મુરવાડા : મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન : 23° 05´ ઉ. અ. અને 80° 24´ પૂ. રે.. તે કટની અને સુમરાર નદીઓની વચ્ચે કટની નદીને દક્ષિણ કાંઠે આવેલું છે. તે રેલમાર્ગ પરનું જંક્શન હોવાને કારણે તેની આજુબાજુના વિસ્તાર માટેનું વેપારી મથક બની રહેલું છે. રેલજંક્શન બન્યા પછી તેનો વિસ્તાર વધ્યો છે તેથી તે કટનીના એક ભાગ તરીકે અથવા કટની તરીકે પણ ઓળખાય છે. મધ્યપ્રદેશમાં તે વેપાર, પરિવહન અને ઔદ્યોગિક ર્દષ્ટિએ મહત્વનું શહેર ગણાય છે. નદીકિનારા પર ખેતીપ્રવૃત્તિ વિકસેલી છે. અહીં ડાંગર છડવાની મિલો, અનાજ દળવાની ઘંટીઓ, મુલતાની માટીનું પ્રક્રમણ કરવાના એકમો આવેલા છે. આ નગરની નજીકમાં જ બૉક્સાઇટ અને ચૂનાખડકની ખાણો પણ છે. આ કારણે અહીં ચૂનો અને સિમેન્ટ બનાવવાના એકમો પણ વિકસ્યા છે. અહીંના લગભગ 50 % લોકો ચૂના-સિમેન્ટને લગતા ઉદ્યોગોમાં અને બીજા 50 % જેટલા લોકો વેપાર-વાણિજ્ય તથા અન્ય વ્યવસાયોમાં રોકાયેલા છે. પશ્ચિમે રેવા–જબલપુરનો પાકો રસ્તો, પૂર્વે અલ્લાહાબાદ–જબલપુરને જોડતો પાકો રસ્તો અને રેલમાર્ગ તથા દક્ષિણે બીના–બિલાસપુરને સાંકળતો પાકો રસ્તો પસાર થાય છે. રેલમથકની આસપાસનો વિસ્તાર અહીંનો મહત્વનો વેપારી વિસ્તાર ગણાય છે. તેની ફરતે રહેઠાણનો વિસ્તાર આવેલો છે. અહીં 1874માં નગરપાલિકાની રચના થયેલી છે. આ શહેરમાં શૈક્ષણિક સગવડો પણ છે. વસ્તી : 2,21,875 (2011).
નીતિન કોઠારી