મૉરિસન, ટોની (જ. 18 ફેબ્રુઆરી 1931, લૉરેન, ઓહાયો) : અમેરિકાનાં મહિલા નવલકથાકાર. તેમણે અશ્વેત માટે અનામત એવી વૉશિંગ્ટન ડી.સી.ની યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી અને કૉર્નેલ યુનિવર્સિટીમાંથી 1955માં અંગ્રેજી સાથે અનુસ્નાતક બન્યાં. પછી તેમણે હાર્વર્ડ, યેલ અને ન્યૂયૉર્કની રાજ્ય યુનિવર્સિટીઓ સહિત અનેક યુનિવર્સિટીઓ ખાતે અધ્યાપનકાર્ય કર્યું.

ટોની મૉરિસન

1965માં તે ન્યૂયૉર્ક સિટીમાં રહેવા ગયાં તે દરમિયાન રૅન્ડમ હાઉસમાં સિનિયર સંપાદક તરીકે પ્રકાશનક્ષેત્રે કામગીરી સંભાળી. તે પછી નવલકથાલેખનક્ષેત્રે ઝંપલાવ્યું. તે પ્રથમ કક્ષાનાં સાહિત્યકલાકાર હતાં. તેમણે તેમની પ્રથમ નવલકથા ‘ધ બ્લૂ આઇ’ પ્રગટ કરી (1970). આફ્રિકન–અમેરિકન ગ્રામીણ વસ્તીની વાસ્તવપૂર્ણ કથા તેમણે લાગણીઓમાં અટવાયા વિના તટસ્થ ભાવે આલેખી છે અને તે સમાજના સમૃદ્ધ શબ્દભંડોળનો તેમાં વિનિયોગ કર્યો છે. આધુનિક કાળમાં ગુલામીના દિવસોની યાદ અપાવતા આફ્રિકન-અમેરિકન અનુભવોના તીવ્ર વેદનાસભર નિરીક્ષણ-નિરૂપણ દ્વારા તેમની કાલ્પનિક નવલકથામાં કાવ્યમય તાત્પર્ય સાથે અમેરિકાના વાસ્તવિક પાસાને તેમણે જીવંત શૈલીમાં વણી લીધું છે.

તેમની કૃતિઓમાં ‘ધ બ્લૂ આઇ’ (1970) તથા ‘સાગ ઑવ્ સૉલોમન’ (1977) પ્રારંભકાલીન કથાઓ છે. જ્યારે પછીની બે કૃતિઓ તે ‘ટાર બેબી’ (1981) તથા ‘બિલવ્ડ’ (1987). ‘બિલવ્ડ’ કૃતિ પુલિત્ઝર પ્રાઇઝને પાત્ર ઠરી હતી; આ કથાઓને લીધે તેઓ તેમની પેઢીનાં એક શ્રેષ્ઠ નવલકથાકાર તરીકે સ્થાન અને નામના પામ્યાં. 1993માં તેમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર અપાયો. આવો પુરસ્કાર મેળવનાર તે પ્રથમ અમેરિકાવાસી આફ્રિકન મહિલા હતાં. તેમની ‘જાઝ’ નામક નવલકથા એ જ વર્ષે પ્રગટ થઈ. તેમની બીજી કથા ‘સુલા’ (1973) 1975માં નૅશનલ બુક ઍવૉર્ડ માટે પસંદગી પામી હતી. 1996માં ‘નેશનલ બુક ફાઉન્ડેશન’નો મેડલ મળ્યો. ‘હોમ’ નવલકથા 2012માં પ્રસિદ્ધ થઈ છે. નવલકથાઓ ઉપરાંત તેમણે બે નિબંધસંગ્રહો પણ પ્રગટ કર્યા છે (1992). હાલ 2012માં ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઑવ ફ્રીડમ’ ઍવૉર્ડ એનાયત થયો છે. 2005માં ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ડૉક્ટર્સ લેટર્સની માનદ ઉપાધિ આપી હતી. હાલ તેઓ ઑરલિન કૉલેજમાં પ્રાધ્યાપક છે. 2009માં એમણે સંપાદિત કરેલ નિબંધ સંગ્રહનું નામ છે ‘બર્ન ધીસ બુક’.

મહેશ ચોકસી

બળદેવભાઈ કનીજિયા