મુંબઈ (શહેર) : મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર અને કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન : તે 18° 58´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે. પર આવેલું છે. શહેરની ઉત્તરે મુંબઈ જિલ્લો અને બાકીની ત્રણેય દિશાઓમાં અરબી સમુદ્ર આવેલો છે. કોંકણપટ્ટીના સમુદ્રકિનારે આવેલા મૂળ સાત ટાપુઓના સમૂહને સાંકળી લઈને આ શહેરનું નિર્માણ કરવામાં આવેલું છે. મૂળ શહેરનો વિસ્તાર 69 ચોકિમી. જેટલો હતો.
ભૂપૃષ્ઠ : અંતિમ ક્રિટેશિયસ – ઈયોસીન કાળગાળા દરમિયાન થયેલાં લાવાનાં ફાટ-પ્રસ્ફુટનોને કારણે અહીંનું ભૂપૃષ્ઠ નિર્માણ પામેલું. આ ટાપુઓ ઉત્તર-દક્ષિણ લંબાઈમાં વિસ્તરેલા છે અને પ્રમાણમાં નીચા છે. તેમનો આશરે 25 % જેટલો ભાગ સમુદ્રજળસપાટીથી પણ નીચો છે. પૂર્વ તરફ આવેલો મેદાની ભાગ પ્રમાણમાં નક્કર છે. પશ્ચિમ બાજુ પર બે સમાંતર ડુંગરમાળાઓ આવેલી છે. આ સિવાય ચારેય બાજુ ટેકરીઓ અને નાની નાની ખાડીઓ છે. અહીંની મહત્વની ટેકરીઓમાં ભાંડરવાડા, ભોઈવાડા, બ્રાઈ, કમ્બાલા, ઘોરપડે, ગોલાન્જી, મલબાર, નવરોજી, રૌલી, શિવરી ફૉર્ટ, સાયન ફૉર્ટ અને વરલીનો સમાવેશ થાય છે. આ ટેકરીઓની ઊંચાઈ 46 મીટરથી 88 મીટર જેટલી છે. કોલાબા અથવા નરીમાન પૉઇન્ટ એ મુંબઈ શહેરનું દક્ષિણ તરફ આવેલું અંતિમ ભૂમિસ્થાન છે, જ્યારે પશ્ચિમ તરફની ડુંગરાળ હારમાળાનું અંતિમ ભૂમિસ્થાન મલબાર હિલ છે. તેની ઊંચાઈ સમુદ્રસપાટીથી 55 મીટર જેટલી છે. મુંબઈ શહેર માટે તે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરી છે. બે હારમાળાઓ વચ્ચે છીછરી ખાડી વિસ્તરેલી છે. ઉત્તર અને પૂર્વમાં ખાડીના વિસ્તારોની પૂરણી કરીને નવસાધ્ય ભૂમિનિર્માણ કરવામાં આવેલું છે. દૂર ઉત્તર તરફ પીઠપ્રદેશ રૂપે એક ટાપુ આવેલો છે.
આબોહવા : મુંબઈની આબોહવા ગરમ અને ભેજવાળી છે. અહીં મોટેભાગે ત્રણ ઋતુઓ પ્રવર્તે છે. શિયાળા અને ઉનાળાનાં સરેરાશ તાપમાન અનુક્રમે 19° સે. અને 33° સે. જેટલાં રહે છે. વર્ષાઋતુ દરમિયાન અહીં વરસાદ 3,000 મિમી. (સરેરાશ વરસાદ 1,800 મિમી. જેટલો ગણાય.) જેટલો પડે છે.
વનસ્પતિ–પ્રાણીસંપત્તિ : અહીંના આજુબાજુના પ્રદેશનાં સ્થાનિક વૃક્ષો ઉપરાંત નાળિયેરી, આંબા તથા સીતાફળનાં વૃક્ષો વધુ જોવા મળે છે. શહેરની નજીકના જંગલભાગોમાં મુખ્યત્વે વાઘ, દીપડા અને હરણ જોવા મળે છે. પાલતુ પ્રાણીઓમાં ગાય, ભેંસ, ઘેટાં-બકરાં મુખ્ય છે; જ્યારે પક્ષીઓમાં કબૂતર, બગલાં અને બતકનું પ્રમાણ વિશેષ છે.
