રાજમહેલ-સ્થાપત્ય : રાજાના નિવાસ માટેનું સ્થાપત્ય. વાસ્તુગ્રંથોમાં રાજમહેલ માટે ‘પ્રાસાદ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. ‘અમરકોશ’માં દેવ અને રાજાના ભવન માટે ‘પ્રાસાદ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. રાજમહેલ માટે અનેક પર્યાયો છે; જેમ કે, રાજપ્રાસાદ, રાજભવન, રાજગેહ, રાજવેશ્મ વગેરે. નગર-આયોજનને કેન્દ્રમાં રાખીને રાજપ્રાસાદનું આયોજન કરવામાં આવતું. મય મુનિ પ્રમાણે નગરના ક્ષેત્રફળના સાતમા ભાગમાં, જ્યારે સૂત્રધાર મંડન પ્રમાણે સોળમા ભાગમાં રાજપ્રાસાદનું આયોજન કરવામાં આવતું. ‘માનસાર’ રાજાઓના 9 વર્ગ પાડીને 9 પ્રકારના રાજમહેલો ગણાવે છે. રાજમહેલને અલંકૃત બનાવાતો; એ સાથે તેના સંરક્ષણનું આયોજન પણ કરવામાં આવતું. મહેલને ફરતી પરિખા (ખાઈ) કરવામાં આવતી. રાજાના વર્ગ પ્રમાણે મહેલમાં ચોક્કસ સંખ્યામાં પ્રાકાર (કોટ) ઊભા કરવામાં આવતા. રાજમહેલનું બાંધકામ પીઠ ઉપર કરવામાં આવતું તેમાં એકથી માંડીને હજારો સ્તંભો ઊભા કરવામાં આવતા. રાજમહેલના છૂટા સ્વતંત્ર ખંડો ગભ્ભ તરીકે ઓળખાતા. રાજાનો પોતાનો ખંડ સિરિ-ગભ્ભ કહેવાતો. રાજાનો શયનખંડ ચંદ્રશાલા કહેવાતો. રાજમહેલનો હેતુ નિવાસ અને વહીવટ માટેનો હતો. તેથી રાજમહેલના બે ભાગ હતા અંત:શાલા અને બહિર્શાલા. અંત:શાલાનો ઉપયોગ નિવાસ માટે અને બહિર્શાલાનો ઉપયોગ વહીવટી કામ માટે થતો. ભોજનશાળા, રસોડું, શસ્ત્રાગાર, સ્નાનગૃહ, લતામંડપ, શયનખંડ, ચોકીદારનાં ઘર, યુવરાજનો મહેલ, રાણીવાસ, લતામંડપ, ઉદ્યાન, નૃત્યખંડ, ગૌશાળા, અશ્વશાળા, ગજશાળા વગેરેનો સમાવેશ રાજમહેલમાં થતો.
રામાયણ અને મહાભારતમાં રાજમહેલોનાં વર્ણનો છે; પરંતુ તેના અવશેષો પ્રાપ્ત થતા નથી. મૌર્યકાલીન મહેલના અવશેષો ઉપલબ્ધ થયા છે. બિહારમાં કુમરાહારમાં પાટલિપુત્રના કિલ્લામાંથી આ મહેલના અવશેષો પ્રાપ્ત થયા છે. મેગૅસ્થનીઝની ‘ઇન્ડિકા’માં ચંદ્રગુપ્તના મહેલનું વર્ણન આપવામાં આવ્યું છે. તે વર્ણનને અનુરૂપ આ અવશેષો છે. શુંગકાલીન રાજમહેલોનો ખ્યાલ સાંચી અને ભરહૂતનાં શિલ્પો દ્વારા આવે છે. કુષાણ સમયના મહેલના અવશેષો સીરકપમાંથી પ્રાપ્ત થયા છે. પ્રાચીન સમયમાં સ્થાપત્યનિર્માણ માટે મોટે ભાગે લાકડાંનો ઉપયોગ થતો હોવાથી એ સમયના મહેલો જળવાયા નથી.
મધ્યકાલ દરમિયાન મહેલ બાંધવાની પ્રવૃત્તિ ઘણી વિકસી હતી. ગિયાસુદ્દીન બલબને લાલ મહેલનું નિર્માણ કરાવ્યું હતું. ફિરોઝશાહ તુઘલુકે બંધાવેલા મહેલોમાં માલ્ય મહેલ અને ભૂલી ભઠિયારીનો મહેલ નોંધપાત્ર છે. જહાજ-મહલનું બાંધકામ સંભવત: લોદી કાલ દરમિયાન થયું હતું. ગ્વાલિયરના કિલ્લામાં આવેલો માનસિંહનો મહેલ 16મી સદીની શરૂઆતનું નોંધપાત્ર સ્થાપત્ય છે. આ મહેલ માન-મંદિર તરીકે ઓળખાય છે. તેના બાંધકામમાં સંપૂર્ણ પ્રાદેશિક શૈલીની અસર જોવા મળે છે. પૂર્વનો તેનો મુખભાગ ખૂબ જ અલંકૃત છે. મહેલમાં બે ચોક આવેલા છે. મહેલનો મુખ્ય ભાગ બે મજલાનો છે.
મુઘલકાલ દરમિયાન અકબરના સમયમાં અનેક સુંદર મહેલો બંધાયા. આગ્રાની પાસે 1569માં તેણે વસાવેલ ફતેહપુર સિક્રી નગરમાં બીરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહેલ, બીબી મરિયમનો મહેલ, તુર્કી સુલતાનનો મહેલ વગેરે નોંધપાત્ર છે. આ સર્વમાં બીરબલનો મહેલ સૌથી સુંદર છે. તે બે મજલાનો છે. મહેલ અંદર તેમજ બહારથી સુંદર કોતરણીયુક્ત છે. અકબરે બંધાવેલા મહેલોમાં જોધાબાઈનો મહેલ કદમાં સર્વથી મોટો છે. વાસ્તવમાં તે અકબરનો રાણીવાસ હતો. ખુલ્લા ચોકની મધ્યમાં અને ખૂણાઓમાં બે મજલાવાળાં મકાનોનો સમૂહ આવેલો છે. ખૂણાઓ પરના ઓરડાની છત પર ઘુંમટ આવેલા છે. મુખ્ય પ્રવેશ પૂર્વમાં છે. પંચમહેલ પાંચ માળનો છે. ઉપર જતાં મજલાઓ નાના કદના થતા જાય છે. ભોંયતળિયે 84 સ્તંભો છે. ઉપર જતાં મજલાઓમાં સ્તંભોની સંખ્યા પણ ઘટતી જાય છે. તેની રચના સાદી પરંતુ બાંધકામ ભવ્ય અને પ્રમાણસર છે. બીબી મરિયમનો મહેલ બે મજલાનો છે. તે રંગીન મહેલ કે સુનહરા મહેલ તરીકે પણ ઓળખાય છે. મહેલનું આયોજન અને બેવડા ઘુંમટની રચના આકર્ષક છે. તુર્કી સુલતાનનો મહેલ તેની રચના અને સજાવટને લીધે સિક્રીની સૌથી સારી ઇમારત ગણાય છે. તેની દીવાલો પર વૃક્ષો, લતાઓ, સિંહ, ચિત્તા અને મોરનાં આલેખન છે. તેની બાંધકામની પદ્ધતિ સંપૂર્ણ પ્રાદેશિક છે. અકબરે આગ્રાના કિલ્લામાં જહાંગીર માટે બંધાવેલ મહેલ જહાંગીરી મહેલ તરીકે ઓળખાય છે. ચોકને ફરતી ઓસરીનું અલંકરણ ઉત્કૃષ્ટ કોટીનું છે. મહેલનું બાંધકામ ઈરાની શૈલીએ થયું છે.
શાહજહાંના સમયમાં બંધાયેલા મહેલોમાં આગ્રાનો દીવાને-ખાસ અને રંગમહેલ નોંધપાત્ર છે. અમદાવાદનો શાહીબાગ પણ એના સમયમાં બંધાયો હતો. દીવાને-ખાસ મહેલના ત્રણ વિભાગ છે – તસબીહખાના, ખ્વાબગાહ અને તોશાખાના. તસબીહખાનામાં બાદશાહ બંદગી કરતો. ખ્વાબગાહ શયનખંડ હતો. તોશાખાનાનો ઉપયોગ સ્ટોર રૂમ તરીકે થતો. મહેલની સામે અંગૂરી બાગ છે. રંગમહેલને ઇમ્તિયાઝ મહેલ પણ કહે છે. શાહજહાં ગુજરાતમાં સૂબા તરીકેની જવાબદારી સંભાળતો હતો ત્યારે તેણે અમદાવાદમાં સાબરમતી નદીના કાંઠે શાહીબાગ નામનો મહેલ બંધાવ્યો હતો. ગુજરાત રાજ્યની સ્થાપના વખતથી આ ઇમારત કેટલાંક વર્ષો રાજભવન (રાજ્યપાલનું નિવાસસ્થાન) માટે પણ વપરાઈ હતી; હાલ તે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન તરીકે વપરાય છે. આ મહેલ બે મજલાનો છે. ઉપર અને નીચે ચારે ખૂણે ચાર ચાર અષ્ટકોણ ઓરડા છે. મહેલનું તેહખાનું (ભોંયરું) કમાનયુક્ત છે. તેહખાનને ફરતી નહેર છે જેમાં વચ્ચે વચ્ચે ફુવારાઓ ગોઠવેલા છે.
મધ્ય પ્રદેશમાં દાંતિયામાં આવેલો વીરસિંઘ દેવનો મહેલ એક ઊંચી ટેકરી પર બાંધેલો છે. તે ચાર મજલાનો છે. નીચેના બે મજલામાં સભાગૃહ છે. ઉર્ચામાં પણ વીરસિંઘ દેવનો મહેલ આવેલો છે. ઉદેપુરનો પ્રસિદ્ધ મહેલ જુદા જુદા તબક્કે બંધાયો છે અને તેમાં જુદા જુદા વિભાગો ઉમેરાતા ગયા; જેમ કે રામઅંગન, બડીપોળ, કરણવિલાસ, ગુલમહલ, બડીમહલ અથવા અમરવિલાસ, ત્રિપુલીઆ દરવાજો વગેરે. દીગમાં આવેલ સૂરજમલનો જાણીતો મહેલ મોટા ઉદ્યાન વચ્ચે આવેલો છે. તેમાં ફુવારા અને જલમાર્ગો છે. આગ્રાના રંગમહેલની ભવ્યતાની હરીફાઈ કરતો હોય એમ તેના સ્થાપત્યને જોતાં જણાય છે.
આમેર કિલ્લા પરના મહેલમાં આવેલ જય મંદિર હૉલ
જયપુરના આમેરના કિલ્લામાં આવેલો મહેલ પણ ઉલ્લેખનીય છે. જયપુરનો પ્રસિદ્ધ હવામહેલ સવાઈ પ્રતાપસિંહના સમયમાં બંધાયો. તે પાંચ માળનો છે. આ પાંચ માળ અનુક્રમે શારદામંદિર, રતનમંદિર, વિચિત્રમ્ મંદિર, પ્રકાશ મંદિર અને હવા મંદિર તરીકે ઓળખાય છે. વિજયનગરના મહેલોમાં કમલ-મહલ નોંધપાત્ર છે. દક્ષિણ ભારતમાં તિરુમલાઈ નાયકનો મહેલ હિંદુ સ્થાપત્ય-કારીગરીનો ઉત્તમ નમૂનો છે. તેની બાંધકામની શૈલી ગૉથિક શૈલીને મળતી આવે છે.
થૉમસ પરમાર