મૈથિલી ભાષા અને સાહિત્ય : મૈથિલીએ એની પ્રાચીનતા તેમજ સમૃદ્ધ સાહિત્યિક પરંપરાને કારણે છેલ્લી બે સદીઓથી વિદ્વાનોનું ધ્યાન ખેંચ્યું છે. મૈથિલીને ‘અવહઠ્ઠ’, ‘મિથિલા અપભ્રંશ’ જેવી વિવિધ સંજ્ઞાઓથી ઓળખવામાં આવે છે. જ્યૉર્જ ગ્રિયર્સને ‘મૈથિલી’ નામ પ્રચારમાં આણ્યું.
મૈથિલી ભારતીય-આર્ય ભાષાજૂથની છે અને તે લગભગ 1000 વર્ષથી પ્રવર્તે છે. જેમ મગહી, બંગાળી, આસામી ને ઊડિયાની તેમ આ મૈથિલીની માતૃબોલી છે માગધી. આ માગધી બ્રાહ્મણગ્રંથોમાં નિર્દિષ્ટ ‘પ્રાચ્ય’ બોલીજૂથમાંની એક છે.
મૈથિલી દરભંગા, મધુબની, સમસ્તીપુર, મુઝફ્ફરપુર, વૈશાલી, કટિહાર, સહર્ષા, સીતામઢી, પૂર્ણિયા તથા ખગારિયા જિલ્લાઓ અને મુંઘેરના કેટલાક વિસ્તારોમાં બોલાય છે. નેપાળમાં તરાઈ વિસ્તારના કેટલાક ભાગોમાં પણ તે બોલાય છે. આ મૈથિલીભાષી લોકોની સંખ્યા વિશે મતમતાંતર પ્રવર્તે છે; પરંતુ એક અંદાજ પ્રમાણે મૈથિલી બોલનારાઓની સંખ્યા લગભગ ત્રણ કરોડ જેટલી છે. તેમાં આસામ, પશ્ચિમ બંગાળ, સંથાલ પરગણા અને નેપાળના મૈથિલીભાષી લોકોની સંખ્યા પણ આવી જાય છે.
માગધી અપભ્રંશમાંથી મૈથિલી સીધેસીધી ઊતરી આવી હોઈ તેનો ઇતિહાસ પ્રાચીન ભારતીય આર્ય તેમજ મધ્યકાલીન ભારતીય આર્યભાષા સાથે સંલગ્ન હોવાનું જણાય છે. ઈ. સ. 1300 સુધીમાં મૈથિલી પૂર્ણ વિકાસ પામી ચૂકી હોવાનું જ્યોતિરીશ્વર ઠાકુર (1280–1340)નો ‘વર્ણરત્નાકર’ ગ્રંથ જોતાં પ્રતીત થાય છે. એસ. કે. ચૅટરજી અને ઉમેશ મિશ્ર જેવા ભાષાવિદોએ મૈથિલીનું આગવું મહત્વ પ્રમાણ્યું અને માગધી બોલીઓના વિકાસમાં તેનું મહત્વનું પ્રદાન હોવાનું સ્વીકાર્યું. મૈથિલીને પ્રાચીન સંસ્કાર-સંસ્કૃતિની પરંપરા ધરાવતા વિદ્વાનોએ પ્રેમથી પુરસ્કારી અને તેનું ગૌરવ કર્યું. તેમણે એમનાં સંસ્કૃત લખાણોમાંયે મૈથિલીના શબ્દપ્રયોગો-વાક્પ્રયોગોને વણી લીધા. મધ્યભારતીય આર્યભાષાના અંતિમ અને નવ્ય ભારતીય આર્યભાષાના પ્રારંભિક તબક્કાઓ દરમિયાન ઉપલબ્ધ ‘બૌદ્ધ ગાન ઓ દોહા’ ગ્રંથ મૈથિલીના સ્વરૂપગત અધ્યયન માટેની મૂલ્યવાન સામગ્રી ધરાવે છે. રાહુલ સાંકૃત્યાયન, કાશીપ્રસાદ જયસ્વાલ, સુભદ્ર ઝા અને અન્ય વિદ્વાનોએ એમાંનાં ગાનને મૈથિલીના નમૂનાઓ તરીકે ઓળખાવ્યાં. આમ ઉપર્યુક્ત ગ્રંથ પ્રાદેશિક વિશેષતાઓ ધરાવતા પ્રાચીન મૈથિલીના ગ્રંથ તરીકે સ્વીકૃતિ પામ્યો.
ઉત્તર ભારતની અર્વાચીન ભારતીય આર્યભાષાઓમાં સ્થાન ધરાવતો ‘વર્ણરત્નાકર’ ગ્રંથ સૌથી જૂનો મૈથિલી ગદ્યનો નમૂનો છે.
વિદ્યાપતિ (1360–1448) જેવા કવિના આગમને મૈથિલીને નવું જોમ મળ્યું. વિદ્યાપતિનાં પદોએ બંગાળી અને મૈથિલીના મિશ્રણરૂપ ‘બ્રજબુલી’ નામની વિલક્ષણ કાવ્યભાષાનું નિર્માણ કર્યું, જેમાં પછી લગભગ ચાર સદી સુધી વૈષ્ણવ-ભક્તિની રચનાઓ થવા લાગી. આ મૈથિલીને ઘરઆંગણે તેમજ નેપાળ અને આસામમાં અનેક સ્થાનિક કવિઓની કાવ્યાત્મક તેમજ નાટ્યાત્મક રચનાઓ દ્વારા પોષણ, સંવર્ધન પ્રાપ્ત થયું.
આ મૈથિલી જેવી જીવંત ભાષા પર બહારની વિવિધ ભાષાઓનો પ્રભાવ પડે એ સ્વાભાવિક છે. દ્રવિડ, સંસ્કૃત, સંથાલ, તુર્કી, અરબી-ફારસી, પૉર્ટુગીઝ જેવી ભાષાઓના શબ્દોય મૈથિલીમાં જોવા મળે છે. વળી ભારતીય ભાષાઓ તેમજ અંગ્રેજીનો તો એના પર ઝાઝો પ્રભાવ હોય એ દેખીતું છે. વ્યાકરણી બંધારણની બાબતમાં પ્રાચીન મૈથિલી સંસ્કૃતને અનુસરતી હતી; પરંતુ અંગ્રેજીનો સંપર્ક થતાં મૈથિલીની વાક્યરચના પર, તેના બંધારણ પર તેની અસર થયાનું જોવા મળે છે.
મૈથિલીને બંગાળી અને હિન્દીની બોલી તરીકે ઓળખાવવાની ચેષ્ટાઓ જરૂર થઈ છે; પરંતુ કોલબ્રુક, વિલિયમ કેરી, ગ્રિયર્સન તથા એસ. કે. ચૅટરજી જેવા ભાષાવિદોએ તે એક સ્વતંત્ર ભાષા હોવાનું દર્શાવ્યું છે.
આ મૈથિલીને એક જમાનામાં ‘તિરહૂત’ નામની એની આગવી લિપિ હતી. તિબેટ, નેપાળ અને મિથિલામાં આ તિરહૂત લિપિમાં લખાયેલી અનેક બૌદ્ધ અને તાંત્રિક હસ્તપ્રતો છે. જોકે હવે મૈથિલીએ દેવનાગરી લિપિ અપનાવી લીધી છે.
ગ્રિયર્સનના મતે મૈથિલીને તેના સ્થાનિક ભેદોના આધારે છ વિભાગોમાં વહેંચી શકાય એમ છે. આમ છતાં માન્ય મૈથિલી ભાષા ઉપલા ભદ્ર વર્ગમાં બધે જ બોલાય છે. આ મૈથિલીને સાહિત્યિક ભાષા તરીકે પી. ઈ. એન. અને કેન્દ્રીય સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓએ પણ માન્યતા આપી છે. આ મૈથિલીમાં એવું માધુર્ય, એવી ચમક અને નજાકત છે કે તેને ‘પૂર્વની ઇટાલિયન’ તરીકે પણ બિરદાવવામાં આવી છે.
