મેના (Myna) : Starling નામે ઓળખાતાં વાચાલા (Sturnidae) કુળનાં પંખીઓ. Passeriformes શ્રેણીનાં આ પક્ષીઓ કદમાં નાનાં હોય છે. કેટલીક મેનાનો અવાજ મધુર અને કોમળ હોય છે. આવાં પક્ષીઓ ચમકતા કાળા રંગનાં હોય છે અને તેમના માથા પર ચાઠું હોય છે. સામાન્યપણે તેઓ ગીચ ઝાડીવાળા પ્રદેશોમાં રહેતાં હોય છે. માનવ-વસાહતમાં રહેવાનું પસંદ કરનાર કાબર(common myna)નો અવાજ તીણો અને કર્કશ હોય છે.

1. કાળી મેના (Grackle / Hill myna) : શાસ્ત્રીય નામ; Gracula religiosa indica, અત્યંત સુકોમળ અને મધુર સ્વર; આ મેનાને સહેલાઈથી માણસની બોલી બોલતાં શીખવાડી શકાય છે. જંગલમાં વસતા આ પક્ષીનો આહાર વાનસ્પતિક હોય છે, પરંતુ તે જીવડાં પણ ખાય છે. ઘાસ જેવા વાનસ્પતિક કચરામાંથી બનાવેલ માળામાં 2–3 ઈંડાં મૂકે છે. સંવનનકાળ વસંતઋતુ.

2. પહાડી મેના (Grackle / Hill myna) : શાસ્ત્રીય નામ : Gracula religiosa intermedia. હિમાલયની તળેટીએ મોટે ભાગે અને ભારતના અન્ય જૂજ પહાડી પ્રદેશોમાં પણ ક્વચિત્ જોવા મળે છે. આ મેના બોલતી મેના (Talking myna) તરીકે પ્રખ્યાત છે.

પહાડી મેના

3. કાબરી મેના (Pied myna : શાસ્ત્રીય નામ : Sturnus contra). મધુર અવાજ માટે જાણીતી. ભારતના ઉત્તર અને પૂર્વ ભાગમાં વસે છે. ગુજરાતમાં તે જોવા મળતી નથી. રંગે કાળી, જ્યારે આંખની આસપાસ નારંગી રંગની ખુલ્લી ચામડી હોય છે. ખેતર, વૃક્ષો, બગીચા, જેવાં સ્થળોએ વાસ કરતી આ મેનાની જાત સર્વભક્ષી છે. ફળ અને જીવડાં તેમનો મુખ્ય આહાર. ગામડામાં કાંઠા પર ચરતા ઢોરની સાથે રખડતી જોવા મળે છે. ઘાસ, પાંદડાં જેવા વાનસ્પતિક કચરામાંથી માળો બાંધે છે અને 4-5 ઈંડાં મૂકે છે.

કાબરી મેના

4. તલિયા મેના (Common Indian starling) : શાસ્ત્રીય નામ Sturnus vulgaris poltaratskyi Finsch. યાયાવર પક્ષી. સાઇબીરિયા જેવા મધ્ય એશિયામાં વસતી આ મેના શિયાળામાં ગુજરાતમાં આવીને ઉત્તર ગુજરાત અને અમદાવાદની આસપાસ આવેલી નદી, તળાવની નજદીક વાસ કરતી જોવા મળે છે. વસંત-ઋતુની શરૂઆતમાં તે પાછી ફરે છે. ચમકતા કાળા રંગના, તેના પ્રત્યેક પીંછા પર પીળા લિસોટા દેખાય છે.

5. ગુલાબી મેના / વૈયા (The Rosypastor/Rose coloured starling) : શાસ્ત્રીય નામ : Sturnus roseus. મધ્ય એશિયા અને યુરોપમાં વાસ કરતી આ મેનાને ભારતમાં જુલાઈની શરૂઆતમાં જોઈ શકાય છે. જોકે મોટા ભાગની વૈયા હિમાલય પર્વત ઓળંગીને શિયાળામાં ભારતમાં રહેવા આવે છે. ખેતરો અને વૃક્ષો પર તે વાસ કરે છે. ગુજરાતમાં જુવારના ખેતરમાં તેમને જોઈ શકાય. તેમનો આહાર મુખ્યત્વે અનાજ છે, પરંતુ જીવડાં પણ ખાય. ખાસ કરીને ટોળામાં ફરતા આક્રમક તીડ તેમનો મનગમતો ખોરાક છે.

ગુલાબી મેના

6. બામણી મેના (The black headed myna) : શાસ્ત્રીય નામ. Sturnus pagoerum Gmelin. કાળા રંગની આ મેનાના માથા પર કલગી જેવાં પીંછાં હોય છે. જે ચોટલી જેવાં દેખાય છે. તેથી જ કદાચ આ મેનાનું નામ બ્રાહ્મણી (Brahmini) પાડ્યું હશે. ભારતમાં તે લગભગ સર્વત્ર વસે છે. તે મે-જૂન દરમિયાન ઘાસ-પાંદડાં જેવા વાનસ્પતિક કચરામાંથી ઝાડની બખોલમાં માળો બનાવી 3-4 ઈંડાં મૂકે છે.

બામણી મેના

7. કાબર (The common myna) : શાસ્ત્રીય નામ: Acridotheres tristis tristis. માનવ-વસતિસહિત બધે નજરે પડતું સુપરિચિત પક્ષી. માથું કાળા રંગનું, ચાંચ, આંખ તેમજ પગ પાસેની ચામડી ચળકતી પીળા રંગની, કાબર ઊડે ત્યારે પાંખો પરથી ચમકતો ધોળો પટ્ટો નજરે પડે છે. સ્વભાવ મળતાવડો. મિશ્રાહારી. વડના ટેટા હોય કે ઊધઈ, આનંદથી ખાય છે. ચરતાં ઢોરની આસપાસ ઊડીને, ઢોરના ફરવાથી અસ્તવ્યસ્ત થયેલાં જીવડાંને ભક્ષે છે. બેઠી હોય ત્યારે માથું અને પૂંછડીનાં પીંછાં ઊંચા-નીચા કરતી દેખાય છે. વિશ્રામ લેતી વખતે તીણો અવાજ કરે છે. માનવ-વસતિના સાન્નિધ્યમાં રહેતી કાબર (મેના) નજીક આવેલ ઝાડ, ઘરની દીવાલ કે છતની બખોલમાં, સળી, ઘાસ જેવો કચરો ભેગો કરી માળો બાંધે છે અને 4-5 વાદળી રંગનાં ઈંડાં મૂકે છે. ઈંડાં મૂકવાનો સમય મેથી ઑગસ્ટ સુધીનો.

કાબર

8. ઘોડા કાબર (Bank myna) : શાસ્ત્રીય નામ : (Acridotheres ginginianus) : કાબરને મળતી આવતી આ મેનાનું શરીર ભૂખરા રંગનું, ચાંચ નારંગી, પગ અને પીંછાં કાળાં. નાના ટોળામાં ફરતી દેખાતી આ મેના, રાત્રે પણ ટોળામાં ઝાડ પર આરામ કરતી હોય છે. મે-જૂન મહિનામાં નદીકિનારે આવેલ માટીના ઢગલામાં એક જ જગ્યાએ બધી મેના ભેગી થઈને પોતપોતાનો સ્વતંત્ર માળો બાંધે છે અને 3-5 ઈંડાં મૂકે છે. નદીકિનારે માળો બાંધવાની તેની આદતને લીધે તેને અંગ્રેજીમાં Bank myna કહે છે.

મેનાની બોલવાની ટેવને લીધે, બે પોપટ જોડમાં ફરતા હોય તો તેની માદાને ‘મેના’ તરીકે ઓળખે છે. મહારાષ્ટ્રમાં જોડમાં ફરતા આ પક્ષીયુગ્મ પૈકી નર પોપટને રાધુ અને માદાને મેના કહે છે.

મ. શિ. દૂબળે