મુઘલ સ્થાપત્ય

February, 2002

મુઘલ સ્થાપત્ય : મુઘલ શાસકો(1526–1707)ના રાજ્યાશ્રય અને પ્રોત્સાહનથી ભારતમાં નિર્માણ પામેલું સ્થાપત્ય. મુઘલ સમ્રાટો સ્થાપત્યપ્રેમી હતા અને તેમની પાસે અઢળક ખજાનો હતો તેથી તેમના શાસનકાલમાં સ્થાપત્યકલાની અભૂતપૂર્વ ઉન્નતિ થઈ. તેમણે ઈરાની અને ભારતીય શૈલીના સમન્વય દ્વારા મુઘલ સ્થાપત્યશૈલીનો વિકાસ કર્યો.

બાબર સ્થાપત્યકલાનો ચાહક હતો. તેણે બંધાવેલી ઘણીખરી ઇમારતો નાશ પામી છે. આજે તેમાંથી કેવળ બે મસ્જિદો જોવામાં આવે છે – પાણીપતની કાબુલી મસ્જિદ અને સંભલની જામે મસ્જિદ. આ ઇમારતો પર ઈરાની શૈલીનો વ્યાપક પ્રભાવ જોવા મળે છે. હુમાયૂંએ પણ ઈરાની શૈલીએ આગ્રા અને ફતેહાબાદમાં મસ્જિદ બંધાવેલી. એમાં ફતેહાબાદ(જિ. હિસાર)ની મસ્જિદ ઈરાની શૈલીની સુંદર મીનાકારી ધરાવે છે.

મુઘલ સ્થાપત્યમાં અકબરનો કાલ ઉન્નતિનો કાલ હતો. તેણે આગ્રા, ફતેહપુર સિક્રી, લાહોર, અલ્લાહાબાદ, અજમેર વગેરે સ્થળોએ અનેક દુર્ગો, પ્રાસાદો, મસ્જિદો, મકબરા, જળાશયો વગેરેનું નિર્માણ કરાવ્યું. ધર્મને ક્ષેત્રે તે જેમ બધા ધર્મોનો સમન્વય ચાહતો હતો તેમ સ્થાપત્યને ક્ષેત્રે પણ સમન્વિત ભાવનાઓને આધારે ઇમારતો બાંધવા માગતો હતો. તેની ઇમારતોમાં ભારતીય-મુસ્લિમ, ઈરાની, હિંદુ, બૌદ્ધ અને જૈન શૈલીઓની છાપ જોવામાં આવે છે. આ ઇમારતોમાં કમાનદાર છત, ઊંધા કટોરાના ઘાટના ગોળ ઘૂમટ, લાંબા-ઊંચા સ્તંભ, અનેક પ્રવેશમાર્ગો અને બારીઓ વગેરે ઈરાની શૈલીનાં તત્વો સાથે સપાટ છતો, સુશોભનાત્મક મદલો તથા સ્તંભો, સજાવટ કરેલા મહેરાબ, ડુંગળી ઘાટના ઘૂમટ, છતરીઓ, ઇમારતની ચારેતરફ કાઢવામાં આવતા મોટા ઝરૂખા વગેરે ભારતીય કલાનાં તત્વોનો સમન્વય થયો છે. અકબરની ઇમારતો લાલ પથ્થરની બનેલી છે. સફેદ આરસનો પ્રયોગ કેવળ સજાવટમાં જ થયેલો છે. મકબરાઓને ફરતા ઉદ્યાનો કરવાનો રિવાજ અહીંથી ર્દઢ થતો જોવામાં આવે છે.

