મુરાદાબાદી, જિગરઅલી સિકંદર (જ. 1890, મુરાદાબાદ; અ. 9 સપ્ટેમ્બર 1960, ગોંડા) : વીસમી સદીના પૂર્વાર્ધના ઉર્દૂ ગઝલના અગ્રેસર કવિ. જિગર મુરાદાબાદીનું નામ અલી સિકંદર હતું. તેઓ મુરાદાબાદમાં જન્મ્યા હોઈ તેમના તખલ્લુસ ‘જિગર’ની સાથે ‘મુરાદાબાદી’ પણ કહેવામાં આવતું. જિગરના પૂર્વજો મૌલવી મોહંમદસુમા મોગલશાહજાદા શાહજહાંના ઉસ્તાદ હતા; પરંતુ કોઈ કારણસર શાહી કુટુંબ સાથે મનમેળ ન રહેવાથી તેઓ દિલ્હી છોડીને મુરાદાબાદ આવી વસ્યા હતા. જિગરના પિતા સૈયદઅલી નઝર પણ એક સારા ‘સાહેબેદીવાન’ કવિ હતા અને વઝીર લખનવીના શાગિર્દ હતા. ઘરના માહોલ અને વાતાવરણથી જિગર ગઝલ તરફ આકર્ષાયા અને તેઓ નાની વયથી ગઝલ લખતા થઈ ગયા. શરૂઆતમાં પોતાના પિતાને તેઓ ગઝલો બતાવતા હતા, પરંતુ ત્યારબાદ ખ્યાતનામ કવિઓ તસ્લીમ લખનવી અને દાગ દહેલવી પાસેથી માર્ગદર્શન મેળવતા રહ્યા. પહેલા વિશ્વયુદ્ધ પછી તેમની ગઝલો એક ખાસ રંગ જમાવી ચૂકી હતી અને પ્રતિષ્ઠિત પત્રિકાઓમાં પ્રસિદ્ધ થવા લાગી હતી. ઉર્દૂના જાણીતા કવિ અસગર ગોંડવી ઉપર જિગરને ભારે પ્રેમ અને શ્રદ્ધા હતાં. તેઓ અસગરની સાથે આઝમગઢ ગયા. આઝમગઢના વાતાવરણનો તેમજ અસગરના સાહિત્યસંપર્કનો જિગરની કવિતા ઉપર પુષ્કળ પ્રભાવ પડ્યો. ‘મુઆરિફ’ જેવી ઇલ્મી અને ગંભીર વિચારધારા ધરાવતા સામયિકમાં તેમની રચનાઓ પ્રગટ થઈ અને સાહિત્યનાં ઉચ્ચ વર્તુળોમાં તેની ખૂબ પ્રશંસા થઈ.
આઝમગઢથી જિગર કાનપુર આવ્યા. કાનપુરના રંગેમહફિલ કંઈ જુદા જ પ્રકારના હતા. જિગરને અહીંનો અદબી માહોલ (સાહિત્યિક વાતાવરણ) ખૂબ માફક આવ્યો. અહીંના કેફ અને મસ્તીભર્યા વાતાવરણમાં જિગરની ગઝલને નવું ક્ષિતિજ સાંપડ્યું. બનારસ મેનપુરી, ફૈઝાબાદ, બદાયું વગેરે જેવાં શહેરોના મુશાયરામાં તેમની ગઝલો ખૂબ લોકપ્રિય નીવડવા લાગી. આ રચનાઓ શ્રોતાઓના મુખે લાંબા સમય સુધી રમતી રહી. જિગરને હવે પ્રતિષ્ઠા અને નામના મળી ચૂક્યાં હતાં.
હુસ્ન-ઇશ્કના સંબંધમાંથી જન્મ લેતી અનેક ભાવનાઓ અને અનુભૂતિઓને સચોટ રીતે તેમણે રજૂ કરી છે. તેમની ગઝલોમાં મિથ્યાત્વ અને આડંબર નથી. શરૂઆતની થોડીક ગઝલો બાદ કરતાં જિગરની કૃતિઓમાં ચિંતન અને મનનની છાયા પણ અનુભવાય છે. જિગર અંગત જીવનમાં ઉદારદિલ અને માનવતાવાદી હતા. તેઓ અભિમાનથી સદા દૂર રહેતા. નિષ્ઠા અને સત્યના ઉપાસક હતા. હંમેશાં સ્વમૂલ્યાંકન કરતા રહેતા. જિગરની કવિતા જાણે તેમના વ્યક્તિત્વની કાવ્યાત્મક અભિવ્યક્તિ હોય એવું જ લાગે.
જિગરનો પહેલો કાવ્યસંગ્રહ ‘દાગેજિગર’ 1928માં આઝમગઢથી પ્રગટ થયો હતો. બીજો સંગ્રહ ‘શોલ-એ-તૂર’ (અસગર ગોંડવી સંપાદિત) 1932માં અલીગઢથી પ્રકાશિત થયો હતો. તેની ભૂમિકા સુપ્રસિદ્ધ લેખક સૈયદ સુલેમાન નદવીએ લખી હતી. 1935માં ‘શોલ-એ-તૂર’ની બીજી આવૃત્તિ સુધારા-વધારા સાથે દિલ્હીથી પ્રગટ થઈ. 1955માં જિગરનો ત્રીજો કાવ્યસંગ્રહ ‘આતિશે ગુલ’ પહેલાં લાહોરથી અને 1958માં દિલ્હીથી પ્રસિદ્ધ થયો. એ જ વરસે કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી આ સંગ્રહને ઍવૉર્ડ આપવામાં આવ્યો. ડિસેમ્બર 1959માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ તેમને ડી.લિટ્.ની માનાર્હ ઉપાધિ આપી સન્માન કર્યું. ગઝલસાહિત્યની લાંબા સમય સુધી સેવા કરનાર જિગર ‘રઇસુલ મુંતગઝ્ઝિલીન’ (ગઝલસમ્રાટ) તરીકે ઓળખાયા. હૃદય બંધ પડતાં તેમનું અવસાન થયું. ગોંડામાં તેમને દફનાવવામાં આવ્યા. તેમના અવસાન પછી તેમના પત્રોનો સંગ્રહ પ્રગટ કરવામાં આવ્યો હતો.
વીસમી સદીમાં ગઝલને નવજીવન આપનાર 5 કવિઓ પૈકીના તે એક હતા; અન્ય 4 તે હસરત, ફાની, અસગર તથા ફિરાક ગોરખપુરી. વિષય તથા શૈલીના બંધિયારપણામાંથી ગઝલને મુક્ત બનાવી તેમણે એ કાવ્યપ્રકારને જીવંત અનુભૂતિના સ્વરૂપ લેખે વિકસાવ્યો. તેમના સમકાલીનો તથા તેમની અનુગામી કવિ-પેઢી પર તેમની પ્રતિભાનો વ્યાપક અને ઊંડો પ્રભાવ પડ્યો; તેમના અનુયાયી જેવા મઝરૂહનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ. જઝબી, જાં નિસાર અખ્તર તથા મજાઝની ગઝલોમાં પણ જિગરની ઘેરી અસર છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા