મૉરિસ, વિલિયમ (જ. 24 માર્ચ 1834, લંડન નજીક વૉલ્ધૅમ્સ્ટો; અ. 3 ઑક્ટોબર 1896, લંડન નજીક હૅમરસ્મિથ) : વિક્ટોરિયન રુચિમાં ક્રાંતિ આણનાર તથા આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ મૂવમેન્ટના પ્રણેતા, બ્રિટિશ ડિઝાઇનર, કસબી (craftsman) અને કવિ. તેઓ સમાજવાદી વિચારસરણીના તરફદાર હતા. ઇંગ્લૅન્ડના એપિન્ગ (Epping) જંગલની દક્ષિણી ધારે વસેલા એક સંપન્ન કુટુંબમાં તેઓ જન્મેલા. 1847માં 13 વર્ષની ઉંમરે તેમણે માર્લબરો કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં વિતાવેલાં 6 વરસમાં મૉરિસના કહેવા મુજબ કશું જ શીખવા મળ્યું નહિ, કારણે કે કશું જ શીખવવામાં આવતું નહોતું !

1853માં ઑક્સફર્ડ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો અને અહીં એડ્વર્ડ જોન્સ સાથે ભેટો થયો. બંને પછીથી ગાઢ આજીવન મિત્રો થયા. [એડ્વર્ડ જોન્સ પછીથી બર્ન-જોન્સ(Burne-Jones)ના નામે ચિત્રકાર અને ડિઝાઇનર તરીકે વિખ્યાત થયા.] અહીં જૉન રસ્કિનના પુસ્તક ‘ઑન ધ નેચર ઑવ્ ગૉથિક’ની મૉરિસ પર પ્રગાઢ અસર થઈ. 1856માં અભ્યાસ પૂરો કરીને ગૉથિક પુનરુત્થાનવાદી સ્થપતિ જી. ઈ. સ્ટ્રીટની ઑક્સફર્ડ ઑફિસમાં નોકરી મેળવી. એ જ વરસે ‘ધ ઑક્સફર્ડ ઍન્ડ કેમ્બ્રિજ મૅગેઝિન’માં મૉરિસની ઘણી કવિતા પ્રકટ થઈ. 1858માં મૉરિસનું પ્રથમ પુસ્તક ‘ધ ડિફેન્સ ઑવ્ ગ્વેનેવિયર (Gaenevere) ઍન્ડ અધર પોએમ્સ’ પ્રકટ થયું.

વિલિયમ મૉરિસ

એ પછી જી. ઈ. સ્ટ્રીટ અને બર્ન-જોન્સ સાથે મૉરિસે ઉત્તર ફ્રાંસ અને બેલ્જિયમની મુલાકાત લીધી. અહીં મધ્યયુગનાં એમીન્સ (Amiens), શાર્ત્ર (Chartres) અને રૂઓ (Rowen) કેથીડ્રલો નિહાળીને મૉરિસનો ગૉથિક કલા પ્રત્યેનો પ્રેમ ર્દઢીભૂત થયો. આ જ સમયે તે પ્રિ-રફાયેલાઇટ (Pre-Raphaelite) ચિત્રકાર દાંતે ગ્રેબિયલ રોસેતીની ગાઢ અસર હેઠળ આવ્યા. રોસેતીએ મૉરિસને સ્થાપત્ય પડતું મેલીને ચિત્રકળાની સાધના કરવા ઉત્તેજન આપ્યું અને ઑક્સફર્ડ યુનિયનની દીવાલો પર પંદરમી સદીના ઇંગ્લિશ લેખક સર ટૉમસ મેલોરીની આર્થર-કથાઓ ‘લ મોર્ટે ડાર્થર’ પર આધારિત ચિત્રો ચીતરનારા જૂથમાં જોડાવા આમંત્રણ આપ્યું. આ શ્રેણીમાં મૉરિસે ચીતેરલાં ચિત્રોમાંથી માત્ર એક ‘ક્વીન ગ્વેનેવિયેર’ જ આજે લંડનની ટેટ (Tate) ગૅલેરીમાં બચ્યું છે. આ ચિત્ર માટે મૉડલ તરીકે ઑક્સફર્ડની એક રૂપાળી યુવતી જેઈન બર્ડન હતી. તેની સાથે 1859માં મૉરિસે લગ્ન કર્યું; પરંતુ આ લગ્નથી બંને દુખી થયાં.