જહાંગીર મહેલનું પ્રવેશદ્વાર, લાલ કિલ્લો, આગ્રા

અકબરના સમયની પહેલી મુખ્ય ઇમારત દિલ્હીમાં આવેલો હુમાયૂંનો મકબરો છે. એમાં ડોકું કાઢીને જાણે બહાર જોતો હોય તેવો બેવડો ઘૂમટ સમગ્ર ઇમારતની રોનકમાં ઘણો વધારો કરે છે. મહેરાબોની સજાવટમાં પણ સફેદ આરસનો પ્રયોગ થયો છે. અકબરે સિકંદરામાં કરાવવો શરૂ કરેલો તેનો મકબરો તેના અવસાન પછી જહાંગીરે (1613માં) પૂર્ણ કરાવ્યો હતો. તેનો ઉપરનો મજલો સંપૂર્ણપણે સફેદ આરસનો છે. તેમાંની જાળીઓની સજાવટ, પુષ્પ અને સૂર્યની આકૃતિઓ વગેરે હિંદુ કલાકારોને હાથે થયેલી હોવાનું જણાય છે. મહેરાબો અને બુરજોને કારણે ઇમારતની ભવ્યતામાં ઘણો વધારો થયો છે.

અકબરે આગ્રા, અલાહાબાદ, અજમેર અને લાહોરમાં મજબૂત કિલ્લાઓ અને તેમાં શાહી મહેલ, આવાસગૃહો, કાર્યાલયો વગેરે બંધાવ્યાં. આ બધી ઇમારતો લાલ પથ્થરની બનેલી છે. આગ્રાના કિલ્લાની રચનામાં લાલ પથ્થર એવી કુશળતાથી જોડેલા છે કે દીવાલમાં ક્યાંય સાંધો કે તિરાડ દેખાતાં નથી. કિલ્લાના દરવાજાઓ પર સફેદ આરસનું જડતર કરીને તેમાં રંગીન હાથી અને પક્ષીઓ પણ બનાવવામાં આવ્યાં છે. અબુલફઝલ જણાવે છે તેમ અકબરે આગ્રાના કિલ્લામાં 500 ઇમારતો લાલ પથ્થરથી બંધાવી હતી. પાછળથી શાહજહાંએ એ બધી તોડાવીને તેને સ્થાને સફેદ આરસના મંડપ ઊભા કરાવ્યા હતા. આ કિલ્લામાં અકબરે કરાવેલી એક જ ઇમારત હાલ ઊભી છે અને તે છે જહાંગીરનો મહેલ.

અલબત્ત, સ્થાપત્યને ક્ષેત્રે અકબરનું નામ આગ્રાથી 40 કિમી. દૂર આવેલા ફતેહપુર સિક્રી નામના નગરને લઈને છે. અકબરે એક ઊંચી ટેકરી પર લગભગ 11 કિમી.ના ઘેરાવામાં આ નગર વસાવ્યું હતું અને ત્યાં પોતાની રાજધાની ખસેડી હતી. પરંતુ સંભવત: પાણીની તીવ્ર તંગીને લઈને આ સ્થળેથી રાજધાની પુન: આગ્રામાં આણવામાં આવી હતી. સિક્રીમાં ઇમારતો બાંધવાનું કાર્ય ઈ. સ. 1569માં શરૂ થયું હતું, અને 1572 સુધીમાં ઘણી ઇમારતો બંધાઈ ગઈ હતી. આ ઇમારતોમાં બીરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહરા મહેલ, તુર્કી સુલતાનાનો મહેલ, જામે મસ્જિદ અને બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે. ઊંચા ચબૂતરા પર બનેલો બીરબલનો મહેલ રચના અને તેના બેવડા ઘૂમટને લઈને આકર્ષક લાગે છે. બીબી મરિયમના મહેલની અંદરની અને બહારની દીવાલોમાં સોનેરી પથ્થર જડેલા હોવાથી ઇમારત ‘સુનહરા મહેલ’ને નામે પ્રસિદ્ધ છે. આમાં મુઘલ શૈલીનાં કેટલાંક ચિત્રો કરવામાં આવ્યાં હતાં. તુર્કી સુલતાનાનો મહેલ રચના અને સજાવટની ર્દષ્ટિએ સિક્રીની સૌથી સારી ઇમારત ગણાઈ છે. એમાં ઢળતી છતો પર ચમકદાર ભૂરા રંગથી કરેલું સુશોભન મનોહર છે. સિક્રીની જામે મસ્જિદ ભારતની સહુથી મોટી (165 × 138 મીટર કદની) મસ્જિદ છે. રચના પરત્વે તે ચાંપાનેરની જામે મસ્જિદને મળતી આવે છે. આ મસ્જિદનો એક દરવાજો ‘બુલંદ દરવાજા’ તરીકે પ્રસિદ્ધ છે. આમાં સૌપ્રથમ વાર એક વિરાટ મસ્જિદ સાથે વિશાળ પ્રવેશદ્વારને જોડવામાં બતાવાયેલ અપૂર્વ સ્થાપત્યકીય કૌશલ દાખવવામાં આવ્યું છે. સિક્રીની બીજી જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ, પંચ મહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ અને જ્યોતિષભવન ઉલ્લેખનીય છે. શેખ સલીમ ચિશ્તીનો મકબરો (મજાર) સફેદ આરસનો બનેલો છે. અહીં અંદરની દીવાલો પરની ચિત્રકારી, જડતરવાળી ફર્શ અને મનોહર રીતે કંડારાયેલી વીથિકાની જાળીઓ ખાસ ધ્યાન ખેંચે છે.