શહેરનું આયોજન : જૂનો શહેરી વિભાગ પ્રમાણમાં વધુ ગીચ છે; પરંતુ સૌથી સમૃદ્ધ ગણાતા વિસ્તારમાં મલબાર હિલ, હરિયાળા વિસ્તારો, બાગ-બગીચા અને રમત-ગમતનાં મેદાનો આવેલાં છે. શહેરીકરણને લીધે કેટલાક વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીઓ પણ જોવા મળે છે. વધેલાં વાહનો તેમજ કારખાનાંને કારણે હવાપાણીનું પ્રદૂષણ વધ્યું છે.
શહેરની દક્ષિણે, પશ્ચિમે, મરીન ડ્રાઇવ અને મલબાર હિલમાં સમૃદ્ધ વસાહતો આવેલી છે. ફૉર્ટ વિસ્તારની ઉત્તર તરફનો ભાગ વેપારનું મુખ્ય કેન્દ્ર બની રહેલો છે. અહીં અનેક ફૅક્ટરીઓ આવેલી છે, તેની વધુ ઉત્તર તરફનો ભાગ રહેઠાણ માટે ઉપયોગમાં લેવાયેલો છે. શહેરમાં ખાનગી અને સરકારી બહુમાળી મકાનો પણ આવેલાં છે.
આ શહેર અતિગીચ વસ્તી ધરાવતું હોવાથી અખાતની બીજી બાજુ નવા મુંબઈની રચના કરવામાં આવી છે. મુંબઈમાં આવેલા આવાસો ગૉથિક શૈલીનાં તેમજ અઢારમી અને ઓગણીસમી સદીના સમયગાળાનાં છે; માત્ર નવી બંધાયેલી ઇમારતો ગગનચુંબી તેમજ વિશાળ અને બહુમાળી છે. તે આધુનિક સ્થાપત્ય ધરાવે છે.
વસ્તી : મુંબઈ શહેરની વસ્તી 31,45,966 (2011). મહાનગરની વસ્તી વિશ્વમાં સૌથી ગીચ વસ્તી ધરાવતાં શહેરોમાં મુંબઈનો સમાવેશ થાય છે. ભારતનું સૌથી ગીચ વસ્તી ધરાવતું શહેર છે. 2011માં વસ્તી 1,24,78,447 હતી. શહેર(બૃહદ્ મુંબઈ)ની વસ્તી-ગીચતા દર ચોકિમી. દીઠ સરેરાશ 13,500ની છે; જ્યારે જૂના શહેરની વસ્તી-ગીચતા દર ચોકિમી. દીઠ 50,000 જેટલી છે. ગિરગાંવ, ભિંડીબજાર અને ભૂલેશ્વર પ્રમાણમાં ઓછી ગીચતા ધરાવતા વિસ્તારો છે. આ શહેરમાં દુનિયાભરના દરેક ધર્મના, દરેક દેશના લોકો વસે છે. આ કારણે અહીંની વસ્તી પચરંગી લેખાય છે. અહીંની કુલ વસ્તીના 50 % લોકો હિંદુ અને બાકીના 50 % પૈકી મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, શીખ, યહૂદી અને પારસી છે. ભારતમાં બોલાતી ભાષાઓ તેમજ વિદેશી ભાષાઓ બોલનારા લોકો અહીં વસે છે. રાજ્યની સત્તાવાર ભાષા મરાઠી છે, તેમ છતાં અહીં ગુજરાતી અને હિંદી ભાષાઓ પણ વધુ બોલાય છે. આ સિવાય બંગાળી, અરેબિક, ચીની, અંગ્રેજી, કચ્છી, કન્નડ, કોંકણી, મારવાડી, નેપાળી, ઊડિયા, પંજાબી, રાજસ્થાની, સિંધી, તમિળ, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલનારા પણ છે. અહીંના લોકો પર પાશ્ચાત્ય સંસ્કૃતિની વિશેષ અસર દેખાય છે.
અર્થતંત્ર : મુંબઈ ભારતનું આર્થિક અને વેપાર-વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર છે. અહીં ઓગણીસમી સદીમાં સર્વપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. આજે પણ આ ઉદ્યોગનું મહત્વ ઘટ્યું નથી. ઇજનેરી, વીજાણુ, મુદ્રણ, ઑટોમોબાઇલ, રંગરસાયણો, રાસાયણિક ખાતર, ખાદ્યસામગ્રી, કૃત્રિમ કાપડ, પ્લાસ્ટિક, સાબુ તેમજ ધાતુઓના અનેક એકમો અહીં વિકસેલા છે.
આ શહેરમાં રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા, સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયા તથા રાષ્ટ્રીયકૃત બૅંકોની મુખ્ય શાખાઓ આવેલી છે. લાઇફ ઇન્સ્યુરન્સ, ટંકશાળ, એર ઇન્ડિયા તેમજ અનેક વ્યાપારી કંપનીઓ – બહુરાષ્ટ્રીય કંપનીઓનું તે મુખ્ય મથક બની રહેલું છે. ભારતનું સ્ટૉક એક્સ્ચેન્જનું મુખ્ય કેન્દ્ર પણ અહીં આવેલું છે. તે ભારતની આર્થિક પારાશીશી ગણાય છે. વિવિધ દેશોની એલચી-કચેરીઓ પણ અહીં આવેલી છે.
પરિવહન : મુંબઈ ઉત્તર, દક્ષિણ અને પૂર્વના વિસ્તારો સાથે ભૂમિમાર્ગે સંકળાયેલું છે. દેશના મુખ્ય માર્ગો થાણેની ઉત્તરે ભેગા થાય છે. મુંબઈમાં મધ્ય અને પશ્ચિમ રેલવેનાં મુખ્ય મથકો શિવાજી ટર્મિનસ અને દાદર ખાતે છે. ભારતના બધા જ વિભાગો સાથે તે જોડાયેલું છે. સાન્તાક્રૂઝ હવાઈ મથક તેમજ સહારા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દેશી-વિદેશી હવાઈ સેવા સંભાળે છે. મુંબઈ ભારતના પશ્ચિમ વિભાગનું મુખ્ય બંદર છે. અહીંથી દેશનો મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે. મુંબઈના પરાવિસ્તારો વીજળી ટ્રેનથી સંકળાયેલા છે અને રોજ લાખો લોકો વીજળી-ટ્રેન મારફતે અવરજવર કરતા રહે છે. આ ઉપરાંત ‘બેસ્ટ’ કંપનીની બસો શહેરને યાતાયાતની સેવા પૂરી પાડે છે. આ સિવાય અનેક ખાનગી બસ અને ટૅક્સીઓ પણ સેવા આપે છે. બોરિવલી(ગોરાઈ)થી નરીમાન પૉઇન્ટ એક કલાકમાં પહોંચવાનું જે અશક્ય ગણાતું હતું. તે હવે મહારાષ્ટ્ર સરકારે ભૂમિ અને જળ બંને પર ચાલી શકે એવું હૉવરક્રાફ્ટ અને કૅટામરીન (ફેરી) સેવા દ્વારા 350 કરોડ રૂપિયાના ખર્ચે શક્ય બનાવવાનું આયોજન કર્યું છે. ટ્રાફિકનો પ્રશ્ન હળવો થાય તે માટે 2009માં વાંદરા અને વરલીને સાંકળતા એક પુલનું નિર્માણ કર્યું છે. જે માહિમ ખાડી ઉપરથી પસાર થાય છે.
કૉર્પોરેશન દ્વારા આરોગ્યકેન્દ્રો, હૉસ્પિટલો, શિક્ષણ, પાણી, અગ્નિશમન, સુએઝ, બજાર, બાગ-બગીચા, રસ્તા અને મકાનો વગેરેની સગવડોનું આયોજન કરવામાં આવે છે. પરિવહન અને વીજળીની સુવિધાઓ પણ કૉર્પોરેશન દ્વારા અપાય છે. થાણે જિલ્લામાં આવેલું તાન્સા સરોવર, તુલસી, પવાઈ અને વિહાર સરોવરો દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. બ્રીચ કેન્ડી હૉસ્પિટલ ભારતની શ્રેષ્ઠ હૉસ્પિટલો પૈકીની એક છે. આ ઉપરાંત હિન્દુજા હૉસ્પિટલ, ટાટા હૉસ્પિટલ, બૉમ્બે હૉસ્પિટલ અને નાણાવટી હૉસ્પિટલ પણ છે.
