મેદસ્વિતા (obesity) (આયુર્વિજ્ઞાન) : વધુ પડતી મેદપેશી તથા આદર્શ વજન કરતાં 20 % વધુ વજનને કારણે ચયાપચયી, શરીર-રચનાલક્ષી અને આયુર્મયાદાલક્ષી વિષમતા ઉત્પન્ન કરે તેવો વિકાર. તેને જાડાપણું અથવા સ્થૂળતા પણ કહે છે. પેટ અને પડખાં(flank)માં મેદનો ભરાવો જાંઘ અને બેઠક વિસ્તારના મેદના ભરાવા કરતાં વધુ નુકસાનકારક હોય છે. આ વિકારની ઘણા વધારે પ્રમાણમાં સારવાર કરવાની હોવા છતાં તેની સારવારનું પરિણામ પૂરતું સારું આવતું નથી. જોકે તેનાં કારણો, તેની સારવાર તથા જોખમો વિશે હાલ વિપુલ માહિતી ઉપલબ્ધ છે.
વધુ પડતી મેદપેશી(adipose tissue)વાળી સ્થિતિને મેદસ્વિતા કહે છે. શરીરમાંની ચરબી(મેદ)ને અતિચોકસાઈથી માપવા માટેની સુવિકસિત તકનીકો ઉપલબ્ધ છે, પરંતુ તેમનો રોજેરોજના નિદાન-સારવાર કાર્યમાં ઉપયોગ થતો નથી. સામાન્ય શારીરિક તપાસ વડે મેદસ્વિતાનું નિદાન કરી શકાય છે. બે સૌથી વધુ વપરાશમાં લેવાતી પદ્ધતિઓ છે. તેમાં એક છે સાપેક્ષ વજન (relative weight, RW) અને બીજી છે દેહદળ – સૂચકાંક(body mass index, BMI)ની ગણતરી.
મોટાભાગના દેશોમાં તેમની પ્રજા પર કરેલા અભ્યાસો પરથી જુદી જુદી ઊંચાઈએ જે સામાન્ય વજન ગણવામાં આવે તેને ઇચ્છિત (desired) વજન કહે છે. તેનાં કોષ્ટકો તૈયાર કરેલાં હોય છે. તેને આધારે ઇચ્છિત વજનની અપેક્ષાએ જે-તે વ્યક્તિનું વજન કેટલું વધુ કે ઓછું છે તેના ટકા ગણી શકાય છે. તેને સાપેક્ષ વજન કહે છે અને તેને ટકા(પ્રતિશત)માં દર્શાવાય છે. તે વ્યક્તિના શરીરમાંના ચરબી (મેદ) તથા સ્નાયુના વજન અંગે કોઈ વિશેષ સૂચન આપતું નથી. દેહદળ સૂચકાંક વ્યક્તિના શરીરમાંના વધારાનો મેદ કેટલો છે તે સૂચવે છે. સામાન્ય BMIનું મૂલ્ય 20થી 25 કિગ્રા./મીટર2 છે. અમેરિકાની આરોગ્યલક્ષી રાષ્ટ્રીય સંસ્થાએ મેદસ્વિતાની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે RW 120 % હોય કે BMI 27 કિગ્રા./મીટર2 કે વધુ હોય તો તે મેદસ્વિતા સૂચવે છે. મેદસ્વિતાને અલ્પ, મધ્યમ અને તીવ્ર મેદસ્વિતા એમ ત્રણ ભાગમાં વહેંચાય છે (સારણી 1).