જહાંગીરને જેટલો ચિત્રકલા પ્રત્યે પ્રેમ હતો એટલો સ્થાપત્યકલા પ્રત્યે ન હતો. આથી તેના પિતાએ બંધાવેલી ઇમારતોની તુલનામાં તેણે બંધાવેલી ઇમારતો જૂજ છે. અકબરનો સિકંદરામાં આવેલો મકબરો, નૂરજહાંના પિતા ઇતમાદુદ્દૌલાનો આગ્રામાં 1628માં બંધાયેલ મકબરો તેમજ રાવીને તટે લાહોરમાં બંધાવેલ જહાંગીરનો પોતાનો મકબરો તેના સમયની વિશિષ્ટ ઇમારતો છે. લાહોરનો મકબરો નૂરજહાંએ બંધાવ્યો હતો. આ ઇમારતની વિશેષતાઓમાં મિનારા અને દીવાલો પરનાં ભિત્તિ-ચિત્રોનું આલેખન ખાસ ઉલ્લેખનીય છે.

શાહજહાં અકબર જેવો જ મહાન નિર્માતા હતો. તેણે બંધાવેલ અનેક ભવનો, શાહી મહેલો, દુર્ગો, બાગ-બગીચા, મસ્જિદો અને મકબરા આગ્રા, દિલ્હી, લાહોર, કાબુલ, કંદહાર, અજમેર, અમદાવાદ વગેરે સ્થળોએ આવેલાં છે. શાહજહાંની ઇમારતો અકબરની ઇમારતોની તુલનામાં ભવ્યતા અને મૌલિકતાની બાબતમાં ઊતરતી કોટિની ગણાય છે; પરંતુ રચનાકૌશલ, કલાપૂર્ણ સજાવટ, સરસતા અને રમણીયતાની બાબતમાં એના કરતાં ચડિયાતી છે. સફેદ આરસ અને સોનેરી રંગનો પ્રયોગ, બારીક કોતરણી, આરસમાં રત્નો, મણિઓ અને બીજા કીમતી પથ્થરોનું કલાપૂર્ણ જડતરકામ, નકશીકામ તેમજ ચિત્રકામનો અપૂર્વ સંગમ વગેરે વિશેષતાઓને લઈને શાહજહાંની ઇમારતો તરત જુદી પડી આવે છે. આ બધાં લક્ષણો દિલ્હી અને આગ્રાની ઇમારતોમાં વિશેષ જોવા મળે છે. આગ્રાના કિલ્લામાં બંધાયેલ ઇમારતોમાં દીવાને આમ, દીવાને ખાસ, મોતી મસ્જિદ, નગીના મસ્જિદ તેમજ મુસમ્મન બુરજ મુખ્ય છે. આમાં મોતી મસ્જિદ તેની સાદાઈ, સપ્રમાણતા તેમજ બધાં અંગો વચ્ચેના સરસ સમન્વયને લઈને ઉચ્ચ કોટિની ઇમારત બની છે. મુસમ્મન બુરજ શરૂઆતમાં શાહબુરજ કહેવાતો હતો. આરસની ચાર માળની આ ઇમારતમાં સૌથી ઉપરના માળનું નકશીકામ જોવાલાયક છે. આ ઇમારતની મધ્યમાં ગુલાબના ઘાટનો હોજ છે અને તેની સામે એક ઝરણું બનાવેલું છે. આગ્રાના કિલ્લામાં શીશમહલ, ખાસ મહલ, ઝરોખાદર્શન માટે કરાવેલો ઝરૂખો અને અંગૂરી બાગ પણ શાહજહાંએ કરાવ્યાં હતાં.

