મુદગલ, માધવી

February, 2002

મુદગલ, માધવી (જ. 4 ઑક્ટોબર 1951) : ભારતીય શાસ્ત્રીય નૃત્યકાર. સંગીત, વાદ્ય અને નૃત્યકલાની સાધના અને શિક્ષણમાં રત પરિવારમાં માધવી મુદગલનો જન્મ થયો. સંગીતજ્ઞ પિતા વિનયચંદ્ર મુદગલે દિલ્હીમાં ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી. માતા પદ્માદેવી શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા અને શિક્ષિકા છે. પ્રારંભમાં ભરતનાટ્યમ્ અને કથકની તાલીમ લીધા બાદ ઓડિસી શૈલીનું આકર્ષણ થવાથી ગુરુ હરેકૃષ્ણ બહેરા પાસે તેની તાલીમ લીધી. ત્યારબાદ વિખ્યાત ગુરુ કેલુચરણ મહાપાત્ર પાસે એ શૈલીનો કસબ શીખ્યાં.

તેમની ઓડિસીની રજૂઆતમાં સૂક્ષ્મ સમજ અને સંમાર્જિત નર્તનશૈલીને કારણે ઓડિસી નૃત્યમાં આગવું સ્થાન મેળવી અનેક સન્માન પામ્યાં. 1984માં સંસ્કૃતિ પુરસ્કાર, 1990માં ‘પદ્મશ્રી’ અને 1996માં ઓરિસા રાજ્યની સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર મળ્યા. ઓડિસી શૈલી વિશે ર્દશ્ય-શ્રાવ્ય કાર્યક્રમ ઉપરાંત ચલચિત્ર-નિર્માણમાં હાથ અજમાવ્યો. 1985માં ‘અંગહાર’ ઓડિસી નૃત્ય-મહોત્સવનું આયોજન કર્યું.

પિતાએ સ્થાપેલ ગાંધર્વ મહાવિદ્યાલયમાં નૃત્ય શીખવવા ઉપરાંત વિદ્યાર્થીઓ માટે દર વર્ષે નૃત્ય-સંયોજનના કાર્યક્રમો રજૂ કરવાથી ઠીક ઠીક અનુભવ મેળવ્યો. વિદેશમાં ભારતીય સાંસ્કૃતિક મહોત્સવમાં ઓડિસી નૃત્ય રજૂ કરવા માધવીને અનેક વાર મોકલવામાં આવેલ છે. 1978માં ઇંગ્લૅન્ડ ખાતે કલા-સંસ્કૃતિ-પર્વની ઉજવણીમાં, 1987માં મેક્સિકો ખાતે સેવાન્ટીનો ફેસ્ટિવલ તેમજ 1989માં મૉરિશિયસ ખાતે ‘ફેસ્ટિવલ દ લા મેર’માં નૃત્ય રજૂ કર્યું. વિખ્યાત વિયેના ડાન્સ ફેસ્ટિવલમાં પણ 1990માં નૃત્ય રજૂ કરવાનો મોકો મળ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં ભારતીય નૃત્ય સમારોહમાં 1990માં રજૂઆત કરી. 1992માં બ્રાઝિલમાં અને ત્યારબાદ તે જ વર્ષે હંગેરી ખાતે ભારતીય સાંસ્કૃતિક દિનની ઉજવણી નિમિત્તે યોજાયેલ સમારંભમાં નૃત્ય રજૂ કર્યું. લંડન ખાતેના ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયામાં અને 1994–95માં લાગટ 2 વર્ષ આવીન્યૉન (Avignon) (ફ્રાંસ) ઉત્સવમાં ભાગ લીધો. 1996માં હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં વસંતોત્સવ નિમિત્તે નૃત્ય રજૂ કર્યું.

પ્રકૃતિ કાશ્યપ