મોઢેરા (સ્થાપત્ય અને શિલ્પકલા) : મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાનું એક ઐતિહાસિક નગર અને સોલંકીકાલીન શિલ્પ-સ્થાપત્યશૈલીનું અનુપમ કેન્દ્ર.
પ્રાચીન ગ્રંથોમાં તેનો ‘મોહેરક’, ‘મોઢેરક’, ‘મોહડવાસક’, ‘મોઢેરપુર’ જેવાં નામોથી ઉલ્લેખ થયો છે. મૂળમાં અહીં મોઢ બ્રાહ્મણોનો વસવાટ થયો ત્યારે તે ‘ભગવદગ્રામ’ નામે ઓળખાતું હતું. ધીમે ધીમે તેનો વિકાસ થતાં તે ‘મોહેરક’, ‘મોઢેરક’ વગેરે નામોથી ઓળખાવા લાગ્યું હોવાનું જણાય છે. ઉપલબ્ધ પુરાવસ્તુઓના અભ્યાસ પરથી જણાય છે કે ઉત્તર ગુજરાતમાં કેન્દ્રવર્તી સ્થાને હોઈને મોઢેરાનો એક નગર તરીકે ધીરે ધીરે વિકાસ થયો હતો. અહીંથી મૌર્યકાળ(ઈ. સ. પૂ. ત્રીજી-બીજી સદી)ના તાંબાના આહ્ત સિક્કાઓ અને ક્ષત્રપોના ચાંદીના સિક્કાઓ મળ્યા છે. સંભવત: ગુપ્તકાળ(ઈ. સ.ની ચોથી-પાંચમી સદી)માં અહીં રામકુંડ જેવા ભવ્ય જળાશયની રચના થઈ ત્યારે લોકો કુષ્ઠરોગના નિવારણ અર્થે રામકુંડમાં સ્નાન કરવા આવતા. આ પરંપરા હમણાં સુધી ચાલુ રહેલી જોવામાં આવે છે. એ વખતે આ કુંડની સમીપ સંભવત: કોઈ સૂર્યમંદિર બંધાયું હશે જેના સ્થાને પાછળથી વિશાળ અને ભવ્ય સૂર્યમંદિર બંધાયું હોવાનું જણાય છે. તેની નજીકમાં જ એક પુરાણી વાવ છે.
સ્કન્દ-પુરાણમાં ગુજરાતનાં અનેક ધાર્મિક તીર્થક્ષેત્રોનું નિરૂપણ છે; જેમ કે, કૌમારિકા-ક્ષેત્ર, ધર્મારણ્ય-ક્ષેત્ર, પ્રભાસ-ક્ષેત્ર, વસ્ત્રાપથ-ક્ષેત્ર, દ્વારિકા-ક્ષેત્ર, રેવા-ક્ષેત્ર અને હાટકેશ્વર-ક્ષેત્ર; એમાંનું ધર્મારણ્ય-ક્ષેત્ર તે હાલનું મોહેરક-ક્ષેત્ર છે. કહે છે કે રાવણવધ પછી બ્રહ્મરાક્ષસ-હત્યામાંથી મુક્ત થવા રામ ધર્મારણ્ય આવેલા. ત્યાંની અધિદેવતા શ્રીમાલાની વિનંતીથી તેમણે ધર્મારણ્ય છોડી ગયેલા વિપ્રો તથા વણિકોને ત્યાં પાછા બોલાવ્યા. મોહેરક પાસેનાં 12 ગામ વિદ્વાન બ્રાહ્મણોને આપ્યાં. તેમાં સીતાપુર સમેત 55 ગામ બ્રાહ્મણોને આપ્યાં. અહીં ‘ત્રૈવિદ્ય’ તથા ‘ચાતુર્વિદ્ય’ – એ બંને વર્ગના મોઢ બ્રાહ્મણોનો નિર્દેશ આવે છે. ‘મોહેરક’ એ ‘મોઢેરા’નું સંસ્કારેલું (સંસ્કૃત) રૂપ છે. સ્કન્દ-પુરાણના ત્રીજા બ્રાહ્મણખંડમાં બીજો ખંડ ધર્મારણ્યને લગતો છે. તેના અધ્યાય 2માં મોહેરકની જાહોજલાલીનું વિસ્તૃત વર્ણન છે.
