ઉચ્ચેલો, પાઓલો (Uccello Paolo) (જ. 15 જૂન 1397, ફ્લૉરેન્સ નજીક પ્રેટોવેકિયો, ઇટાલી; અ. 10 ડિસેમ્બર 1475, ફ્લૉરેન્સ, ઇટાલી) : પ્રારંભિક રેનેસાંસનો ચિત્રકાર. મૂળ નામ પાઓલો દિ દોનો. (Paolo Di Dono). ઉચ્ચેલો 10 વરસનો થયો તે અગાઉ જ શિલ્પી લૉરેન્ઝો ઘીબર્તીના વર્કશૉપમાં તાલીમાર્થે જોડાઈ ગયો હતો. 1415માં તે ફ્લૉરેન્સના કલાકારોના ટ્રેડ યુનિયન ‘આર્તે દેઈ મેડિચી એ ડેગ્લી સ્પેઝિયાલી(Arte Dei Medici e degli Speziali)’માં જોડાયો. તેના શરૂઆતનાં ભીંતચિત્રો સેંટ મારિયા નૉવેલાના ચિઓસ્ત્રો વર્દી(ધ ગ્રીન ક્લોઇસ્ટર)માં સચવાયાં છે. આ ભીંતચિત્રો પર આજે ગાઢા લીલા રંગની ઝાંય ચડી જવાથી તે આજે ‘ચિઓસ્ત્રો વર્દી’ (Chiostro Verde) નામે ઓળખાય છે. આ ચિત્રો બાઇબલમાં આવતી વિશ્વ, પશુપંખીઓ અને માનવીના સર્જનની કથાને નિરૂપે છે. ગૉથિક ચિત્રકલાના અંતિમ તબક્કાની માફક અહીં નિસર્ગ શૈલીગ્રસ્ત છે, પરંતુ માનવ-આકૃતિઓમાં નવીન પ્રયોગો જોવા મળે છે. 1425થી 1431 લગી તેણે વેનિસમાં મોઝેઇક બનાવ્યાં, પરંતુ દુર્ભાગ્યે તેમાંથી આજે કશુંય બચ્યું નથી.
1436માં ઉચ્ચેલોએ ફ્લૉરેન્સ કથીડ્રલમાં બ્રિટનના સર જૉન હૉકવુડનું એકરંગી (monochromatic) ભીંતચિત્ર પૂરું કર્યું. આ વ્યક્તિચિત્રમાં રૈખિક પરિપ્રેક્ષ્ય અને પ્રકાશ અને છાયાથી આલેખિત ઘોડો તથા ઘોડા પર બેઠેલ સર જૉન હૉકવુડ ઉચ્ચેલોની પુખ્ત શૈલી પ્રદર્શિત કરે છે.
1447માં પાદુઆની યાત્રા કર્યા પછી ઉચ્ચેલો સેંટ મારિયા નૉવેલાના ‘ચિઓસ્ત્રો વર્દી’માં પાછો ફર્યો અને ત્યાં પૂર (flood) અને ઉતરાણ(recession)નાં ભીંતચિત્રો કર્યાં. આમાંથી ‘ધ ફ્લડ’માં ચિત્રિત નગ્ન માનવ-આકૃતિઓ મસાવિયો દ્વારા આશરે 1425માં બ્રાન્કાચી ચેપલમાં ચિત્રિત ભીંતચિત્રોમાંની નગ્ન આકૃતિઓ સાથે ખાસ્સું સામ્ય ધરાવે છે.
ઉચ્ચેલોનાં સૌથી વધુ ખ્યાત ચિત્રો હાલમાં પૅરિસના લુવ્ર મ્યુઝિયમમાં, લંડનની નૅશનલ ગૅલરીમાં તથા ફ્લૉરેન્સના ઉફિત્ઝી ખાતે સંગ્રહાયેલાં છે. આ ચિત્રોનો વિષય છે સિયેના નગરના લશ્કર ઉપર ફ્લૉરેન્સ નગરના લશ્કરનો 1432માં સેનાપતિ નિકોલો દા તોલેન્તીનોની નેતાગીરી હેઠળ વિજય. ચિત્રિત આકૃતિઓમાં રેનેસાંસની શિલ્પાભાસી લાક્ષણિકતા જોવા મળે છે. આ ચિત્રોમાં પરિપ્રેક્ષ્યની ચોકસાઈ માટે તેણે વિખ્યાત ગણિતશાસ્ત્રી પાઓલો તૉસ્કાનેલી(Paolo Toscanelli)ની મદદ લીધી હતી. ઉચ્ચેલોના પૂર્ણ પરિપ્રેક્ષ્યે ભવિષ્યમાં પિયેલો દેલ્લ ફ્રાન્ચેસ્કા, લિયૉનાર્દો દ વિન્ચી અને આલ્બ્રેખ્ટ ડ્યુરર પર પ્રભાવ પાડ્યો હતો. રેનેસાંસના વિખ્યાત કલા-ઇતિહાસકાર અને જીવનકથાકાર જ્યૉર્જિયો વસારીએ ઉચ્ચેલો માટે નોંધ્યું છે : ‘ઉચ્ચેલોને પરિપ્રેક્ષ્યનો નશો ચઢ્યો હતો.’
અમિતાભ મડિયા