મૈથિલી સાહિત્યનાં મૂળ નવમી કે દશમી સદી સુધી પહોંચે છે. ‘સિદ્ધ’ નામે ઓળખાતા બૌદ્ધ ભિખ્ખુઓ આધ્યાત્મિક શૃંગારપ્રચુર ગીતો દ્વારા તેમના રહસ્યમાર્ગનો બોધ સૌને કરતા હતા. તે ગીતોમાં તેમજ કવિ ડાક(બારમી સદી)ની રચનાઓમાં મૈથિલીના નમૂના મળે છે. કર્ણાટ વંશ(1097–1324)ના શાસન દરમિયાન મિથિલા સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવતાં તેના સાહિત્યના વિકાસને વેગ મળ્યો. જ્યોતિરીશ્વર ઠાકુરનો ‘વર્ણરત્નાકર’ ગ્રંથ મૈથિલી સાહિત્યના વિકાસનો બળવાન સંકેત આપે છે. આ ઠાકુરે વિદ્યાપતિની કવિ-પ્રતિભાને ખીલવવામાં મદદ કર્યાનું કહેવાય છે.
આ ઠાકુરની ‘ધૂર્તસમાગમ’ રચનાએ મૈથિલી નાટ્યક્ષેત્રને ‘કીર્તનિયા’ પ્રકારનું નવું સ્વરૂપ આપ્યું.
વિદ્યાપતિએ મૈથિલી સાહિત્યને સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડ્યું. તેમનાં રાધાકૃષ્ણવિષયક મધુર પદોએ મિથિલાના જ નહિ, સમગ્ર ઈશાન ભારતના ખેડૂતથી પંડિત સુધીના સર્વ વર્ગોને આકર્ષ્યા. તેમનાં પદોનું વ્યાપક રીતે વૈષ્ણવ કવિઓ અનુસરણ કરતા, તેથી બ્રજબુલીનું વિપુલ કાવ્યસાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. મિથિલામાં તેમનાં હર-ગૌરીનાં તથા ઇહજીવનનાં પદો સવિશેષ લોકપ્રિય થયાં. વિદ્યાપતિનો મૈથિલી સાહિત્ય પર એવો તો ભારે પ્રભાવ પડ્યો કે મધ્યકાલીન મૈથિલી સાહિત્યનો યુગ એમના નામે ઓળખાય છે. જોકે આ ગાળા દરમિયાન વિદ્યાપતિ સિવાય, અમૃતકર, ભીખમ, કંસનારાયણ, ચતુર્ભુજ અને ગોંવિદદાસ (1600–1700) જેવા અન્ય પ્રતિભાશાળી કવિઓ પણ થયા હતા.
વિદ્યાપતિ પછી તુરત ગોવિંદદાસનું નામ લેવાય છે. વિદ્યાપતિની જેમ ગોવિંદદાસ પણ વૈષ્ણવ-સમાજમાં ખૂબ સન્માનનીય હતા. તેમની કવિતામાં વિદ્યાપતિની તુલનામાં કલ્પનાની ઉદાત્તતા, ભાવોર્મિની દિવ્યતા તથા પદાવલિની માવજત સવિશેષ હતી. એમના પછી વિદ્યાપતિથી શરૂ થયેલી વૈષ્ણવ કવિતાની પરંપરા લુપ્ત થાય છે.
સોળમી સદી પછી ઈશાન ભારતમાં નવા પ્રકારનાં નાટ્યસ્વરૂપો પ્રચલિત થયાં; જેમ કે બંગાળમાં ‘યાત્રા’, આસામમાં ‘અંકિયા નાટ’ અને મિથિલામાં ‘કીર્તનિયા’. કીર્તનિયા લોકકથાઓ તેમજ પૌરાણિક કથાઓનો વિનિયોગ કરતું સવિશેષ રોમૅન્ટિક નાટ્યરૂપ હતું. મિથિલા, નેપાળ તેમજ આસામમાં મૈથિલી નાટકનો વિકાસ થયો. મિથિલામાં લખાયેલાં ‘કીર્તનિયા’ નામે ઓળખાતાં નાટકોમાં સંસ્કૃત-પ્રાકૃત ઉપરાંત મૈથિલી ગીતોની ભરમાર જોવા મળે છે. ઉમાપતિ(1620)નું ‘પારિજાતહરણ’ અને રામપતિ(1750)નું ‘રુક્મિણીહરણ’ રંગભૂમિ પર ખૂબ જ લોકપ્રિય થયેલાં. પાછળથી ક્રમશ: સંસ્કૃત-પ્રાકૃત સંવાદો લુપ્ત થતાં આ નાટ્યસ્વરૂપે ઑપેરા કે રાસડાનું રૂપ લીધું. મુસ્લિમોનાં આક્રમણના કારણે મૈથિલીએ નેપાળમાં ઈ. સ. 1533–1768 દરમિયાન મલ્લ શાસનકર્તાઓનો આશ્રય લીધો અને ત્યાં મોટી સંખ્યામાં મૈથિલી નાટકો રચાયાં ને ભજવાયાં. ત્યાંના કેટલાક શાસનકર્તાઓ પોતે મૈથિલી નાટકોના રચયિતાઓ હતા. મૈથિલી નાટકોમાં ગદ્યસંવાદો લાવવાનો પહેલો યશ નેપાળને ફાળે જાય છે. અહીં મિથિલાની સાહિત્યકળાનો નેપાળી રંગભૂમિના કસબ સાથે સમન્વય સધાય છે. વંશમણિ અથવા જગજ્યોતિર્મલ્લની ‘હર-ગૌરી-વિવાહ’ કૃતિ તેનું ઉત્તમ ઉદાહરણ છે. એ જ રીતે આસામમાં રચાયેલાં મૈથિલી નાટકોમાં મિથિલા તેમજ આસામનો સહિયારો રંગ ઊઘડેલો પ્રતીત થાય છે.