સ્કન્દ-પુરાણનો આ ખંડ સોલંકી રાજા કુમારપાલના રાજ્યકાળ પછીનો પ્રાય: તેરમા–ચૌદમા શતકનો છે. એના રચના-સમયે આ મોઢેરા ધર્મારણ્ય તીર્થક્ષેત્રનું કેન્દ્રસ્થાન હતું.
જેમ આનંદપુર (વડનગર) નાગરોનું તેમ મોઢેરા મોઢ બ્રાહ્મણો તથા વણિકોનું મૂળ સ્થાન છે. મોઢેરામાં મોઢ બ્રાહ્મણો અને વણિકોની કુળદેવી મોઢેશ્વરીમાતાનું મંદિર આવેલું છે, જેમાં બહુભુજા માતાની ઊભેલી અવસ્થાની ભવ્ય મૂર્તિ છે.
સોલંકીકાળ પહેલાં મોઢેરા જૈન ધર્મનું પણ મહત્વનું કેન્દ્ર હતું. ‘પુરાતન પ્રબન્ધસંગ્રહ’માં જણાવ્યા મુજબ વલભીનો ભંગ (નાશ) થવાની આગાહી થતાં ત્યાંના વર્ધમાનસૂરિ વલભીપુરમાંથી ચાલ્યા ગયા અને એમની સાથે ત્યાંના શ્રાવકોનો સંઘ 18 હજાર શકટોમાં સ્થળાંતર માટે નીકળી પડ્યો ને સલામતી શોધતો શોધતો તે મોઢેરપુર(મોઢેરા)માં જઈ વસ્યો. વલભી-ભંગની ઘટના ઈ. સ. 780માં બની હતી. ‘પ્રભાવકચરિત’માં આવેલા ‘બપ્પભટ્ટિસૂરિચરિત’માં જણાવ્યું છે કે સિદ્ધસેનસૂરિ મોઢેરામાં હતા ત્યારે કનોજનો રાજપુત્ર આમરાજ (નાગાવલોક) અને સૂરિના શિષ્ય બપ્પભટ્ટિ એમની પાસે સહ-અધ્યયન કરતા હતા. બંને વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ હતી ને આમરાજ કનોજનો રાજા થયો ત્યારે તેમણે બપ્પભટ્ટિસૂરિને કનોજ તેડાવી એમનો પ્રવેશ-મહોત્સવ ઊજવ્યો હતો. બપ્પભટ્ટિએ વિ. સં. 807(ઈ સ. 750–751)માં દીક્ષા લીધી હતી ને તેઓ વિ. સં. 895(ઈ. સ. 838)માં કાલધર્મ પામ્યા હતા. ‘પ્રબન્ધકોશ’માં બપ્પભટ્ટિસૂરિના ચરિતમાં એમના ગુરુબંધુ ગોવિંદાચાર્ય અને નન્નસૂરિનો નિવાસ પણ મોઢેરકમાં હોવાનું જણાવ્યું છે. શીલાંકાચાર્યે લખેલી ‘સૂત્રકૃતાંગસૂત્ર’ પરની વૃત્તિમાં મોઢેરકનો નિર્દેશ આવે છે. આ આચાર્યે ‘આચારાંગસૂત્ર’ પરની વૃત્તિ ઈ. સ. 862–876માં લખી હતી. ‘વિવિધતીર્થકલ્પ’માં મોઢેરામાં મહાવીર સ્વામીનું દેરાસર હોવાનો નિર્દેશ આવે છે. જૈનોમાં મોઢેરગચ્છ નામે ગચ્છ પણ હતો. આમ મૈત્રકકાળમાં તથા અનુમૈત્રકકાળમાં મોઢેરા એક મહત્વનું નગર હતું.
એની આ મહત્તા સોલંકીકાળમાં ચાલુ રહી હતી; એટલું જ નહિ, અગાઉના કરતાંય વધી હતી. સોલંકી રાજવંશના સ્થાપક મહારાજાધિરાજ મૂલરાજ પહેલાએ વિ. સં. 1043(ઈ. સ. 987)માં સારસ્વત મંડલમાંના ‘મોઢેરક (અર્ધોનાષ્ટશત = 750) નામે વહીવટી વિભાગમાંનું એક ગામ વર્દ્ધિ-વિષયમાંના મંડલી ગામમાં આવેલા મૂલનાથદેવને અર્પણ’ કર્યું હતું. આ ઉલ્લેખ પરથી મોઢેરા સોલંકીકાળના આરંભમાં 750 ગામોના બનેલા એક મોટા વહીવટી વિભાગનું વડું મથક હતું એ સ્પષ્ટ થાય છે. વિ. સં. 1083(ઈ. સ. 1026–27)માં મોઢેરાના સુપ્રસિદ્ધ સૂર્યમંદિરનું નિર્માણ કે પુનર્નિર્માણ થયું હતું. ગુજરાતમાં વિકસેલી સોલંકી કે ચૌલુક્ય શિલ્પસ્થાપત્ય-શૈલીના અલંકારરૂપ આ ભવ્ય મંદિરે મોઢેરાને પશ્ચિમ ભારતના સ્થાપત્યક્ષેત્રે અગ્રિમ સ્થાન અપાવ્યું હતું.
સૂર્યમંદિર અને તેનું શિલ્પસ્થાપત્ય : પુષ્પાવતી નદીના કાંઠા પાસે પ્રસિદ્ધ સૂર્યમંદિર નજરે પડે છે. એમાં ત્રણ મુખ્ય ઇમારતો આવેલી છે : લંબચોરસ વિશાળકુંડ, કીર્તિતોરણ સાથેનો સભામંડપ અને મૂલપ્રાસાદ; જેમાં મોખરે ગૂઢમંડપ અને એની પાછળ ગર્ભગૃહ છે. મંદિર પૂર્વાભિમુખ છે. પ્રાત:કાળમાં ઊગતા સૂર્યનાં કિરણ સીધાં ગર્ભગૃહ પર પડે છે. ગર્ભગૃહ પરનું ઉત્તુંગ શિખર તેમજ મંડપો પરનાં છાવણ નષ્ટ થયેલ છે. ગર્ભગૃહની અંદર સ્થાપેલી સૂર્યદેવની સેવ્ય પ્રતિમા પણ મોજૂદ રહી નથી. તાજેતરમાં મંડપો પરનાં છાવણના પાટડાઓને પ્રાચીન નમૂનાઓ પ્રમાણે પુનર્નિર્મિત કરીને પાછા ગોઠવી દેવામાં આવ્યા છે.
મૂલપ્રાસાદ અંદરથી લંબચોરસ તલમાન (ground plan) ધરાવે છે. એની લાંબી બાજુઓ ઉત્તરમાં અને દક્ષિણમાં છે. એ પીઠમાં 19.10 મીટર લાંબી અને 11.60 મીટર પહોળી છે. એ લંબચોરસની વચ્ચેના ભાગમાં બંને લાંબી બાજુઓએ ગોખલા કાઢેલા છે. એનાથી મૂલપ્રાસાદ બે સરખા ચોરસ ખંડોમાં વિભક્ત થાય છે. પૂર્વમાં ગૂઢમંડપ અને પશ્ચિમમાં ગર્ભગૃહ, ગૂઢમંડપની પૂર્વે નાની શૃંગારચોકી (મુખમંડપ) છે. એની આગળ બે સ્તંભ છાવણને ટેકવે છે. ગૂઢમંડપનો મધ્યવર્તી ખંડ અષ્ટકોણે ગોઠવેલા આઠ સ્તંભ ધરાવે છે. આ સ્તંભ અષ્ટકોણ છે ને નીચલા ભાગમાં બબ્બે જંઘા ધરાવે છે. ઉત્તર તથા દક્ષિણમાં બબ્બે સ્તંભોથી અલગ પડતા ઝરૂખા છે. ગર્ભગૃહની બાજુએ ચાર સ્તંભ આડી હરોળમાં ગોઠવેલા છે. એ દ્વારા અંતરાલ રચાય છે. આ સ્તંભો નીચેથી સાદા છે ને ઉપલા ભાગમાં પૂર્ણ ઘટ તથા કીર્તિમુખ જેવા સુશોભિત થર ધરાવે છે. સમચોરસ ગર્ભગૃહ અંદરથી 3.36 × 3.36 મીટરનો અને બહારથી 5.22 × 5.22 મીટરનો વિસ્તાર ધરાવે છે. ગર્ભગૃહની આસપાસ 1.15 મીટર પહોળો પ્રદક્ષિણાપથ આવેલો છે. એમાં ચાર-ચાર સ્તંભો વડે નિર્મેલા ગોખલાઓમાં ત્રણ બાજુએ મૂકેલી બારીઓ મારફતે પ્રકાશ પડે છે.
