રાસ સત્યાગ્રહ : રાસ ગામના ખેડૂતોએ 1930માં મહેસૂલ ન ભરીને કરેલો સત્યાગ્રહ. ગુજરાતના ખેડા જિલ્લાના બોરસદ તાલુકામાં બોરસદથી 11 કિમી. દૂર રાસ ગામ આવેલું છે. હોમ રૂલ આંદોલન(1916-1917)ના સમયથી રાસમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી હતી. ખેડા સત્યાગ્રહ (1918) વખતે ગાંધીજીએ રાસમાં ખેડૂતોની વિશાળ સભાને સંબોધી હતી. અસહકારની લડત(1920-1922)માં રાસમાં દારૂનું પીઠું બંધ થયું અને રાષ્ટ્રીય શિક્ષણ માટે ટિળક કુમાર મંદિરની સ્થાપના થઈ હતી. બોરસદ સત્યાગ્રહ (1923) દરમિયાન રાસના લોકોએ સરકારને દંડ પેટે નાખેલો વેરો ન ભર્યો તથા સરકારી નોકરોને જપ્તીમાં ફાવવા દીધા નહિ. દાંડીકૂચ અગાઉ 7 માર્ચ, 1930ના રોજ રાસ ગામે ભાષણ શરૂ કરે તે પહેલાં સરકારે વલ્લભભાઈ પટેલની ધરપકડ કરી ત્રણ માસની કેદની સજા કરી. તેથી રાસ ગામે સરકારી તંત્રનો કડક બહિષ્કાર કર્યો હતો અને મુખી, મતાદારો તથા તમામ રાવણિયાઓએ રાજીનામાં આપી દીધાં. દાંડીકૂચ શરૂ કરી 19 માર્ચ, 1930ના રોજ ગાંધીજી રાસ ગામે આવ્યા ત્યારે ગોઠવાયેલી સભામાં પચીસ હજાર લોકો હાજર રહ્યા હતા. 5 એપ્રિલના દિવસે રાસના આગેવાન આશાભાઈ લલ્લુભાઈ પટેલની ધરપકડ કરી સજા કરવામાં આવી.
સરદાર પટેલની ધરપકડના વિરોધમાં રાસના ગ્રામજનોએ જમીન-મહેસૂલ ન ભરવાનો સત્યાગ્રહ (નાકરની લડત) શરૂ કરવા ગાંધીજીની પરવાનગી માગી. તેના જવાબમાં ગાંધીજીએ લખ્યું, ‘……રાસ એકલું પોતાને જોખમે મહેસૂલ ના ભરવા હિંમત રાખે તો અવદૃશ્ય રાખે, પણ એટલું સમજે કે છેવટે આખું ગામ ખાલી કરવું પડે અગર જમીનદોસ્ત થવું પડે, બેમાંથી એકેય કામ હું વધારે નથી ગણતો…….’ ગાંધીજીની પરવાનગી મળ્યા બાદ, ગામના લોકોએ સરકારની વિરુદ્ધ જમીન-મહેસૂલ ન ભરવાનો સત્યાગ્રહ શરૂ કર્યો. નજીકનાં અન્ય ગામોએ રાસનું અનુકરણ કરવાથી આંદોલનને જોર મળ્યું. સરકારે આંદોલન તોડવા તથા મહેસૂલ ભરાવવા જુદા જુદા ઉપાયો અજમાવ્યા. બોરસદની કચેરીમાં રિફંડ લેવા ગયેલા ખેડૂતની રકમ બાકી મહેસૂલ પેટે વાળી લેવા અમલદારે કરેલા પ્રયાસને મંગળભાઈ રાવજીભાઈએ નિષ્ફળ બનાવ્યો. રાસની મહિલાઓએ પણ સભા ભરીને તેમાં ખાદી, દારૂબંધી, પરદેશી કાપડનો બહિષ્કાર કરવા માટેની યોજના ઘડી; અહિંસક સત્યાગ્રહીઓને હેરાન કરવા વિવિધ ઉપાયો સરકારે પોતાના ટેકેદારો મારફતે અજમાવ્યા; તેથી હજામ, ધોબી, મોચી, માળી, સફાઈ કામદાર તથા પાણી ભરનાર બાઈએ બોરસદના મામલતદારનો બહિષ્કાર કર્યો.
