મુંદસરી, જૉસેફ (જ. 1904, કંડાસ્સાન્કાદેવુ, ત્રિચુર, કેરળ; અ. 1977) : મલયાળમ ભાષાના સાહિત્યિક વિવેચક, નવલકથાકાર, કેળવણીકાર અને રાજકારણી. સ્થાનિક હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ. ઉચ્ચ શિક્ષણ ત્રિચુરની સેંટ ટૉમસ કૉલેજ તથા તિરુચિરાપલ્લીની સેંટ જૉસેફ કૉલેજમાં મેળવી, પદાર્થવિજ્ઞાનમાં બી.એ. થયા. પછી સંસ્કૃત તથા મલયાળમ વિષય સાથે એમ.એ. થયા.

ડેમૉન્સ્ટ્રેટર તરીકે કારકિર્દીનો પ્રારંભ, 1928–1952 સુધી ત્રિચુરની ટૉમસ કૉલેજમાં ઑરિયેન્ટલ લૅંગ્વેજ વિભાગના વડા તરીકે એક આદર્શ શિક્ષક તરીકે કામગીરી કરી, 1952માં તે પદ છોડી દીધું અને ‘પ્રિશીતન’, ‘કૈરાલી’ અને ‘મંગલોદ્યમ’ જેવાં સામયિકોનું સંપાદનકાર્ય સંભાળ્યું.

1949માં કોચીન રાજ્ય વિધાનસભાના સભ્ય ચૂંટાયા. 1956–59 દરમિયાન કેરળ રાજ્ય બનતાં શિક્ષણમંત્રી તરીકે ફરજ બજાવી. ત્યારપછીનાં 10 વર્ષ સાહિત્યિક પ્રવૃત્તિમાં રત રહ્યા. દૈનિક ‘નવજીવન’નું સંપાદન કર્યું. સહકારી પ્રવૃત્તિમાં પણ જોડાયા. પ્રગતિવાદી સાહિત્યિક ચળવળની આગેવાની લીધી. 1972માં કોચીનની નવી યુનિવર્સિટીના ઉપકુલપતિ બન્યા. તેમણે ચીન, રશિયા તથા યુરોપનો પ્રવાસ ખેડ્યો હતો.

તેમણે રચેલી 50 કૃતિઓમાં વિવેચનો નોંધપાત્ર છે. તેમાં ‘મટ્ટોલી’ (એકો, 1944); ‘કાવ્યપીઠિકા’ (1945); ‘માનદાનંદમ્’ (1946); ‘રૂપભદ્રાતા’ (1951); ‘કાલટ્ટિન્ટે કન્નડી’ (1954) તથા ‘નાટકાન્તમ્ કવિત્વમ્’ (1962) ઉલ્લેખનીય છે.

તેમણે ‘કોન્ઝિન્જા ઇલાકલ’ (1960–76) નામની આત્મકથા 3 ગ્રંથમાં તેમજ ‘સમ્માનમ્’ (1943); ‘કતક્ષમ્’ (1945) અને ‘ઇલ્લાપ્પોલીસ’ (1947) નામના 3 વાર્તાસંગ્રહો ઉપરાંત નિબંધો, ચરિત્રો અને અનુવાદોની કેટલીક કૃતિઓ રચી છે.

તેમની સાહિત્યસેવા ધ્યાનમાં લઈને કોચીનના મહારાજાએ તેમને ‘સાહિત્યનિપુણ’નો ઇલકાબ આપ્યો હતો. 1976માં તેઓ કેરળ સાહિત્ય અકાદમીના ફેલો નિમાયેલા અને તેમને સોવિયેત લૅન્ડ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

બળદેવભાઈ કનીજિયા