ઊર્ધ્વ દર્શનમાં મૂલપ્રાસાદમાં સહુથી નીચે પીઠ છે, જે 1.50 મીટર ઊંચી છે. એમાં બબ્બે ભદ્ર પ્રતિરથ અને કર્ણ નામે પ્રલંબ કાઢેલા છે. પીઠની ઉપર મંડોવર છે, જે 3.30 મીટર ઊંચું છે. એમાં નીચેથી ઉપર જતાં વેદિબંધ જંઘા અને વરંડિકા નામે ત્રણ ભાગ પડેલા છે. જંઘામાં આદિત્યો, લોકપાલો અને દેવીઓની મોટી આકૃતિઓ કંડારવામાં આવી છે. એની ટોચે ત્રિકોણાત્મક ઉદગમ કાઢેલા છે. મુખમંડપનું છાવણ પડી ગયું છે.
ગર્ભગૃહની પૂર્વ દીવાલના મધ્યમાં પ્રવેશદ્વાર આવેલું છે. દ્વારશાખામાં ગણેશ, કુબેર, દ્વારપાલો, મકરો, વિદ્યાધરો ઇત્યાદિની આકૃતિઓ નજરે પડે છે. એના ઉત્તરાંગમાં વચ્ચે ગણેશ અને બાજુમાં બ્રહ્મા, શિવ અને વિષ્ણુ તથા આદિત્ય દેખા દે છે.
ગર્ભગૃહમાંની સેવ્ય પ્રતિમાનો પત્તો નથી. ભોંયરામાં પ્રતિમાની પીઠ(બેસણી)નો શિલાપટ્ટ છે, જેની ઉપર સૂર્યના સાત અશ્વોની આકૃતિઓ કોતરેલી છે. આ શિલાપટ્ટ ઉપરની છત તૂટી પડતાં નીચે પડી ગઈ હશે; કે એ પહેલેથી ભોંયરામાં જ હશે એ સમજાતું નથી. ગર્ભગૃહની પછીતમાંનો એક પથ્થર જે હાલ ત્યાં ઊંધો ગોઠવેલો છે તેની ઉપર ‘વિક્રમ સંવત 1083’ એટલું જ લખાણ કોતરેલું છે. વિ. સં. 1083(ઈ. સ. 1025–26)નું વર્ષ પ્રાય: સૂર્યમંદિરના પુનર્નિર્માણનું હશે.
મૂલપ્રાસાદની અંદરની લાંબી દીવાલોમાં છ છ ગોખલા છે, જેની અંદર 12 આદિત્યોની પ્રતિમા નજરે પડે છે. આદિત્યો સમભંગ અવસ્થામાં ઊભા છે. તેમના બંને હાથમાં પદ્મ છે ને તેમણે કિરીટમુકુટ, કવચ, અવ્યંગ, ઉત્તરીય, અધોવસ્ત્ર અને લાંબા બૂટ ધારણ કરેલાં છે.
મૂલપ્રાસાદની આગળનો રંગમંડપ થોડા સમય પછી નિર્માયો છે. મંડોવરની વેદિકામાં તથા મુખમંડપોમાંના સ્તંભો પર દિક્પાલો તથા દિક્પાલિકાઓની સુંદર આકૃતિઓ કંડારી છે.
