્ત (hypoglycemic) સક્રિયતા 440 ઇન્સ્યુલિન એકમો/ગ્રા. છે અને ઉપત્વચીય (subcutaneous) રીતે આપતાં સક્રિયતા બેગણી વધે છે. તાજાં પરિપક્વ પર્ણો અને ફળમાં આ ઘટકોની સાંદ્રતા મહત્તમ હોય છે. છાલ ઉત્તેજક અને જ્વરઘ્ન ગણાય છે. અને ક્વાથ પેટના દુખાવામાં અને અતિસાર(diarrhoea)માં આપવામાં આવે છે. મૂળ સંકોચક, ઉત્તેજક અને જ્વરઘ્ન હોય છે. બીજ માદક હોય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણો હાઇડ્રોસેઇનિક ઍસિડ ધરાવે છે.

પર્ણ, ફળ અને છાલ અનુક્રમે 12.8 %થી 13.3 %, 14.7 %થી 17.3 % અને 10 % જેટલું ટૅનિન ધરાવે છે. પર્ણો અને ફળો ટૅનિન નિષ્કર્ષ બનાવવામાં ઉપયોગી છે. આંતરછાલમાંથી જાડો રેસો મળે છે. વૃક્ષ દ્વારા રાળનો સ્રાવ થાય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