મૉરિસ, ‘પ્રિન્સ ઑવ્ ઑરેન્જ’ અને ‘કાઉન્ટ ઑવ્ નાસાઉ’
February, 2002
મૉરિસ, ‘પ્રિન્સ ઑવ્ ઑરેન્જ’ અને ‘કાઉન્ટ ઑવ્ નાસાઉ’ (Nassau) (જ. 13 નવેમ્બર 1567, ડિલેન્બર્ગ; અ. 23 એપ્રિલ 1625, ધ હેગ) : નેધરલૅન્ડ્ઝના વિખ્યાત લશ્કરી નેતા અને બાહોશ જનરલ. પિતા વિલિયમ સ્વાધીન નેધરલૅન્ડ્ઝના સ્વાતંત્ર્યસંગ્રામના જનક ગણાય છે. માતાનું નામ ઍન. જર્મનીના હાઇડલબર્ગમાં અભ્યાસ કર્યા પછી મૉરિસ પોતાના પિતા સાથે રહેવા નેધરલૅન્ડ્ઝ જતા રહ્યા હતા. 1583માં લંડન યુનિવર્સિટીમાં ગણિત અને પ્રશિષ્ટ સાહિત્યના અભ્યાસાર્થે દાખલ થયા. જુલાઈ, 1584માં પિતાની રાજકીય કારણસર હત્યા થયા પછી માત્ર સત્તર વર્ષની ઉંમર ધરાવતા મૉરિસને નૅધરલૅન્ડ્ઝના સંયુક્ત પ્રાંતોના પ્રમુખ/રાજ્યાધ્યક્ષ નીમવામાં આવ્યા. નવેમ્બર, 1585માં હોલૅન્ડ અને ઝીલૅન્ડ આ બે પ્રદેશોના શાસક (stadtholder) તરીકે પોતાના સ્વર્ગીય પિતાના સ્થાને તેમની વરણી કરવામાં આવી. 1591માં ઉટેચ, ઓવરીસેલ અને ગેલ્ડરલૅન્ડ – આ ત્રણ પ્રદેશ પણ તેમને હસ્તક મૂકવામાં આવ્યા. તે સાથે આ બધા જ પ્રદેશોનાં લશ્કરોના સંયુક્ત વડા (captain general and admiral-general) તરીકે પણ તેમને જાહેર કરવામાં આવ્યા. 1618માં તેમના દૂધભાઈ ફિલિપ વિલિયમનું અવસાન થતાં કાઉન્ટ ઑવ્ નાસાઉના બિરુદની સાથોસાથ પ્રિન્સ ઑવ્ ઑરેન્જનું બિરુદ પણ તેમને પ્રાપ્ત થયું હતું. તેમના કાર્યકાળ દરમિયાન નેધરલૅન્ડ્ઝનાં વ્યાપાર અને રાષ્ટ્રીય આવકમાં નોંધપાત્ર વધારો થયો. વળી તે દેશમાં વ્યાવસાયિક ધોરણે (professional) પગારદાર સૈનિકો ધરાવતું વિશાળ લશ્કર ઊભું કરવામાં મૉરિસ સફળ થયા. તે જમાનામાં યુરોપના દેશોમાં સ્પેનને બાદ કરતાં આટલું સંગઠિત અને શિસ્તબદ્ધ લશ્કર અન્ય કોઈ દેશ પાસે હતું નહિ. વળી પોતાના સૈન્યનો યુદ્ધ દરમિયાન અસરકારક ઉપયોગ કરવાની બાબતમાં મૉરિસે રોમન લશ્કરના સિદ્ધાંતોનું અનુસરણ કર્યું હતું તથા અદ્યતન શસ્ત્રસરંજામ પ્રાપ્ત કરવાનો અભિગમ સ્વીકાર્યો હતો. તેમણે પોતાના લશ્કરી આયોજનમાં પણ ઘણા સુધારાવધારા દાખલ કર્યા હતા. પરિણામે તેમના નેતૃત્વ હેઠળ નેધરલૅન્ડ્ઝનું જે લશ્કર ઊભું થયું હતું તે એ પછીના ગાળામાં અત્યંત ચપળ, ગતિશીલ અને વિશ્વસનીય સાબિત થયું હતું. લશ્કરની એક અગત્યની પાંખ તરીકે બળવાન અશ્વદળ રચવાની બાબતમાં પણ મૉરિસે કોઈ કસર કરી ન હતી. આને કારણે 1597ના ટર્નહાઉટ ખાતેના યુદ્ધમાં તથા 1600ના ન્યૂપૂર્ટ(Nieuwpoort) ખાતેના યુદ્ધમાં સ્પેનના અશ્વદળ કરતાં મૉરિસનું અશ્વદળ ચઢિયાતું સાબિત થયું હતું.
