રાધિકાસાંત્વનમ્

January, 2003

રાધિકાસાંત્વનમ્ : અઢારમી સદીનાં તેલુગુ કવયિત્રી મડ્ડુ પલાની રચિત વિલક્ષણ કાવ્ય. આ કૃતિનું બીજું નામ ‘ઇલાદેવીયમ્’ છે. કૃષ્ણનો પોતાનાં કાકી રાધા પ્રત્યેનો પ્રેમ એ દક્ષિણ ધારા(school)ના કવિઓ માટે સનાતન વિષય બની રહ્યો હતો. રાજ-દરબારનાં આ કવયિત્રી પૂર્વેના અનેક કવિઓએ પોતપોતાની દક્ષતા પ્રમાણે કૃષ્ણ-રાધાના પ્રેમનું કાવ્યગાન કર્યું હતું; પરંતુ મડ્ડુ પલાની સ્થાનિક રૂઢિપ્રયોગો, છંદ તથા શૈલી પરના તેમના ઉત્તમ પ્રભુત્વના કારણે તેમજ તેમની વિદ્વત્તા અને સૌથી વિશેષ તો રાધા તથા ઇલાનાં સ્ત્રી-પાત્રોનાં ચિત્ત તથા મનોભાવો વિશેની અનન્ય મનોવૈજ્ઞાનિક સૂઝ જેવી લાક્ષણિકતાઓને કારણે તેમની પૂર્વેના કવિગણને ક્યાંય ટપી ગયાં છે. બંને સ્ત્રી-પાત્રોનું તેમણે અસામાન્ય કૌશલ્યથી સર્જન કર્યું છે. કાવ્યના 4 સર્ગોમાં કૃષ્ણ કરતાં ઘણી મોટી ઉંમરની રાધા જેવી પ્રૌઢ પરિણીતા પોતાના ભત્રીજા કૃષ્ણના પ્રેમમાં  બાળકૃષ્ણના પ્રેમમાં  વ્યાકુળ બની જાય છે; રાધાને પોતાની ‘દત્તક’ પુત્રી ઇલા સાથેનાં કૃષ્ણનાં લગ્ન વિષાદ તથા ગ્લાનિથી ઉન્મત્ત બનાવી મૂકે છે. પોતાના માનીતા પોપટ મારફત તે કૃષ્ણને સંદેશો મોકલે છે. કૃષ્ણ રાધા પાસે પાછા આવતાં તે તેમને મેણાં-ટોણા સંભળાવે છે અને છેવટે કૃષ્ણ પોતાનાં ‘શાંત વચનો’ના આશ્ર્વાસન વડે રાધાનું હૃદય જીતી લે છે. વસ્તુત: આરંભથી અંત સુધી એ રાધાની જ કથા છે; ઇલાનું પાત્ર એક ઉપાદાનરૂપ છે.

આ કૃતિ અત્યંત રમણીય છે. બ્રિટિશ સત્તાવાળાઓએ નૈતિક કારણોસર આ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો. સ્વાતંત્ર્ય બાદ આ કાવ્યને ઉત્તરોત્તર વિશેષ લોકપ્રિયતા સાંપડી છે.

મહેશ ચોકસી