મોનખ્મેર : ભારતીય ઉપખંડમાં બોલાતું એક ભાષાકુળ. વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં બોલાતી કેટલીક ભાષાઓનાં મૂળ ભૂતકાળની કોઈ એક ભાષામાં મળે છે. એ ભાષાઓના ઉદભવમૂલક સંબંધને આધારે જગતની ભાષાઓનાં અગિયાર પરિવાર કે કુળો તારવી શકાયાં છે. આવા ચારેક પરિવારોની ભાષાઓમાં – ભારતમાં બોલાય છે એ ચારેક પરિવારોમાં – ભારતીય ઉપખંડમાં વિસ્તરેલું એક ભાષાકુળ તે મોનખ્મેર.
આ ભાષાકુળ ઑસ્ટ્રો-એશિયાટિક ભાષાકુળ તરીકે પણ ઓળખાય છે. ઑસ્ટ્રિક પ્રજા દ્રવિડોની પહેલાં ભારતમાં વસતી હોવાના પુરાવા મળે છે. દ્રવિડો સામે ટક્કર નહિ ઝીલી શકતાં આ પ્રજાએ પર્વતીય પ્રદેશોમાં આશ્રય લીધો, એટલે આ કુળની મોટા ભાગની ભાષાઓ પર્વતીય વિસ્તારોમાં બોલાતી હોવાનું જણાય છે. કેટલાક વિદ્વાનો એવું અનુમાન કરતા જણાય છે કે ઑસ્ટ્રિક પ્રજા પૂર્વમાં હિંદી ચીન તરફ પણ જતી રહી હતી.
ભાષકોની સંખ્યાની ર્દષ્ટિએ આ કુળ મોટું ન ગણાય. આમ છતાં, આ પરિવારની ભાષાઓ આજે મુંડા અને કોલ જાતિની ભાષાઓ તરીકે ટકી રહી છે.
આ કુળની જાણીતી ભાષા મોન છે. આ પરિવારની ભાષાઓ મુખ્યત્વે અગ્નિ એશિયામાં છૂટીછવાયી બોલાતી હોવાના નિર્દેશો મળે છે. મ્યાનમાર (બર્મા), નિકોબાર, વિયેતનામ, કંબોડિયા જેવા એશિયાઈ પ્રદેશો ઉપરાંત ભારતમાં આસામના પહાડી પ્રદેશોમાં તેમજ સિમલા, ગઢવાલ, નેપાળ અને દાર્જીલિંગના પહાડી પ્રદેશોમાં પણ આ પરિવારની ભાષાઓ બોલાય છે. મેઘાલયના ખાસી પહાડો, છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશો અને ક્યાંક મધ્ય ભારતના પહાડી વિસ્તારો તેમ ચેન્નાઈ રાજ્યમાં આ કુળની ભાષાઓ બોલાતી હોવાનું મનાય છે.
દક્ષિણ મ્યાનમારમાં બોલાતી મોન ભાષા; નિકોબાર ટાપુઓમાં બોલાતી નિકોબારી ભાષા; હિંદી ચીનમાં આવેલા કંબોડિયાની કંબોડિયન ભાષા; વિયેતનામમાં બોલાતી વિયેતનામી ભાષા વગેરે આ પરિવારની ખૂબ જ જાણીતી ભાષાઓ છે.
મોનખ્મેર પરિવારની એક શાખા મુંડા ભાષાઓ છે. એમાં મુંડારી, સાંતાલી, કનાપરી, ખાસી, ખારિયા, કોર્કુ, જુઆંગ અને હો જેવી ભાષાઓનો સમાવેશ થાય છે.
મુંડા ભાષા મુખ્યત્વે સિમલા, ગઢવાલ, નેપાળ, દાર્જીલિંગ અને ખાસી પહાડોમાં બોલાય છે. ખાસી મેઘાલયમાં પણ બોલાતી હોવાના નિર્દેશો મળે છે. સાંતાલી ભાષા બિહાર તેમ પશ્ચિમ બંગાળમાં બોલાય છે. કોર્કુ ભાષા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં બોલાય છે. બિહાર-ઓરિસામાં ખારિયા, જુઆંગ અને હો ભાષાઓ બોલાય છે.
આ પરિવારની ભાષાઓની અસર ભારતીય આર્ય કુળની સંસ્કૃત જેવી ભાષા ઉપર જોઈ શકાય છે. તાંબૂલ, નારિકેલ, હરિદ્રા જેવા શબ્દો એ પરિવારની ભાષાઓના છે એ સ્વીકારાયું છે.
ત્રિકમભાઈ નારણભાઈ પટેલ