1856થી 1859 લગી બર્ન-જોન્સ સાથે મૉરિસે ભાગીદારીમાં લંડનમાં સ્ટુડિયો રાખ્યો અને અહીં મધ્યયુગીન શૈલીમાં ફર્નિચર ડિઝાઇન કર્યું. 1861માં મૉરિસે ‘ફાઇન આર્ટ વર્કમૅન’ નામની પેઢી સ્થાપી, જે પછીથી ‘માર્શલ, ફૉકનર ઍન્ડ કંપની’ તરીકે નામાભિધાન પામી. આ પેઢીમાં ફૉર્ડ મેડૉક્સ બ્રાઉન, દાંતે ગ્રેબ્રિયલ રોસેતી, ફિલિપ વેબ અને બર્ન-જોન્સ જોડાયા. આ પેઢી મધ્યયુગીન ગૉથિક શૈલીમાં ફર્નિચર સ્ટેન્ડ-ગ્લાસ-બારીઓ અને ભરતગૂંથણની રચનાઓ કરવામાં ખ્યાતિ પામી. આ પેઢીને સ્કારબરો ખાતે જી. એફ. બૉડલીએ નવા બાંધેલા ચર્ચ સેન્ટ માર્ટિન ઑન ધ હિલ અને અન્ય ચર્ચમાં સુશોભન-કાર્ય મળ્યું. એ બધામાં તેમજ કેમ્બ્રિજ ખાતેના જિસસ કૉલેજ ચૅપલની સ્ટેન્ડ ગ્લાસ બારીઓ આ પેઢીના ડિઝાઇનના નમૂનાઓમાં ઉત્તમ ગણાય છે. જિસસ કૉલેજ ચૅપલની છત મૉરિસ અને વેબે ચિત્રિત કરી છે.

1865માં કામના વધુ પડતા ભારને લીધે મૉરિસને રૂમૅટિક (rheumatic) તાવનો હુમલો આવ્યો. મૉરિસના ક્રોધી સ્વભાવ, જડ વર્તન તથા રોસેતીના પોતાના પ્રત્યેના પ્રેમદર્શનને કારણે પત્ની જેઈન માનસિક હતાશાનો ભોગ બની. આ સમયે મૉરિસે વૉલપેપરની ડિઝાઇનના પ્રથમ નમૂના બનાવ્યા અને દસ વરસ પછી તેમણે તેના શ્રેષ્ઠ નમૂના સર્જ્યા.

કવિ તરીકે મૉરિસની પ્રથમ સફળતા 1867માં પ્રકાશિત ‘ધ લાઇફ ઍન્ડ ડેથ ઑવ્ જેસોન’ કૃતિને ગણવામાં આવે છે. જોકે આજે આ કાવ્ય આધુનિક રુચિને ફિક્કું (tennos) જણાય. તેમાંની સુષ્ઠુ શબ્દાવલિ અને જોડકણા જેવી કડીઓમાં દર્દજનક લાગણીઓને સાવચેતીપૂર્વક ટાળવામાં આવી છે. મધ્યયુગીન દંતકથાઓ પર આધારિત કથાકાવ્યો ‘ધી અથર્લી પૅરેડાઇઝ’(1868–70)માં પણ આ જ લક્ષણો જોવા મળે છે. આ કૃતિનો શ્રેષ્ઠ ભાગ તેનો પ્રારંભ છે, જેમાં મૉરિસ પોતાની અંગત જિંદગીના અસંતોષનો થોડો અણસાર આપે છે. આ પછી મધ્યયુગીન કથાઓ પર આધારિત મહાકાવ્ય (epic) ‘સ્ટૉરી ઑવ્ સિગર્ડ ધ વૉલ્સન્ગ ઍન્ડ ધ ફૉલ ઑવ્ ધ નિબ્લન્ગ્સ’ 1876માં પ્રક્ટ થયું.

1871માં મૉરિસે આઇસલૅન્ડની પ્રથમ મુલાકાત લીધી. આ સમયની મૉરિસની વર્ણનાત્મક વાસરીમાં તેમનું શ્રેષ્ઠ શક્તિશાળી ગદ્ય પ્રકટ્યું. 1874માં મૉરિસે ડિઝાઇન વ્યવસાયની પોતાની પેઢીનું પુનર્ગઠન ‘મૉરિસ ઍન્ડ કંપની’ના નામ હેઠળ કર્યું. 1875માં મૉરિસે વનસ્પતિજન્ય (vegatable) રંગોના ક્રાંતિકારી પ્રયોગો કર્યા. 1881માં તેના ફળસ્વરૂપે વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરી બનાવાયેલા ગાલીચા તથા પડદાનું કાપડ બજારમાં મુકાયું. બ્રિટનના મધ્યકાલીન કેથીડ્રલ તથા કિલ્લાઓના સંરક્ષણ અને સમારકામ માટે મૉરિસે 1877માં ‘સોસાયટી ફૉર ધ પ્રોટૅક્શન ઑવ્ એન્શિયન્ટ બિલ્ડિન્ગ્ઝ’ની સ્થાપના કરી. 1877માં મૉરિસે પોતાનું પ્રથમ જાહેર વ્યાખ્યાન ‘ધ ડેકોરેટિવ આર્ટ્સ’ આપ્યું, જે પાછળથી ‘ધ લેસર (Lesser) આર્ટ્સ’ નામે ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. 1882માં મૉરિસનાં વ્યાખ્યાનોનો સંગ્રહ ‘હોપ્સ ઍન્ડ ફિયર્સ ઑવ્ આર્ટ’ પ્રકટ થયો.

વિલિયમ મૉરિસ-નિર્મિત ચાકળાની એક કલાત્મક ડિઝાઇન

1878માં મૉરિસ હૅમરસ્મિથમાં સકુટુંબ રહેવા ચાલ્યા ગયા. 1883માં હેન્રી મેયર્સ હિન્ડમૅનના ‘ડેમૉક્રૅટિક ફેડરેશન’માં તેઓ જોડાયા (પાછળથી આ સંગઠન ‘સોશિયલ ડેમૉક્રૅટિક ફેડરેશન’ નામે ઓળખાયું. હવે થાક્યા વિના મૉરિસે બ્રિટનના ઔદ્યોગિક વિસ્તારોની મુલાકાતો શરૂ કરી અને સમાજવાદના પ્રચારનો ભેખ લીધો. મૉરિસના સદભાગ્યે સત્તાએ તેમની તરફ કૂણું વલણ દાખવ્યું. ‘બ્લડી સન્ડે’(13 નવેમ્બર, 1887)ના દિને જ્યારે તે પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાર્ડ શૉની સાથે લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર પર પ્રતિબંધિત દેખાવો કરી રહ્યા હતા ત્યારે પોલીસે અન્ય દેખાવકારોને બળપૂર્વક હઠાવ્યા, પણ મૉરિસ અને શૉને જવા દીધા. આપખુદ હિન્ડમૅન સાથે મૉરિસ ઝઘડી પડ્યા અને તેમણે પોતાના સંગઠન ‘સોશિયાલિસ્ટ લીગ’ની સ્થાપના કરી, તથા તેના મુખપત્ર ‘ધ કૉમન વિલ’નું પ્રકાશન શરૂ કર્યું. તેમાં મૉરિસનાં બે શ્રેષ્ઠ કાવ્યો ‘અ ડ્રીમ ઑવ્ જૉન બૉલ’ (1886–87) અને ‘ન્યૂઝ ફ્રૉમ નોવ્હેર’ (1890) છાપ્યાં. આ પછી તેમણે લંડનમાં હૅમરસ્મિથ સોશિયાલિસ્ટ સોસાયટીની સ્થાપના કરી.

1891માં મૉરિસે ટાઇપ-ડિઝાઇનર અને છાપકામ-નિષ્ણાત એમેરી વૉકરના સંગાથમાં કેમ્સ્કૉટ (Kelmscott) પ્રેસની સ્થાપના કરી. સાત વરસના ગાળામાં આ પ્રેસે 66 પુસ્તકો ડિઝાઇન કરીને છાપ્યાં. મૉરિસે ત્રણ પ્રકારનાં બીબાંની ડિઝાઇન કરી.

1. 15મી સદીના ફ્રેંચ ડિઝાઇનર નિકોલસ જેન્સન પરથી સ્ફુરિત ગોલ્ડન ટાઇપ.

2. 15મી સદીના જર્મન પ્રિન્ટરો પર આધારિત ટ્રૉય ટાઇપ અને

3. ટ્રૉય ટાઇપ પર આધારિત ચૉસર ટાઇપ (Chaucer).

ગ્રંથ ‘ધ વર્કસ ઑવ્ જોફ્રે ચૉસર’ ચૉસર ટાઇપમાં છાપવામાં આવ્યો છે. આ ગ્રંથ છાપકામકલાના સમગ્ર ઇતિહાસમાં સૌથી સુંદર અને અલંકૃત નમૂનાઓમાંનો એક ગણાય છે.

1896માં નૉર્વેના પ્રવાસ દરમિયાન મૉરિસની તબિયત લથડી. ઘરે પાછા ફરીને શિશિરમાં તેઓ મૃત્યુ પામ્યા. ‘કેમ્સ્કોટ’ પ્રેસમાં ફિલિપ વેબે ડિઝાઇન કરેલ કબરમાં તેમના શબને દફનાવવામાં આવ્યું.

આજે મૉરિસને 19મી સદીના એક સૌથી મહાન પ્રયુક્ત ડિઝાઇનના કસબી અને સમાનાધિકારની તરફેણ કરતા સમાજવાદી તરીકે યાદ કરવામાં અને મૂલવવામાં આવે છે. તેમના એક સમકાલીન પ્રસિદ્ધ કલાવિવેચકનું માનવું હતું કે દુનિયાને કુરૂપ બનાવ્યા વિના લોકો પોતાનું કામ કરી શકે તો જ કલા અંગેની જાગૃતિ આવે. મૉરિસે એમની માન્યતાનું સમર્થન કર્યું હતું.

સ્નેહલ શાહ

અમિતાભ મડિયા