રામન, ચંદ્રશેખર વેંકટ (સર)
January, 2003
રામન, ચંદ્રશેખર વેંકટ (સર) (જ. 8 નવેમ્બર 1888, તિરુચિરાપલ્લી, ભારત; અ. 21 નવેમ્બર 1970, બૅંગ્લોર) : પ્રકાશના પ્રકીર્ણન ઉપર સંશોધન કરી રામન ઘટનાની શોધ કરનાર અને તે માટે 1930માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ભૌતિકવિજ્ઞાની.
રામન બાળપણથી જ અસાધારણ હતા. 11 વર્ષની વયે તેમણે મૅટ્રિકમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 1901માં તેઓ ચેન્નાઈની પ્રેસિડૅન્સી કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી તેમણે ભૌતિકશાસ્ત્રના વિષય સાથે યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે બી.એ.ની ઉપાધિ મેળવી અને સુવર્ણચંદ્રકવિજેતા થયા. ત્યારબાદ મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ઉપાધિ વિશેષ યોગ્યતા સાથે મેળવી. એમ.એ.નો અભ્યાસ ચાલુ હતો તે દરમિયાન તેમણે તેમનો સંશોધનલેખ ‘ફિલોસૉફિકલ સામયિક’માં પ્રગટ કર્યો. આરોગ્યને કારણે વધુ અભ્યાસાર્થે તેઓ બ્રિટન જઈ શક્યા નહીં.
આઈ. સી. એસ. (ઇન્ડિયન સિવિલ સર્વિસ) થવું તે તેમને માટે રમતવાત હતી, પણ ફરીથી આરોગ્યનો પ્રશ્ન તેમને નડ્યો. અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે ઇન્ડિયન ઑડિટ એકાઉન્ટન્ટ સર્વિસની પરીક્ષામાં તેઓ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. 1907માં તેઓ ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ તરીકે કોલકાતામાં નિયુક્ત થયા. દશ વર્ષના સેવાકાળ દરમિયાન તેમની બુદ્ધિનિષ્ઠા અને વહીવટી ક્ષમતાને કારણે તેમણે બ્રિટિશ સરકારની પ્રીતિ અને પ્રશંસા પ્રાપ્ત કર્યાં. આ સેવા તેમણે ચાલુ રાખી હોત તો તે નાણાસચિવ અને વાઇસરૉય કાઉન્સિલના સભ્ય બની શક્યા હોત.
ભૌતિકવિજ્ઞાનીઓ હર્મન હેલ્મોલ્ટ્ઝના ‘ફિઝિયૉલોજી ઑવ્ વિઝન’ અને લૉર્ડ રેલેના ‘થિયરી ઑવ્ સાઉન્ડ’ પુસ્તકોમાંથી એમણે સારી એવી પ્રેરણા મેળવી હતી.
1907માં બ્રાહ્મણ કન્યા લોકસુંદરી સાથે લગ્ન કર્યું.
રંગૂન અને નાગપુર ખાતેનો થોડોક સેવા-સમય બાદ કરતાં રામને 1907થી 1917 સુધી કોલકાતા ખાતે નોકરી કરી. નોકરીના સમય પહેલાં અને પછી રામન આઈ.એ.સી.એસ.(ઇન્ડિયન એસોસિયેશન ફૉર કલ્ટિવેશન ઑવ્ સાયન્સ)માં ગાળતા. મોડી રાત સુધી આ સંસ્થાની પ્રયોગશાળામાં રહી પ્રકાશશાસ્ત્ર, ધ્વનિવિજ્ઞાન અને સંગીતવિજ્ઞાન ઉપર સંશોધન કરતા. સંશોધનનાં પરિણામો અને નિષ્કર્ષો તેઓ વિદેશી સામયિકો અને આઈ.એ.સી.એસ.ના બુલેટિનમાં પ્રસિદ્ધ કરતા.
ભૌતિકશાસ્ત્રના પાલિત પ્રાધ્યાપક તરીકે સર આશુતોષ મુખરજીની બાજનજર રામન ઉપર હતી. રામનને નિમંત્રણ મળતાની સાથે માસિક રૂ. 1,100ની નોકરી છોડીને રૂ. 600ના પગારમાં તેઓ પાલિત પ્રાધ્યાપક તરીકે જોડાયા.
1907માં રામને ખાસ કરીને ખેંચેલા તાર કે દોરીવાળાં વાદ્યસાધનોના ધ્વનિવિજ્ઞાન ઉપર સંશોધન શરૂ કર્યું. વાયોલિનનું ધ્વનિવિજ્ઞાન સમજવા તેમણે સારો એવો સમય પસાર કર્યો. તેમના આ કાર્યથી અન્ય અભ્યાસીઓને સારી એવી પ્રેરણા મળી. તેને આધારે અમેરિકાની કેટગર એકૉસ્ટિકલ સોસાયટીએ રામનને તેમના અવસાન બાદ માનાર્હ સભ્યપદ આપ્યું. તેમણે મૃદંગ, ડ્રમ અને તબલામાં પેદા થતા હામૉર્નિક અધિકસ્વરોની શોધ કરી.
ત્યારબાદ ‘ફિઝિયૉલોજી ઑવ્ વિઝન’ પુસ્તક વાંચતાં પ્રકાશશાસ્ત્રમાં રસ ઉત્તેજિત થયો. 1926 સુધી રામન પ્રકાશશાસ્ત્રના અભ્યાસ અને સંશોધનમાં ગળાબૂડ રહ્યા.
1907થી 1917ના સમયગાળામાં રામને પાલિત પ્રાધ્યાપક તરીકે ભૌતિકશાસ્ત્ર વિભાગમાંથી 25 મૌલિક સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા. 1919માં આઈ.એ.સી.એસ.ના માનાર્હ મંત્રી ડૉ. અમૃતલાલનું અવસાન થતાં તે પદ રામનને સોંપવામાં આવ્યું. આઈ.એ.સી.એસ. અને કલકત્તા યુનિવર્સિટી વચ્ચે તેઓ સેતુ સમાન રહ્યા. પરિણામે બંને સંસ્થાઓમાં સંશોધનનો માર્ગ મોકળો થયો.
1921માં બ્રિટિશ સામ્રાજ્યની યુનિવર્સિટીઓની કૉંગ્રેસમાં કોલકાતા યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે રામનની પસંદગી થઈ. ત્યાં ફિઝિકલ સોસાયટી ઑવ્ લંડનમાં તેમણે ધ્વનિશાસ્ત્ર અને પ્રકાશશાસ્ત્ર ઉપર પ્રાયોગિક સંશોધન રજૂ કર્યું.
આ સાથે કોલકાતા યુનિવર્સિટીએ રામનને માનાર્હ ડી.એસસી.ની ઉપાધિ 1923માં આપી અને મૉલેક્યુલર ડિસ્પર્સન ઑવ્ લાઇટ ઉપર તૈયાર કરેલું વિવરણ પ્રસિદ્ધ કર્યું.
પ્રકાશના પ્રકીર્ણન ઉપર કરેલા સંશોધન માટે લંડનની રૉયલ સોસાયટીએ તેમને ફેલોશિપ (એફ.આર.એસ.) આપી. બ્રિટિશ એસોસિયેશન ઑવ્ એડ્વાન્સમેન્ટ ઑવ્ સાયન્સના ઉપક્રમે પ્રકાશના પ્રકીર્ણન ઉપર ચર્ચા ખુલ્લી મૂકવા માટે રામનને ટોરૉન્ટો ખાતે 1924માં નિમંત્ર્યા. ત્યારબાદ તેમણે ઇન્ટરનૅશનલ કૉંગ્રેસ ઑવ્ મૅથેમૅટિક્સમાં કલકત્તા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું. તે યુ.એસ. ગયા અને ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાનીઓ મિલિકન, નીલ્સ બોહર, મૅક્સ પ્લાન્ક, ફેબ્રી અને સિગ્બાહનની મુલાકાત લીધી; ત્યાંથી તેઓ કલકત્તા યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે રશિયન એકૅડેમી ઑવ્ સાયન્સિઝની દ્વિશતાબ્દી ઉજવણીમાં ભાગ લેવા ગયા.