અર્વાચીન મૈથિલી સાહિત્યનો આરંભ પ્રમાણમાં મોડો અને નબળો હોવાનું જણાય છે. તેમાંનાં અનેક કારણોમાંનું એક હિન્દીનું પ્રાદેશિક ભાષા તરીકેનું આક્રમણ છે. આ આક્રમણના કારણે મૈથિલી સાહિત્યકારો પોતાની માતૃભાષા મૈથિલીના હિતમાં સભાન અને સક્રિય થયા. વળી અંગ્રેજી કેળવણીનો પ્રભાવ-પ્રસાર મિથિલા-વિસ્તારમાં પ્રમાણમાં ધીમો ને મોડો થયો. ચંદ ઝા (1831–1907) અર્વાચીન યુગની જાગૃતિના પહેલા વૈતાલિક બન્યા. તેઓ અર્વાચીન મૈથિલી સાહિત્યના પિતા ગણાય છે. તેમણે તેમના રામાયણમાં સંગીતાત્મક ઊર્મિકાવ્યો આપ્યાં. એમનું ‘વાતાહવાન’ ઉલ્લેખનીય કાવ્ય છે. વળી ‘અહલ્યાચરિત’ નામે ‘કીર્તનિયા’ નાટક પણ તેમણે આપ્યું. તેમનું ‘મિથિલાભાષા રામાયણ’ શકવર્તી ગ્રંથ ગણાય છે. તેમણે વિદ્યાપતિના ‘પુરુષપરીક્ષા’ નામના સંસ્કૃત ગ્રંથનું ગદ્યમાં ભાષાંતર આપ્યું. તેમણે જનભાષાને પ્રતિષ્ઠિત કરી. તેમણે મિથિલામાં ઇતિહાસ, ભાષા, સાહિત્ય વગેરેમાં સંશોધન, અનુવાદ, સંપાદન વગેરે દ્વારા અર્વાચીન મૈથિલી સાહિત્યની મજબૂત ભૂમિકા રચી આપી. આ ઉપરાંત અન્ય ઉલ્લેખનીય લેખકોમાં હર્ષનાથ ઝા (1847–98), વિંધ્યનાથ ઝા (1867–1912) અને ગણનાથ ઝા(1869–1913)નો સમાવેશ થાય છે.
મૈથિલીમાં ગ્રંથપ્રકાશન તેમજ પત્રકારત્વની પ્રવૃત્તિ શરૂ થતાં મૈથિલી ભાષા-સાહિત્યના વિકાસને વેગ મળ્યો. જયપુરથી ‘મૈથિલી-હિત-સાધન’, મૈથિલી વિદ્વજ્જન સમિતિ તરફથી ‘મિથિલામોદ’ (1906), ‘મિથિલામિહિર’ (1909) જેવાં સામયિકો ચાલવા લાગ્યાં. એમાંયે ‘મિથિલામોદ’ના પ્રતાપે મહામહોપાધ્યાય પરમેશ્વર ઝા (1856–1924), બલદેવ મિશ્ર (1890–1975) અને ઉમેશ મિશ્ર (1895–1967) જેવા લેખકો મળ્યા. એમાંયે મૈથિલી સાહિત્યમાં અર્વાચીનતા પ્રવર્તાવનારાઓમાં સીતારામ ઝા (1891–1975), ‘યાત્રી’ (જ. 1911), જીવન ઝા (1848 –1912) અને રઘુનંદન દાસ(1860–1945)નો ઉલ્લેખ મહત્વનો છે.
પહેલા વિશ્વયુદ્ધ દરમિમાન જ ભારતમાં સ્વાતંત્ર્યના આંદોલને વેગ પકડ્યો. કલકત્તા વિશ્વવિદ્યાલયમાં મૈથિલી ભાષાનું શિક્ષણ અપાવા લાગ્યું. કાલક્રમે પટના વિશ્વવિદ્યાલયમાં પણ તેને સ્થાન મળ્યું. મૈથિલીમાં સાહિત્યિક ગદ્ય પ્રતિષ્ઠિત થયું. જનાર્દન ઝા (1872–1951) અને હરિનંદન ઠાકુર ‘સરોજ’(1908–1945)ની વાર્તાઓ તેમજ નવલકથાઓએ મૈથિલી કથાસાહિત્યનો પાયો નાખ્યો. દરમિયાન લાલદાસ (1856–1911) અને મુકુન્દ ઝા બક્ષી (1860–1938) જેવા સાહિત્યકારોએ મૈથિલી સાહિત્યની પ્રાચીન પરંપરાને જાળવી રાખી. લાલદાસે મહિલાઓને ભારતીય સંસ્કારશિક્ષણ પ્રાપ્ત થાય એ હેતુથી ગદ્યસંવાદોનો ગ્રંથ તેમજ ‘રામેશ્વરચરિત રામાયણ’ (1914) નામનો મહાકાવ્યનો ગ્રંથ આપ્યો.
નવા યુગની સંવેદના મૈથિલી ગદ્ય કરતાં કવિતામાં સવિશેષ ઝિલાઈ છે. યદુનાથ ઝાએ તેમનાં મૈથિલી ઊર્મિકાવ્યોના સંગ્રહ ‘મૈથિલી ગીતાંજલિ’માં મૈથિલી કવિઓને પરંપરાગત વલણો છોડીને નવાં વલણો સાથે કલમ ચલાવવાનો અનુરોધ કર્યો. મૈથિલીમાં એ પછી થોકબંધ રાષ્ટ્રીય કવિતા લખાઈ. એમાં ભુવનેશ્વરસિંગ ‘ભુવન’-(1907–44)ના ‘અષાઢ’ (1936) કાવ્યસંગ્રહે પરંપરાગત ઊર્મિકવિતાનો મૃત્યુઘંટ સંભળાવ્યો.
મૈથિલીમાં હરિમોહન ઝા(1908–84)એ કવિતા, એકાંકી, નવલકથા વગેરેમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમની પ્રથમ નવલકથા ‘ક્ધયાદાન’ મૈથિલીની એક ઉત્તમ નવલકથા લેખાય છે.
મહામહોપાધ્યાય ઉમેશ મિશ્રે મૈથિલી વિદ્વત્તાનો નૂતન યુગ પ્રવર્તાવ્યો. મૈથિલીની જોડણીને, તેની લખાવટને, વ્યવસ્થિત કરવામાં તેમણે તથા પંડિત રામનાથ ઝા(1906–71)એ ‘સાહિત્યપત્ર’ (1937) દ્વારા મહત્વનો ફાળો આપ્યો છે.
