મોના લોઆ : પૅસિફિક મહાસાગરમાં હવાઈ (અમેરિકી) ટાપુ પર આવેલો જ્વાળામુખી પર્વત. ભૌગોલિક સ્થાન : આશરે 20° 00´ ઉ. અ. અને 155° 00´ પૂ. રે.. હવાઈ વૉલ્કેનો નૅશનલ પાર્ક ખાતે તેની ઊંચાઈ સમુદ્રસપાટીથી 4,169 મીટરની છે. વળી તે દુનિયાભરનો મોટામાં મોટો જ્વાળામુખી ગણાય છે. તેની ટોચ પર મોકુઆવીઓવિયો નામનું જ્વાળામુખ (crater) આવેલું છે. તેના અગ્નિ ઢોળાવ પર કી લોઆ નામનો જ્વાળામુખી આવેલો છે. કી લોઆ ખાતે નીકળેલા બેઝિક લાવાનું તાપમાન 1,185° સે. જેટલું નોંધાયેલું છે. આ જ્વાળામુખીમાં થયેલું લાંબામાં લાંબા સમયગાળાનું પ્રસ્ફુટન 1855 અને 1856નાં વર્ષોમાં અઢાર મહિના માટે ચાલેલું. પ્રસ્ફુટનની ક્રિયામાં મોટાભાગનો લાવા પર્વતની બાજુઓમાંથી નીકળતો હતો, તેના મથાળા પર, જ્વાળામુખમાંથી નહિ. 1926માં જ્યારે પ્રસ્ફુટન થયેલું ત્યારે નીકળેલા લાવાને કારણે માછીમારોના ગામનો નાશ થયેલો, 1950માં થયેલા પ્રસ્ફુટનથી નજીકનાં ગામડાંઓના કેટલાક ભાગો દટાઈ ગયેલા. 1984માં થયેલા પ્રસ્ફુટનથી હિલો શહેરથી 6.4 કિમી.ના અંતર સુધી લાવા પ્રસરેલો.
ગિરીશભાઈ પંડ્યા