X-કિરણના ફોટૉનની પ્રકીર્ણન ઘટના માટે જ્યારે એ. એચ. કૉન્ટનને નોબેલ પુરસ્કાર મળ્યો ત્યારે રામન બોલી ઊઠ્યા, ‘જે ઘટના X-કિરણના ફોટૉન માટે શક્ય છે તે પ્રકાશ માટે પણ હોય જ.’
પ્રકાશના પ્રકીર્ણનનાં વધુ સારાં પરિણામોવાળો સંશોધનલેખ ફેબ્રુઆરી 16, 1928ના રોજ ‘નેચર’ સામયિકને મોકલી આપ્યો. રામનના આ કાર્યને જર્મનીના ભૌતિકવિજ્ઞાની પ્રિંગ્શેઇમે ‘રામન અસર’ તરીકે ઓળખાવ્યું.
‘રામન અસર’ માટે તેમને 1930માં નોબેલ પુરસ્કાર મળ્યો. આ સંશોધન માટે ઉપયોગમાં લીધેલાં બધાં જ ઉપકરણો સ્વદેશી હતાં. કેટલાંક તો તેમણે જાતે જ તૈયાર કરેલાં. નોબેલ પુરસ્કાર સ્વીકારવા માટે તેઓ સ્ટૉકહોમ ગયા. તેમના માનમાં સ્વીડનનાં રાજા-રાણીએ ભોજન સમારંભ યોજ્યો. અંતે અતિથિએ પ્રત્યુત્તર આપવાનો હોય છે. ત્યાં તેમણે પૌરાણિક ભારતની યશગાથા વર્ણવી. સાથે-સાથે સિદ્ધાર્થ(બુદ્ધ)ના સ્વૈચ્છિક પરિત્યાગની વાત કરતાં જણાવ્યું કે તમામ જીવો પ્રત્યે અહિંસા આચરવી અને સૌની સાથે પ્રેમથી વ્યવહાર કરવો.
ભારત પાછા ફરતાં તેમણે યુરોપમાં ઉપસાલા, ગોટબર્ગ, ઓસ્લો, કોપનહેગન, મ્યૂનિક, સ્ટ્રાસબર્ગ અને લંડન ખાતે પ્રવચનો આપ્યાં. ગ્લાસગો યુનિવર્સિટીએ તેમને એલએલ.ડી.ની માનાર્હ ઉપાધિ આપી. લંડનની રૉયલ સોસાયટીએ 1930નો ગૌરવ હ્યૂજિઝ મેડલ આપ્યો. તે સમયે લૉર્ડ રધરફર્ડે રામન અસરને તે દશકાની ત્રણ-ચાર શોધોમાં ઉત્તમ ગણાવી.
1932માં રામન બૅંગ્લોરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના નિર્દેશક અને ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા. આ સંસ્થામાં ભૌતિકશાસ્ત્ર વિભાગનું 1933માં ઉદ્ઘાટન થયું. 1933થી 1948 સુધી તેમણે આ વિભાગને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું. આ સમય દરમિયાન આ સંસ્થામાંથી 491 મૌલિક સંશોધનલેખો પ્રસિદ્ધ કરવામાં આવ્યા.
