ઇંગોરિયો : દ્વિદળી વર્ગમાં આવેલા બેલેનાઇટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Balanites roxburghii Planch. syn. B. aegyptica (Linn.) Delile var. roxburghii Duthie (સં. ઇંગુદી; અંગવૃક્ષ; મ. હીંગણી, હિંગણ બેટ; હિં. હિંગોટ, ગૌદી; ક. ઇંગળગિડ, ઇંગળા, હિંગુલ; બં. ઇંગોટ; તે. ગરા; અં. ડેઝર્ટ ડેટ) છે. અરડૂસો (Ailanthus excelsa Roxb.) તેનો સહસભ્ય છે. અગાઉ અરડૂસો અને ઇંગોરિયાને એક જ કુળ સીમારાઉબેસીમાં મૂકવામાં આવતાં હતાં; પરંતુ હાલમાં આ બંનેનાં અલગ કુળ રચવામાં આવ્યાં છે અને ઇંગોરિયાને બેલેનાઇટેસી કુળમાં મૂકવામાં આવ્યો છે. ઇંગોરિયો અને અરડૂસા વચ્ચે ગાઢ સંબંધ હોવાથી આવું વિભાજન યોગ્ય નથી – એવો પણ એક મત પ્રવર્તે છે.
તે કાંટાવાળું, સદાહરિત (evergreen) ક્ષુપ જેવું અથવા નાના બેઠા ઘાટનું સારી છાયા આપતું પીળાશ પડતા સફેદ રંગના થડવાળું, ક્વચિત જ ઊંચું (9.0 મી. સુધી વધતું) અને દેખાવમાં કૂબડું વૃક્ષ છે અને દ્વીપકલ્પીય (peninsular) ભારત, પશ્ચિમ રાજસ્થાન અને દક્ષિણ-પૂર્વ પંજાબથી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે. મોડાસા, ગીર અને બરડો જેવા સવાના તૃણભૂમિના પ્રદેશો અને નદી-કિનારાના પ્રદેશોમાં તે ઊગે છે. તેની છાલ ભૂખરા રંગની અને 6.0 મિમી. જાડી હોય છે. કંટકો (thorn) કક્ષીય (axillary), મજબૂત, તીક્ષ્ણ અને 3 સેમી.થી 6 સેમી. લાંબા હોય છે. ઘણી વાર આ કંટકો ઉપર પર્ણો અને પુષ્પો ઉત્પન્ન થાય છે. પર્ણ દ્વિપર્ણી (bifoliate) પંજાકાર સંયુક્ત પ્રકારનું હોય છે. તેનો પર્ણદંડ ટૂંકો અને અગ્ર ભાગે ઉપવલયી (elliptic) કે પ્રતિઅંડાકાર (obovate) બે પર્ણિકાઓ ધરાવે છે. પુષ્પો નાનાં, લીલાશ પડતાં સફેદ, સુગંધિત અને કક્ષીય હોય છે અને ગુચ્છ (fascicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પનિર્માણ ડિસેમ્બરથી માર્ચ સુધીમાં થાય છે. ફળ અષ્ઠિલ (drupe) પ્રકારનું કાષ્ઠમય, અંડાકાર કે લંબગોળાકાર, 2.5 સેમી.થી 6.0 સેમી. લાંબું અને પાંચ પીળાશ પડતી ખાંચોવાળું હોય છે. તેની છાલ સૂકા લીંબુ જેવી હોય છે. ફળ માર્ચથી જુલાઈ સુધીમાં મળે છે. સફેદ, રસાળ ખાટા માવામાં છૂટાંછવાયાં 15થી 20 બીજ આવેલાં હોય છે.
તે શુષ્કતાસહિષ્ણુ (drought-hardy) વનસ્પતિ છે અને ખુલ્લાં રેતાળ મેદાનોમાં સામાન્ય રીતે જોવા મળે છે. તેનું પ્રસર્જન મૂલ અંત:ભૂસ્તારી (root-sucker) દ્વારા થઈ શકે છે.