ગંગાનંદસિંગ(1898–1978)ની ‘અગિલાહી’ (અલ્લડ કન્યા, 1932) નામની લઘુનવલ મૈથિલી કથાસાહિત્યની એક મહત્વની કૃતિ ગણાય છે. એ પછી યોગાનંદ ઝા(1922–86)એ ‘ભલમાનુષ’ (કુલીન, 1944) નામની સુંદર સામાજિક નવલકથા આપી છે. ઉપેન્દ્ર ઝાએ લગ્નની સમસ્યાને કેન્દ્રમાં રાખીને 1946માં ‘કુમાર’ અને અન્ય નવલકથાઓ આપી છે. એ પછી મહીન્દ્રનારાયણ ચૌધરી (‘રાજકમલ’) (1929–67)એ ‘આદિકથા’(1958)માં નારીની અસ્મિતાનો પ્રશ્ન પ્રભાવક રીતે રજૂ કર્યો છે. વળી દીન-દલિત વર્ગની મહિલાઓની ઉદાત્તતાનું દર્શન કરાવવા માટે માયાનંદ મિશ્રે (જ. 1934) ‘બિહડી, પાત ઓ પાથર’ (1960) અને ‘ખોતા ઓ ચિડાઈ’ (1965) જેવી નવલકથાઓ આપી છે. આ ઉપરાંત આ ક્ષેત્રે લલિત(1932–63)ની ‘પૃથ્વીપુત્ર’ (1965) તથા ધીરેન્દ્ર(જ. 1934)ની ‘ભોરુકાવા’ (‘પ્રભાતતારક, 1965) પણ ઉલ્લેખનીય નવલકથાઓ છે.
બ્રજેશ્વર વર્મા (‘મણિપદ્મ’) (1918–86) ભૂતકાળના ગ્રામવીરોને અનુલક્ષીને કેટલીક નવલકથાઓ આપે છે. તેમાં તંત્ર ને કામણટૂમણના વસ્તુસંદર્ભો પણ પ્રયોજાય છે. ‘અર્ધનારીશ્વર’ (1968) નેપાળના તરાઈ વિસ્તારના મૈથિલી જનજીવનને અનુલક્ષીને રચાયેલી તેમની જાણીતી કૃતિ છે. આ ઉપરાંત આ નવલકથાપ્રવાહમાં દીનદલિત જીવનનો ચિતાર આપતી રામાનંદ રેણુ(જ. 1934)ની કૃતિ ‘દૂધ-ફૂલ’ (1967), અને એ રીતે સાંપ્રત જીવનની તાસીર રજૂ કરતી જીવકાન્ત(જ. 1936)ની ‘દુ કુહેસક બાટ’ (1968) તથા પ્રભાસકુમાર ચૌધરી(જ. 1941)ની ‘હમરા લાગ રહબ ?’ વગેરે નોંધપાત્ર નવલકથાઓ છે.
મૈથિલી વાર્તાસાહિત્યમાં નવો ચીલો પાડનાર વાર્તાકાર છે ઉમાકાન્ત ઝા (જ. 1923). તેમના ‘રેખાચિત્ર’(1951)માં આંતરચેતનાપ્રવાહની ટૅકનિકથી રચાયેલી વાર્તાઓ મળે છે. ઉપેન્દ્રનાથ ઝા (‘વ્યાસ’) (જ. 1917)ની ‘રુસલ જામાય’ (1948) તથા લીલી રાય(જ. 1933)ની ‘રંગીન પરદા’(1957)ની વાર્તાઓમાં સમકાલીન જીવનની સમસ્યાઓને કલાત્મક અભિવ્યક્તિ મળી છે. આ ક્ષેત્રે રામાનંદ રેણુ, રાજમોહન ઝા (જ. 1941), જીવકાન્ત તેમજ પ્રભાસકુમાર ચૌધરીની કામગીરી પણ મહત્વની છે.
