રાવળ, છગનલાલ (જ. 12 માર્ચ 1859, લુણાવાડા; અ. 8 ઑગસ્ટ 1947) : પ્રાચીન ગુજરાતી કાવ્યોના સંશોધક અને સંગ્રાહક-સંપાદક તથા અનુવાદક. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ. લુણાવાડાના વતની. પિતા વિદ્યારામ. માતા ઝવેરબાઈ. 1881માં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાંનો ત્રણ વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરી તેઓ કેળવણી ખાતામાં જોડાયા અને 1915માં નિવૃત્ત થયા. તેમણે શિક્ષક તરીકે કામ કરવા સાથે પ્રાચીન ગુજરાતી સાહિત્યનો સંગ્રહ કરવાનું કામ કર્યું. આ કાર્ય માટે તે વખતની સાહિત્ય પરિષદે તેમને ચંદ્રક અર્પણ કર્યો હતો. શિક્ષક તરીકેની નોકરીમાં લુણાવાડા, ઝઘડિયા, નાંદોદ, છોટાઉદેપુર આદિ વિવિધ સ્થળોએ બદલીના કારણે કામ કરવાનું થતાં ત્યાંથી હસ્તલિખિત પુસ્તકો પણ મેળવતા રહ્યા. સ્વ. શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી સંગ્રહસ્થાનનો ગુજરાતી હસ્તલિખિત પુસ્તકસંગ્રહ એમણે જ કરી આપ્યો હતો અને શેઠ પુરુષોત્તમ માવજીની મદદથી જ અગત્યના ગુજરાતી પ્રાચીન કાવ્યસંગ્રહોનું પ્રકાશનકાર્ય તેમણે આરંભ્યું હતું.

એમણે કાલિદાસના ‘ઋતુસંહાર’ના અનુકરણે શિવશંકર તુલજાશંકર દવે સાથે ‘ઋતુવર્ણન કાવ્ય’ (1886) રચ્યું હતું. એમાં 2 ઋતુઓનાં વર્ણન છગનલાલ રાવળનાં છે. એમનું શિક્ષક તરીકે રસક્ષેત્ર વ્યાપક હોઈ, સાહિત્યેતર વિષયોનું ખેડાણ પણ ઠીક ઠીક છે. ‘ઠંડા પહોરની વાતો-1’(1925)માં એમણે શિક્ષક તરીકે કહેલી બોધપ્રધાન સંક્ષિપ્ત વાર્તાઓ છે. ‘ગુજરાતના રસકલ્લોલ’ (1929) તળ ગુજરાતનાં ગીતોનો સંગ્રહ છે, જે રણજિતરામ વાવાભાઈ(18821917)એ કરેલાં ગીતોના સંગ્રહ પછીનો બીજો મહત્વનો સંગ્રહ છે. એમણે વ્યાકરણ, ભાષા ઉપરાંત ધર્મ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, કેળવણી, વૈદક આદિ વિષયો પર પણ નાનીમોટી અનેક પુસ્તિકાઓ આપી છે. એમણે ‘સ્વચ્છતા’(1891)વિષયક શૈક્ષણિક દૃષ્ટિએ લખેલી પુસ્તિકાની તો 7 આવૃત્તિઓ થઈ હતી. ‘રાજપીપળા સ્ટેટની ભૂગોળવિદ્યા’ (1910), ‘જીવહિંસા-નિષેધ’ 1-2 (1913, 1923), ‘બાદશાહી વખતમાં કાજીઓનો ઇન્સાફ’ (1928), ‘બ્રિટિશ રાજ પહેલાં ગુજરાતની આર્થિક સ્થિતિ’ જેવી વિવિધ વિષયોની પરિચયાત્મક અને શિક્ષણાત્મક પુસ્તિકાઓ પણ એમણે આપી છે.

એમનું મહત્વનું કાર્ય તે પ્રાચીન કવિઓની કૃતિઓના એમણે કરેલા સંગ્રહો છે. તેમના દ્વારા ‘પ્રાચીન કાવ્યસુધા’ના પ્રથમ 2 ભાગ 1923માં અને બીજા 3 1924માં તૈયાર થયા હતા. વળી ‘પ્રાચીન કાવ્યવિનોદ’ (1930) નામે પણ પ્રાચીન કાવ્યોનો એક અલગ સંગ્રહ પ્રગટ કર્યો હતો. તેમણે પ્રાચીન-મધ્યકાલીન અનેક કવિઓની પ્રગટ-અપ્રગટ લઘુ કૃતિઓનો સમાવેશ આમાં કર્યો છે. એ રીતે એમનું આ કાર્ય ‘બૃહત્ કાવ્યદોહન’ના કાર્યથી જુદું, અતિ સંક્ષિપ્ત સ્તરનું છે. તેમણે કવિ પ્રેમાનંદકૃત ‘વિષ્ણુસહસ્રનામ’નું સંપાદન પણ 1920માં આપેલ છે.

વિશેષમાં ‘જાવજીનું જીવનચરિત્ર’ (1897), ‘સજ્જન તે સજ્જન’ (1905), ‘વિલાસિની અથવા સત્યનો જય’, ‘મનુનાં નીતિવચનો’ ભા. 1 (1906) આદિ એમણે મરાઠીમાંથી કરેલા અનુવાદો છે. ‘મનુનાં નીતિવચનો’ જેવી પુસ્તિકા શૈક્ષણિક મહત્વ ધરાવે છે. ‘પંચેન્દ્રિય ચરિત્ર’ (1898) એમનો વિવિધ હિંદી કાવ્યોનો સંગ્રહ છે. એમના વૈદકશાસ્ત્રના રસના નિચોડ રૂપે ‘વૈદકવિલાસ’ નામે એમણે લખેલા 3 ભાગ અનુક્રમે 1915, 1917 અને 1926માં પ્રગટ થયા છે. એમણે સ્વર વિભાગના ગુજરાતી શબ્દોનો સંગ્રહ કરેલો, જે તેમણે ગોંડલ જ્ઞાનકોશમાં ઉપયોગ માટે મોકલ્યો હતો.

મનોજ દરુ