તેનાં પર્ણો સહેજ કડવાં હોવા છતાં ગાય-ભેંસ, ઘેટાં અને બકરાં ખાય છે. પાકા ફળનો ગર મીઠો હોવા છતાં અણગમતો સ્વાદ ધરાવે છે; પરંતુ તે પણ ખવાય છે. તેના ગરમાં બેલેનાઇટીસીન‘એ’, ‘બી’, ‘સી’, ‘ડી’ અને ‘ઇ’ નામનાં સ્ટેરૉઇડીય સેપોનિન હોય છે. તેમના જલાપઘટનથી ડાયોસ્જેનિન ગ્લુકોઝ, ઝાયલોઝ, એરેબિનોઝ અને રહેમ્નોઝ ઉત્પન્ન થાય છે. ફળમાં ડાયોસ્જેનિનનું પ્રમાણ 0.3 %થી 3.8 % જેટલું હોય છે. કાચાં અને પાકાં ફળો ક્રિપ્ટોજેનિન પણ ધરાવે છે. પ્રકાંડની છાલમાં ફ્યુરેનોકુમેરિન, બર્જાપ્ટેન અને ધનાત્મક (+) મામૅસીન, બેલેનાઇટોલ અને અન્ય સમઘટક (isomeric) સંયોજન (C15H27O2) હોય છે. ફળો ઍલ્યુમિનિયમની મિશ્ર ધાતુ અને બ્રાસ માટે સંક્ષારણ-અવરોધકો (corrosion-inhibitors) ગણાય છે. તેના વેપારી-નમૂનાઓનું કેટલીક વાર હરડે સાથે અપમિશ્રણ કરવામાં આવે છે. કૂતરાઓમાં ફળના ગરનો નિષ્કર્ષ લાંબા સમય સુધી આપવાથી અતિગ્લુકોઝરક્તતા (hyperglycaemia) પ્રેરિત શુક્રપિંડીય અપક્રિયા (dysfunction) થાય છે. ખાલી ફળમાં દારૂ ભરી ફટાકડા બનાવવામાં આવે છે.
બીજમાંથી પીળા રંગનું તેલ (36 %થી 43 %) ઉત્પન્ન થાય છે. તે પ્રતિજીવાણુક (antibacterial) અને પ્રતિફૂગીય (antifungal) ગુણધર્મો ધરાવે છે અને ત્વચાના રોગો પર, દાઝ્યા પર, ત્વચાની સપાટીના નાશ (excoriation) માટે અને બદામી ચાઠાંની ચિકિત્સામાં વપરાય છે. દીવા કરવા માટે તથા સાબુ બનાવવા માટે પણ તે ઉપયોગી છે. તેલરહિત બીજના ગરમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં (54.6 %) હોય છે. વળી તે ડાયોસ્જેનિનનો સારો સ્રોત છે. ડાયોસ્જેનિન મુખ-ગર્ભનિરોધકો (oral-contraceptives) બનાવવામાં વપરાય છે. પર્ણો અને મૂળમાં પણ ડાયોસ્જેનિન હોય છે. તે માછલીઓ માટે વિષાક્ત છે.
આયુર્વેદ અનુસાર તે મદગંધી, તીખો, લઘુ, કડવો, ઉષ્ણ, ફેનિલ અને રસાયણ છે અને કૃમિ, વાયુ, વિષ, શૂળ, કોઢ, વ્રણ, કફનો, નાશ કરે છે. તેનાં પુષ્પો મધુર, સ્નિગ્ધ, ઉષ્ણ અને કડવાં હોય છે અને વાયુ તથા કફનો નાશ કરે છે. તેનું તેલ વ્રણરોપણ અને કુષ્ઠઘ્ન છે. તે ખીલ, ઉંદર તથા શ્વાનવિષ ઉપર અને કૉલેરામાં ઉપયોગી મનાય છે. તેનો સ્તનરોગ, નેત્રસ્રાવ, શૂળ, કર્ણમૂળ, ઉટાંટિયું, ન્યૂમોનિયા અને ઉધરસમાં ઉપયોગ કરવામાં આવે છે. ફળનો રસ કપડાં ઉપર પડેલા ડાઘા દૂર કરવા અને સૂતર તેમજ રેશમ સ્વચ્છ કરવા અને કપડાં ધોવામાં વપરાય છે.
તેનું કાષ્ઠ (વજન, 769 કિગ્રા./મી.3) પીળાશ પડતું સફેદ અને મધ્યમસરનું સખત હોય છે. તેનો ઉપયોગ મજબૂત હાથલાકડીઓ અને ઓજારોના હાથા બનાવવામાં તથા બળતણ તરીકે થાય છે.
તે અપૂર્ણ પ્રકાંડ-પરોપજીવી (stem parasite) આકાશવેલ-(Cassytha filiformis Linn.)ની કેટલીક યજમાન વનસ્પતિઓ પૈકીની એક છે અને શુષ્કતાદર્શક ગણાય છે.
શોભન વસાણી
સરોજા કોલાપ્પન