રાસની લડત ક્રમશ: જોર પકડવા લાગી. મહેસૂલ ભરાવવાના સરકારના સર્વે પ્રયાસો સફળ ન થવાથી, સરકારે જમીનો ખાલસા કરવાની ખેડૂતોને નોટિસો આપી. પાંચ-પચાસ રૂપિયાની બાકી વસૂલાત વાસ્તે ત્રણથી બત્રીસ એકર સુધીની એટલે કે તત્કાલીન ભાવે રૂપિયા એક હજારથી સોળ હજાર સુધીની કિંમતની જમીનો હરાજ કરવાની સરકારે જાહેરાત કરી. મામલતદારે બારૈયા તથા પાટણવાડિયા લોકોને ઓછી કિંમતમાં જમીનો ખરીદી લેવાનાં પ્રલોભનો આપ્યાં; તેથી રવિશંકર મહારાજની પ્રેરણાથી બારૈયા અને પાટણવાડિયાનાં જ્ઞાતિપંચોએ સરકારી નોકરીઓમાંથી રાજીનામાં આપવાં, સરકારે જપ્ત કરેલ જમીન કે માલ ખરીદવો નહિ, મહાસભા(કૉંગ્રેસ)ના હુકમો પાળવા વગેરે ઠરાવો કર્યા. તે દરમિયાન સરકારે રાસની 300 એકર જમીન ખાલસા કરી.
આ અરસામાં સરકારે આશાભાઈને તેમની સજા ટૂંકાવીને વહેલા જેલમુક્ત કર્યા. તે પછી તેમને એક અધિકારી મારફતે સમાચાર મળ્યા કે સરકાર જોરજુલમથી મહેસૂલ વસૂલ કરવાની છે. તેથી કોઈ પણ સંજોગોમાં મહેસૂલ ન ભરવાનો નિર્ણય કરનાર ગ્રામજનોએ આશાભાઈના સૂચનથી પોતાનાં ઘરોને તાળાં મારીને, 11 ઑક્ટોબર, 1930ના રોજ ગામમાંથી હિજરત કરી. તેઓ નજીકમાં, ગાયકવાડના વડોદરા રાજ્યનાં ગામો સિસવા, વાસણા તથા ઝારોલામાં જઈને રહ્યા. વર્ષોથી પાકાં મકાનોમાં રહેતા હિજરતીઓ ઘાસથી છાયેલા માંડવા બાંધીને તેમાં રહેવા લાગ્યા. રાસના કેટલાક બ્રાહ્મણ, વાણિયા, દરજી વગેરે લોકોએ પણ પાટીદારો સાથેના સંપને કારણે હિજરત કરી. સ્ત્રીઓ પણ મહેસૂલ ન ભરવાની તથા પ્રતિજ્ઞાપાલનની બાબતમાં મક્કમ હતી.
રાસના ખેડૂતોએ હિજરત કરી તે પછી પોલીસોએ બંધ ઘરોનાં તાળાં તોડીને માલસામાન જપ્ત કર્યો. તેમાંથી હજારો કિલોગ્રામ અનાજ જોખ્યા વિના, ઓછી કિંમતે વેચી દેવામાં આવ્યું. આશરે 350 મકાનોનાં તાળાં તોડીને પોલીસો અને અસામાજિક તત્ત્વો માલ ઉઠાવી ગયા હતા. શિયાળામાં હિજરત દરમિયાન માવઠું થયું અને ખેડૂતો પુષ્કળ હેરાન થયા હતા. આશાભાઈ લલ્લુભાઈએ ગાંધીજીની પ્રેરણાથી, હિજરતના ચાર માસ દરમિયાન કપાસ ખરીદી, તેમાંથી રૂ તૈયાર કરાવી હિજરતીઓ પાસે સૂતર કંતાવીને તેમાંથી ખાદી તૈયાર કરાવી હતી. તેમાં 599 પુરુષો તથા 157 બહેનોને રોજી આપવામાં આવી હતી.
ગાંધી-ઇરવિન કરાર (માર્ચ, 1931) થયા બાદ, સવિનય કાનૂનભંગની ચળવળ મુલતવી રાખવામાં આવી. કરાર થયા પછી ગાંધીજીએ કેટલાંક હિજરતી ગામોની તથા રાસની મુલાકાત લીધી અને રાસના લોકોને 16મીએ ગ્રામપ્રવેશ કરવાની સલાહ આપી. તે મુજબ ખાન અબ્દુલ ગફારખાન અને મોરારજી દેસાઈની આગેવાની હેઠળ હિજરતીઓ ગામમાં પ્રવેશ્યા.
ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં લંડન ખાતે હાજરી આપીને પાછા ફર્યા. દેશનેતાઓની ધરપકડ થઈ અને બીજા તબક્કાની લડત 1932માં શરૂ થઈ. રવિશંકર મહારાજ, આશાભાઈ લલ્લુભાઈ તથા જીવાભાઈ ફૂલાભાઈ પટેલની ધરપકડ કરીને લડત દાબી દેવાનો પ્રયાસ થયો. લોકોએ ફરીથી લડતમાં ઝંપલાવ્યું. ખેતરોનો ઊભો પાક તથા સમગ્ર ગામની જમીન સરકારે ખાલસા કરીને 250 એકર જેટલી જમીન વેચી દીધી. લોકોનું ખમીર ટકાવી રાખવા કૉંગ્રેસ કાર્યકરોએ જુદાં જુદાં સપ્તાહો તથા દિવસોની ઉજવણી શરૂ કરાવી. તેના કાર્યક્રમોમાં સરઘસો કાઢવાં, પત્રિકાઓ વહેંચવી, વિદેશી કાપડની હોળી, વિદેશી કાપડની દુકાનો તથા દારૂનાં પીઠાં પર પિકેટિંગ અને સભાઓનો સમાવેશ થતો હતો. કૉંગ્રેસે 9 મે, 1933થી લડત મુલતવી રાખી, તે સાથે રાસ સત્યાગ્રહ પણ બંધ રહ્યો. જમીનનો કબજો ગુમાવી બેઠેલા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા. તેથી રવિશંકર મહારાજ અને આશાભાઈ પટેલની વિનંતીથી તથા ગાંધીજી અને સરદાર પટેલની ભલામણથી અમદાવાદના શેઠિયાઓએ રાસના 150 જેટલા માણસોને મિલોમાં કામે રાખી લીધા. આશાભાઈએ સરદાર પટેલની મદદથી રાસના સત્યાગ્રહી ખેડૂતોનાં સંતાનોને 1934માં ગૂજરાત વિદ્યાપીઠના વિનયમંદિર, દક્ષિણામૂર્તિ-ભાવનગર, ગુરુકુળ-સોનગઢ વગેરે સંસ્થાઓમાં દાખલ કરાવી, તેમના ખર્ચની વ્યવસ્થા ઉઘરાણા દ્વારા કરી. 1937માં પ્રાંતોમાં કૉંગ્રેસની સરકારો રચાયા બાદ રાસના ખેડૂતોને તેમની જમીનો કાયદો ઘડીને 1939માં પાછી આપવામાં આવી. ત્યારબાદ મુંબઈ રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન બાળાસાહેબ ખેર તથા મહેસૂલ પ્રધાન મોરારજી દેસાઈનું રાસ ગામે ભવ્ય સ્વાગત કર્યું. વલ્લભભાઈ પટેલને પણ રાસ ગામે નિમંત્રીને લોકોએ વિજયોત્સવ ઊજવ્યો હતો. આ લડતે રાસની પ્રજાનું ઘડતર કર્યું હતું.
જયકુમાર ર. શુક્લ