મૅલેકાઇટ : તાંબાનું ધાતુખનિજ. રાસા. બંધારણ : Cu2CO3(OH)2. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો નાના, મોટેભાગે સોયાકાર, અથવા ટૂંકાથી લાંબા પ્રિઝ્મૅટિક અને ફાચર આકારના છેડાવાળા. દળદાર, ક્યારેક જાડી ઘનિષ્ઠ પોપડીઓ રૂપે પણ મળે, તે દ્રાક્ષના ઝૂમખા જેવા કે ગોલક સ્વરૂપની સપાટીઓ રૂપે કે રેસાદાર, પટ્ટાદાર રચનાવાળા પણ હોય. આ ઉપરાંત અધોગામી સ્તંભો સ્વરૂપે સામૂહિક જથ્થામાં મળે, પાતળી પતરીઓ અને ડાઘ રૂપે પણ મળે. યુગ્મતા (100) ફલક પર મળે. પારભાસકથી અપારદર્શક. સંભેદ : પૂર્ણ, (010) ઠીકઠીક. પ્રભંગ : આછા વલયાકારથી ખરબચડો (દળદાર હોય તો). સ્ફટિક બરડ. દળદાર હોય તો ર્દઢ. ચમક : કાચમયથી વજ્રમય (adamantine), રેસાદાર સ્વરૂપો રેશમી કે મખમલ જેવાં; ક્યારેક મંદ અથા મૃણ્મય. રંગ :  તેજસ્વી લીલાથી ઘેરો કે કાળાશપડતો લીલો. ચૂર્ણરંગ : ઓછો લીલો. કઠિનતા : 3.5થી 4. વિ. ઘ. : 4.05 (દળદાર જાતમાં ઓછી ~ 3.6). પ્રકા. અચ. α = 1.655, β = 1.875, γ = 1.909. પ્રકા. સંજ્ઞા : –Ve, 2V ≅43°. પ્રાપ્તિસ્થિતિ : તામ્ર-નિક્ષેપોવાળા ઑક્સિડેશન વિભાગમાં પરિણામી ખનિજ તરીકે બહોળા પ્રમાણમાં મળે. ઍઝ્યુરાઇટ અને અન્ય પરિણામી ખનિજો સાથે તે ઘનિષ્ઠપણે સંકળાયેલું હોય છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., યુરલ પર્વતો, રશિયા, ઝાયર, નૈર્ઋત્ય આફ્રિકા, ઝામ્બિયા, ઑસ્ટ્રેલિયા અને ભારત. ભારતમાં તાંબાના નિક્ષેપો સાથે મૅલેકાઇટ પણ મળે છે. ગુજરાતમાં તે અંબાજી ખાતે મળે છે.

ગિરીશભાઈ પંડ્યા