ઈસ્ટમૅન, જ્યૉર્જ (જ. 12 જુલાઈ 1854, વૉટરવિલ, ન્યૂયૉર્ક; અ. 14 માર્ચ 1932, ન્યૂયૉર્ક) : છબીકલાને દુનિયાભરમાં લોકપ્રિય બનાવનાર અમેરિકન શોધક, ઉદ્યોગપતિ અને દાનવીર. રૉચેસ્ટરની નિવાસી શાળામાં અભ્યાસ કરીને બૅન્કના સામાન્ય કારકુન તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી. છબીકલાના શોખને કારણે તેમણે તે ક્ષેત્રમાં સંશોધન શરૂ કર્યું. એ જમાનામાં છબી પાડવા માટેની આર્દ્ર પ્લેટ (wet plate) ફોટોગ્રાફરે તાજી જ અંધારા ઓરડામાં બનાવી લેવી પડતી હતી. આથી છબી પાડવાનું સ્ટુડિયોમાં જ અથવા ગામેગામ તંબૂ સાથે ફરતા ફોટોગ્રાફર વડે જ શક્ય હતું. ઈસ્ટમૅને 1880માં સૌપ્રથમ અગાઉથી તૈયાર કરેલ શુષ્ક પ્લેટ (dry plate) ઉપયોગમાં લીધી અને 1888માં ‘કોડાક’ કૅમેરા બનાવ્યો, જેની સાથે 100 ફોટા પાડી શકાય તેવી કાગળ ઉપર ચોડેલી જિલેટિન ફિલ્મ પણ આપવામાં આવતી.
1889માં તેમણે પારદર્શક ફિલ્મ વિકસાવી, કૅમેરા તથા ફિલ્મના નિર્માણ માટે ઈસ્ટમૅન કોડાક કંપની સ્થાપી અને 1900માં ફક્ત એક જ ડૉલરની કિંમતનો, બાળકો પણ છબી લઈ શકે તેવો સરળ ‘બ્રાઉની’ કૅમેરા બનાવ્યો. એમાં ફિલ્મ ભરવાનું તથા કાઢવાનું દિવસના પ્રકાશમાં શક્ય હતું. ફિલ્મનું ડેવલપમેન્ટ અને કાગળ ઉપરનું ફોટાનું પ્રિન્ટિંગ પણ આ કંપની કરી આપતી. આ કારણે છબીકલા લોકપ્રિય બની અને તેનો વ્યાપક ઉપયોગ થતાં છબીકલાનાં સાધનો બનાવતા ઉદ્યોગનો અતિશય વિકાસ થયો. સળંગ ફિલ્મના ઉપયોગને કારણે સિનેઉદ્યોગ પણ વિકસ્યો. ઉદ્યોગમાં વૈજ્ઞાનિક સંશોધનનો ઉપયોગ કરનાર અને કારીગરોને નફાના ભાગીદાર બનાવનાર ઈસ્ટમૅન પ્રથમ હતા. રૉચેસ્ટર યુનિવર્સિટી, મૅસચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી અને બીજી સંસ્થાઓને તેમણે 2.5 કરોડ ડૉલર ઉપરાંતનું દાન કર્યું છે. આપઘાત કરીને તેમણે જીવનનો અંત આણ્યો હતો.
કૃષ્ણવદન જેટલી