ઇષ્ટિ : બ્રાહ્મણ ગ્રંથોમાં વર્ણવેલ હોમપ્રચુર યાગ. તેમાં દર્શ અને પૌર્ણમાસ આ બે પ્રકારની ઇષ્ટિ મુખ્ય છે. અમાવાસ્યાની પડવેએ થતી દર્શેષ્ટિ ને પૂર્ણિમાની પડવેએ થતી પૌર્ણમાસેષ્ટિ કહેવાય છે.
આમાં યજમાન, યજમાનપત્ની ઉપરાંત બ્રહ્મા, હોતા, અધ્વર્યુ અને અગ્નિચિત્ કે આગ્નીધ્ર આ ચાર ઋત્વિજોની જરૂર પડે છે. તેમાં બ્રહ્મા સમગ્ર ઇષ્ટિયાગનો નિરીક્ષક છે. અધ્વર્યુ યાગના વિધિઓનો પ્રવર્તક છે. હોતા યાગવિધિને લગતા મંત્રોનો પ્રવક્તા છે. અગ્નિચિત્ કપાલાધાન ઉપરાંત ઇષ્ટિના હોમ માટેનાં હુતદ્રવ્ય-પુરોડાશ, તેમજ અન્વાહાર્યપચન વગેરેમાં યજમાનપત્નીને મદદ કરે છે.
આ ઇષ્ટિઓમાં અન્વાધાન, વ્રતગ્રહણ, પ્રણીતાપ્રણયન, ઋત્વિગ્વરણ, વેદસ્તરણ, યોક્ત્રમ્, પ્રસ્તર, ઇધ્મસંનહન, વેદિ-ઉદ્ધનન, અન્વાહાર્યપચન, સામિધેની, આધાર, પંચપ્રયાજ, પ્રાશિત્રમ્, અવદાન, ઈડાકર્મ, સૂક્તવાક્, પ્રસ્તરહોમ, શંયુવાક, ચાર અનુયાજ, પત્નીસંયાજ, પિષ્ટહોમ, સંસ્રવહોમ, બર્હિષ્, વિષ્ણુક્રમક્રમણ એમ ચોવીસ પ્રકારની વિધિ કરવાની હોય છે.
શ્રૌત અગ્નિહોત્ર કરનાર આહિતાગ્રિને પ્રસંગોપાત્ત આ સિવાય બીજી ઘણી ઇષ્ટિઓ કરવાની હોય છે. પણ આ બે ઇષ્ટિ અન્ય ઇષ્ટિઓની પ્રકૃતિ છે તેથી આ બે પ્રકૃતિયાગ કહેવાય છે. આમાં બધાં જ અંગોનો સમાવેશ થાય છે. (दर्शपूर्णमासौ इष्टीनां प्रकृतिः -આપસ્તંબ) (इष्टिषु दर्शपूर्णमासयोः प्रवृतिः – જૈમિનિ)
બાકીની બધી ઇષ્ટિઓ વિકૃતિ છે. તેમાં બધાં અંગોનો ઉપદેશ હોતો નથી. જોઈતાં અંગો પ્રકૃતિમાંથી લેવામાં આવે છે. (प्रकृतिवद् विकृतयः कर्तव्याः).
દર્શપૂર્ણમાસ ઉપરાંત અગ્નિહોત્રીએ ચાતુર્માસ્ય ઇષ્ટિ કરવાની હોય છે. આનાં ચાર પર્વ છે અને તે દર ચાર ચાર માસે કર્યે જ જવાનાં હોય છે. તેમાં ફાગણ સુદ પૂનમે વૈશ્વદૈવ પર્વ છે; અષાડ સુદ પૂનમે વરુણપ્રઘાસપર્વ છે; કાર્તિકી પૂનમે સાકમેધ પર્વ છે ને ત્યારપછી ચાર મહિને ફરી ફાગણ સુદ પૂનમે શુનાસીરીય પર્વ છે.
આમાં અનીકાવતીષ્ટિ, સાન્તપનેષ્ટિ, ગૃહમેધીયેષ્ટિ ક્રીડનકેષ્ટિ, મહાહવિસંજ્ઞકેષ્ટિ, ત્ર્યંબકેષ્ટિ વગેરે ઇષ્ટિઓ કરવામાં આવે છે.
ઉપરાંત આગ્રયણેષ્ટિ નવાન્નની ઉત્પત્તિ પછી કરવામાં આવે છે. તે શરદ ઋતુમાં આસો સુદ પૂનમે અને વસન્ત ઋતુમાં ચૈત્ર સુદ પૂનમે કરવામાં આવે છે.
અગ્નિહોત્રની દીક્ષા લીધા પછી તેની પૂર્ણતા કે માન્યતા માટે પવમાન, પાવક અને અદિતિ ઇષ્ટિઓ કરવામાં આવે છે. સોમયાગો અને પશુયાગોમાં પણ જુદી જુદી અનેક ઇષ્ટિઓ આવે છે. પણ બધી જ ઇષ્ટિઓમાં દર્શ અને પૂર્ણમાસ આ બે ઇષ્ટિઓ પ્રકૃતિ છે ને બાકીની બધી વિકૃતિ છે.
ઋષિરાજ અગ્નિહોત્રી