લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને, ખેસવીને ઘુમ્મટ આકારમાં ફેરવી નાખે છે. આમ તેમની છત ગોળાકારમાં પણ તળભાગ લગભગ એકસરખો સપાટ રહે છે, તેમ છતાં ક્યારેક તે બહિર્ગોળ પણ બની શકે છે. વેગથી થયેલા આ અંત:સ્ફુટનને કારણે પડતી ફાટોમાં પણ મૅગ્મા પ્રવેશીને નાની નાની ડાઇક અને સિલ તેમજ બિસ્મલિથ જેવાં સ્વરૂપો પણ રચે છે. તે અંતર્ભેદક હોઈને પ્રાદેશિક ખડકો કરતાં પછીના કાળનાં હોય છે. તેમનો વ્યાસ સેંકડોથી હજારો મીટરનો તથા મધ્યની જાડાઈ સેંકડો મીટરની હોઈ શકે છે. અંતર્ભેદન પામતો મૅગ્મા મુખ્યત્વે સ્નિગ્ધ હોવાથી વધુ અંતરો સુધી પ્રસરી શકતો નથી. વળી તે વેગપૂર્વક ધસતો હોવાથી એક જ સ્થાને ગોળાઈમાં ગોઠવાઈ જાય છે. જોકે મૅગ્માસંચયમાંથી અંતર્ભેદક સુધીનો ભાગ નળાકાર હોવાથી છત્રીની દાંડી માફક ડાઇક જેવો દેખાય છે. આવાં અંત:સ્ફુટનો ડાઇક કે સિલની જેમ બહુમુખી કે મિશ્ર પ્રકારનાં હોઈ શકે છે.
બહુમુખી પ્રકારનાં લૅકોલિથ અંતર્ભેદનોનો આકાર સિડાર વૃક્ષને મળતો આવતો હોવાથી તે ઉપરાઉપરી શ્રેણીબદ્ધ ગોળાકાર તેમજ શંકુઆકાર દેખાવ રજૂ કરે છે. યુ.એસ.ના ઉટાહ રાજ્યના હેન્રી અને અબેજો (Abajo) પર્વતોમાં જોવા મળતા લૅકોલિથ તેનાં ઉદારહણો છે.
ગિરીશભાઈ પંડ્યા