મૅકાર્થીવાદ : સામ્યવાદી હોવાના આક્ષેપ માટે અમેરિકામાં 1950ના દાયકામાં પ્રયોજાયેલો શબ્દ. આ શબ્દ શંકાસ્પદ સામ્યવાદી પ્રવૃત્તિઓ અંગેના આક્ષેપો અને તેમની તપાસ માટે વ્યાપક રીતે પ્રયોજાતો હતો. ગમે તે વ્યક્તિ સામે શંકાસ્પદ રીતે સામ્યવાદી હોવાનો અવિચારી આક્ષેપ કરી તેના પર જુલમ ગુજારવાની પ્રવૃત્તિ પાછળ રહેલી વિચારસરણીનો તે શબ્દ દ્યોતક છે. સેનેટર જોસેફ મૅકાર્થી(1908–57)ના નામ પરથી આ શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો હતો. માર્ચ 1950માં અમેરિકાના અખબાર ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના કાર્ટૂનિસ્ટ હર્બર્ટ બ્લૉકે આ શબ્દનો પ્રથમ વાર જાહેર પ્રયોગ કર્યો. વિસ્કૉનસિન રાજ્યમાંથી ચૂંટાયેલા સેનેટર મૅકાર્થીએ સામાન્ય રીતે નજીવા પુરાવાઓને આધારે એવા અનેક આક્ષેપો કરેલા કે કેટલાક સરકારી અધિકારીઓ અને અન્ય વ્યક્તિઓ સામ્યવાદી છે યા તો સામ્યવાદીઓને સહાય પૂરી પાડી રહ્યા છે.
બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી અમેરિકા અને સોવિયેત સંઘ જગતની બે મહાસત્તાઓ હતી અને એ બંને મહાસત્તાઓ પરસ્પરવિરોધી વિચારધારા ધરાવતી હતી. અમેરિકાની લોકશાહી શાસનવ્યવસ્થા સોવિયેત સંઘની સામ્યવાદી શાસનવ્યવસ્થાની કટ્ટર વિરોધી હતી. વીસમી સદીનાં ચાળીસીનાં છેલ્લાં વર્ષો અને પચાસના દાયકાનાં પ્રારંભનાં વર્ષોમાં જગતભરમાં સામ્યવાદી છાવણી મજબૂત બનતી જતી હતી. ચેકોસ્લોવાકિયા અને ચીન સામ્યવાદી વિચારધારાઓના પ્રભાવથી ઘેરાયેલાં હતાં. સોવિયેત સંઘે પ્રથમ અણુવિસ્ફોટ કરી દીધો હતો તેમજ ઉત્તર કોરિયાનાં સશસ્ત્ર દળોને શસ્ત્રસજ્જ કર્યાં હતાં. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર આક્રમણ (1950–1953) કરેલું, જેને કારણે કોરિયાનું યુદ્ધ શરૂ થયેલું. આ યુદ્ધમાં અમેરિકા દક્ષિણ કોરિયાની પડખે હતું. 1948થી ’57નાં વર્ષો દરમિયાન સામ્યવાદનું બીજું મોજું વિશ્વમાં ફેલાઈ ગયું હતું.
આ દરમિયાન કેટલાક અમેરિકનોએ સોવિયત જાસૂસ તરીકે કામગીરી કરી છે એવા વ્યાપક આક્ષેપો અમેરિકામાં કેટલાંક સૂત્રોમાં થયા, જેમાં ગૃહખાતાના અધિકારી એલ્ગર હિસે ગુપ્ત સરકારી માહિતી સોવિયેત જાસૂસને પહોંચાડી હોવાનો આક્ષેપ થયેલો. વળી અમેરિકન દંપતી જુલિયસ અને એથેલ રોઝેનબર્ગે અમેરિકાના લશ્કરની ગુપ્ત માહિતી 1940માં સોવિયેત એજન્ટને પહોંચાડી હોવાનો આક્ષેપ થયેલો. અમેરિકાની 1946ની જાહેર ચૂંટણીઓમાં ઘણા રાજકારણીઓને લાગેલું કે હરીફો સામ્યવાદીઓ પ્રત્યે કૂણા-નરમ છે, એવા આક્ષેપોથી મતદારોને પ્રભાવિત કરી શકાશે. કંઈક ખોટું ચાલી રહ્યું હોવાની વ્યાપક લાગણી પ્રવર્તતી હતી. 1947માં ફિલ્મ-ઉદ્યોગમાં પ્રવર્તતી બેવફાઈની વ્યાપક સુનાવણી માટે હાઉસ કમિટી ઑન અનઅમેરિકન ઍક્ટિવિટિઝ (House Committee on UnAmerican Activities) નીમવામાં આવેલી. અમેરિકામાં આવા વેરવિખેર આક્ષેપોનો એક સિલસિલો ચાલ્યો. આ અરસામાં કેટલાક ધારાશાસ્ત્રીઓએ રાજકીય, મનોવૈજ્ઞાનિક અને આર્થિક લાભ માટે સામ્યવાદ વિરુદ્ધ બિનપાયાદાર અને વૈયક્તિક આક્ષેપો કર્યા.
સામ્યવાદ અમેરિકા માટે વધુ ને વધુ ભયજનક બનતો જતો હતો. અમેરિકાની સમવાય સરકાર કર્મચારીઓમાંથી ગુપ્ત સામ્યવાદીઓને શોધી રહી હતી. 1947માં અમેરિકાના પ્રમુખ હૅરી ટ્રુમૅને ‘લૉયલ્ટી બૉર્ડ’ રચ્યું. સમવાય સરકારના જે કર્મચારીઓની વફાદારી શંકાસ્પદ જણાય તેમને છૂટા કરવાનો આદેશ આપવામાં આવતો હતો. અમેરિકાના ઍટર્ની જનરલે તે જ વર્ષે ન્યાયવિભાગ દ્વારા બિનવફાદાર જણાતાં સંગઠનોની યાદી બનાવી. સરકારી ઘટકોએ આ યાદીને જ કર્મચારીઓની તેમજ નોકરી શોધતા ઉમેદવારોની વફાદારી માટે ધોરણરૂપ ગણી લીધી.
સેનેટની વિદેશ-સંબંધોની સમિતિએ ગૃહખાતામાં તપાસ આરંભી, પરંતુ તે એક પણ સામ્યવાદીને કે તેના હમદર્દને શોધી શકી નહિ. મૅકાર્થી અને અન્ય રૂઢિચુસ્તો રાષ્ટ્રીય સમસ્યાઓ માટે આ ગુપ્ત સામ્યવાદી એજન્ટોને દોષિત ઠેરવતા હતા. આ આક્ષેપો સરકાર સિવાયનાં ઇતર વર્તુળો સુધી વિસ્તર્યા. વૈજ્ઞાનિકો, ગ્રંથપાલો, પ્રાધ્યાપકો, સાહસિકો, પત્રકારો, ધર્મગુરુઓ – એમ વિવિધ વર્તુળોમાં અમુક લોકો શંકાસ્પદ ગણાવા લાગ્યા, તેમનાં નામો કાળી યાદીમાં મુકાયાં. કર્મચારીઓને સરકાર પ્રત્યેની વફાદારી માટે સોગંદ લેવા પડતા. આમ સામ્યવાદનું ભારણ સમગ્ર જનજીવનને વ્યાપક રીતે પ્રભાવિત કરી ગયું. કંઈક ખોટું ચાલી રહ્યું છે એવી છાપ પાકી બની.
ફેબ્રુઆરી, 1950માં મૅકાર્થીનો અમેરિકાના રાજકારણમાં પ્રવેશ થયો. મૅકાર્થીએ સામ્યવાદના આક્ષેપો કર્યા, જે ‘મૅકાર્થીવાદ’ તરીકે જાણીતા બન્યા. 1950 અને 1952ની ચૂંટણીઓમાં તેનો સફળ ઉપયોગ કરવામાં આવ્યો. રિપબ્લિકન ઉમેદવાર ડ્વાઇટ આઇઝનહોવર પ્રમુખ ચૂંટાયા. લશ્કરમાં પણ સામ્યવાદીઓ ઘૂસી ગયા છે, તેવા આક્ષેપો પણ થયા. 1954માં લશ્કર અને મૅકાર્થી વચ્ચે ટેલિવિઝન પર જાહેર સુનાવણી ચાલી, જેમાં મૅકાર્થીની દલીલો સાથે સંમત થઈ શકાય તેમ નહોતું. લાખો લોકો સમક્ષ મૅકાર્થી બેજવાબદાર સેનેટર તરીકે રજૂઆત પામ્યા. ‘મૅકાર્થીવાદ’ અમેરિકાના રાજકારણનો અપશબ્દ બની રહ્યો.
1956 પછી મૅકાર્થીવાદ નબળો અને ઝાંખો પડ્યો. આઇઝનહોવર પ્રમુખ બનતાં વહીવટી તંત્રમાં બદલાવ આવ્યો. તે અગાઉ કોરિયન યુદ્ધનો અંત આવ્યો હતો, મૅકાર્થીના આક્ષેપો બિનપાયાદાર પુરવાર થયા હતા અને 1955થી 1958નાં વર્ષો દરમિયાન અમેરિકાની સર્વોચ્ચ અદાલતે એવા અનેક ચુકાદાઓ આપ્યા, જેથી લોકોના અધિકારો સુરક્ષિત બન્યા અને સામ્યવાદના આક્ષેપોથી તેઓ બચી શક્યા. આજે અમેરિકામાં ‘મૅકાર્થીવાદ’ શબ્દપ્રયોગ પ્રતિસ્પર્ધી વિચારધારાને બદનામ કરવા માટેનો તથા અવિચારી જાહેર આક્ષેપો માટેનો પર્યાય બની ગયો છે.
રક્ષા મ. વ્યાસ