દિલ્હીનો લાલ કિલ્લો શાહજહાંએ 1638માં બંધાવ્યો અને તેમાં પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામે નગર વસાવ્યું હતું. તેણે કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહલ અને નહર-એ-બહિશ્ત જેવી મનોહર ઇમારતો કરાવી હતી. એમાં દીવાને ખાસની મીનાકારી અને નકશીકામ અત્યંત પ્રશંસા પામ્યાં છે. શાહજહાંએ પંજાબમાં ઈરાની શૈલીના પ્રભાવની ઈંટ અને પથ્થરના ઉપયોગવાળી ઇમારતો કરાવી તેમાં 1634માં બંધાવેલ વજીરખાંની મસ્જિદ વિખ્યાત છે. ત્યાંનાં ચૌલુર્જી, અલીમર્દખાં અને શર્ફુન્નિસાના મકબરા, દાઈ આંગાની મસ્જિદ તેમજ શાલીમાર બાગ વગેરે જાણીતાં સ્થાપત્યો છે. અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલ જૂનું રાજભવન (વર્તમાન સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક) એ વાસ્તવમાં શાહજહાંએ બંધાવેલો મહેલ છે.

શાહજહાંની સર્વોત્તમ કૃતિ તાજમહાલ છે. યમુના નદીને કિનારે આગ્રા સમીપ પોતાની પ્રિય બેગમ મુમતાઝમહલના મકબરા રૂપે સફેદ આરસમાં બંધાયેલ આ જગપ્રસિદ્ધ ઇમારત કુશળ શિલ્પીઓને હાથે યોજનાપૂર્વક બંધાઈ હતી. ઉત્તર-દક્ષિણ 580 અને પૂર્વ-પશ્ચિમ 305 મીટરનો વિસ્તાર ધરાવતી ઇમારતની મધ્યમાં બાગ છે અને ઉત્તરની એક ઊંચી પીઠ પર મકબરો બનેલો છે. પ્રત્યેક અંગની રચના અને તેમના સંયોજનમાં ખૂબ સતર્કતા અને કાબેલિયત રખાઈ છે. તેના બગીચાનું સ્વરૂપ, એની મધ્યના ફુવારા માટે પાણીનો પ્રબંધ, મુખ્ય પ્રવેશમાર્ગ, ચબૂતરો અને મિનારાઓની રચના, વિશાળ ઘૂમટ અને મનોહર મહેરાબો, જાળીઓનું નકશીકામ, મીનાકારી, અરબી-ફારસી લિપિમાં સુંદર મરોડમાં કરેલું લખાણ, પથ્થરોની ધવલતા, રંગોની ચમક – આ બધું કલાત્મક રીતે સંકલન અને સંયોજન પામ્યું છે. મુમતાઝબેગમની કબર ભૂગર્ભ ખંડમાં બરાબર મધ્યમાં છે અને તેની બાજુમાં શહેનશાહ શાહજહાંની કબર છે. આ બંને કબરોની અનુકૃતિરૂપ કબરો ધરાવતો ખંડ એ ખંડની બરાબર ઉપર કરવામાં આવ્યો છે. નીચેનો ખરી કબર ધરાવતો ખંડ સાધારણ રીતે બંધ રખાય છે.

ઔરંગઝેબના સમયમાં બંધાયેલી મસ્જિદો દિલ્હી બનારસ અને લાહોરમાં આવેલી છે. તેણે પોતાની બેગમની યાદમાં ઔરંગાબાદમાં એક મકબરો બંધાવ્યો હતો. જે બીબીજી કા મકબરા તરીકે પ્રસિદ્ધ છે. તેમાં તાજમહલની નકલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

પ્રવીણચંદ્ર પરીખ