રામને સ્ફટિકોમાં પારમાણ્વિક કંપનોનો નવો સિદ્ધાંત રજૂ કરીને સંશોધનનું નવું ક્ષેત્ર ખોલી આપ્યું. રામનના આ સિદ્ધાંતથી કેટલાક સ્ફટિકોની વિશિષ્ટ ઉષ્મા અને ઉષ્મીય વિસ્તરણનો અભ્યાસ કરી શકાયો. રામનના મતે હીરો ઘન પદાર્થોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રામન અસરની શોધ બાદ રામનને હીરાના બંધારણમાં રસ પેદા થયો. એક અંદાજ મુજબ રામને વિવિધ પ્રકારના 310 હીરા વૈજ્ઞાનિક અભ્યાસ માટે એકઠા કર્યા હતા. અવસાનનાં થોડાંક વર્ષ પહેલાં રામને ક્રિશ્ર્નાની ખાણ અને તેની પાસેની નદીઓની ભૂગોળ અને ભૂસ્તરનો સારો એવો અભ્યાસ કર્યો. 1944-46 દરમિયાન હીરાનો વિવિધ રીતે અભ્યાસ અને તે વિશે સંશોધન કરવામાં આવ્યાં. રામને તેમના વિદ્યાર્થીઓ સાથે એક વિશિષ્ટ પરિસંવાદ યોજ્યો. તેમાં X-કિરણોનું વિવર્તન, દ્વિવક્રીભવન, ફેરાડે ઘટના, પ્રતિચુંબકીય ગ્રહણશીલતા, પારજાંબલી અને અધોરક્ત શોષણ, ઉષ્મીય વિસ્તરણ, રામન પ્રકીર્ણન અને બ્રિલ્વા પ્રકીર્ણન ઉપર સંશોધનલેખો રજૂ કરવામાં આવ્યા.
1934 અને 1935નાં વર્ષ ભારતીય વિજ્ઞાનના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપે રહ્યાં, કારણ કે તે સમયે વિજ્ઞાન એકૅડેમીની સ્થાપના થઈ. રામનના પ્રયત્નોથી આ સમયે ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સિઝની સ્થાપના થઈ. ભારતમાં બે વિજ્ઞાન એકૅડેમી છે. એક, ઉપર્યુક્ત અને બીજી મેઘનાદ સાહાના આગ્રહથી ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી અસ્તિત્વમાં આવી.
સ્વદેશી વિભાવના પ્રત્યે મહાત્મા ગાંધી અને રામન વચ્ચે ભારોભાર સામ્ય હતું. 1937માં પૅરિસ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં અમેરિકન પેવેલિનમાં બે બાબતે લોકોનું ધ્યાન દોરાતું : (1) રૉકફેલરના પૂતળા સામે ગાંધીજીનું પૂતળું; (2) રામન અસરનું નિર્દેશન અને રામન અસર ઉપર સંકલિત લખાણ.
1948ના નવેમ્બરમાં રામન વયમર્યાદાને કારણે પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા. ત્યારબાદ તેમણે રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. આ સંસ્થા માટે મૈસૂરના મહારાજાએ એકૅડેમીને 1934માં 10 એકર જમીન બક્ષિસમાં આપી હતી. એકૅડેમીની સંમતિથી તેમણે પોતાની સંસ્થા(રા. રિ. ઇ.)નું નિર્માણ કર્યું. 1948માં આ સંસ્થાનું મકાન તૈયાર થઈ ગયું. નિવૃત્તિ સાથે જ રામન આ સંસ્થામાં પહોંચી ગયા.
1948માં રામન રાષ્ટ્રીય પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. તેમની મહત્ત્વાકાંક્ષા હતી કે રા. રિ. ઇ. વિદ્યાના શ્રેષ્ઠ અને મહાન કેન્દ્ર તરીકે ખીલવું જોઈએ. વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ તેમાં સમાવિષ્ટ થવી જોઈએ. આ સંસ્થાના પ્રાંગણમાં બૅંગ્લોરમાં પ્રાપ્ય એવા તમામ પ્રકારના ગુલાબના છોડ તેમણે ઉછેર્યા છે. આ બધા છોડવાનું નિરીક્ષણ અને માવજત રામન પોતે જ કરતા હતા. પરિસર ઉપર વાવેલાં તમામ વૃક્ષો અને છોડવાઓનાં વનસ્પતિશાસ્ત્રીય નામો અને ઉપયોગોની જાણકારી તેમણે મેળવી લીધી હતી. આ સંસ્થામાં બ્રહ્માંડને સમજવા માટે, તેમાં થતી ઘટનાઓનું રહસ્ય જાણવા માટે પ્રકાશીય ઇન્ફ્રારેડ, X-કિરણો, ગૅમા કિરણ અને રેડિયો ખગોળવિદ્યાના ક્ષેત્રે સંશોધન થાય છે. આ ક્ષેત્રે સંશોધન એ જ સંસ્થાની વિશેષતા છે.
ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસમાં રામને નિયમિત રીતે ભાગ લઈ તેની સારી એવી પુષ્ટિ કરી હતી. વારંવાર રાજકારણીઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવતાં તે તંગ આવી ગયા હતા. આથી આવી કૉંગ્રેસ પ્રત્યે તે પાછળથી ખૂબ જ ઉદાસીન થઈ ગયા હતા.
વિજ્ઞાન પ્રત્યે ઇમાનદારી અનિવાર્ય છે. રામને તે માટે જીવન વિતાવ્યું. રામનની ઈમાનદારી પૂરેપૂરી હતી. રામન વિજ્ઞાનમાંથી સૌંદર્ય અને આનંદની અનુભૂતિ મેળવવા પ્રયાસ કરતા હતા. ગુણાત્મક સંશોધન અને સર્જકતાના તેઓ આગ્રહી હતા. ભારતમાં સાચા વિજ્ઞાનનો પાયો તૈયાર કરવા માગતા હતા, પણ અહીં તો પશ્ચિમનું અનુકરણ કરનારાઓનો જમેલો જામ્યો હતો. પાછળની જિંદગીમાં રામન આ બાબતે ઘણા વ્યથિત થઈ ગયા હતા.
1955માં રામનને ‘ભારતરત્ન’નો ઍવૉર્ડ અપાયો. આ ઍવૉર્ડ સ્વીકારવા માટે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદનું અંગત નિમંત્રણ મળ્યું. 27 જાન્યુઆરી 1955ના રોજ આ ઍવૉર્ડ એનાયત કરવાનો હતો. યુનિવર્સિટીના નિયમ પ્રમાણે તેમના એક વિદ્યાર્થીની થીસિસ, 1955ના જાન્યુઆરીના અંતમાં સુપરત કરવાની હતી. વિદ્યાર્થીનું આ કાર્ય પૂરું કરવા માટે તેઓ બૅંગ્લોર છોડી દિલ્હી જઈ શક્યા નહિ. આ રીતે રામનને દિલ્હીના આતિથ્ય કરતાં પોતાના વિદ્યાર્થી પ્રત્યેના કર્તવ્યનું વધારે મહત્વ હતું. ત્યારબાદ મૈસૂર સરકારના સામાન્ય કર્મચારી દ્વારા સર્વોચ્ચ ભારતરત્ન પદક રામનને હાથોહાથ આપવામાં આવ્યો હતો.
તેઓ કઠોર પરિશ્રમના આગ્રહી હતા. ભારતના નાગરિકોની ગુણવત્તા માટે તેઓ ભારે આશાવાદી હતા. તેમના મતે આ યુવાનોને ચાલકબળ અને હિંમતની જરૂર છે, વિજય માટે જોશ અને હોશની જરૂર છે. તેઓ ચુસ્ત રીતે માનતા હતા કે આ ગ્રહ ઉપર માણસો પોતાના અધિકારો મુજબ સ્થાન પ્રાપ્ત કરે તે જરૂરી છે અને માણસને પોતાના અધિકૃત સ્થાન (લક્ષ્ય) સુધી પહોંચવામાં કોઈ રોકી શકે તેમ નથી.
પ્રહલાદ છ. પટેલ