રાષ્ટ્રનિર્માણ : સંકીર્ણ ભાવનાઓ ત્યજી બૃહત સ્તરે રચાતું રાષ્ટ્રીય જોડાણ. રાષ્ટ્રનિર્માણ એટલે નવા રાજ્ય કે રાષ્ટ્રનો જન્મ નહીં, પરંતુ વિવિધ વર્ગો જૂથો કે લોકો વચ્ચે પ્રવર્તતી સાંકડી રાષ્ટ્રીય લાગણીઓ ત્યાગી સમાજના તમામ વર્ગો, વિભાગો અને સ્તરો દેશની એકતાના મુખ્ય પ્રવાહમાં જોડાય તેવા પ્રયાસો. અહીં બે પ્રક્રિયાઓ એકસાથે ચાલે છે. એક પ્રક્રિયા અનુસાર પ્રજાજનોના માનસમાંથી ધર્મ, જાતિ કે કોમ જેવી સાંકડી વાડાબંધી તૂટે છે. લોકો સંકુચિત લાગણીઓ કે ભાવનાઓ ત્યાગે છે. બીજી પ્રક્રિયા અનુસાર એક રાષ્ટ્ર તરીકેની ભાવનાની સભાનતા સાથે વિવિધ વર્ગો, સમૂહો કે જૂથોના લોકો પરસ્પરની સાથે એકરૂપ બની જોડાય છે. આમ તેઓ રાષ્ટ્રનિર્માણની બૃહત પ્રક્રિયામાં જોડાઈને નવેસરથી રાષ્ટ્રીય ભાવનાને ઓપ આપી એક મુખ્ય રાષ્ટ્રીય પ્રવાહ રચે છે. આ બંને પ્રક્રિયાઓને એકંદરે રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયા તરીકે ઘટાવી શકાય.

રાષ્ટ્રનિર્માણની આ પ્રક્રિયા સુપેરે ચાલે ત્યારે તેનાથી મજબૂત રાજ્યનિર્માણને વેગ મળે છે. રાષ્ટ્રનિર્માણના ટેકાથી રચાયેલું રાજ્ય ઝડપી સર્વાંગી પ્રગતિ અને આર્થિક વિકાસ તરફ આગળ વધી શકે છે; કારણ, ધર્મ, કોમ કે તેવી અન્ય કોઈ વિભાજિત માનસને ઉત્તેજન આપતી પ્રક્રિયા ગેરહાજર હોવાથી ધ્યેયપ્રાપ્તિની મજલમાં કોઈ લાગણીવિષયક અવરોધો ઊભા થતા નથી તેમજ તેને મુખ્ય રાષ્ટ્રીય પ્રવાહમાં ભેળવવાના કોઈ પેચીદા પ્રશ્ર્નો હોતા જ નથી.

આ વિભાવના અનુસાર ભારતમાં ભાષાવાર રાજ્ય પુનર્રચનાથી વિશાળ રાષ્ટ્રીય સંલગ્નતાઓ વિકસી છે. અલગ રાજ્યની માંગ કરતા તમિળોના વિશાળ પ્રજાકીય સમૂહોને તેમની અલગ સ્વાયત્ત રાજ્યની માંગમાંથી પાછા વાળી ભારતીય રાષ્ટ્રીય પ્રથાનો ભાગ બનાવવામાં સરકાર અને અન્ય સંગઠનો સફળ રહ્યાં છે. ખાલિસ્તાનવાદી શીખ પ્રજાજનો રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહના ભાગરૂપ બને કે ઈશાનની પહાડી જાતિઓ ભારતના રાષ્ટ્રીય પ્રવાહમાં ભળે તે આ પ્રકારના રાષ્ટ્રનિર્માણનાં ઉદાહરણો છે.

દક્ષિણ આફ્રિકા જેવા રાજ્યમાં રંગભેદની નાબૂદીને પણ રાષ્ટ્રનિર્માણની દિશાનું મહત્ત્વનું કદમ ગણાવી શકાય. આ દેશ રાજ્ય હતો, છતાં ત્યાં રાષ્ટ્રીય એકતાનો ભારે અભાવ પ્રવર્તતો હતો. ત્યાં રંગભેદને આધારે ઊભી થયેલી શ્ર્વેત અને શ્યામ પ્રજા વચ્ચેની દીવાલને કારણે પ્રજાસમૂહો અલગ અલગ વર્ગોમાં વિભાજિત હતા. રંગભેદની નીતિનો ત્યાગ કરી આ રાજ્યે બે મુખ્ય પ્રજાસમૂહોને છેદતી દીવાલ તોડી નાંખી છે. પરસ્પરની નજીક આવવા આડેનો ભારે મોટો અવરોધ દૂર કરવામાં આવ્યો છે. અલબત્ત, પ્રજાસમૂહો વચ્ચેના માનસિક ભેદો દૂર કરતાં હજુ ઘણો વધારે સમય લાગે તેમ બને; પરંતુ બંને પ્રજાસમૂહો પરસ્પરની નજીક આવે, પરસ્પરમાં ભળે અને વિના ભેદભાવે આગળ વધે તેવી સગવડ રંગભેદ નાબૂદીથી ઊભી થઈ છે. આવી પ્રક્રિયાને રાષ્ટ્રનિર્માણની કાર્યવહી તરીકે ઓળખાવી શકાય.

રક્ષા મ. વ્યાસ