રાજમહાલ ટેકરીઓ : ઝારખંડ રાજ્યના ડુમકા જિલ્લામાં આવેલી ટેકરીઓ. ભૌગોલિક સ્થાન : આ ટેકરીઓ 24° 40´ ઉ. અ. અને 87° 75´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલી છે. આ ટેકરીઓની ઉત્તરે બિહાર અને પૂર્વે પ. બંગાળ રાજ્યોની સીમા આવેલી છે.

પ્રાકૃતિક પરિસ્થિતિ : છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશના ભાગરૂપે આવેલી આ ટેકરીઓ ઉત્તર-દક્ષિણે એક ચાપ સ્વરૂપે ફેલાયેલી છે. આ ટેકરીઓની ઊંચાઈ આશરે 300થી 450 મીટર જેટલી છે. આ ટેકરીઓની પૂર્વે અને પશ્ચિમે અનેક નદીઓ ઉદગમ પામી છે. એક-બીજીને સમાંતર વહીને અંતે તે ગંગા નદીને મળે છે.

ઉનાળામાં અહીંનું તાપમાન આશરે 29°થી 32° સે., જ્યારે શિયાળામાં 16°થી 17° સે. જેટલું અનુભવાય છે. અહીં વરસાદ 1,000 મિમી.થી 1,500 મિમી. જેટલો પડે છે. એક સમયે અહીંના પાનખર જંગલમાં આમળાં, શીમળો, ખેર, મહુડો અને વાંસનાં વૃક્ષો હતાં. હાલમાં તેનું પ્રમાણ ઘટી ગયું છે.

આર્થિક પરિસ્થિતિ : જ્વાળામુખી પ્રસ્ફુટનની પ્રક્રિયાને કારણે નિર્માણ પામેલી આ જમીનમાં પોટાશ, મૅંગેનીઝ અને લોહતત્વ રહેલાં છે. લૅટેરાઇટ પ્રકારની અહીંની જમીન ખેતી માટે વધુ અનુકૂળ નથી. આદિવાસીઓ મકાઈ, ચણા અને કઠોળની ખેતી કરે છે. ઢોર ચરાવવાની પ્રવૃત્તિ અહીં મુખ્ય છે.

રૂક્ષરૂખડ ખડકાળ અને 2°થી 6° ઢોળાવ ધરાવતી ભૂમિને પરિણામે ખેતીની પ્રવૃત્તિ વધુ જોવા મળતી નથી. એ જ રીતે ખનિજસંપત્તિનો પણ અભાવ છે. આમ આર્થિક દૃષ્ટિએ આ વિસ્તાર ઉપયોગી નથી. અહીં સાંથાલ જાતિના આદિવાસીઓ છૂટાછવાયા વસવાટ કરતા જોવા મળે છે. અહીં વસ્તીની ગીચતા દર ચોકિમી. સ્થાનભેદે 40થી 100 જેટલી છે.

આ વિસ્તારમાં પાકા માર્ગો કરતાં કાચા માર્ગોનું પ્રમાણ અધિક છે. ડુમકા અને ભાગલપુરને સાંકળતો ધોરી માર્ગ આ ટેકરીઓની પશ્ચિમેથી પસાર થાય છે. આ ટેકરીઓની ઉત્તરે રાજમહાલ અને દક્ષિણે રામગઢ શહેરો, જ્યારે પશ્ચિમે ગોડ્ડા શહેર આવેલું છે.

નીતિન કોઠારી