મુંબઈમાં સાક્ષરતાનું પ્રમાણ મધ્યમસરનું છે. પ્રાથમિક શિક્ષણ નિ:શુલ્ક અને ફરજિયાત છે. માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા ખાનગી અને સરકાર હસ્તક છે. અહીં પૉલિટૅકનિકના અભ્યાસક્રમો ચાલે છે, તેમાં પ્રમાણપત્ર અને પદવીને અનુરૂપ યાંત્રિક (mechanical), ઇલેક્ટ્રિકલ, રાસાયણિક તેમજ અન્ય શાખાઓનો અભ્યાસ કરાવવામાં આવે છે. 1857માં સ્થપાયેલી અહીંની બૉમ્બે યુનિવર્સિટી દેશભરમાં જાણીતી છે. તેને સંલગ્ન કૉલેજો અને અનુસ્નાતક કેન્દ્રો આવેલાં છે. આ ઉપરાંત મહિલા શિક્ષણના ઉત્કર્ષ માટે એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી પણ આવેલી છે.
સાંસ્કૃતિક જીવન : મુંબઈમાં વિવિધભાષી લોકો વસે છે. શહેરમાં અનેક મ્યુઝિયમો, પુસ્તકાલયો, શૈક્ષણિક કેન્દ્રો, આર્ટ ગૅલરીઓ, થિયેટરો તેમજ જાતજાતનાં આનંદપ્રમોદની સુવિધાઓ જોવા મળે છે. મુંબઈ ભારતના ચિત્ર-ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે, જે બોલીવુડ તરીકે ઓળખાય છે. વિવિધ કલાકેન્દ્રો અહીં વિકસ્યાં છે. અહીંની જહાંગીર આર્ટ ગૅલરી ખૂબ જાણીતી છે.
મુંબઈ શહેરે સંદેશાવ્યવહાર માટે પ્રિન્ટિંગ ઉદ્યોગની ર્દષ્ટિએ ઘણું મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અહીં અંગ્રેજી, મરાઠી, હિન્દી, ગુજરાતી, સિંધી અને ઉર્દૂ ભાષાઓમાં વર્તમાનપત્રો પ્રગટ થાય છે. ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં ‘મુંબઈ સમાચાર’ અને ‘જન્મભૂમિ’ વર્તમાનપત્રો વિશેષ ઉલ્લેખનીય છે. આકાશવાણી કેન્દ્ર અને દૂરદર્શન કેન્દ્ર- (1972)ની શરૂઆત અહીંથી થયેલી. બૃહદ્ મુંબઈની ઉત્તરે કૃષ્ણનગરી ઉપવન રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાણીતું બન્યું છે. કૅનેરીની ગુફાઓ મુંબઈની નજીકમાં જ આવેલી છે. અહીં આવેલા મઝગાંવનો ગાર્ડન, ફિરોજશા મહેતા ઉદ્યાન, કમલા નહેરુ પાર્ક, બોરિવલી ખાતેનો સંજય ગાંધી નેશનલ પાર્ક જેવા ઘણા ઉદ્યાનો પૈકી પ્રાણીસંગ્રહાલય ધરાવતો જીજાબાઈ ઉદ્યાન જોવાલાયક છે. અન્ય જાણીતાં સ્થળોમાં બ્રેબૉર્ન, વાનખેડે અને વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ, જુહૂનો સમુદ્ર રેતપટ, ચોપાટીનો સમુદ્ર રેતપટ, હૅન્ગિંગ ગાર્ડન, મુંબઈ, હાઇકૉર્ટ અને યુનિવર્સિટીની ઇમારતો, પ્રસિદ્ધ રાજાબાઈ ટાવર, તાજમહાલ અને ઑબેરૉય જેવી પંચતારક હોટલોનો સમાવેશ કરી શકાય. મરીન ડ્રાઇવ અને જુહૂ બીચ અહીંનાં મનોરંજન-સ્થળો છે.
મુંબઈ શહેરની ગીચ વસ્તીની અવરજવરની સમસ્યાને હલ કરવા અનેક ફ્લાયઓવર બ્રિજનાં નિર્માણ થઈ ચૂક્યાં છે. લાખો લોકો પશ્ચિમ અને મધ્ય રેલવે દ્વારા અને બીજા ઘણા લોકો બસ દ્વારા રોજ પ્રવાસ કરે છે.
નીતિન કોઠારી