સારણી 1 : મેદસ્વિતાનું પ્રમાણ
પ્રમાણ | RW (%) | BMI (કિગ્રા./મીટર2) |
અલ્પ મેદસ્વિતા | 120–140 | 27–30 |
મધ્યમ મેદસ્વિતા | 140–200 | 30–40 |
તીવ્ર મેદસ્વિતા | 200 થી વધુ | 40થી વધુ |
બેઠકવિસ્તાર અને જાંઘ કરતાં પેટ અને પડખાંમાં ચરબી વધુ હોય તો તે વધુ જોખમી ગણાય છે. ડુંટી આગળના પરિઘ (પર્યુદર, waist) અને કેડના સાંધા (કટિસંધિ, hip joint) આગળના પરિઘ વચ્ચેનો ગુણોત્તર પુરુષોમાં 1 અને સ્ત્રીઓમાં 0.85થી વધુ હોય તો તે પર્યુદરી મેદસ્વિતા સૂચવે છે અને તેને વધુ જોખમી ગણવામાં આવે છે. આવા દર્દીઓમાં મધુપ્રમેહ, લકવો, હૃદયરોગ તથા વહેલા મૃત્યુનો દર વધુ રહે છે. તેવી રીતે પેટની અંદરના અવયવોની આસપાસ જમા થયેલી ચરબી પેટની દીવાલમાં જમા થયેલી ચરબી કરતાં વધુ નુકસાનકારક છે. અમેરિકામાં આશરે 34 % જેટલી વસ્તી 27થી વધુ BMI અથવા 120 % થી વધુ RW ધરાવે છે. ત્યાંની કાળી સ્ત્રીઓમાં તેનું પ્રમાણ વધુ છે. વળી અમેરિકામાં ધનિક કરતાં ગરીબ પ્રજા વધુ મેદસ્વી હોય છે.
મેદસ્વિતાની આરોગ્ય પર અસર : વધુ પડતા વજનને કારણે માંદગી અને મૃત્યુનું પ્રમાણ વધે છે. જાડી વ્યક્તિઓમાં લોહીનું ઊંચું દબાણ, બીજા પ્રકારનો મધુપ્રમેહ, અતિમેદરુધિરતા (hyper-lipidaemia) એટલે કે લોહીમાં ચરબી(મેદ)નું વધેલું પ્રમાણ, હૃદયની ધમનીનો રોગ, સાંધામાં અપજનનીય રોગો (સાંધાનો ઘસારો), માનસિક અસ્થિરતા, પુરુષોમાં મોટા આંતરડા અને મળાશયનું તેમજ પુર:સ્થ ગ્રંથિ(prostate gland)નું કૅન્સર, સ્ત્રીઓમાં સ્તન, ગર્ભાશય, અંડપિંડ તથા પિત્તાશયનાં કૅન્સર, નસોમાં લોહીના ગઠ્ઠા જામતા હોય એવા રુધિરગુલ્મવિસ્થાનિતાના વિકારો (thrombo-embolic disorders), પિત્તાશયમાં પથરી, જઠરમાંથી અન્નનળીમાં વિપરીત માર્ગે ઍસિડવાળું પ્રવાહી ચડવાનો વિકાર તથા કેટલાક પ્રકારના ચામડીના રોગો વગેરે વધુ પ્રમાણમાં થાય છે. મેદસ્વી વ્યક્તિને શસ્ત્રક્રિયા વખતે અને પ્રસૂતિ સમયે વધુ જોખમ રહે છે. વળી તેઓની શ્વસનક્ષમતા તથા અંત:સ્રાવી ગ્રંથિતંત્ર (endocrine system) વિષમ બને છે. તેમના પેશાબમાં પ્રોટીન વહે છે અને તેમના લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે. યુવાન જાડી વ્યક્તિઓમાં દરેક પ્રકારના રોગોમાં માંદગીની તીવ્રતા વધે છે અને હૃદયના રોગને કારણે મૃત્યુદર પણ વધે છે. આ પ્રકારનો વધારો તેમની મેદસ્વિતાની તીવ્રતાને અનુરૂપ હોય છે. ઉંમર વધતાં વધુ પડતું વજન મૃત્યુદર વધારતું નથી અને 75 વર્ષ પછી મૃત્યુદર પર તેની ખાસ અસર નથી.
કારણવિદ્યા : વધુ પડતી કૅલરીવાળો આહાર, બેઠાડુ જીવન તથા જનીની બંધારણને કારણે મેદસ્વિતા થાય છે, બાળપણમાં જે વાતાવરણમાં ઉછેર થયો હોય તેને મેદસ્વિતા સાથે સીધો સંબંધ નથી. હાલ BMI અને બાળપણમાંના વાતાવરણ વચ્ચેના સંબંધ સમજવામાં સ્પષ્ટ થયેલું છે કે 50 %થી 75 % કિસ્સામાં જનીનીય કારણોસર મેદસ્વિતા થાય છે. પ્રાણીઓ (દા.ત., ઉંદરડી, mice)માં લેપ્ટિન નામનો પ્રોટીનને બનાવતો જનીન વિકૃત હોય તો મેદસ્વિતા થાય છે. લેપ્ટિનના સ્વીકારકો ઉંદરના મગજમાં આવેલા અધશ્ચેતક (hypothalamus) નામના વિસ્તારમાં હોય છે અને તે ‘સંતોષ’ થયાની ભાવના સાથે સંબંધિત ગ્લુકેગોનસમ પેપ્ટાઇડ-1 (glucagon – like peptide-1, GLP–1) નામના સંતોષકારક ઘટક સાથે સંકળાયેલો હોય છે. માણસમાં પણ આવો જ એક જનીન છે. આ ઉપરાંત માણસમાં મેદપેશીમાંના B3-સ્વીકારક માટેનો જનીન જ્યારે વિકૃત થાય ત્યારે પણ મેદસ્વિતા થાય છે. તેથી હાલ હવે મનાય છે કે શરીરમાં ચરબીની જમાવટમાં ઘણી વખતે વ્યક્તિ પોતે જવાબદાર નથી હોતી, પણ તેના જનીનો આવી સ્થિતિ સર્જે છે.
તબીબી ચકાસણી : મેદસ્વિતાની શરૂઆત, વજનના વધઘટની માહિતી, કુટુંબમાં તેનું પ્રમાણ, ખાવા તથા શ્રમ અંગેનું વલણ અને વર્તન, વ્યવસાય, તમાકુ તથા દારૂનો ઉપયોગ, અગાઉ વજન ઘટાડવાના કરેલા પ્રયત્નોનાં પરિણામ તથા મનોવૈજ્ઞાનિક પરિબળોની હાજરી વગેરે વિવિધ બાબતો અંગેનું નિદાન ચિકિત્સીય વૃત્તાંત (clinical history) નોંધવામાં આવે છે. વ્યક્તિ કઈ દવાઓ લે છે તેની પણ નોંધ કરાય છે. શારીરિક તપાસ વડે ચરબીનો ભરાવો, તેનું શરીરમાં વિતરણ, પોષણસ્તર તથા મેદસ્વિતા સાથે જોડાયેલા રોગોનાં લક્ષણો અને ચિહનો અંગે માહિતી મેળવાય છે. આશરે 1 % દર્દીઓમાં મેદસ્વિતા કરતો કોઈ રોગ હોય છે, જેમ કે, અલ્પગલગ્રંથિતા (hypothyroidism) અને કુશિંગનું સંલક્ષણ (Cushing’s syndrome). શરીરની 2 અંત:સ્રાવી ગ્રંથિઓ (endocrine glands) ગલગ્રંથિ (thyroid gland) તથા અધિવૃક્કગ્રંથિ(adrenal gland)ના કાર્યની વિષમતામાં શરીરમાં ચરબી જમા થાય છે. ગલગ્રંથિનું કાર્ય ઘટે (અલ્પગલગ્રંથિતા) અથવા અધિવૃક્ક ગ્રંથિના બાહ્યક (cortex)માંથી ગ્લુકો કોર્ટિકોઈડ અંત:સ્રાવ વધુ ઝરે (કુશિંગનું સંલક્ષણ) તો વ્યક્તિ જાડી થઈ જાય છે. તેઓમાં અંત:સ્રાવી ગ્રંથિતંત્ર અંગેની અન્ય વિવિધ કસોટીઓ અને ચિત્રણો કરાય છે. દરેક જાડી વ્યક્તિની જાડાપણાથી ઉદભવતા રોગો અંગે શારીરિક તપાસ કરાય છે તથા તેમના લોહીમાં ગ્લુકોઝ, કોલેસ્ટિરોલ તથા ટ્રાઇગ્લિસેરાઇડનું સ્તર જાણવામાં આવે છે. કોલેસ્ટિરોલ અંગેની તપાસમાં કુલ કોલેસ્ટિરોલ, અતિઘનતાપૂર્ણ અથવા અતિઘન મેદપ્રોટીન (high density lipoprotein, HDL) તથા અલ્પઘનતાપૂર્ણ અથવા અલ્પઘન મેદપ્રોટીન(low density lipoprotein, LDL)નાં રુધિરી સ્તર જાણવામાં આવે છે.