સભામંડપ અને કુંડની વચ્ચે એક કીર્તિતોરણના બે ઉત્તુંગ સ્તંભ (5.00 મીટર ઊંચા) આવેલા છે. એની ઉપરની કમાન મોજૂદ રહી નથી. ઉત્તરપૂર્વમાં એવા બીજા બે સ્તંભ આવેલા છે. ઉત્તરપશ્ચિમમાં એવું બીજું કીર્તિતોરણ હતું જેના ભગ્નાવશેષ ત્યાં ઉપલબ્ધ છે.
એની આગળ વિશાળ લંબચોરસ કુંડ છે, જે મંદિરનીય પહેલાં નિર્માયો લાગે છે. એ 37.50 × 53.80 મીટરનો વિસ્તાર ધરાવે છે. કુંડમાં નીચે ઊતરવાનાં પગથિયાં ને પડથારો છે. પૂર્વ, ઉત્તર અને દક્ષિણ બાજુની મધ્યમાં એકેક નાનું દેવાલય આવેલું છે, જે ગર્ભગૃહ અને શિખર ધરાવે છે. પૂર્વના દેવાલયમાં અનન્તશાયી વિષ્ણુ પોઢેલા છે; દક્ષિણના દેવાલયમાં શીતલામાતાની અને ઉત્તરના દેવાલયમાં નૃત્ય કરતા શિવની મૂર્તિ નજરે પડે છે. કુંડના ચાર ખૂણે એકેક દેરી આવેલી છે. એમાંની દક્ષિણપૂર્વ અને ઉત્તરપશ્ચિમની દેરીઓ પૂરી તૂટી ગઈ છે. બાકીની બે દેરીઓમાં સેવ્ય પ્રતિમા મોજૂદ રહી નથી. પરંતુ એની દીવાલોમાંના ગોખલાઓમાં શિવ, વિષ્ણુ, ચામુંડા વગેરેની પ્રતિમાઓ દેખા દે છે. કુંડમાં આ ઉપરાંત ઇન્દ્રાણી, સૂર્ય, સૂર્ય-નારાયણ, દુર્ગા, બ્રહ્માણી, ત્રિવિક્રમ, નરસિંહ, વાયુ, કાર્તિકેય, ઈશાન, ઇન્દ્ર, અગ્નિ, નિર્ઋતિ, વૈષ્ણવી, યમ, વરુણ, હરિ-હર, કુબેર, ગણેશ, ચામુંડા ઇત્યાદિ દેવ-દેવીઓની પ્રતિમાઓ જોવા મળે છે. સૂર્યમંદિરમાં ઇન્દ્રાદિ દિક્પાલો તથા અપ્સરાઓ અને દેવીઓ ઉપરાંત ભૈરવી, સરસ્વતી, વરાહ, ગણેશ, અર્ધનારીશ્વર, ભૈરવ, કાર્ત્તિકેય, મહિષાસુરમર્દિની, હરિહર-પિતામહ ઇત્યાદિ દેવસ્વરૂપો પણ મૂર્ત કરેલાં છે. સૂર્યમંદિરમાં દેવ-દેવીઓ ઉપરાંત માનવો, પશુઓ, પંખીઓ, ઇતિહાસપુરાણના મહાભારતયુદ્ધના ભીષ્મની બાણશૈયા જેવા કથા-પ્રસંગો, ભોગાસનો તથા અનેકવિધ સુશોભનાત્મક આકૃતિઓ કોતરવામાં આવેલ છે.
આમ મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્ય તથા શિલ્પકલાની ર્દષ્ટિએ, ખાસ કરીને મૂર્તિવિધાનની ર્દષ્ટિએ સોલંકીકાળનો એક અમૂલ્ય ખજાનો છે, જે એની ભગ્નાવસ્થામાં પણ સંખ્યાબંધ કલારસિક પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
મોઢેરા ભારત સરકારના પુરાતત્વ ખાતાનું રક્ષિત સ્મારક છે. અહીં વખતોવખત ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તરફથી શાસ્ત્રીય નૃત્યના જાહેર કાર્યક્રમ યોજાય છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી