મેષરાશિ : ઘેટા જેવો આકાર ધરાવતી પ્રથમ રાશિ. સંસ્કૃતમાં ‘રાશિ’ શબ્દ સમૂહનો દ્યોતક છે. સૂર્યનો ભ્રમણમાર્ગ એટલે ખગોળની ભાષામાં ક્રાન્તિવૃત્ત. તેના જે બાર ભાગ તેમાં અનુક્રમે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ તથા મીનનો સમાવેશ થાય છે. રાશિઓનો વિચાર ઈ. સ. 400 પછી જાણીતો થયો.
ભારતીય વિદ્વાનોએ આ રાશિઓમાંથી પસાર થતા ગ્રહોના કારણે પૃથ્વી ઉપર જે કંઈ ફેરફાર થાય છે તેનું નિરીક્ષણ-પરીક્ષણ કરી કેટલાક સિદ્ધાંતો કર્યા છે. એ રીતે જે રાશિમાં ચંદ્રમા હોય તે રાશિમાં જન્મેલા મનુષ્યની તે રાશિ ગણાય છે.
ભારતીય જ્યોતિષીઓની ર્દષ્ટિએ મેષ રાશિનું સ્વરૂપ આ પ્રમાણે છે : મેષ રાશિ પૃષ્ઠોદય છે. ક્રિય તેની સંજ્ઞા છે. તેનાં બીજાં નામ ‘અજ’, ‘વિશ્વ’, ‘ક્રિય’ ‘તુબૂર’ આદિ છે. તેનો રંગ લાલ છે. તે કઠોર, ચર, ચતુષ્પદ, પર્વતોમાં ઘૂમનારી, લાલ, ઘણો શબ્દ કરનારી, થોડી સંતતિવાળી, પૂર્વદિશાની અધિપતિ, દિવાબલી, પુરુષ, વિષમોદયી અને મેઢાના જેવા રૂપવાળી છે. શરીરમાં તે માથાના ભાગે રહે છે.
તેનો સ્વામી મંગળ છે. તે અગ્નિતત્ત્વવાળી અને પિત્ત પ્રકૃતિની છે. તે ક્ષત્રિય જાતિની તેમજ સમ અંગવાળી છે. કેટલાકના મતે તેનો રંગ પીળો છે. આ બધાંનો ઉપયોગ જ્યોતિષશાસ્ત્રમાં જાતકનાં સ્વરૂપ, ગુણદોષ વગેરે માટે થાય છે.
મનુષ્યના શરીરમાં મેષરાશિ એ માથાનો ભાગ છે. મેષ રાશિમાં સૂર્ય હોય તો તે ઉચ્ચનો અને બળવાન ગણાય છે; પરંતુ મેષ રાશિમાં શનિ હોય તો તે નિર્બળ અને નીચનો ગણાય છે. મેષનો સ્વામી મંગળ છે. મંગળના મિત્રો સૂર્ય, ચંદ્ર મેષમાં હોય તો મિત્ર ક્ષેત્રી ને બળવાન ગણાય છે.
ખગોળશાસ્ત્રમાં મેષારંભનું ખૂબ જ મહત્ત્વ છે. જ્યારે સૂર્ય મેષ રાશિના આરંભમાં આવે છે ત્યારે તે વિષુવવૃત્ત ઉપર આવે છે. જ્યારે સૂર્ય વિષુવવૃત્ત ઉપર હોય ત્યારે રાત્રિ અને દિવસ બંને સરખા પ્રમાણવાળાં રહે છે. મેષથી કર્ક સુધીની ત્રણ રાશિઓમાં એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિમાં સૂર્ય હોય ત્યારે ઉત્તરોત્તર દિવસ મોટો અને રાત્રિ નાની થતી જાય છે. જ્યારે મિથુનના અંત ઉપર આવે ત્યારે તે દક્ષિણ દિશા તરફ ગતિ કરે છે. કર્કારંભ બિંદુને કર્કવૃત્ત કહે છે. કર્ક, સિંહ અને કન્યા – એ ત્રણ રાશિઓ પૂરી કરી સૂર્ય ફરીથી વિષુવવૃત્ત ઉપર આવે છે. રાત્રિ-દિવસ વળી પાછાં સરખાં થાય છે. કન્યા પૂરી થતાં તુલાનો આરંભ થાય છે. એટલે મેષારંભ અને તુલારંભ બિન્દુ પર જ્યારે સૂર્ય હોય ત્યારે તે વિષુવવૃત્ત ઉપર આવે છે. મેષારંભથી કન્યાના અંત સુધીના ભાગને ઉત્તરગોલ અને તુલાના આરંભથી મીનના અંત સુધીના ભાગને દક્ષિણગોલ કહે છે. સૂર્યના રાશિપ્રવેશમાં મેષ, તુલા, કર્ક અને મકર – એ ચાર મહત્ત્વનાં બિન્દુ ગણાય છે. ઋતુઓનો આરંભ પણ સૂર્યના રાશિપ્રવેશથી થાય છે; જેમ કે, મીન-મેષમાં સૂર્ય હોય ત્યારે વસંત ઋતુ ગણાય છે. આમ ખગોળશાસ્ત્રમાં સૂર્યના રાશિપ્રવેશનું બહુ જ મહત્ત્વ છે.
ભારતી જાની