સારવાર : સામાન્ય રીતે અપાતી સારવારથી ફક્ત 20 % દર્દીઓમાં 9 કિલોગ્રામનો વજન-ઘટાડો 2 વર્ષ સુધી અને 5 % દર્દીઓમાં 18 કિલોગ્રામનો વજન-ઘટાડો 2 વર્ષ સુધી જળવાઈ રહે છે. વજન ઘટાડવા માટેનાં વિશિષ્ટ સૂચનો કરતાં દર્દી સાથેનો સતત સંપર્ક વધુ કારગત નીવડે છે. દર્દીને યોગ્ય સારવાર આપવાથી દર્દી અને ઉપચારકને હતાશા આવતી અટકે છે. વજન ઘટાડવા માટે ધ્યેયબદ્ધ (motivated) દર્દી જ સારવાર આપવા માટે સુયોગ્ય વ્યક્તિ હોય છે. દર્દી પાસેથી 3 દિવસની આહારનોંધ (diet record) મેળવીને તેની ધ્યેયબદ્ધતા નક્કી કરી શકાય છે. મોટા ભાગનો વજન-ઘટાડો કરવાના કાર્યક્રમોમાં બહુવિદ્યાશાખાકીય (multidiscipline) અભિગમ અપનાવાય છે. તેમાં અલ્પકૅલરી આહાર, આહારીય વર્તન બદલવાનું શિક્ષણ, જારક (સવાત) કસરતો અને સામાજિક સહકારનાં પાસાંને આવરી લેવાય છે. વજનના ઘટાડાને જાળવી રાખવું મહત્વનું છે તે ખાસ જણાવાય છે.
ખોરાક અંગેનાં સૂચનો કોઈ પણ સામાન્ય સમપ્રમાણ વ્યક્તિના આહાર જેવો આહાર લેવા અંગેનાં હોય છે – ઓછી ચરબીવાળો, સંકુલ–કાર્બોદિત પદાર્થોવાળો અને વધુ રેસાવાળો આહાર. કાર્બોદિત પદાર્થોમાં 3 મુખ્ય પ્રકારની શર્કરાઓ હોય છે. એકશર્કરા (monosaccharides) જેમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેનો સીધેસીધી ઊર્જા ઉત્પન્ન કરવા માટેના ચયાપચયમાં ઉપયોગ થાય છે; દ્વિશર્કરા (disaccharides) જેમાં ખાંડ (સૂક્રોઝ), દુગ્ધશર્કરા (lactose) વગેરે બે એકશર્કરાના અણુઓથી બનેલા પદાર્થોનો સમાવેશ થાય છે અને જેમને એકશર્કરામાં પરિવર્તિત કરીને ઊર્જા (શક્તિ) મેળવાય છે તથા બહુશર્કરા (polysaccharides) જેમાં સ્ટાર્ચ (અનાજ અને બટાકા) તથા ગ્લાયકોજન(માંસપેશી)નો સમાવેશ થાય છે, જે એકશર્કરાના અનેક અણુઓના બનેલા હોય છે અને તેઓ સંકુલ અણુઓ (complex molecules) હોવાથી તેમનામાંથી ઊર્જા મેળવવા માટે તેઓને એકશર્કરામાં વિઘટિત કરતાં વધુ સમય લાગે છે. એકશર્કરા બનાવતાં જેટલો વધુ સમય લાગે છે, તેથી તેટલા પ્રમાણમાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ધીમું વધે છે. માટે ગ્લુકોઝ કે ખાંડ (suger) કરતાં ઘઉં-ચોખા જેવાં અનાજ અને બટાકા જેવા કંદ વડે શરીરને જરૂરી ઊર્જા આપતા કાર્બોદિત પદાર્થો લેવાનું સૂચવાય છે. જોકે ચરબીવાળા પદાર્થ ઘટાડીને તથા કાર્બોદિત પદાર્થોને યોગ્ય માત્રામાં લઈને કુલ ઊર્જાંક (calarie) વધે નહિ તેનું ધ્યાન રખાય છે. ખોરાકમાં રેસા વધુ રહે તે માટે પ્રક્રમિત (processed) ખોરાકને બદલે અપ્રક્રમિત (unprocessed) ખોરાક લેવાનું સૂચવાય છે. ચરબી, ખાંડ અને દારૂ (આલ્કોહૉલ) પુષ્કળ પ્રમાણમાં કૅલરી આપે છે પણ અન્ય પોષક-દ્રવ્યો આપતા નથી માટે તેમને ઘટાડીને વધુ પોષક-દ્રવ્યો આપતા ખોરાકને પ્રાધાન્ય અપાય છે. કાર્બોદિત પદાર્થોને ઘટાડવાનું, પ્રોટીનને વધારવાનું કે ફક્ત એક વખત ખાવાનું લેવાનું જેવાં સૂચનો ખાસ લાભકારક નીવડેલાં નથી.
લાંબા સમયના ફાયદા માટે વર્તન-પરિવર્તન (behaviour modification) પર ખાસ ભાર અપાય છે. તે માટે પદ્ધતિઓ કે કાર્યક્રમો પણ ઉપલબ્ધ છે. સૌથી સફળ પદ્ધતિ છે ખોરાકનું આયોજન અને લીધેલા ખોરાકની નોંધણી. દર્દી પોતે ખોરાકની ચીજો લેવાનો તથા કસરત કરવાના સમયગાળાનું જાતે આયોજન કરીને સમયખંડ-કોષ્ટક અથવા તાસકોષ્ટક (time-table) તૈયાર કરીને તેના પાલનની નોંધ તૈયાર કરી શકે છે. વ્યક્તિ પોતે પોતાની કયા સંજોગોમાં ખાઈ લેવાની વૃત્તિ થઈ આવે છે તે શોધી કાઢીને (દા.ત., લાગણીજન્ય કે સામાજિક પ્રસંગો) તે સમયે પોતાને નિયંત્રિત કરી શકે છે. વ્યક્તિ વજન ઘટાડે તેને ઇનામ મળે અથવા તેની વજન ઘટાડવા માટેના વ્યાવસાયિક શુલ્ક(fee)માંથી થોડું પરત કરીને પ્રોત્સાહન આપવાના નુસખા પણ કરી શકાય છે.
કસરત વડે ઘણા ફાયદા થાય છે. તેને કારણે વજન ઘટે છે તથા વજન ઘટેલું રહે છે. જારક (aerobic) કસરત વડે ઊર્જાનો દૈનિક વપરાશ વધે છે અને તેથી લાંબા સમય સુધી વજન નિયંત્રણમાં રહે છે. જો વ્યક્તિ ખોરાક ઘટાડે તો તેને કારણે નિમ્નતમ ચયાપચયી દર (basal metabolic rate) તથા શરીરનો અમેદ દળ (lean body mass) એટલે કે સ્નાયુ વગેરેનો ચરબી (મેદ) વગરનો શરીરનો ભાગ ઘટે છે. કસરત તે બંનેને જાળવી રાખે છે.
દર્દીના કુટુંબની વ્યક્તિ, તેની/તેનો મિત્ર અને/અથવા ચિકિત્સક જો દર્દીના વજન ઘટાડવાના કાર્યને વધાવે, બિરદાવે તથા જરૂરી ટીકા કે સૂચન કરે, તો યોગ્ય પ્રકારનું વર્તન સર્જાય છે અને વજન ઘટાડવાનું કે ઘટેલા વજનને જાળવી રાખવાનું શક્ય બને છે.
તીવ્ર મેદસ્વિતાવાળા દર્દીમાં વધુ આક્રમક અભિગમ વપરાય છે. તેમને 800 કૅલરી/દિવસથી પણ ઓછી ઊર્જા (શક્તિ) ધરાવતો ખોરાક અપાય છે અને જરૂર પડ્યે દવાઓની પણ સહાય લેવાય છે. બહુ ઓછા ઊર્જાંક(calorie)વાળો ખોરાક ઝડપથી વજન ઘટાડે છે અને તેને કારણે થયેલા ચયાપચયી વિકારોને શમાવે છે. પરંતુ તેને કારણે થાક લાગવો, ઊઠતા – ઊભા થતાં લોહીના દ્બાણમાં ઘટાડો થવો, ઠંડી ઓછી સહન થવી તથા પાણી અને ક્ષારનું અસંતુલન થવું જેવા વિકારો થઈ આવે છે. તેથી તબીબના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ આ પ્રકારની સારવાર કરાય છે. ક્યારેક નજલો (gout), પિત્તાશયનો રોગ તથા હૃદયના ધબકારાની અનિયમિતતાના રોગો થઈ જાય છે. દર્દીઓ 4થી 6 મહિનાના આવા કાર્યક્રમમાં દર અઠવાડિયે 1થી 2 કિલોગ્રામ જેટલું વજન ઘટાડે છે. વજનના ઘટાડાને જાળવી રાખવા માટે યોગ્ય પ્રમાણમાં કસરત તથા વર્તનપરિવર્તનની પ્રક્રિયા જરૂરી બને છે. દિવસની 800 કૅલરીવાળો ખોરાક આપવામાં આવે તો તે તેનાથી વધુ પ્રમાણમાં ઘટાડાવાળા ખોરાક કરતાં ઓછો તકલીફ આપે છે, વધુ સ્વીકાર્ય રહે છે અને પરિણામ લગભગ સમાન પ્રકારનું રહે છે.
બે પ્રકારનાં ઔષધો મળે છે – કેટેકોલેમાઇનધર્મી (catecholaminergic) અને સિરોટોનિનધર્મી (serotonergic). પ્રથમ પ્રકારમાં એમ્ફેટેમાઇન, ફેન્ટેર્મિ, ડાયઇથાયલપ્રોપિઓન, મેઝિન્ડોલ તથા ફિનાયલ પ્રૉપેનોલેમાઇનનો સમાવેશ થાય છે. ફેન્ફલુરેમાઇન તથા ડેક્સફેન્ફલ્યુરેમાઇન જેવા સિરોટોનિનધર્મી ઔષધોનો વપરાશ પ્રતિબંધિત કરાયેલો છે. ફ્લ્યુઓક્ઝેટિન અને સર્ટ્રેલિન જેવા ખિન્નતારોધક ઔષધોમાં સિરોટોનિનધર્મિતા છે, પણ તેઓને ભૂખ ઘટાડવા માટે ઉપયોગમાં લેવા માટે માન્યતા મળેલી નથી. સિબ્યુટ્રેમાઇન તથા ઓર્લિસ્ટેટ પર પ્રયોગો અને સંશોધનો છેલ્લા તબક્કામાં પ્રવેશેલા છે. સિબ્યુટ્રેમાઇનથી લોહીનું દબાણ વધવાનો ભય રહે છે જ્યારે ઓર્લિસ્ટેટને કારણે વાયુપ્રકોપ, ચૂંક તથા ઝાડા થવાની શક્યતા રહે છે. હૃદય અને રુધિરાભિસરણ પરની શક્ય આડઅસરોને કારણે ખોરાક ઘટાડતી દવાઓની સુરક્ષિતતા અંગે વિવાદ રહેલો છે. હાલ ફેન્ટેર્મિન અને અન્ય કેટેકોલધર્મી ઔષધોને ટૂંકા સમય માટે વાપરવાની મંજૂરી મળેલી છે. મેદસ્વિતાની સારવારમાં શસ્ત્રક્રિયાને છેલ્લા ઉપચાર તરીકે ગણાવાય છે છતાં વિશ્વમાં એક લાખથી વધુ વ્યક્તિઓએ તેનો લાભ લીધેલો છે. ખોરાક ઘટાડવા જઠરનું કદ નાનું કરી શકાય છે. તેને જઠર-પુનર્રચના(gastroplasty)ની શસ્ત્રક્રિયા કહે છે.
શિલીન નં. શુક્લ