મૅસફીલ્ડ જૉન (જ. 1 જૂન 1878, લેડબરી, ઇંગ્લૅન્ડ; અ. 12 મે 1967, ઍબિંગ્ડન, બર્કશાયર) : અંગ્રેજ કવિ, નવલકથાકાર, વિવેચક અને નાટ્યલેખક. 1930માં રાજકવિ (Poet Laureate) તરીકે નિમણૂક; અંગ્રેજી સાહિત્યમાં સૌથી દીર્ઘકાળ સુધી એટલે કે 37 વર્ષ સુધી તેઓ રાજકવિપદે રહ્યા.
13 વર્ષની વયે તેઓ સાગરખેડુ તરીકેના તાલીમાર્થી બન્યા. એ સાગર-સફરમાં એમણે 4 વર્ષ વિતાવ્યાં. એમની નવલકથા તથા કાવ્યો પર નાવિક તરીકેના એમના અનુભવોની ઘણી અસર પડી હતી. મહદંશે તો એ સાગરકવિ તરીકે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા છે. અપંગ, અંધ અને અશક્ત માનવીઓનાં દુ:ખદર્દનું પણ એમની કવિતામાં ગાન છે. શૉર્પશાયરની પ્રજા વચ્ચે તથા સાગરજનો અને ભટકતા મનુષ્યો વચ્ચે ઉદભવતી પ્રેમકથાઓ તથા કરુણાંતિકાઓ પણ એમણે આપી છે.
મૅસફીલ્ડે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ હતો ‘સૉલ્ટ વૉટર બેલડ્ઝ’ (1902) અને એનાથી તેઓ ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. એમની સૌથી વિશેષ ખ્યાતનામ કૃતિઓ છે : ‘એવરલાસ્ટિંગ મર્સી’ (1911), ‘ધ વિડો ઇન ધ બાઇ સ્ટ્રીટ’ (1913) અને ‘રેનાર્ડ, ધ ફૉક્સ’ (1919). આ સર્વે લાંબી કથનાત્મક કાવ્યકૃતિઓ છે. અન્ય કાવ્યસર્જનમાં ‘એ કૉન્સિક્રેશન’, ‘ઑન ગ્રોઇંગ ઓલ્ડ’ અને ‘સી ફીવર’ છે.
એમની લોકપ્રિય નવલકથાઓમાં સાહસકથાઓ ‘સાર્દ હાર્કર’ (1924) અને ‘ધ બર્ડ ઑવ્ ડૉનિંગ’(1933)નો સમાવેશ થાય છે.
મૅસફીલ્ડે ‘સો લાગ ટુ લર્ન’ (1952) નામની આત્મકથા પણ લખી છે.
જયા જયમલ ઠાકોર