મૉન : નાગાલૅન્ડના છેક ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 45´ ઉ. અ. અને 95° 00´ પૂ. રે.ની આજુબાજુનો 1876 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આસામ, પૂર્વમાં અરુણાચલ અને અગ્નિમાં મ્યાનમારની સરહદો તથા દક્ષિણે અને પશ્ચિમે રાજ્યનો તુએનસંગ અને મોકાકચુંગ જિલ્લા આવેલા છે. જિલ્લાની મધ્યમાં જિલ્લામથક મૉન નગર આવેલું છે.

મૉન જિલ્લો (નાગાલૅન્ડ)

ભૂપૃષ્ઠજળપરિવાહ : નાગાલૅન્ડનો આ આખોય જિલ્લો લગભગ સંપૂર્ણપણે પહાડી હોવા છતાં આસામની નજીકનો કેટલોક ભાગ મેદાની ભૂપૃષ્ઠવાળો છે, તે નાગિનીમારા અને તિઝિતનાં મેદાનોને નામે ઓળખાય છે. જંગલોનું પ્રમાણ અહીં ઘણું છે, તેમાંથી ગ્રામીણ અને શહેરી સ્તરે જંગલપેદાશોનું ઉત્પાદન લેવાય છે, તેમજ તેનો ઉપયોગ થાય છે. અહીંની અગત્યની નદી દીખુ જિલ્લામાંથી પસાર થઈને આસામમાં બ્રહ્મપુત્રને મળે છે.

ખેતી : પહાડી અને મેદાની ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. અહીં મુખ્ય ઝૂમ પ્રકારની (ખેતરો માટે ભૂમિ બદલતા જઈને થતી) ફરતી ખેતી કરવામાં આવે છે. જિલ્લાના લગભગ 84 % લોકો ખેતીના કામમાં રોકાયેલા છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, બાજરી, મકાઈ, મરચાં અને કપાસનો સમાવેશ થાય છે.

અહીંના લોકોનો મુખ્ય ખોરાક માંસ હોવાથી તેમજ ગોમાંસ સસ્તું પડતું હોવાથી દરેક નાગા કુટુંબ ગાયો અને બળદ પાળે છે. આ પશુઓ ઉપયોગનાં ન રહે ત્યારે માંસ માટે તેમની કતલ કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ માંસ અને ઈંડાં માટે ડુક્કર, મરઘાં અને બતકાં પણ પાળે છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લામાં હજી સુધી કોઈ ઉદ્યોગો સ્થપાયા નથી. અહીંના કેટલાક લોકો તેમના જીવનનિર્વાહ માટે વણાટકામ, લુહારીકામ તથા હસ્તકારીગરીની ચીજો બનાવવાનું કામ કરે છે. અહીંથી કોઈ પણ ચીજની નિકાસ થતી નથી, પરંતુ ચોખા, કઠોળ અને શાકભાજીની આયાત કરવામાં આવે છે.

પરિવહનપ્રવાસન : જિલ્લામથક મૉનથી વાયવ્યમાં જિલ્લા સરહદ નજીક આવેલું નાગિનીમારા અહીંનું એકમાત્ર રેલમથક છે. મૉન દીમાપુર અને રાજ્યના પાટનગર કોહિમા સાથે સડકમાર્ગો દ્વારા જોડાયેલું છે. જિલ્લાનાં માત્ર 19 ગામડાં (17 % ગામડાં) માટે પાકા રસ્તાની સગવડ છે. મૉન, નાગિનીમારા, તિઝિત, ચામ્પાંગ અને વાકેચિંગ અહીંનાં પ્રવાસીમથકો છે. વાકેચિંગ અને ચૂઈ ખાતેના આંગ્તિના મહેલો અહીંનાં જોવાલાયક સ્થળો ગણાય છે. આ જિલ્લામાં દર વર્ષે એપ્રિલના પહેલા અઠવાડિયામાં ઔલિંગનો મહોત્સવ યોજાય છે.

વસ્તી : 2011 મુજબ જિલ્લાની કુલ વસ્તી 2,50,671 જેટલી છે, તે પૈકી 53 % પુરુષો અને 47 % સ્ત્રીઓ છે, તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 93 % અને 7 % જેટલું છે. કુલ વસ્તી પૈકી લગભગ 90 % લોકો અનુસૂચિત જાતિના છે. મૉન એ કોણ્યક નાગાઓનો નિવાસવિસ્તાર ગણાય છે. ધર્મવિતરણ મુજબ અહીં મુખ્ય વસ્તી ખ્રિસ્તીઓની છે, જ્યારે હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ તથા જૈન વસ્તીનું પ્રમાણ ઓછું છે. અંગ્રેજી, કોણ્યક, અંગામી, સીમા અને લોથા અહીં બોલાતી મુખ્ય ભાષાઓ છે. જિલ્લામાં શિક્ષિતોની કુલ સંખ્યા 30 % જેટલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 13 મંડળોમાં અને 4 ગ્રામીણ વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં એક નગર અને 109 ગામડાં છે. વસ્તીની ગીચતાનું પ્રમાણ દર ચોકિમી. દીઠ 84 વ્યક્તિઓનું છે. જિલ્લામાં જાહેર સેવા-સુવિધાનું પ્રમાણ લગભગ આ પ્રમાણે છે : શૈક્ષણિક 91 %, તબીબી : 35 %, પીવાનું પાણી : 100 %, તાર-ટપાલ કચેરીઓ : 14 %, બજાર-હાટડીઓ : 2 %, સંદેશાવ્યવહાર : 15 %, પાકા રસ્તા : 17 %, ઊર્જાપુરવઠો : 94 %.

ઇતિહાસ : મૉન એ રાજ્યના 7 જિલ્લાઓ પૈકીનો એક છે. 1963માં નાગાલૅન્ડ રાજ્યની રચના થઈ ત્યારે કોહિમા, તુએનસંગ અને મોકોકચુંગના માત્ર ત્રણ જ જિલ્લા હતા. વળી 1971 સુધી તો મૉન તુએનસંગ જિલ્લાનો એક ઉપવિભાગ હતો, પરંતુ 1973માં તુએનસંગનું વિભાજન કરી તેના ઈશાન વિભાગનો અલગ મૉન જિલ્લો બનાવાયો છે. મૉનને નાગિનીમારા, ચામ્પાંગ, ચેન, ફોમચિંગ, મૉન સદર અને તિઝિત જેવા ઉપવિભાગોમાં પણ વહેંચેલો છે.

મૉન તથા તુએનસંગના લોકો કોણ્યક નામથી ઓળખાતા પૂર્વ વિભાગીય નાગા જાતિના છે. મૉનમાં વસતા મોટાભાગના લોકો કોણ્યક જાતિના છે, તેમાં પણ ઊંચી કોમ અને નીચી કોમ એવા બે પેટાવિભાગો છે. અહીં વસતી પ્રજા મુખ્યત્વે બહારથી આવીને વસેલી છે. મોટેભાગે તો તેઓ હિન્દી ચીન અને અગ્નિ એશિયાના ભાગોમાંથી મ્યાનમારના માર્ગે આવેલા છે. તેઓ ક્યારે આવ્યા તેની કોઈ જાણકારી નથી, પરંતુ દક્ષિણ તથા પશ્ચિમ ભાગોમાં રહેતા નાગાઓની થોડીઘણી વિગતો મળે છે ખરી.

ગિરીશભાઈ પંડ્યા