રાવ, બી. એન. (સર) (જ. 26 ફેબ્રુઆરી 1887; અ. 30 નવેમ્બર 1953, ઝુરિચ) : વિખ્યાત ધારાશાસ્ત્રી અને કુશળ વહીવટકર્તા. આખું નામ : બેનિગલ નરસિંહ રાવ. ચેન્નાઈ ખાતેની પ્રેસિડેન્સી કૉલેજ તથા કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. 1910માં ઇન્ડિયન સિવિલ સર્વિસ(ICS)માં જોડાયા. 1919-20 દરમિયાન મુર્શિદાબાદના અને 1920-25 દરમિયાન સિલ્હટ અને કચારના ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ તરીકે સેવાઓ આપી. 1925-33ના ગાળામાં આસામ રાજ્યની ધારાસભાના નીચલા અને ઉપલા ગૃહના સચિવ તરીકે કામ કર્યું. 1934-35 દરમિયાન ભારત સરકારના ધારાકીય વિભાગના સંયુક્ત સચિવ, 1935માં કોલકાતાની વડી અદાલતના કાર્યકારી ન્યાયાધીશ, 1935-38 દરમિયાન ભારત સરકારના કેન્દ્ર ખાતેના વિશેષ અધિકારી, 1938માં કાર્યકારી રિફૉર્મ્સ-કમિશનર, 1940માં ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા(GIP)ના રેલવે તપાસ પંચ(court of inquiry)ના ચૅરમૅન, 1941માં હિંદુ લૉ કમિટીના ચૅરમૅન તથા 1941-42માં સિંધુ નદી પ્રાધિકરણના ચૅરમૅનપદે સેવાઓ આપી. ફેબ્રુઆરી 1944માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાંથી નિવૃત્ત થયા. 1944-45માં જમ્મુ અને કાશ્મીર રાજ્યના પ્રધાનમંત્રીપદે કામ કર્યું. 1945-47 દરમિયાન ભારતની બંધારણ સમિતિના તથા સાથોસાથ બ્રહ્મદેશ (નવું નામ મ્યાનમાર) માટે નવું બંધારણ રચવાની સમિતિના સલાહકાર નિમાયા. 1948માં પૅરિસ ખાતે આયોજિત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાના અધિવેશનમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. ત્યારબાદ રાષ્ટ્રસંઘની અણુશક્તિ પેટા સમિતિના ચૅરમૅન બન્યા. રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ તેમની વરણી આંતરરાષ્ટ્રીય કાયદા પંચના સભ્યપદે કરી. 1949માં રાષ્ટ્રસંઘ ખાતે ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે નિમાયા. 1950માં રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. 1952માં હેગ ખાતેના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશપદે નિમણૂક થઈ (1952-53), જે પદ પર અવસાન સુધી કામ કર્યું.
એક કુશળ વહીવટદાર તરીકે બ્રિટિશ સરકારે તેમને આઝાદી પૂર્વે ‘સર’નો ખિતાબ એનાયત કર્યો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે