મૉસ્કો આર્ટ થિયેટર (સ્થાપના – 1898) : રશિયાના પાટનગર મૉસ્કોની નાટ્યતાલીમ આપતી અને નાટ્યનિર્માણ કરતી જગપ્રસિદ્ધ નાટકશાળા. તેનું અધિકૃત નામ મૅક્સિમ ગૉર્કી મૉસ્કો આર્ટ એકૅડેમિક થિયેટર છે. તેની સ્થાપના સહકારી ધોરણે કરવામાં આવી હતી. અવેતન કલાકારો તેમજ ફિલહાર્મોનિક સોસાયટીના નાટ્યવર્ગના નવા સ્નાતકોના સહયોગથી તેની સ્થાપના કરવામાં આવી હતી. તેના નામ સાથે સર્જનાત્મક નાટ્યકલાના બે મહાન દિગ્દર્શકો કન્સ્તાન્તિન સ્તાનિસ્લાવ્સ્કી અને નેમિરોવિચ દાનશૅન્કોનાં નામ સંકળાયેલાં છે. એ જમાનામાં રૂસી નાટકો અને એની મંડળીઓ અત્યંત રૂઢિચુસ્ત નાટ્યપ્રણાલી મુજબ ચીલાચાલુ, રંગદર્શી અને અતિ મેલોડ્રામૅટિક અભિનયથી ખદબદતાં હતાં અને સિંહનાદી વાચિક અને બીબાંઢાળ હાથ ઉછાળતા આંગિક અભિનયથી તે નાટકની પ્રસ્તુતિ કરતાં હતાં. એ કૃત્રિમતા સામે 1898માં કલા અને સાહિત્યની સંસ્થાના અવેતન નટોએ રૂસી જીવનના વાસ્તવને રજૂ કરે એવાં નાટકો તૈયાર કરવાનું બીડું ઝડપ્યું અને એન્તૉન ચેખૉવ, હેન્રિક ઇબ્સન, મૅક્સિમ ગૉર્કી, શેક્સપિયર વગેરેનાં નાટકોથી નવો પ્રવાહ શરૂ કર્યો. ઉપર ઉલ્લેખેલ બંને દિગ્દર્શકોએ નવી રીતે નાટ્યતાલીમ આપવાનું શરૂ કર્યું. નટોનાં અંગ અને અવાજને તાલીમ આપી; એમને નિરીક્ષણ, કલ્પનાશક્તિ તથા કલાત્મક માવજતથી વિવિધ પ્રકારનાં પાત્રસર્જનો માટે તૈયાર કર્યા અને સન્નિવેશ, પ્રકાશ અને સંગીત-આયોજનને અત્યંત વાસ્તવિક બનાવ્યાં. આ નાટક કંપનીએ પોતાના પાંચમા નિર્માણ તરીકે ચેખૉવના ‘સીગલ’ને પુન:પ્રચલિત કરીને ભજવ્યું. ત્યારથી તેની લોકપ્રિયતા વધવા માંડી. અગાઉ આ કૃતિ અન્યત્ર ભજવાઈ ત્યારે નિષ્ફળ નીવડી હતી. ત્યારપછી ચેખૉવનાં ‘અંકલવાન્યા’, ‘થ્રી સિસ્ટર્સ’ તથા ‘ધ ચૅરી ઑર્ચાર્ડ’ જેવાં નાટકોના પ્રથમ પ્રયોગ રજૂ કર્યા. મૉસ્કો આર્ટ થિયેટરે જો એન્તોન ચેખૉવનાં નાટકો ન ભજવ્યાં હોત તો કદાચ એ કદી ન ભજવાત. કેમ કે ચેખૉવે તો પોતાનાં નાટકોની પ્રારંભિક નિષ્ફળતા પછી નાટકો લખવાનું જ બંધ કરી દીધું હતું. એવું જ મૅક્સિમ ગૉર્કી કે અન્ય નાટ્યકારોનું છે. ક્રાંતિ દરમિયાન મૉસ્કો આર્ટ થિયેટરને યુરોપ-અમેરિકાનો લાંબો પ્રવાસ કરવાની છૂટ મળી.
પ્રવાસેથી પાછા ફર્યા પછી આ સંસ્થાએ ભજવેલાં નાટકો પૈકી બહુ થોડાં ધ્યાનપાત્ર રહ્યાં. પછી આ થિયેટરની મુખ્ય સાર્થકતા સ્તાનિસ્લાવ્સ્કીની અભિનયની શિક્ષણ-પદ્ધતિના ઉત્તરાધિકારી બની રહેવામાં તેમજ ચેખૉવનાં નાટકોનું અર્થઘટન કરવામાં વિશેષ રહી. છેક પ્રારંભથી જોડાયેલાં ઘણાંય નટ-નટીઓ તેમાં લાંબા વખત સુધી કામ કરતાં રહ્યાં. ચેખૉવનાં વિધવા ઓલ્ગા જીવનના શેષ પ્રવૃત્તિકાળ દરમિયાન સંસ્થાની સાથે જ રહ્યાં. સભ્યસંખ્યાનું પણ એકધારું સાતત્ય જળવાતું રહ્યું. પરિણામે એક અધિકૃત નટમંડળ (ensemble) તરીકે તેનો ચહેરો ઊપસી આવ્યો. નાટ્યનિર્માણક્ષેત્રે પ્રવૃત્ત હોય તેવી બીજી કોઈ આ પ્રકારની સમાંતર સંસ્થાનો દાખલો આ અરસામાં કોઈ સ્થળે મળવો દુર્લભ હતો.
આ નાટ્યશાળા પણ પોતાનાં સ્ટુડિયો થિયેટરોમાં તેજસ્વી વિદ્યાર્થીઓને નાટ્યનિર્માણ માટે સવલતો આપતી. એ મુજબ મેયરહોલ્દ અને વખ્તાંગોવને પણ તેનો લાભ મળ્યો હતો. આ બંને વિદ્યાર્થીઓએ ગુરુ સ્તાનિસ્લાવ્સ્કીથી માર્ગ ચાતરીને અને બે ડગલાં આગળ વધીને પોતપોતાનું એવું આગવું નામ કાઢ્યું. એમના નામે પણ અલાયદાં થિયેટરો થયાં અને વિશિષ્ટ નાટ્યપ્રણાલી વિકસી. આ દરમિયાન સ્તાનિસ્લાવ્સ્કીએ ‘મેથડ-ઍક્ટિંગ’ નામે જાણીતી નવી અભિનયપદ્ધતિ વિકસાવી; જેનો પ્રભાવ યુરોપ, અમેરિકા અને ભારત સહિત અનેક દેશોમાં દશકાઓથી પડ્યો છે. આ નાટકશાળાના વિદ્યાર્થીઓના પણ વિદ્યાર્થીઓ જગતભરમાં ચોતરફ પથરાયેલા છે. તેઓ અભિનય-નિર્માણ અને નાટ્યવિદ્યામાં સંશોધનો અને પ્રયોગો કરી રહ્યા છે. સ્ટાલિન અને રૂઢિવાદી રાજતંત્રના રાજકીય ખોફનો ભોગ આ નાટકશાળા અનેક વાર બની હોવા છતાં કલાક્ષેત્રે એનું મહત્ત્વનું પ્રદાન ચાલુ રાખવા જેટલો બુલંદ મિજાજ એણે છેક સુધી જાળવી રાખ્યો હતો. 1980 સુધી મૉસ્કો શહેરના કેન્દ્રમાં લગભગ 8 દાયકા એનું કામ ચાલતું રહ્યું. આ નટમંડળીને નવી જગ્યાએ ખસેડી એનો પ્રભાવ ઓછો કરવા કેટલાક રાજકીય આગેવાનોએ પ્રયત્ન કર્યો ત્યારે, અત્યંત સુસજ્જ અને જાજરમાન એ નવતર થિયેટરનો બહિષ્કાર કરવામાં આ નટમંડળીને પ્રેક્ષકોનો અભૂતપૂર્વ ટેકો મળ્યો હતો અને રાજદ્વારીઓના હાથ હેઠા પડ્યા હતા. આજે પણ મૉસ્કો આર્ટ થિયેટર રશિયાના તેમજ દુનિયાના બીજા દેશોના થિયેટરમાં નાટ્યનિર્માણ અને નાટ્યવિદ્યાના ક્ષેત્રે અગ્રણી સ્થાન ભોગવી રહ્યું છે. પ્રતિષ્ઠિત પરંપરાથી બંધાયેલી આ સંસ્થામાં 1943 પછી નાટ્યપ્રવૃત્તિ સ્થગિત થઈ ગઈ છે, પણ 1970માં અગાઉ કન્ટેમ્પરરી થિયેટરમાં રહેલા ઑલેગ ઇફેમોવની રાહબરી હેઠળ આ સંસ્થાએ વિશેષ પ્રયોગશીલ અભિગમ અપનાવ્યો છે.
હસમુખ બારાડી
મહેશ ચોકસી