મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ, ન્યૂયૉર્ક, યુ.એસ.

February, 2002

મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ, ન્યૂયૉર્ક, યુ.એસ. (સ્થાપના : 1872) : અમેરિકાનું સૌથી મોટું અને વિશ્વનું અગ્રણી કલાવિષયક મ્યુઝિયમ. તે 5 હેક્ટર વિસ્તારમાં પથરાયેલું છે. 1868માં ન્યૂયૉર્ક હિસ્ટૉરિયન સોસાયટીએ આ મ્યુઝિયમની રચના કરી. 1880માં તેને ખસેડીને હાલના સેન્ટ્રલ પાર્કના ફિફ્થ ઍવન્યૂના છેડે આવેલા મકાનમાં વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યું. 1888 અને 1894માં તેના વધારાના વિભાગો ખુલ્લા મૂકવામાં આવ્યા. તેમાં રેનેસાં કલાકૃતિઓનો સૌથી મોટો અને વ્યાપક સંગ્રહ સચવાયો છે. કુલ 10 લાખ કરતાં પણ વધુ કલાકૃતિઓ અહીં સંગ્રહાઈ છે. 1978માં અમેરિકન સરકારને ઇજિપ્તની સરકારે ભેટ આપેલું ઈ. સ. પૂ. 5મી સદીમાં બંધાયેલું. ‘ટૅમ્પલ ઑવ્ ડૅન્ડુર’ને આ મ્યુઝિયમમાં ફરીથી મૂળ પ્રમાણે બાંધી સાચવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં 1000થી વધુ નોકરિયાતો કામ કરે છે. દર વર્ષે 30 લાખથી પણ વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લે છે.

મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ, ન્યૂયૉર્ક

તેની ડિઝાઇન રિચાર્ડ મૉરિસ હન્ટે તૈયાર કરેલી અને 1902માં તેનું બાંધકામ પૂરું થયેલું. ત્યારબાદ 1905, 1910, 1916 અને 1924માં મૉરગન, રૉકફેલર અને મારક્વૉન્ડ જેવા ધનાઢ્યોએ વારસામાં ભેટ આપેલી ભવ્ય અને કીમતી ચીજવસ્તુઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો. 1950નાં વર્ષોમાં તેનું નવીનીકરણ થયું અને પ્રેક્ષકગૃહ, જુનિયર મ્યુઝિયમ તથા લાઇબ્રેરી જેવી સવલતોનો તેમાં ઉમેરો કરવામાં આવ્યો. તેની સંદર્ભ-લાઇબ્રેરીમાં 2,50,000 ગ્રંથો અને સંખ્યાબંધ સામયિકો છે. પછી 1970–71માં ગ્રેટ હૉલ અને કૉસ્ચ્યૂમ ઇન્સ્ટિટ્યૂટનું બાંધકામ પૂરું કરવામાં આવ્યું. કાચ-આચ્છાદિત મધ્યસ્થ ઉદ્યાન-વિસ્તારનો નવો વિભાગ 1975માં શરૂ કરાયો. તેમાં યુરોપિયન શૈલીનાં 300 ઉત્કૃષ્ટ ચિત્રો, 1,000 આલેખનો, ફર્નિચર, ચાકળા, કાંસ્યકૃતિઓ અને ઝવેરાત વગેરેનો સમાવેશ થાય છે.

1978માં સેકલર વિભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો. તેમાં 5,000 વર્ષથી વધુ પ્રાચીન વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. તેમાં ઇજિપ્ત, બૅબિલોનિયા, અસિરિયા, ગ્રીસ, રોમ, દૂરપૂર્વના દેશો, યુરોપ, પ્રાક્-કોલંબિયન સંસ્કૃતિ તથા યુ.એસ. વગેરે દેશોની કલાના અદભુત નમૂનાઓમાં પૂરા કદની ભવ્ય પ્રતિમાઓ, પથ્થરની શબપેટીઓ, માટીકામની સુશોભિત વસ્તુઓ, શસ્ત્રો, બખ્તરો, સંગીતનાં વિવિધ વાદ્યો સહિત 10 લાખથી વધુ કલામય વસ્તુઓ પ્રદર્શિત કરાઈ છે.  સંચાલનમાં વર્ષે 1 કરોડ 15 લાખ ડૉલરનું અંદાજિત ખર્ચ થાય છે.

આ મ્યુઝિયમ તરફથી હાથ ધરાતી શૈક્ષણિક સેવા રૂપે માર્ગદર્શક પ્રવાસો, મુલાકાતીઓ માટે માર્ગદર્શક પ્રવચનો, મુલાકાતી વિશેષજ્ઞો દ્વારા જાહેર પ્રવચનો, કલા અને કૉસ્ચ્યૂમ ડિઝાઇનના અભ્યાસક્રમો યોજાય છે.

આ જ મ્યુઝિયમની મૅનહટ્ટનના ઉત્તર વિસ્તારમાં ‘ધ ક્લોઇસ્ટર્સ’ નામની શાખામાં મધ્યયુગીન રોમનસ્ક શૈલીમાં બાંધેલા કૅથીડ્રલ જેવા મકાન બાંધી તેમાં યુરોપના રોમનસ્ક યુગની કલાકૃતિઓ સંઘરવામાં આવી છે.

બળદેવભાઈ કનીજિયા

અમિતાભ મડિયા