મૉનિઝ, ઍન્ટૉનિયો સિટેનો દ ઍબ્રેવ ફ્રિએર ઇગાસ

February, 2002

મૉનિઝ, ઍન્ટૉનિયો સિટેનો દ ઍબ્રેવ ફ્રિએર ઇગાસ (Moniz, Antonio Caetano De Abrev Freire Egas) (જ. 29 નવેમ્બર, 1874, એવેન્કા, પૉર્ટુગલ; અ. 13 ડિસેમ્બર 1955, લિસ્બન) : સન 1949ના તબીબી અને દેહધાર્મિકવિદ્યાના નોબેલ પારિતોષિકના વિજેતા. તેઓ પૉર્ટુગીઝ નાગરિકતા ધરાવતા હતા. તેમને તીવ્ર મનોવિકારના દર્દીને તેના મગજમાંના શ્વેતદ્રવ્યને કાપીને દૂર કરવાની શસ્ત્રક્રિયા દ્વારા સાજા કરવાની શોધ માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેઓ લિસ્બનની યુનિવર્સિટીમાં ચેતાવિદ્યાના પ્રોફેસર હતા. તેમને મનોલક્ષી શસ્ત્રક્રિયાવિદ્યાના સ્થાપક ગણવામાં આવે છે. તેમણે 1920માં મગજની નસોનાં ચિત્રણો મેળવવાની વાહિનીચિત્રણ-(angiography) નામની પદ્ધતિ વિકસાવી હતી. તેને કારણે ખોપરીમાંના રોગોના નિદાનમાં ક્રાંતિકારી ફરક ઉદભવ્યો છે. સન 1936માં તેમણે તથા અલ્મેઇડા લિમા(Almeida Lima)એ મગજના પૂર્વાગ્રખંડ(prefrontal lobe)ને કાપવાની શસ્ત્રક્રિયા કરી. તેને પૂર્વાગ્રખંડોચ્છેદન (prefrontal lobectomy) કહે છે.

ઍન્ટૉનિયો સિટેનો દ ઍબ્રેવ ફ્રિએર ઇગાસ મૉનિઝ

મગજના અગ્રખંડના બાહ્યક(cortex of the frontal lobe)ના મગજના બીજા એક ભાગ ચેતક (thalamus) સાથેના જોડાણ કરતા ચેતાતંતુઓને કાપવાની શસ્ત્રક્રિયા વિચ્છિન્નમનસ્કતા (schizophrenia)ના દર્દીઓને સામાન્ય માનસિક સ્થિતિમાં લાવવા માટે કરવામાં આવી હતી. તેમાં શ્વેતદ્રવ્ય કાપવામાં આવતું હોવાથી તેને શ્વેતદ્રવ્યછેદન(leucotomy) કહે છે. શસ્ત્રક્રિયાની આડઅસરને કારણે તેમણે તેને સૌથી છેલ્લે વાપરવાની સારવારપદ્ધતિ ગણાવી હતી. તેઓ રાજકીય રીતે પણ સક્રિય હતા અને ઘણી વખત મંત્રીપદે પણ રહ્યા હતા.

શિલીન નં. શુક્લ