મૈથિલી નાટ્યક્ષેત્રે પરંપરાગત નાટક પછી જીવન ઝા (1848–1912) તથા રઘુનંદન દાસ ઝાએ અર્વાચીન નાટક માટેનું બુનિયાદી કાર્ય કર્યું. એકાંકી નાટકો પણ રચાવા લાગ્યાં. એમાં તંત્રનાથ ઝા(1909–84)નાં એકાંકી ઉલ્લેખનીય છે. નાટ્યક્ષેત્રે રાષ્ટ્રીય, રાજકીય અને ઐતિહાસિક નાટકોનો જે પ્રવાહ ચાલ્યો તેમાં શારદાનંદ ઝાનું ‘ફેરેર’ (ફરાર, 1950) તથા ગોવિંદ ઝાનું ‘બાસત’ (પવન, 1953) ધ્યાનપાત્ર કૃતિઓ છે. મૈથિલીની પોતાની આગવી રંગભૂમિનો અપેક્ષિત વિકાસ ન થયો હોઈ ઉત્તમ તખ્તાલાયક નાટકોનો અભાવ છે. આમ છતાં જે કેટલાંક મહત્ત્વનાં નાટકો મળ્યાં તેમાં ગુણનાથ ઝા અને ઉદયનારાયણ સિંહાનું પ્રદાન અગત્યનું છે. મહેન્દ્ર માલંગિયાએ મિથિલાની તળભૂમિનું વાતાવરણ લઈ જે સામાજિક નાટકો આપ્યાં તેમાં ‘લક્ષ્મણરેખા ખંડિત’ નાટક નૂતન નારીના ખ્યાલને મૂર્ત કરનારું ઉત્તમ નાટક છે. તેમનાં એકાંકી નાટકો સવિશેષ કાવ્યાત્મક છે. સુધાંશુ શેખર ચૌધરી(જ. 1922)નાં એકાંકી નાટકો રંગભૂમિની ટૅકનિકના પ્રયોગો સાથેના પ્રશિષ્ટ રુચિના નમૂનાઓ છે. ‘શાપાયિત ચાહક જિનગી’ (1975) મૈથિલીનો એક ઉત્તમ એકાંકીસંગ્રહ છે. અન્ય તેજસ્વી નાટ્યકારોમાં અરવિંદકુમાર અક્કુ અને રામદેવ ઝા(જ. 1936)નાં નામો ઉલ્લેખનીય છે. રામદેવ ઝાનું ‘પાઓઇ ઝાઇતા પાથર’ (1976) આધુનિક મૈથિલીની પ્રશિષ્ટ કૃતિ લેખાય છે.
મૈથિલી કવિતામાં બ્લૅન્ક વર્સ અપનાવનાર કવિ તે તારાનાથ ઝા (1909–84). તેમનાં ઊર્મિકાવ્યો, સૉનેટો ઉપરાંત ‘કીચકવધ’ (1937) નામનું મહાકાવ્ય એ મૈથિલી કવિતાને તેમનું મહત્વનું અર્પણ છે. ઈશનાથ ઝા (1907–65) એમની કવિતામાં અંગ્રેજી રોમૅન્ટિક કવિતાનો પ્રભાવ દેખાડે છે. કાશીકાન્ત મિશ્ર (‘મધુપ’) (1906–87) મૈથિલીના એક પ્રૌઢ કવિ તરીકેનું પોતાનું સામર્થ્ય ‘ઝાંકર’ (જંગલ, 1942) અને ‘શતદલ’(1944)માં દર્શાવે છે. ચંદ્રનાથ મિશ્રે (‘અમર’) સમર્થ કવિની શક્તિ એમના ‘ગુદગુદી’ (1945) કાવ્યસંગ્રહમાં બતાવી છે. રાઘવાચાર્ય (1917–81)નાં ઊર્મિકાવ્યોમાં દાહક આક્રોશનો અનુભવ થાય છે. આવા કવિઓની સમાંતરે જ પરંપરાગત કવિઓનીયે જે કામગીરી ચાલી તેમાં ‘એકાવલી પરિણય’ (1942) મહાકાવ્યના કવિ બદરીનાથ, રઘુનંદન દાસ (1860–1945) અને સીતારામ ઝા (1891–1975) સ્મરણીય છે. એમાંય સીતારામ ઝાનાં કાવ્ય વિશેષ હૃદયંગમ છે.
વિદ્યાનાથ મિશ્ર(જ. 1911)નાં ‘ચિત્રા’(1949)નાં કાવ્યોમાં સાંપ્રત પેઢીનાં પ્રશ્ર્નો ને સંવેદનાનું સચોટ નિરૂપણ છે. આ હરોળના અન્ય કવિઓમાં રાઘવાચાર્ય શાસ્ત્રી (1971–81), આરસીપ્રસાદ સિંગ (જ. 1911), રામકૃષ્ણ ઝા (1923–70) અને રાજકમલ ચૌધરી (1929–67) જેવા કવિઓએ નવ્ય કવિતાના પ્રવાહને વિકસાવવામાં ગણનાપાત્ર પ્રદાન કર્યું. રાજકમલે તો ‘સ્વર્ગન્ધા’(1958)માં આધુનિક કવિતાની વ્યાખ્યા કરતી દીર્ઘ ચર્ચા કરી છે. આ કવિઓમાં ઓછી પણ ઉત્કૃષ્ટ કાવ્યરચનાઓ આપનાર કાંચીનાથ ઝા (‘કિરણ’) (1906–29)નો પણ સમાવેશ થાય છે.
પરંપરાનો પ્રભાવ દાખવતી સંસ્કૃતપ્રચુર કવિતા પણ આ ગાળા દરમિયાન સર્જાતી રહી છે. તેમાં અગ્રેસર કવિઓ છે સુરેન્દ્ર ઝા (‘સુમન’) (જ. 1910) અને મધુપ (1906–87). જોકે આ કવિઓમાંયે આધુનિકતાનો પ્રભાવ જોઈ શકાય એમ છે. દીનબંધુ પાઠક(1928–62)નું ‘ચાણક્ય’ (1965) નામનું મહાકાવ્ય રાષ્ટ્રભાવનાનું સમુજ્જ્વલ દર્શન કરાવતી ઉત્તમ કૃતિ છે. વળી મૈથિલી કવિતાક્ષેત્રે અપરાજિતાદેવી (જ. 1926) જેવી થોડી કવયિત્રીઓ પણ મળી છે.
‘મૈથિલી નવકવિતા’(1971)ના સંકલનમાં સમાવિષ્ટ અનેક કવિઓએ ‘મૈથિલી નવકવિતા’ને પોતાની રચનાઓથી સમૃદ્ધ કરી છે. કેટલીક કથનાત્મક કાવ્યકૃતિઓમાં ઉપેન્દ્રનાથ ઝાની રાજા નહુષની કથા પર આધારિત ‘પતન’ (1969) નોંધપાત્ર છે. વળી મૈથિલી કવિતામાં મુક્ત પદ્ય આદિના જે અવનવા પ્રયોગો થયા તે કરનારાઓમાં ‘કાલધ્વનિ’(1966)ના કર્તા અને ‘સહજતાવાદ’ના પુરસ્કર્તા સોમદેવ (1934), ‘એતદર્થ’(1977)ના કર્તા અને ‘તદર્થવાદ’ના પુરસ્કર્તા માર્કણ્ડેય પ્રવાસી (જ. 1942) અને ‘અગ્નિપત્ર’ (1973) આપનારા વીરેન્દ્ર મલ્લિક અગ્રેસર છે. આ ઉપરાંત ‘ધૂમકેતુ’ (જ. 1932), કુલાનંદ મિશ્ર (જ. 1940), ‘નચિકેતા’ (જ. 1952), ધીરેન્દ્ર (જ. 1934), કીર્તિનારાયણ મિશ્ર (જ. 1937) અને ગંગેશ ગુંજન (જ. 1942) આદિ અનેક કવિઓનો મૈથિલી નવકવિતાના વિકાસમાં ફાળો છે. ‘ધુરિ’(1972)માં આ મૈથિલી નવકવિતાનો ચહેરોમહોરો પ્રકાશિત થયેલો જોઈ શકાય છે. આ નવકવિતાના પ્રવાહમાં ‘નાચુ હે પૃથ્વી’(1971)નાં કાવ્યોના સર્જક જીવકાન્ત ‘યાત્રી’ રાજકમલ પછીના સર્વોત્તમ આધુનિક કવિ છે.
આ ઉપરાંત મૈથિલી સાહિત્યમાં પ્રવાસગ્રંથો, સંસ્મરણો, ચરિત્રસાહિત્ય અને વિવેચન જેવાં ગદ્યનાં વિવિધ ક્ષેત્રોમાં પણ કેટલુંક ઉલ્લેખનીય કાર્ય થયું છે. યુરોપવસવાટનાં સંસ્મરણો આપનાર સુભદ્ર ઝા (જ. 1911), જીવન-સંસ્મરણોના આલેખક હંસરાજ (જ. 1938), ‘કિછુ દેખલ, કિછુ સુનત’ (1972) નામનું આત્મચરિત્ર આપનાર ગિરીન્દ્રમોહન મિશ્ર તેમજ સર્જકતા સાથે ઉત્તમ વિવેચનશક્તિ પણ દાખવનારા રામદેવ ઝા (જ. 1936) આ સંદર્ભમાં ઉદાહરણરૂપ છે.
ચન્દ્રકાન્ત શેઠ