મુંબઈ ગુજરાતી નાટક મંડળી, શ્રી
February, 2002
મુંબઈ ગુજરાતી નાટક મંડળી, શ્રી (1889થી 1948) : સૌપ્રથમ ગુજરાતી માલિકીથી સ્થપાયેલી ગુજરાતી નાટક મંડળી. શ્રી ગુજરાતી નાટક મંડળીની સ્થાપના 5 જૂન, 1878ના રોજ થઈ હતી. આ મંડળીનો કારભાર કથળતાં દયાશંકર વસનજી ગિરનારાએ તે ખરીદી લીધી. એટલે તેના નામમાં ‘મુંબઈ’ શબ્દ ઉમેરી એમણે ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ની સ્થાપના ઈ. સ. 1889માં અક્ષયતૃતીયાના દિવસે કરી. મંડળીના અન્ય ભાગીદારોમાં છોટાલાલ મૂળચંદ પટેલ (ખંભાત), મગનલાલ મૂળચંદ પટેલ, કલ્યાણજી માવજી અને સૂરતવાળા કીરપારામભાઈ હતા. સંસ્થાએ અગાઉની મંડળીનો સરસામાન ખરીદી લીધો હતો.
29 જૂન, 1889ની રાત્રે, મુંબઈના તે વખતના શેરિફના હસ્તે ‘કુલીન કાન્તા’ નાટ્યપ્રયોગથી આ મંડળીનું ઉદઘાટન થયું. શરૂઆતથી જ આ મંડળીના દિગ્દર્શક દયાશંકર તખતા ઉપર શિસ્તના ભારે આગ્રહી હતા. નટોની રહેણીકરણી ઉપર તેઓ બારીક નજર રાખતા. તે સમયમાં આ મંડળી પોતાનું નવું નાટક શ્રીકૃષ્ણ-જન્માષ્ટમીની રાત્રે જ રજૂ કરતી. આ મંડળીએ મૂળશંકર મૂલાણીએ રચેલા કરુણરસપ્રધાન નાટક ‘અજબકુમારી’ને ભજવી નવી કેડી કંડારી. નાટકશાળા એ નીતિ અને સંસ્કારની નિશાળ છે એમ આ મંડળીના માલિકો માનતા હતા. મૂળશંકરનું ‘વિક્રમચરિત્ર’ નાટક એટલું લોકપ્રિય થયું કે મુંબઈની એક મિલે ‘મને સહાય કરશે મોરારિ રે’ એ ગાયનની પહેલી લીટીની કિનારીવાળાં ધોતિયાં બજારમાં મૂક્યાં હતાં. આ મંડળીની પ્રતિષ્ઠાનું શિખર તે ‘સૌભાગ્ય-સુંદરી’ (1901) નાટક. આ નાટકમાં જયશંકર અને બાપુલાલની નટબેલડીએ પ્રેક્ષકો પર અદભુત કામણ કર્યું. આ નાટકથી જયશંકર ‘સુંદરી’ તરીકે સુખ્યાત થયા. પંડિત વાડીલાલ નાયકની સ્વરરચનાઓ લોકપ્રિય બની.
1906માં આ મંડળીએ નવેસરથી બંધાયેલા પોતાની માલિકીના ‘ગેઈટી થિયેટર’માં નાટ્યપ્રયોગો શરૂ કર્યા. એ વખતે દયાશંકર પછી મંડળીમાં દિગ્દર્શક બાપુલાલ હતા.
1915થી 1922 સુધી આ મંડળીમાં અને સમગ્ર ગુજરાતી તખતા ઉપર એક નવું પરિવર્તન આવ્યું. નવયુગની સામાજિક મહત્વાકાંક્ષા અને સ્વદેશભાવનાને મૂર્ત કરતા ક્રાંતિકારી નાટ્યકાર નૃસિંહ વિભાકરનાં ‘સ્નેહસરિતા’, ‘સુધાચંદ્ર’ અને ‘મધુબંસરી’ નાટકો રજૂ થયાં. ગુજરાતી તખતાનાં રૂપરંગ બદલાયાં. સાહિત્યિક ગુણવત્તા, વિષય અને રજૂઆતની નવીનતાનો સુમેળ સધાયો. આ નટો અને માલિકો તરફ ગુજરાતના સાહિત્યકારો માનની નજરે જોતા થયા. મંડળીએ રમણભાઈ નીલકંઠનું ‘રાઈનો પર્વત’ નાટક સુધારાવધારા સાથે રજૂ કર્યું. આ મંડળીએ ઉત્તરોત્તર રંગભૂમિની પ્રગતિ માટે સમર્થ લેખકો, સમર્થ દિગ્દર્શકો અને પ્રાણવાન નટોને રંગભૂમિ ઉપર રજૂ કરવાનો પ્રયત્ન કરી પોતાનો યુગધર્મ બજાવ્યો.
આ મંડળીએ એ પછી રંગભૂમિના ઘણા રંગ જોયા. 1914થી 1921 સુધી છોટાલાલ પટેલ આ મંડળીના માલિક હતા. 1922થી 1939 બાપુલાલ નાયક, 1944–45 સુધી મેસર્સ શાંતિલાલ ઍન્ડ કંપની, 1946માં રાજનગર થિયેટર્સ લિમિટેડ અને અંતે 1948માં ચંદ્રહાસ મણિલાલ ઝવેરી એના માલિક બન્યા. આમ આ મંડળીએ ગુજરાતી રંગભૂમિ ઉપર સૌથી લાંબું આયુષ્ય ભોગવ્યું જણાય છે.
દિનકર ભોજક