મેરીલૅન્ડ : યુ.એસ.નું મહત્વનું ઔદ્યોગિક રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 39° 00´ ઉ. અ. અને 76° 45´ પ. રે.ની આજુબાજુનો 27,091 ચોકિમી. (અખાત સહિત 31,600 ચોકિમી.) જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે. તે યુ.એસ.ના પૂર્વ કિનારે ઈશાન તરફ આવેલું છે. તેની ઉત્તરે પેન્સિલવેનિયા, પૂર્વમાં દેલાવર અને ઍટલાંટિક મહાસાગર, દક્ષિણ તેમજ પશ્ચિમે વર્જિનિયા રાજ્યો આવેલાં છે. યુ.એસ.નાં શરૂઆતનાં 13 રાજ્યો પૈકીનું તે એક ગણાય છે. ‘ઓલ્ડ લાઇન સ્ટેટ’ અથવા ‘ફ્રી સ્ટેટ’ તેને અપાયેલાં ઉપનામો છે. બાલ્ટિમોર તેનું મોટામાં મોટું શહેર તેમજ આંતરરાષ્ટ્રીય બંદર છે તથા ઍનાપોલિસ તેનું પાટનગર અને યુ.એસ. અકાદમીનું મૂળ મથક છે. યુ.એસ.નું પાટનગર વૉશિંગ્ટન ડી.સી. મૂળ તેની ભૂમિ પર સ્થાપવામાં આવેલું તેમજ ત્યાંથી જ 1791માં સમવાયતંત્રીય સરકારની રચના કરવામાં આવેલી.

મેરીલૅન્ડ

ભૂપૃષ્ઠ : આ રાજ્યની વચ્ચે ઉત્તર–દક્ષિણ વિસ્તરેલા ચેસપીક અખાતને કારણે તે પૂર્વ અને પશ્ચિમ વિભાગોમાં વહેંચાઈ ગયેલું છે. અખાતમાં આવેલો 60 કિમી.નો અવરોધી ટાપુ અસાટીગ રાષ્ટ્રીય સાગરતટ ગણાય છે. ઍટલાંટિકનું કિનારાનું મેદાન પૂર્વ કિનારાના બધા જ વિભાગને તેમજ પશ્ચિમ કિનારાના થોડા ભાગને આવરી લે છે. તળેટી-વિસ્તારની ટેકરીઓ અને ખીણો મેદાનના પશ્ચિમ ભાગમાંથી વિસ્તરીને મધ્ય મેરીલૅન્ડના ‘બ્લૂ રિજ’(ડુંગરધાર)માં ભળી જાય છે. બ્લૂ રિજની પશ્ચિમે ઍપેલેશિયન ડુંગરધાર અને ખીણ વિસ્તારની સાંકડી પટ્ટી આવેલી છે. હૅગરસ્ટાઉન ખીણપ્રદેશમાં વાડીઓ અને ખેતરો આવેલાં છે. મેરીલૅન્ડની પશ્ચિમ ધારે ઍપેલેશિયન ઉચ્ચપ્રદેશ વિસ્તરેલો છે.

મેરીલૅન્ડ રાજ્યનું મહાનગર બાલ્ટિમોર

અર્થતંત્ર : યુ.એસ.નાં પૂર્વ તરફ આવેલાં રાજ્યોનાં શહેરો પૈકી બાલ્ટિમોર ખૂબ જ વ્યસ્ત રહેતું આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી આ રાજ્યની નાણાકીય બાબતો, ઉત્પાદન અને વેપારમાં તે મોખરાનું સ્થાન ધરાવે છે. બાલ્ટિમોરમાં રડાર અને વીજાણુ-સાધનોનું ઉત્પાદન થાય છે. વૉશિંગ્ટન ડી. સી. નજીક હોવાથી ઘણી સરકારી એજન્સીઓનાં મુખ્ય કાર્યાલયો પણ મેરીલૅન્ડના પ્રદેશોમાં આવેલાં છે. અહીં આવેલી ઘણી કંપનીઓ સરકારને સેવા પૂરી પાડે છે. મરઘાંપાલન અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. રાજ્યના મત્સ્ય-ઉદ્યોગમાં ક્લેમ અને ઑઇસ્ટરનો ફાળો વિશેષ પ્રમાણમાં રહે છે. રાજ્યના મુખ્ય ઉદ્યોગોમાં મરઘાંઉછેર, ડેરી-પેદાશો, યંત્રસામગ્રી, પોલાદ, મોટરગાડીઓ અને તેના ભાગો, વીજળી અને વીજાણુ સાધનો, રસાયણો, માછલી અને શેલફિશના ઉત્પાદનનો સમાવેશ થાય છે.

વસ્તી–જોવાલાયક સ્થળો : 2010 મુજબ મેરીલૅન્ડની વસ્તી આશરે 57,73,552 જેટલી છે. બાલ્ટિમોર, ઍનાપોલિસ, સિલ્વર સ્પ્રિંગ, ડુંડાલ્ક અને બેથિસ્ડા આ રાજ્યનાં મુખ્ય શહેરો છે. ઍનાપોલિસ પાટનગર હોવા ઉપરાંત મહત્વનું નૌકાવિહાર સ્થળ (yachting center) પણ છે. અહીં મેરીલૅન્ડ સ્ટેટ હાઉસ આવેલું છે. 1814માં સ્થપાયેલું યુ.એસ.નું જૂનામાં જૂનું બાલ્ટિમોરનું પીલ મ્યુઝિયમ જાણીતું છે. 1812માં સ્થપાયેલું યુ.એસ.નું જૂનામાં જૂનું રોમન કૅથલિક કથીડ્રલ બેસિલિકા ઑવ્ ધી એઝમ્પ્શન જોવાલાયક છે. આ ઉપરાંત, યુ.એસ. નૌકા અકાદમી, ઍનાપોલિસ (1845), ઘોડદોડ સ્થાન, જૉન હૉપકિન્સ યુનિવર્સિટી, મેડિકલ સ્કૂલ, સંગીત સંસ્થા તેમજ ઍનાપોલિસ સેન્ટ જૉન કૉલેજ અહીંનાં મહત્વનાં સાંસ્કૃતિક સ્થળો છે.

ઇતિહાસ : આ વિસ્તારમાં યુરોપિયનો સર્વપ્રથમ ગયા તે અગાઉ ત્યાં આલ્ગોંકિયન અને સસ્કેહેનૉક ઇન્ડિયનો વસતા હતા. વર્જિનિયાના વિલિયમ ક્લેબૉર્ને 1631માં કેન્ટ ટાપુ પર સર્વપ્રથમ વસાહત સ્થાપેલી. 1632માં ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ પહેલાએ બાલ્ટિમોરના ઉમરાવ સેસેલિયસ કૅલ્વર્ટને મેરીલૅન્ડનું શાસન સોંપેલું. આ રાજ્યનું નામ મેરીલૅન્ડ રાણી હેન્રિટા મૅરિયાના નામ પરથી પાડવામાં આવેલું છે. 1634માં સર્વપ્રથમ અંગ્રેજ કૅથલિકો અહીં વસવા આવેલા. 1788ના એપ્રિલની 28મીએ મેરીલૅન્ડ યુ.એસ.નું સાતમું રાજ્ય બન્યું. 1812ના યુદ્ધ દરમિયાન બાલ્ટિમોરની લડાઈમાંથી ફ્રાન્સિસ સ્કૉટ કીએ પ્રેરણા લઈ ‘The Star Sprangled Banner’ લખ્યું જે પછીથી યુ.એસ.નું રાષ્ટ્રગીત બનેલું છે. 1861–65ના અમેરિકી આંતરયુદ્ધ દરમિયાન મેરીલૅન્ડ અમેરિકી સંઘમાં રહેલું. 1862માં શાર્પ્સબર્ગ નજીક ઍન્ટિયેટમની લડાઈ દરમિયાન મેરીલૅન્ડના પૂર્વ–પશ્ચિમ બંને વિભાગોમાં ભારે તારાજી થયેલી. 1952માં ચેસપીક અખાત પર પુલ ખુલ્લો મુકાયો છે. 1980માં બાલ્ટિમોરના બારાના અંદરના ભાગમાં વેપારી સંકુલ પણ ખુલ્લું મૂકવામાં આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા