મૅડ્રિડ : સ્પેનનું પાટનગર, મોટામાં મોટું શહેર અને ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : તે 40° 30° ઉ. અ. અને 3° 40´ પ. રે.ની આજુબાજુનો લગભગ 600 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. મૅડ્રિડ એ મૅડ્રિડ પ્રાંતનું પણ પાટનગર છે. મૅડ્રિડ પ્રાંતનો વિસ્તાર આશરે 8,028 ચોકિમી. જેટલો છે. આ શહેર સમુદ્રસપાટીથી આશરે 650 મીટરની ઊંચાઈ ધરાવતા ઉચ્ચપ્રદેશમાં આવેલું છે. તે સ્પેનની બરાબર મધ્યમાં ઊંચાઈ પર હોવાથી તેને દેશના પાટનગર તરીકે પસંદ કરવામાં આવેલું છે. વળી યુરોપનાં ઊંચાઈએ આવેલાં પાટનગરો પૈકીનું એક છે. સોળમી સદીના મધ્યકાળ વખતે રાજા ફિલિપ બીજાએ તેને પાટનગર બનાવ્યા પછી તે સમૃદ્ધિની ટોચે પહોંચ્યું હતું; પરંતુ સત્તરમી સદીમાં સ્પેનના સામ્રાજ્યની પડતી શરૂ થઈ; તેમ છતાં મૅડ્રિડ એક મહત્વના સાંસ્કૃતિક મથક તરીકે ચાલુ રહ્યું. વીસમી સદીના મધ્યકાળથી મૅડ્રિડ સ્પેનનાં મુખ્ય ઔદ્યોગિક શહેરો પૈકીનું એક બની રહેલું છે. 1936–1939ના સ્પૅનિશ આંતરયુદ્ધ દરમિયાન અહીં મોટા પાયા પર તારાજી થયેલી, પરંતુ એ પછી તે નવેસરથી ખંડિયેરોમાંથી બેઠું થયું છે.

પ્યુર્ટા ડેલ સોલ (સૂર્યનું પ્રવેશદ્વાર) નામથી ઓળખાતું વિશાળ અર્ધચંદ્રાકાર પ્લાઝા મૅડ્રિડના મધ્ય ભાગમાં આવેલું મહત્વનું ભૂમિચિહન (landmark) ગણાય છે. અહીંથી કૅલી દ ઍલ્કલા (‘Calle de Alcala’) નામનો એક માર્ગ પૂર્વ તરફ ચાલ્યો જાય છે, અહીંથી નૈર્ઋત્ય તરફ મૅડ્રિડનો જૂનો વિભાગ આવેલો છે. સોળમી અને સત્તરમી સદીનાં બંધાયેલાં ઘણાં મકાનો તેમજ ઇમારતો શહેરની વળાંકોવાળી સાંકડી શેરીઓની બંને બાજુઓ પર જોવા મળે છે. કૅલી દ ઍલ્કલાની ઉત્તરમાં મૅડ્રિડનો અદ્યતન ધંધાકીય વિસ્તાર આવેલો છે. ગ્રૅન વિયા અથવા ઍવેનિડા દ જોસ ઍન્ટોનિયો નામના માર્ગ પર બકો, હોટેલો, રેસ્ટોરાં, દુકાનો અને થિયેટરો આવેલાં છે. શહેરના ઈશાન કોણમાં આવેલો સાલામાન્ડા વિભાગ ઓગણીસમી સદીની આખરમાં તેમજ વીસમી સદીના પ્રારંભમાં બંધાયેલો છે. શહેરના મધ્ય ભાગની નજીકનો અગ્નિકોણમાં આવેલો રેટીરો નામથી ઓળખાતો વિશાળ ઉદ્યાન 142 હેક્ટર ભૂમિભાગને આવરી લે છે.

