મેડતા : મારવાડનું એક અગત્યનું રાજ્ય. મુઘલ યુગ દરમિયાન એનું મહત્વ વધ્યું હતું. એનો કિલ્લો ઘણો મજબૂત હતો. મારવાડનું પાટનગર જોધપુર અને મેવાડનું પાટનગર ચિત્તોડ હતું. મારવાડના રાજા જોધાના પુત્ર દુદાએ મેડતામાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. સલ્તનતયુગ દરમિયાન અજમેરના મુસ્લિમ ગવર્નર સુજાએ ઈ. સ. 1491માં મેડતા ઉપર આક્રમણ કર્યું હતું; પરંતુ એને એ જીતી શક્યો ન હતો.
શેરશાહ(1540–1545)ના સમયમાં મારવાડના શક્તિશાળી રાજપૂત રાજા માલદેવ રાઠોડે ઝાલોર, ટોન્ક, નાગોર અને અજમેરની સાથે મેડતા પણ જીતી લીધું હતું. અકબર(1556–1605)ના સમયમાં મેડતાનો કિલ્લો મેવાડના રાણા ઉદયસિંહના સરદાર જયમલના કબજામાં હતો. એ સમયે અકબરે અજમેરથી એના સરદાર મિર્ઝા શરફુદ્દીન હુસેનને મેડતાનો કિલ્લો જીતવા લશ્કર સાથે મોકલ્યો. જયમલ અને એના સેનાપતિ દેવદાસે શરફુદીનનો સખત સામનો કર્યો. અંતે, કેટલાક મહિનાના ઘેરા પછી મુઘલો મેડતાનો કિલ્લો મેળવી શક્યા.
2 જુલાઈ, 1572ના રોજ અકબર ફતેહપુર સિક્રીથી અજમેર જીતવા નીકળ્યો ત્યારે તે રસ્તામાં નાગોર અને મેડતા થઈને સિરોહી ગયો હતો. 1573ની 23મી ઑગસ્ટે અકબર ફતેહપુરથી નીકળી અજમેર અને મેડતા થઈને માત્ર 11 દિવસમાં આશરે 800 કિમી.નું અંતર કાપી અમદાવાદ પહોંચ્યો હતો. આગ્રાથી ગુજરાત જવાનો માર્ગ અજમેર અને મેડતાથી પસાર થતો હતો, તેથી તેનું ઘણું લશ્કરી મહત્વ હતું. ઈ. સ. 1704માં ઔરંગઝેબે (1658–1707) જસવંતસિંહના પુત્ર અને રાજપૂતોના સરદાર રાજા અજિતસિંહને મેડતા આપીને એની સાથે સંધિ કરી હતી. આમ, મુઘલ યુગ દરમિયાન મેડતાનું ઘણું લશ્કરી મહત્વ હતું. જાણીતી ભક્ત-કવયિત્રી મીરાંબાઈનું આ જન્મસ્થાન અને મોસાળ હતું.
મુગટલાલ પોપટલાલ બાવીસી