રાય, કૃષ્ણદાસ (જ. 1885ની આસપાસ; અ. ? ) : ભારતીય કલા અંગે જાગૃતિ પ્રેરનાર કલામર્મજ્ઞ અને વિદ્વાન તથા વારાણસીના વિશ્વવિખ્યાત મ્યુઝિયમ ‘ભારત કલા ભવન’ના સ્થાપક. બાળપણથી જ કૃષ્ણદાસને ચિત્રો દોરવાનો છંદ લાગ્યો હતો. તરુણવયે તેઓ ચિત્રકાર તો ન બન્યા, પણ કલાપ્રેમ એટલો વધ્યો કે તે કલા-ઇતિહાસકાર અને આલોચક બન્યા. 1910માં અવનીન્દ્રનાથ ટાગોર સાથેની મુલાકાતે કૃષ્ણદાસના જીવનને ચોક્કસ દિશા આપી અને પ્રણાલીગત ભારતીય કલાનું વિરાટ મ્યુઝિયમ ઊભું કરવાની તમન્ના તેમજ પ્રણાલીગત ભારતીય કલાનું ઉચ્ચશિક્ષણ આપતી રાષ્ટ્રીય મહાશાળાની સ્થાપના કરવાની ખ્વાહિશ તેમના મનમાં જાગી. બીજું, યુરોપિયન કલાની ટેક્નીક ભારતીય કલામાં અખત્યાર કરવાથી ભારતીય કલાના મર્મનો અને અભિવ્યક્તિનો નાશ થાય છે તે ખ્યાલ પણ અવનીન્દ્રનાથની મુલાકાતથી સ્પષ્ટ થયો.
આચાર્ય ભગવાનદાસના નિર્દેશથી અને સીતારામ સાહા તથા શિવેન્દ્ર બસુના સહકારથી કૃષ્ણદાસજીએ 1920ની પહેલી જાન્યુઆરીએ ‘ભારત કલા પરિષદ’ની સ્થાપના વારાણસીમાં કરી. તેના ઉદ્દેશોમાં તેમણે પરંપરાગત ભારતીય કલાનો જાહેર જનતાના લાભાર્થે સંગ્રહ (મ્યુઝિયમ) તથા કલાશિક્ષણને તેમજ પ્રણાલીગત ભારતીય સંગીતના શિક્ષણને આવરી લીધાં. ‘ભારત કલા પરિષદ’માં રવીન્દ્રનાથ ટાગોર સભાપતિ તથા અવનીન્દ્રનાથ ટાગોર અને આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ઉપસભાપતિઓ હતા. ‘ભારત કલા પરિષદ’ની સ્થાપના થતાં જ કૃષ્ણદાસે જહેમતપૂર્વક અઢળક નાણાં ખર્ચીને પોતે એકઠાં કરેલાં પ્રાચીન-મધ્યકાલીન શિલ્પો અને ચિત્રો તેને સમર્પિત કરી દીધાં. 1930ની 3જી માર્ચે ‘ભારત કલા પરિષદ’નું નામ બદલીને ‘ભારત કલા ભવન’ રાખવામાં આવ્યું અને પરંપરાગત ભારતીય કલાની આલોચના કરતા પત્ર ‘રૂપમ્’ના સમર્થ કલામર્મજ્ઞ તંત્રી અર્ધેન્દ્રકુમાર ગાંગુલીએ તત્કાલીન સભાપતિની રૂએ તેનું ઉદઘાટન કર્યું.
આ કલા ભવન માટેનું નાણાભંડોળ તેમજ કલાકૃતિભંડોળ ઊભું કરવામાં કૃષ્ણદાસને તેહરી ગઢવાલના રાજા વિચિત્ર શાહ, જોધપુરના રાજાસાહેબ, આઈ.સી.એસ. ઑફિસર નાનાલાલ ચમનલાલ મહેતા, અર્ધેન્દ્રકુમાર ગાંગુલી, ઓમપ્રકાશ ગાંગુલી, છોટુભાઈ દેસાઈ, સીતારામ સાહા, શિવેન્દ્ર બસુ અને જયશંકર પ્રસાદનો સહકાર મળ્યો.
ભારત કલા ભવન પરંપરાગત ભારતીય કલાનાં શ્રેષ્ઠ મ્યુઝિયમોમાંનું એક ગણાય છે. તેમાં 2,000થી વધુ ભારતીય લઘુચિત્રો, કુષાણ-સમયનાં મથુરા-શિલ્પો, ગુપ્ત-શિલ્પો ઉપરાંત ગુપ્તકાલીન સુવર્ણમુદ્રાઓ, મુઘલ સિક્કા તથા ચાંદી, હાથીદાંત, લાકડા અને પિત્તળની કારીગરીની વસ્તુઓનો સંગ્રહ છે.
અમિતાભ મડિયા