મુરલીધરન, કે. (જ. 1954, ચેન્નાઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાંથી 1976માં ચિત્રકલાનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો. આ પછી બૅંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી અને મુંબઈમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં.

કૉલકાતાની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સ ખાતે સમૂહ પ્રદર્શનમાં ભાગ લીધો. ચિત્રકલા પરિષદે અને ચેન્નાઈ ખાતેની તામિલનાડુ લલિતકલા અકાદમીએ તેમનું સન્માન કરેલું.

મુરલીધરનનાં ચિત્રોમાં આદિમતાવાદ(primitivism)ની સાથોસાથ બાલસહજ સરળ આકૃતિઓ પણ વારંવાર જોવા મળે છે.

તાજેતરમાં તેઓ ચેન્નાઈમાં કલાસર્જનમાં વ્યસ્ત છે.

અમિતાભ મડિયા