ઇંગ્લિશ ખાડી

January, 2002

ઇંગ્લિશ ખાડી : ઇંગ્લૅન્ડ અને ફ્રાંસની ભૂમિ વચ્ચે ઍટલાંટિક અને ઉત્તર સમુદ્રને જોડતી ખાડી. ભૌગોલિક સ્થાન : તે આશરે 48o 24´થી 50o 50´ ઉ. અ. અને 2o 00´ પૂ. રે.થી 5o 00´ પ. રે. વચ્ચેનો આશરે 89,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની લંબાઈ 563 કિમી. જેટલી, ઇંગ્લૅન્ડના પશ્ચિમ છેડા લૅન્ડ્ઝ એન્ડના યુશાન્ટ પાસે તેની વધુમાં વધુ પહોળાઈ 117 કિમી. તથા તેનો સૌથી વધુ સાંકડો ભાગ 35 કિમી. ઇંગ્લૅન્ડના ડોવર અને ફ્રાંસના કૅલે વચ્ચે આવેલો છે. તેની સરેરાશ ઊંડાઈ 40થી 60 મીટર જેટલી છે, પરંતુ ડોવરની સામુદ્રધુનીના પ્રવેશબિંદુ હેઠળ 120 મીટર અને હડર્સ ડીપ પર 180 મીટર જેટલી ઊંડાઈ છે. ઇંગ્લૅન્ડમાં તે ‘ધ ચેનલ’ તરીકે તથા ફ્રેન્ચ ભાષામાં તે ‘લા મચ’ (La Manche) નામે ઓળખાય છે, તેનો અર્થ ‘બાંય’ (sleeve) થાય છે. આમ તે ઍટલાંટિક મહાસાગરનો હાથ બનીને ઇંગ્લૅન્ડના દક્ષિણ કિનારા અને ફ્રાંસના ઉત્તર કિનારાની વચ્ચે વિસ્તરેલ છે.

તેને ઉત્તર કિનારે ઇંગ્લૅન્ડને કાંઠે આવેલાં મુખ્ય બંદરોમાં ડોવર, પ્લીમથ, પૉટર્સમથ, બૉર્થમથ, વેમથ, ટ્રોકવે અને સાઉધમ્પ્ટનનો તથા દક્ષિણ કિનારે ફ્રાંસને કાંઠે બોલોન, ડીપ, કૅલે, શેરબુર્ગ, સેન્ટ માલો અને લ હેવ્રનો સમાવેશ થાય છે. આ ખાડી સાથે કેટલાક અખાત સંકળાયેલા છે, તેમાં ઇંગ્લૅન્ડને કિનારે લીમનો અખાત અને માઉન્ટનો અખાત આવેલા છે, જ્યારે ફ્રાંસના કિનારે સીનનો અખાત અને સેન્ટ માલોનો અખાત આવેલા છે. આ ખાડીમાં કેટલાક ટાપુઓ પણ આવેલા છે, તેમાં ફ્રાન્સને કાંઠે ચેનલ ટાપુઓ, ઇંગ્લૅન્ડને કાંઠે વાઇટ, જર્સી, ગર્નઝી જેવા ટાપુઓ આવેલા છે.

ભૂસ્તરીય સંદર્ભમાં આ ખાડીની ઉત્પત્તિ વિશે નિષ્ણાતો માને છે કે દસ હજાર વર્ષ પહેલાં હિમયુગના અંત વખતે બ્રિટન અને ફ્રાંસની મુખ્ય ભૂમિ તેમની વચ્ચેની નીચાણવાળી મેદાની ભૂમિથી સંકળાયેલી હતી; પરંતુ 7,000 વર્ષ પહેલાં હિમજથ્થો મોટા પ્રમાણમાં પીગળવાથી સમુદ્ર-મહાસાગરોની જળસપાટી ઊંચી આવતાં આ ખાડી જળથી ભરાઈને નિર્માણ પામી હશે !

આ ખાડીમાં ઍટલાંટિક મહાસાગર તથા ઉત્તર સમુદ્ર તરફથી સતત વહેતા રહેતા પ્રવાહને કારણે ખૂબ ઝડપથી ભરતી આવે છે. અહીં લાંબા સમય સુધી જહાજો લાંગરી શકાતાં નથી. તેથી અહીંના જળવિસ્તાર અંગે આગાહી કરવી મુશ્કેલ બની રહે છે.  તે બ્રિટન પર સમુદ્ર દ્વારા આક્રમણ કરનાર સામે આડશરૂપ છે.

ઈ. પૂ. 55 જુલિયસ સીઝરે તથા ઈ. સ. 1066માં વિલિયમ નૉર્મને આ ખાડી સફળતાથી ઓળંગી હતી. 1785માં બલૂન દ્વારા પણ તેને પાર કરવામાં આવી હતી. ખાડીની સામસામી બાજુ તરનાર પ્રથમ પુરુષ મેથ્યુ વેબ (1875) હતો અને પ્રથમ સ્ત્રી ગર્ટુડ સી. એલ્ડર્લે (1926) હતી. ભારતીય યુવાન મિહિર સેને 1965માં અને ભારતીય યુવતી આરતી સહાએ પણ તે તરીને પાર કરી હતી. 1994માં આ ખાડી તરીને પાર કરનાર એશિયાનો સૌથી નાનો તરણવીર રિહેન મહેતા મુંબઈનો ગુજરાતી કિશોર હતો.

રિહેન મહેતા

આશરે 1800ની સાલથી આ ખાડી નીચે એક લાંબું બોગદું તૈયાર કરવા માટે વિચારણા હાથ ધરવામાં આવેલી. 1802માં આલ્બર્ટ મેથ્યુ નામના ફ્રાંસના ખાણવિભાગના એન્જિનિયરે એક યોજના તૈયાર કરેલી. ત્યાર પછી 1936માં ઇંગ્લૅન્ડ અને ફ્રાંસ વચ્ચે ટ્રેન-ફેરી સેવા શરૂ થઈ હતી. ફ્રાંસની સરકાર ડોવરની સામુદ્રધુની ખાતે રેલમાર્ગ માટે બોગદું નિર્માણ કરવા સહમત થઈ. 1987થી બોગદું તૈયાર કરવાનો પ્રારંભ થયો. 1993માં તેનું બાંધકામ પૂર્ણ થયું. 1994થી તેનો ઉપયોગ પણ શરૂ થઈ ગયો છે. તેનો એક છેડો ઇંગ્લૅન્ડના શેરિટોન ખાતે અને બીજો છેડો ફ્રાંસના કૅલે નજીક કૉક્વિલેસ ખાતે આવેલો છે. તેની લંબાઈ 50 કિમી. જેટલી છે. તેને પસાર કરતાં વાહનોને 35 મિનિટ જેટલો સમય લાગે છે. આ બોગદામાં અવરજવર કરતી વખતે બંને બાજુએ ટ્રેન કે વાહનોને ખાડીના જળનો સ્પર્શ પણ ન થાય એવું વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે. બોગદામાંથી નાની-મોટી મોટરો, ભારવાહક મોટાં વાહનો અને રેલવેની અવરજવર થાય છે. 1986માં બંને દેશો બીજું બોગદું તૈયાર કરવાનું અને તે 2000ની સાલમાં પૂરું થઈ જાય એવું આયોજન કર્યું હતું. જે પૂર્ણ થઈ ગયેલ છે.

કૃષ્ણવદન જેટલી

નીતિન કોઠારી