મૅડ્રિડ નગરનો એક રાજમાર્ગ

મૅડ્રિડનાં લગભગ બધાં જ સ્મારકો તેમજ પ્રખ્યાત ઇમારતો શહેરના જૂના તથા ધંધાકીય વિભાગમાં આવેલાં છે. અઢારમી સદીમાં બંધાયેલો શાહી મહેલ જૂના વિભાગની પશ્ચિમ કિનારી પર આવેલો છે. સ્પેનનું શાહી કુટુંબ 1931 સુધી તો આ મહેલમાં રહેતું હતું, પરંતુ 1932માં રાજા આલ્ફોન્સો તેરમાને દેશ છોડી જવાની ફરજ પાડવામાં આવેલી. હવે તો આ મહેલ સંગ્રહાલય બની રહેલો છે. મૅડ્રિડમાં સંખ્યાબંધ જૂનાં સુંદર દેવળો તથા ખ્યાતનામ સ્પેનિયાર્ડોનાં બાવલાં અને ફુવારાઓવાળા ભવ્ય જાહેર ચૉક છે. અહીંનાં જાણીતાં જોવાલાયક સ્થળોમાં પંદરમી સદીનો રેટીરા પાર્ક, પ્લાઝા મેયર (1617–20), રિયલ એકૅડેમિયા દ બેલાસ આર્ટ્સ (1752), બેસિલિકા ઑવ્ સાન ફ્રાન્સિસ્કો અલ ગ્રાન્ડ (1761–84), પ્રૅડો મ્યુઝિયમ (1785), ફિલિપ પાંચમા માટે બાંધેલો રૉયલ પૅલેસ (1764) તથા અકાલ આર્કનો સમાવેશ થાય છે.

1950 પછીથી ઝડપી દરથી વધતી ગયેલી વસ્તીને કારણે મૅડ્રિડ તેની બધી બાજુઓ તરફ વિસ્તર્યું છે. આજે તો નિવાસી વિભાગો અને ઔદ્યોગિક પરાં શહેરની આજુબાજુ જોવા મળે છે. દુનિયાનાં અન્ય મોટાં શહેરોની જેમ અહીં પણ પ્રદૂષણની સમસ્યા તથા આવાસોની તંગી વરતાય છે. વળી માર્ગો પહોળા કરવા માટે તેમજ નિવાસીઓનાં વાહનોને ઊભાં રાખવા જગા ફાળવવા શહેરના ઘણાખરા માર્ગો પરનાં વૃક્ષોને કાપી નાખવામાં આવ્યાં છે.

આબોહવા : મૅડ્રિડની આબોહવા પ્રમાણમાં સૂકી છે. ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 430 મિમી. કે તેથી પણ ઓછો પડે છે. જુલાઈ અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 23° સે. અને 4° સે. જેટલાં રહે છે. મૅડ્રિડમાં ઑગસ્ટ માસ સામાન્ય રીતે વધુ ગરમ રહે છે. આ કારણે સ્પેન સરકારની બેઠક દેશના ઠંડા રહેતા ઉત્તર કિનારે આવેલા સાન સેબેસ્ટિયન ખાતે મળે છે.

અર્થતંત્ર : સોળમી સદીના મધ્યકાળથી વીસમી સદીના મધ્યકાળ સુધી મૅડ્રિડનું અર્થતંત્ર તેના સરકારી મથકના સ્થાન પર જ આધારિત હતું. મોટાભાગના લોકો સરકારી વહીવટી તંત્રમાં કે તેની સાથે સંકળાયેલા અન્ય વિભાગોમાં નોકરીઓ કરતા હતા. આ ગાળા દરમિયાન અહીં કોઈ ઉદ્યોગો વિકસ્યા ન હતા; પરંતુ અહીંની સરકારે મૅડ્રિડ અને તેનાં પરાંઓમાં મોટા પાયા પર ઔદ્યોગિક વિકાસ થાય એવાં પ્રોત્સાહનજનક પગલાં લીધાં હતાં. પરિણામે આજે તે બાર્સિલોનાથી બીજા ક્રમે આવતું ઔદ્યોગિક મથક બની રહ્યું છે. આજે અહીં મોટરગાડીઓ, ટ્રકો, રસાયણો, કપડાં, કાગળ, તમાકુ, રાચરચીલું તેમજ ચામડાંની ચીજવસ્તુઓ વગેરેનું ઉત્પાદન થાય છે. મૅડ્રિડ સ્પેનનાં અન્ય શહેરો સાથે સડકમાર્ગો અને રેલમાર્ગોથી સંકળાયેલું છે. મધ્ય મૅડ્રિડથી ઈશાન તરફ આશરે 10 કિમી.ના અંતરે ‘બરજાસ’ (Barajas) આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે.

લોકો : 2013 મુજબ મૅડ્રિડ શહેરની વસ્તી 32,36,344 જેટલી અને મૅડ્રિડ પ્રાંતની વસ્તી આશરે 61,83,000 તથા બૃહદ શહેરની 64,89,162 જેટલી છે. મૅડ્રિડના લોકો મેડ્રિલેનોસ કહેવાય છે. તેઓ અહીંની સત્તાવાર ભાષા ‘કેસ્ટિલિયન સ્પૅનિશ’ બોલે છે. અહીંની મોટાભાગની વસ્તીને સ્વતંત્ર મકાનો પોસાતાં ન હોવાથી તેઓ ફ્લૅટમાં રહે છે. પ્લાઝા દ તોરોસ ખાતે થતું આખલા-યુદ્ધ જોવા લોકોનાં ટોળેટોળાં ઊમટી પડે છે. સૉકર અહીંના લોકોની અત્યંત પ્રિય રમત છે.

દુનિયામાં આવેલાં સૉકર(ફૂટબૉલ)નાં મોટા સ્ટેડિયમ પૈકીનું એક મૅડ્રિડ ખાતે આવેલું છે, જેમાં એક લાખ જેટલા પ્રેક્ષકોને બેસવાની સુવિધા છે.

શિક્ષણ–સંસ્કૃતિ : શૈક્ષણિક સંસ્થાઓ, પુસ્તકાલયો અને સંગ્રહાલયોથી મૅડ્રિડ સ્પેનનું શૈક્ષણિક અને સાંસ્કૃતિક મથક બની રહેલું છે. સ્પેનની મોટામાં મોટી યુનિવર્સિટી – યુનિવર્સિટી ઑવ્ મૅડ્રિડના કારણે યુનિવર્સિટી નામનો એક અલગ વિસ્તાર ઊભો થયો છે. શહેરમાં અન્ય ઘણી તકનીકી સંસ્થાઓ પણ આવેલી છે. મૅડ્રિડ દુનિયાભરમાં અગ્રિમ ગણાતાં કલા-સંગ્રહાલયોનું વતન ગણાય છે. પ્રેડો (Prado) મ્યુઝિયમ તરીકે જાણીતું બનેલું નૅશનલ મ્યુઝિયમ ઑવ્ પેઇન્ટિંગ ઍન્ડ સ્કલ્પ્ચર અહીં ખૂબ જાણીતું છે. આ પ્રેડો મ્યુઝિયમમાં દેશી-પરદેશી ચિત્રકારોનાં 2,000 કે તેથી વધુ ચિત્રોનો સંગ્રહ છે. સ્પેનનાં પોતાનાં ચિત્રોની જ અલ ગ્રેસોની રચેલી 30થી વધુ કૃતિઓ તથા ફ્રાન્સિસ્કો ગોયાની 100થી વધુ કૃતિઓ ત્યાં પ્રદર્શિત થયેલી છે. આ મ્યુઝિયમમાં ડિયેગો વેલ્ઝક્વેઝનાં દોરેલાં 50 જેટલાં ચિત્રો પણ મૂકેલાં છે, જેમાં તેમની સવિશેષ જાણીતી કૃતિ ‘The Maids of Honour’નો પણ સમાવેશ થાય છે.

આ સિવાય મૅડ્રિડમાં બીજાં પણ કેટલાંક કલા-સંગ્રહાલયો તથા રાષ્ટ્રીય ગ્રંથાલય અને ઐતિહાસિક દસ્તાવેજી સામગ્રીનું રાષ્ટ્રીય સંગ્રહાલય (National Library and National Historical Archives) પણ છે.

ઇતિહાસ : દસમી સદીમાં મૂર નામથી ઓળખાતા મુસ્લિમ લોકોએ જ્યાં આજે મૅડ્રિડ છે ત્યાં એક નાનો કિલ્લો બાંધેલો. આમ મૅગેરિટના મૂરીશ શહેર તરીકે મૅડ્રિડનો પ્રારંભ થયેલો. લેયોન અને કેસ્ટાઇલના રાજા આલ્ફોન્સો છઠ્ઠાના શાસનકાળ વખતે સ્પૅનિશ ખ્રિસ્તીઓએ 1083માં આ વિસ્તારનો કબજો મેળવેલો. 1561માં ફિલિપ બીજાએ ઊંચાઈ પર આવેલા આ સ્થળને પસંદ કરીને તેને પાટનગર બનાવ્યું ત્યાં સુધી તો તે નાનું પ્રાંતીય નગર જ રહેલું, પરંતુ તે પછીથી તેનું મહત્વ વધતું ગયું. ફિલિપનું સામ્રાજ્ય ઘણું વિશાળ હતું. સોળમી સદીનાં અંતિમ અને સત્તરમી સદીનાં શરૂઆતનાં વર્ષો દરમિયાન આ શહેર ઝડપથી વિકસ્યું અને પશ્ચિમ યુરોપનાં મોટાં શહેરો પૈકીનું એક બની રહ્યું. શ્રીમંત ઉમરાવો અને શાહી અમલદારોએ તેમના આવાસો અહીં બાંધ્યા; પરંતુ પછીથી અહીં જેમ જેમ વસ્તી વધતી ગઈ તેમ તેમ સમસ્યાઓ પણ ઊભી થતી ગઈ. મૅડ્રિડના ઘણાખરા નિવાસીઓ ગરીબ હતા. તેઓ ગીચ વસ્તીવાળા ગંદા વિસ્તારોમાં સાદાં મકાનોમાં રહેતા હતા. આ કારણે રોગો ફેલાતા ગયા અને ગુનાઓનો દર પણ વધતો ગયો; પરિણામે અસલામતી પણ વધી. અઢારમી સદી દરમિયાન, સરકારે યુદ્ધના ધોરણે પગલાં લઈ મૅડ્રિડને સ્વચ્છ અને સલામત શહેર બનાવી દીધું.

નેપોલિયન પહેલાનાં ફ્રેન્ચ દળોએ મૅડ્રિડ જીતી લઈને 1808થી 1813 સુધી પોતાને કબજે રાખેલું, જોકે 1808માં જ અહીંના નિવાસીઓએ ફ્રેન્ચો સામે બળવો કરી તેનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરેલો ખરો, પરંતુ તે નિષ્ફળ ગયેલો. એ પછી પાંચ વર્ષ સુધીની સતત ચળવળોને કારણે છેવટે 1813માં તેમણે ફ્રેન્ચોને સ્પેનમાંથી હઠાવ્યા. મૅડ્રિડમાં ઓગણીસમી સદી સુધી કોઈ મોટા ઉદ્યોગો વિકસી શકેલા નહિ; તેથી અહીં કારીગરો અને શ્રમિકોની અછત રહેતી હતી. પરિણામે ત્યારે વસ્તીનો દર પણ નીચો ગયેલો; પરંતુ 1936–39 દરમિયાન થયેલાં સ્પૅનિશ આંતરયુદ્ધોને કારણે દુનિયાના લોકોનું ધ્યાન મૅડ્રિડ તરફ દોરાયું. સરકારી વફાદારો અને જનરલ ફ્રાન્સિસ્કો ફ્રૅન્કોનાં દળોનાં બળવાખોરો વચ્ચે ખૂંખાર લડાઈઓ થયેલી. એ સમય દરમિયાન વફાદારોએ પાટનગરના સ્થળને 1936માં વેલેન્સિયા (Valencia) ખાતે અને 1937માં બાર્સિલોના ખાતે ખસેડેલું. છેવટે 1939માં વફાદારોની હાર થઈ અને ફ્રૅન્કોએ મૅડ્રિડને પાટનગર તરીકે પુન: સ્થાપિત કર્યું. જેમ જેમ અહીં ઉદ્યોગો વધતા ગયા તેમ તેમ વીસમી સદીના મધ્યભાગમાં મૅડ્રિડમાં ઝડપથી વસ્તીવધારો થતો ગયો. આજે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે અદ્યતન આવાસો તેમજ કાર્યાલયોની ઇમારતો બાંધવાની સરકારી યોજનાઓને કારણે મૅડ્રિડ ઘણું વિસ્તર્યું ને વિકસ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા