મુદલિયાર, આર. નટરાજ (જ. 26 જાન્યુઆરી 1885, વેલ્લોર; અ. 1972, ચેન્નાઈ) : દક્ષિણ ભારતમાં ચિત્ર-ઉદ્યોગનો પાયો નાખનાર નિર્માતા. મૅટ્રિક સુધી અભ્યાસ કર્યા બાદ તેઓ પ્રારંભે 1906માં પિતાના સાઇકલના વ્યવસાયમાં અને પછી 1911માં મોટરકારના વ્યવસાયમાં જોડાઈ ગયા. મુંબઈમાં નિર્માણ પામતાં ચલચિત્રોમાં રસ જાગતાં 1912માં પુણે જઈને બ્રિટિશ કૅમેરામૅન સ્ટુઅર્ટ સ્મિથ પાસેથી છબિકલા, પ્રોસેસિંગ અને પ્રિન્ટિંગનું જ્ઞાન મેળવ્યું. દરમિયાન દાદાસાહેબ ફાળકેની સિદ્ધિઓ વિશે જાણીને ચલચિત્રના વ્યવસાયમાં ઝંપલાવવાની તેમને પ્રેરણા મળી. 1916માં ચેન્નાઈમાં ‘ઇન્ડિયા ફિલ્મ કંપની’ની સ્થાપના કરી. થોડા સમય બાદ એસ. એમ. ધર્માલિંગમ્ નામના એક વેપારી સાથે ભાગીદારીમાં મિલર્સ રોડ પર ટાવર હાઉસ નામના બંગલામાં એક કામચલાઉ સ્ટુડિયો ઊભો કરીને જૂના વિલિયમસન કૅમેરા વડે ‘કીચકવધમ્’ ચિત્રનું નિર્માણ શરૂ કર્યું. રંગાવાદિવેલુ નામના એક નાટ્ય કલાકાર પાસે અભિનેતાઓને તાલીમ અપાવી. 1916માં 35 હજાર રૂપિયાના ખર્ચે આ મૂક ચિત્ર તૈયાર થયું હતું. તમિળ, હિંદી અને અંગ્રેજીમાં સબ-ટાઇટલ રાખ્યાં હતાં. દક્ષિણ ભારતમાં નિર્માણ પામેલું આ પ્રથમ ચલચિત્ર હતું. એ પછી ‘દ્રૌપદીવસ્ત્રાહરણમ્’ (1917) અને ‘મૈત્રેયીવિજયમ્’(1918)નું નિર્માણ કર્યું. ‘દ્રૌપદીવસ્ત્રાહરણમ્’માં દ્રૌપદીની ભૂમિકા મેરિયન હિલ નામની એક ઍંગ્લો-ઇન્ડિયન યુવતીએ ભજવી હતી. એ પછી ભાગીદાર સાથે મતભેદ થતાં કંપનીમાંથી છૂટા થઈને વેલ્લોર જઈ ત્યાં એકલે હાથે ચિત્રનિર્માણ શરૂ કર્યું અને 1919માં ‘મહીરાવણ’ અને ‘માર્કંડેય’નું નિર્માણ કર્યું. એ પછીનાં ચિત્રોમાં ‘લવ-કુશ’ (1919), ‘કલિંગમર્દનમ્’ (1920), ‘રુક્મિણીકલ્યાણમ્’(1921)નો સમાવેશ થાય છે.
1917થી 1923 દરમિયાન સાત ચિત્રોનું નિર્માણ કરીને તેઓ ભાવિ યોજનાઓ ઘડી રહ્યા હતા ત્યાં જ સ્ટુડિયોમાં લાગેલી આગમાં કીમતી ઉપકરણો અને સરસામાન બળીને ખાખ થઈ ગયાં. એવામાં પુત્રનું નિધન થતાં ચિત્રવ્યવસાય પ્રત્યે તેમને વૈરાગ્ય આવી ગયો. એ પછી તેમણે એક પણ ચિત્ર બનાવ્યું નહિ.
હરસુખ થાનકી