ઇશિગુરો, કાઝ્ઓ (Ishiguro, Kazuo)

January, 2002

ઇશિગુરો, કાઝ્ઓ (Ishiguro, Kazuo) (જ. 8 નવેમ્બર, 1954 નાગાસાકી, જાપાન) : 2017ના વર્ષનો સાહિત્ય વિભાગનો નોબેલ પુરસ્કાર મેળવનાર બ્રિટિશ નવલકથાકાર, પટકથા અને ટૂંકી વાર્તાઓના લેખક. તેમના પિતા શિઝુઓ ઇશિઇગુરો અને માતા શિઝુકો. તેમના પિતાને નૅશનલ ઓશેનોગ્રાફી સેન્ટરમાં સંશોધન માટે નિમંત્રણ મળ્યું. આથી તેઓ પાંચ વર્ષના હતા ત્યારે તેમના કુટુંબે જાપાન છોડ્યું અને તેઓ ગિલ્ડફોર્ડ, સરે (Guildford, Surrey), ઇંગ્લૅન્ડ આવ્યા હતા. તેમણે 1889 સુધી જાપાનની મુલાકાત લીધી નહોતી. જાપાન ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલા ટૂંકા ગાળાના મુલાકાતી કાર્યક્રમ હેઠળ ત્રીસ વર્ષ પછી તેઓ જાપાન ગયા હતા.

કાઝ્ઓ ઇશિગુરો

કાઝુઓએ પ્રાથમિક શિક્ષણ સરેની વૉકિંગ કાઉન્ટી ગ્રામર શાળામાં લીધું હતું. શાળાનું શિક્ષણ પૂરું થયા બાદ તેઓએ યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડાની મુસાફરી કરી હતી. આ સમય દરમિયાન તેઓ સામયિક માટે લખતા અને રેકર્ડ કંપનીને પોતાના અવાજમાં પ્રાથમિક ટેપ મોકલતા હતા.

 1947માં તેમણે કૅન્ટરબરી ખાતે યુનિવર્સિટી ઑવ્ કૅટમાં અભ્યાસ શરૂ કર્યો અને  1978માં સ્નાતક થયા. તેમના વિષયો હતા અંગ્રેજી અને તત્વજ્ઞાન. એક વર્ષ વાર્તાઓ લખી પછી તેમણે ફરી અભ્યાસ શરૂ કર્યો. યુનિવર્સિટી ઑવ્ અઙગ્લિયામાં તેમણે સર્જનાત્મક લેખનમાં 1980માં અનુસ્નાતકની પદવી મેળવી. તેમણે રજૂ કરેલો મહાનિબંધ તેમની પ્રથમ નવલકથા તરીકે 1982માં ‘અ પેલ વ્યૂ ઑવ્ હિલ્સ’ પ્રગટ થયો.

તેમની પ્રથમ બે નવલકથાઓમાં જાપાનની પશ્ચાદભૂમિ જોવા મળે છે, જે કાલ્પનિક છે. તેમનો ઉછેર થયો તે દરમિયાન ઘરમાં થતી વાતચીતમાં જે લાગણી પ્રકટ થતી હતી તેના આધારે તેમણે બીજા દેશ જાપાનની વાતો લખી છે. યુ. કે.માં તેમના માનસમાં જાપાનનું જે ચિત્ર રચાતું જતું હતું તેના આધારે તેમણે આ બે નવલકથાઓનું લેખન કર્યું હતું. તેઓ 1983માં યુ.કે.ના નાગરિક બન્યા. તેમની કેટલીક નવલકથાઓમાં ભૂતકાળમાં ડોકિયું કરાતું જોવા મળે છે. 1980–90 દરમિયાન લખાયેલી વિજ્ઞાનકથાની સમીપ પહોંચતી કથામાં ભાવિના એંધાણ આલેખાયાં હોય એવું લાગે છે. મધ્ય યુરોપના શહેરને કેન્દ્રમાં રાખીને તેમણે ‘ધ અનકૉન્સોલ્ડ’ (The Unconsoled) નવલકથા લખી છે. તેમની નવલકથા ‘ધ રિમેન્સ ઑફ ધ ડે’ (The Remains of the Day – 1989) માટે 1989માં તેમને બૂકર પ્રાઇઝ પ્રાપ્ત થયું હતું. તેમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજ ઉમરાવના ઘર આસપાસ વણાયેલી કથા છે. તેમની ‘નેવર લેટ મી ગો’ નવલકથા 2005ના વર્ષની શ્રેષ્ઠ નવલકથા તરીકે ટાઇમ સામયિક દ્વારા ઘોષિત થઈ હતી. 1923થી 2005 સુધીમાં પ્રસિદ્ધ થયેલી સો શ્રેષ્ઠ નવલકથાની યાદીમાં પણ તેનો સમાવેશ થયો હતો.

બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની તબાહી પછી પુનરુત્થાન સમયની નવલકથા પણ તેમણે લખી છે. તેમની મોટા ભાગની નવલકથાઓ પહેલો પુરુષ એકવચનમાં રજૂ થઈ છે. તેમની નવલકથાઓમાં સવિશેષ સંવેદનશીલતાનું આલેખન થયેલું હોઈ તેમને 2017નો નોબેલ પુરસ્કાર અપાયાનું માનવામાં આવે છે. તેમની પાસેથી લગભગ આઠેક નવલકથાઓ, વાર્તાસંગ્રહ, ચારેક પટકથાઓ વગેરે પ્રાપ્ત થયાં છે. 2019માં તેમને બ્રિટનમાં રહી સાહિત્યક્ષેત્રે કરેલા કાર્ય બદલ નાઇટહૂડનું સન્માન પ્રાપ્ત થયું હતું.

તેમણે કેટલાંક ગીતો પણ લખ્યાં છે. તે ધ્વનિમુદ્રિત થયાં છે અને આલ્બમ રૂપે પ્રકાશિત થયાં છે. 2007, 2011, 2013 અને 2017 દરમિયાન તેમનાં બહાર પડેલાં ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા.

1986માં તેમનાં લગ્ન સામાજિક સેવાનું કાર્ય કરતાં મેકડુગાલ સાથે થયાં છે. તેઓ લંડનમાં રહે છે. તેમની દીકરી નાઓમી ઇશિગુરો પણ સાહિત્યક્ષેત્રે કાર્યરત છે. તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં છે, જેમાં 1982માં વિનિફ્રેડ હોલ્ટ્બી મેમોરિયલ પ્રાઇઝ, 1986માં વ્હીટ્બ્રેડ પ્રાઇઝ, 1989માં બૂકર પ્રાઇઝ, 2017નો નોબેલ પુરસ્કાર, 2017માં અમેરિકન એકૅડેમી ઑવ્ એચિવમેન્ટ્સ ગોલ્ડન પ્લેટ ઍવૉર્ડ – મુખ્ય ગણી શકાય.

કિશોર પંડ્યા