1587ના અંતભાગમાં અંગ્રેજોનું લશ્કર તે પ્રદેશમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યા પછી મૉરિસ તે પ્રદેશમાં લશ્કરની વ્યૂહરચનાની બાબતમાં વધુ સક્રિય બન્યા હતા. ત્યારબાદ તે પ્રદેશમાંથી સ્પેનના લશ્કરને પણ ખસેડી લીધા પછી મૉરિસના લશ્કરે ઉત્તર અને પૂર્વ તરફના પ્રદેશો જીતી લીધા હતા તથા 1588થી આજુબાજુના દરિયાઈ વિસ્તારો પર પણ નેધરલૅન્ડ્ઝનું આધિપત્ય દાખલ કરવામાં સફળતા મેળવી હતી.
1590માં મૉરિસે બ્રેડા નગર જીત્યું. 1591માં માત્ર સાત દિવસની લડાઈના અંતે ઝુટફેન અને અગિયાર દિવસની લડાઈના અંતે ડેવેન્ટર નગર પર કબજો કર્યો હતો. આ બંને લશ્કરી અભિયાનો દરમિયાન તેમણે તોપખાનાનો વિશેષ કુશળતાથી ઉપયોગ કર્યો હતો.
1591ના ઑગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન વૉલ નદીના સામેના કાંઠા પર ગોઠવાયેલા સ્પેનના લશ્કરનો સામનો કરવા માટે પોતાના તરફના કાંઠા પરની વિવિધ પ્રકારની વ્યૂહરચનાની પસંદગીમાં પણ મૉરિસનું યુદ્ધકૌશલ નજરે પડ્યું હતું. તેમણે હલ્સ્ટ નગર માત્ર પાંચ દિવસમાં જીતી લીધું હતું.
1592થી 1596ના ચાર વર્ષના ગાળામાં મૉરિસે અનેક લશ્કરી અભિયાનોનું નેતૃત્વ કર્યું અને તે દરેકમાં તેમનો વિજય થયો હતો. ઉત્તર તરફના બધા જ પ્રદેશો તેમના સ્વામિત્વ હેઠળ આવી ગયા. ત્યારબાદ દક્ષિણ તરફના પ્રદેશો પર વર્ચસ્ જમાવવા માટે તેમણે પોતાની સેનાને સઘન લશ્કરી તાલીમ આપી હતી. જાન્યુઆરી, 1597માં તેમણે ટર્નહાઉટના યુદ્ધમાં સફળતા મેળવી હતી. સ્પેનના 6,000 સૈનિકોમાંથી આશરે 2,500 સૈનિકો ધરાશાયી થયા હતા અથવા તેમને યુદ્ધબંદી તરીકે પકડી લેવામાં આવ્યા હતા, જેની સામે મૉરિસની લશ્કરી ખુવારી માત્ર 100 સૈનિકોની જ હતી.
જુલાઈ 1600માં સ્પેન સાથે થયેલ ન્યૂપૂર્ટ ખાતેના યુદ્ધમાં મૉરિસને મળેલી સફળતા તેમની કારકિર્દીમાં યશકલગીરૂપ ગણવામાં આવે છે. આ યુદ્ધમાં સ્પેનના લશ્કરના 3,500 સૈનિકો મરાયા હતા, જેની સામે મૉરિસના લશ્કરના માત્ર 2,000 સૈનિકો મોતને ભેટ્યા હતા. 1604–07 દરમિયાનનાં ત્રણ વર્ષોમાં મૉરિસના નેતૃત્વ હેઠળના નૌકાદળે પણ નોંધપાત્ર કામગીરી કરી હતી.
આ બધાં યુદ્ધોના અંતે મૉરિસની ઇચ્છા વિરુદ્ધ સ્પેન અને ડચ શાસકોએ બાર વર્ષ(1609–21)ની શાંતિ સંધિ કરી હતી, જે 1621 પછી તાજી કરવાનો મૉરિસે ઇનકાર કર્યો હતો. પરિણામે એપ્રિલ 1625માં સ્પેન અને ડચ સેનાઓ વચ્ચે ફરી યુદ્ધ ફાટી નીકળ્યું હતું. તેની પૂર્ણાહુતિ થાય તે પહેલાં જ યકૃતની બીમારીથી આ બાહોશ સેનાપતિનું અવસાન થયું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે