મૅકગિલ, રાલ્ફ (એમર્સન) (જ. 5 ફેબ્રુઆરી 1898, સૉડી નજીક, ટેનેસી, અમેરિકા; અ. 3 ફેબ્રુઆરી 1969, આટલાન્ટા, જ્યૉર્જિયા) : અમેરિકાના આંદોલનકારી પત્રકાર. આટલાન્ટાના ‘કૉન્સ્ટિટ્યૂશન’ અખબારમાંના તેમના તંત્રીલેખોનો દક્ષિણ અમેરિકાના સામાજિક પરિવર્તનમાં નિર્ણાયક ફાળો રહ્યો. ‘નૂતન દક્ષિણના અંતરાત્મા’ તરીકે તે ઓળખાયા. દક્ષિણનાં રાજ્યો વિશે ઉત્તર તથા પશ્ચિમ અમેરિકામાં યથાર્થ સમજૂતી પ્રગટાવવામાં તેમનું મૂલ્યવાન યોગદાન હતું.
તેમનો જન્મ ખેતરને ખોળે થયો હતો અને તદ્દન ગ્રામીણ વાતાવરણમાં થયો હતો. એક ખાનગી માધ્યમિક શાળામાં અભ્યાસ કરી, વૅન્ડરબિલ યુનિવર્સિટીમાં જોડાયા અને સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂરો થતાં પહેલાં પ્રથમ વિશ્વયુદ્ધમાં અમેરિકન મરીન કોરમાં જોડાઈને સેવા આપવાનો પ્રસંગ પડ્યો. 1922–23માં તે ‘નૅશવિલે બૅનર’ના ખબરપત્રી અને પછી રમતગમત-પ્રવૃત્તિના તંત્રી બન્યા. 1931માં તે ‘કૉન્સ્ટિટ્યૂશન’ના રમતગમત વિભાગના તંત્રી બન્યા.
‘કૉન્સ્ટિટ્યૂશન’ના 1938થી ’42 સુધી કાર્યવાહક તંત્રી તરીકે, 1942થી ’60 સુધી તંત્રી તરીકે અને 1960થી અવસાન પર્યંત પ્રકાશક તરીકે રાજકીય ભ્રષ્ટાચાર અને રંગભેદના અન્યાય સામેની તેમની નિર્ભીક અને જોશીલી ઝુંબેશથી તે વિશેષ નામના પામ્યા. કૂ ક્લક્સ ક્લાન જેવી શ્વેત અમેરિકનોની અશ્વેત નાગરિકો સામેની આતંકવાદી સંસ્થા સામે તેમણે સતત જેહાદ ચલાવી; 1958માં માહિતીપ્રદ તંત્રીલેખો બદલ તેમને ‘પુલિત્ઝર પ્રાઇઝ’ અપાયું.
અમેરિકાના અશ્વેત નાગરિકોને પૂરેપૂરા નાગરિક અધિકારો આપવાની અમેરિકાની ચળવળથી તેમના તંત્રીલેખોને ખૂબ સમર્થન મળ્યું. 1961માં ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઑવ્ ફ્રીડમ’ વડે તેમનું સન્માન કરાયું. ખૂબ પ્રશંસાપાત્ર નીવડેલા તેમના પુસ્તક ‘ધ સાઉથ ઍન્ડ ધ સધર્નર’(1963)ને ‘ઍટલાન્ટિક’ સામયિકનું 5,000 ડૉલરનું ઇનામ અપાયું હતું.
મહેશ ચોકસી